Saturday, 30 June 2012

ક્ષમા કરવી એ નબળાઇ ની નિશાની નથી

બૂન, ઉત્તર કેરોલિના - ૩૦ જૂન ૨૦૧૨

પ્ર: ગુરુદેવ, ક્યારેક બાળકો સાથે કામ લેવાનું એટલું અઘરું થઇ જાય છે કે હું મારો સંયમ ગુમાવી દઉં છું. હું દરરોજ શાંત રહેવાનું નક્કી કરું છું, પરંતુ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હું મારી જાતને નિયંત્રિત નથી કરી શકતી. મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: તમે તે વિશે હવે કંઇ પણ નહીં કરી શકો, તમારે જીવન સહજ જીવવાનું છે. તમે સમજો છો
હું શું કહું છું? ક્યારેક તમે ગુસ્સો કરો તો વાંધો નહીં, તે ઠીક છે. તમારા જીવન માં ત્રૂટિઓ માટે થોડી જગ્યા
છોડો, અને જીવનને જેવું છે તેવું સ્વીકારો.

તમે આર્ટ ઓફ લિવિંગના બેઝિક કોર્સ માં શું શીખ્યા? લોકો અને પરિસ્થિતિઓને જેવા છે તેવા સ્વીકારો. આ

જીવનભરની પ્રક્રિયા છે. દરરોજ તમને આ યાદ કરવાનો મોકો મળશે. જ્યારે આ પરિસ્થિતિમાં તમે આવો તમે યાદ કરો, 'હા, મારે આવું કરવાનું છે, અને આ કરવાનું છે.' તેથી આપણે આ દિશામાં જવાનું છે. ક્યારેક તમે અહીં તહીં ભૂલ કરો તો વાંધો નહીં, ચાલતા રહો. એક દિવસ ચોક્કસપણેતમે પૂર્ણતા પ્રાપ્ત કરશો. થોડા દિવસ પહેલા, એક શિક્ષક જે આર્ટ ઓફ લિવિંગ માં લગભગ ૨૦ વર્ષ થી છે, તેમણે મને કહ્યું હતું, 'ગુરુદેવ, ક્યારેક આ બહુ વિચિત્ર લાગે છે કે હું બધો સમય ખુશ રહું છું. ચાહે ગમે તે થાય, હું ખુશ છું'. અને મેં કીધું, 'છેવટે તે બન્યું!'

૨૦ વર્ષ બહુ લાંબો સમય નથી, પરંતુ તમારે ૨૦ વર્ષ રાહ લેવાની જરૂર નથી. પાછા ફરીને તમારો વિકાસ જુઓ; આ ઉજવણી તે માટે જ કરવામાં આવે. ગુરૂ પૂર્ણિમાનો હેતુ શું છે? વર્ષમાં એકવાર, તમે પાછા વળીને

જુઓ કે તમે ક્યાં હતા અને તમે કેટલી પ્રગતિ કરી છે. તમે હવે કેવી રીતે પરિસ્થિતિઓનો અલગ રીતે સામનો કરો છો અને કેવી રીતે તમારી પ્રતિક્રિયાઓ ઘટી છે અને પ્રતિભાવમાં વધારો થયો છે.

તેથી, જીવન નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ખરું કે નહીં?

તમારામાંથી કેટલાને લાગે છે કે ઘણું બધુ રૂપાંતરણ થયું છે? (ઘણા લોકો તેમના હાથ ઊંચા કરે છે).

કોઈ ન કહી શકે કે કંઈ પણ નથી બદલાયું. કોઈ પણ ન કહી શકે, 'હું નથી બદલાયો. મારા માં એક કણ પણ

બદલાવ નથી આવ્યો.' જો કોઇ તેમ કહે તો તમે તેમને પ્રણામ કરજો કારણ કે તેઓ જન્મથી જ પ્રબુધ્ધ છે.

કેટલાક બાળકો તમને ઘણા પાઠ શીખવે છે. અને માબાપ કેટલીક વખત તેમના બાળકો પર ગુસ્સે થાય તો તે ઠીક છે. તમે તેમને બધો વખત આળપંપાળ કરીનેઅને મીઠા શબ્દો બોલીને ઉછેરો તેવું જરૂરી નથી. તો તમે તેમને ખૂબ જ નબળા બનાવી દેશો.

હું ઘણા માબાપ જોયા છે જેઓ તેમના બાળકોને ક્યારેય વઢ્યા નથી. આ બાળકો જ્યારે મોટા થાય ત્યારેકોઈની પણ ટીકા સહન નથી કરી શકતા. થોડી ટીકા, થોડો અનાદર કે નાનકડી નિષ્ફળતા તેમને હલાવી દે છે. તેઓ અસ્વસ્થ બની જાય છે કારણ કે તેમણે ઘરે એવો કંઇ અનુભવ નથી કર્યો.

તેથી ઘરે, ક્યારેક બાળકો પર ગુસ્સો કરવો (બધો સમય નહીં) એ તેમને રસી આપવા બરાબર છે જેથી તેઓ બહારની દુનિયામાં મજબૂત બની શકે. પરંતુ આને બાળકો પર બધો સમય ગુસ્સે કરવાનું બહાનું ન બનાવો, તે કામ કરતું નથી. તેનો અતિરેક ખરાબ છે. જો તમે તમારા બાળકોને દરરોજ કોઇ પણ કારણથી ઠપકો આપ્યા કરશો તો તેઓ નફ્ફટ બની જશે અને તેઓ બગડી જશે, જે પણ સારૂં નથી. થોડી ઘણી માત્રા માં ક્યારેક ઠીક છે.

પ્ર: જ્યોતિષશાસ્ત્ર ને કેટલું મહત્વ આપવું જોઈએ, ખાસ કરીને જીવન સાથીની પસંદગી વખતે?

શ્રી શ્રી રવિ શંકર: તે સારું છે; તમે જન્મપત્રિકાની સરખામણી કરીને જોઇ શકો છો કે તમારા ગ્રહો કુદરતી

રીતે કેટલા મળે છે અને તમારે કેટલું સમાધાન કરવું પડશે. સામાન્ય રીતે વૈદિક જ્યોતિષ માં કહેવાય છે '૩૦

ગુણમાંથી ૨૦ મળે અને ૧૦ માં તમારે સમાધાન કરવું પડે.' તેથી આ ગણતરી હોય છે. આ જાણવું સારુ છે, તેથી જો તમારા બેમાંથી એક અસ્વસ્થ હોય તો તમને યાદ રહે કે તમારે થોડા વધુ સમાધાનની જરૂર છે; હા!

અલબત્ત, ગ્રહોનો પ્રભાવ હોય છે, પરંતુ તે એકતરફી નથી. તમે પણ ગ્રહો પર પ્રભાવ કરો છો. તે બેતરફી છે બ્રહ્માંડ માં બધુ બેતરફી છે.

તેથી તમે શું કરી શકો? તમે મંત્રોચ્ચાર કરી શકો છો. તેથી કહેવાય છે કે 'ૐ નમઃ શિવાય' નો મંત્ર બધા જ ગ્રહો ને નિયંત્રિત કરે છે. તમામ ગ્રહો ની પરે શિવ તત્વ છે. તેથી ઉપાય ઉપલબ્ધ છે. આ ઉપાય 'ૐ નમઃ શિવાય' છે કારણ કે આ મંત્રમાં બધા ઘટકો છેજે કોઇ પણ ખરાબ અસર ને દૂર કરી શકે છે.

તમને ખબર છે ૧૦૮ નો આંકડો ક્યાંથી આવ્યો? તમારામાંથી કેટલાને ૧૦૮ ના અંકનું મહત્વ ખબર નથી?

૧૦૮ નો અર્થ છે નવ ગ્રહો અને ૧૨ નક્ષત્રો. જ્યારે નવ ગ્રહો ૧૨ નક્ષત્રમાં થી પસાર થાય છે, ત્યારે તેઓ ૧૦૮ જુદાજુદા ફેરફારો લાવે છે. તેથી તે ફેરફારો અથવા દુષ્પ્રભાવને દૂર કરવા આપણેઓમ નમશિવાય કહીએ છે.

તેથી તે કવચ જેવો છે. તેને ખૂબ જ પવિત્ર મંત્ર ગણવામાં આવે છે. આ હૉલ માં આવવા માટે પણ ૧૦૮

પગથિયા છે. એનો અર્થ એ થાય કે તમે બધા ગ્રહોની અસરો પાર કરીને શુદ્ધ ચેતના સુધી પહોંચો છો.

સાધના, પ્રાણાયામ, ધ્યાન, સત્સંગ, મંત્રોચ્ચાર, કીર્તન, આ બધું કરવાનો શું અર્થ જો બધે માત્ર ગ્રહોનું જ શાસન ચાલે? ના, આ નિયંત્રણ અને સમતોલન જેવા છે. તેઓ ગ્રહોની અસરો ને દૂર કરીને વધુ સ્વતંત્રતા

લાવે છે; નહીં તો આપણી ચેતના સમય અને અવકાશ પર આધાર રાખે. અને, સાધના ઘણી હદ સુધી સ્વતંત્રતા લઈ આવે છે. હું ૧૦૦% એવું નહીં કહું, પરંતુ તે ઘણી બધી હદ સુધી.

આ એના જેવું છે, જ્યારે વરસાદ પડતો હોય અને તમે બહાર જાઓ, તો તમારી પાસે વિકલ્પ છે, કાં તો તમે એમ જ જાઓ અને પલળી જાઓ, અથવા રેઇનકોટ પહેરીને જાઓ અને ના ભીંજાઓ.

પ્ર: જો તમે કોઈ નિર્ણય ન કરી શકતા હો, ઉદાહરણ તરીકે, લગ્ન કરવામાં, તો તમારે ચોક્કસ નિર્ણય પર પહોંચતા સુધી રાહ જોવી કે પછી જે થતું હોય તેમ થવા દેવું?

શ્રી શ્રી રવિ શંકર: તમે જેની સાથે લગ્ન કરવા માંગો છો, તે સાથીને પૂછી જુઓ.

કેટલાક ચંચળ મનના હોય છે, જેમને કંઇ પણ કરવા માટે દબાણ કરવાની જરૂર પડે છે, લગ્ન માટે પણ. અને

બીજા કેટલાક ક્યારેક જ આવી પરિસ્થિતિ નો સામનો કરે છે. તેથી હું તે પસંદગી તમારા પર છોડી દઉ છું.

અને હજી બીજા એવા હોય છે જે દર વખતે એક સુંદર છોકરી અથવા છોકરાને જુએ એટલે લગ્ન કરવાનુ ઇચ્છે અને વાત થોડી આગળ વધે એટલે શંકા કરવા લાગે કે પાત્ર યોગ્ય છે કે નહિં, અથવા અન્ય કોઇ વધારે સારી વ્યકિત મળી શકે. ફરીથી કહીશ કે તમારા સાથી નો મત પૂછો, શું તેઓ તમારા જેવા ચંચળ મનની વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. તમને ખબર છે મારો આ બધા પ્રશ્નો માટે સામાન્ય જવાબ શું છે? પસંદ તમારી, આશીર્વાદ મારા!

પ્ર: મારી ઘણી ઇચ્છા છે કે હું માયામી, ફ્લોરિડા માં પ્રિઝન સ્માર્ટ કાર્યક્રમ ચાલુ કરું. મારી પાસે ક્રીમીનોલોજી અને સાઇકોલોજીની ડીગ્રી છે. અમારા રાજ્યે જેલ, ઇમારતો, અને શિક્ષણ માટે વધુ નાણાં ફાળવ્યા છે. હું કેવી રીતે મદદ કરી શકું?

શ્રી શ્રી રવિ શંકર: ઘણું સરસ, ચોક્કસ કરો. અને જ્યારે તમે જેલના અધિકારીઓને મળવા જાઓ તો એકલા ન જશો. ચાર કે પાંચનું જૂથ બનાવીને જાઓ અને તેમને સહમત કરો. તેમને બધી વિડિઓ બતાવો અને તેમને જે લોકો એ આ કાર્યક્રમ કર્યો તેમના જીવનમાં શું રૂપાંતર આવ્યું તે અનુભવ બતાવો. મને ખબર છે, કોઈ પણ સમજદાર વ્યક્તિ આ બધા અનુભવો જોયા પછી ના નહીં પાડે. તે ઘણા સુંદર અને હૃદયસ્પર્શી છે.

પ્ર: મૃત્યુ ની કોઈ વય નથી. તેથી જ્યારે યુવાન અથવા તો ઘરડા મૃત્યુ પામે તો તેમના આત્માની એક જ વય હોય છે?

શ્રી શ્રી રવિ શંકર: આત્મા ને વય નથી, અને તમે સાચુ કહ્યું કે મૃત્યુ ને પણ વય નથી. મૃત્યુનો સમય નથી હોતો અને આત્મા ને ઉંમર નથી હોતી, બરાબર! બધું અનાદિકાળથી શરૂ થાય છે.

પ્ર: જ્યારે વસ્તુઓ ખૂબ અસ્પષ્ટ હોય, હું સ્પષ્ટતા કેવી રીતે મેળવી શકું?

શ્રી શ્રી રવિ શંકર: એક ચીનની કહેવત છે - જ્યારે તમને ભ્રમ લાગે, એક ઓશીકું લઈને સુઇ જાઓ, જ્યારે તમે બીજે દિવસે સવારે ફરી જાગશો, તમને સારું લાગશે.

તમે જાણો છો આપણી મહત્વાકાંક્ષા જ આપણને વસ્તુઓ સાચી રીતે પસંદ નથી કરવા દેતી.

મને હમણા જ એક રસપ્રદ SMS મળ્યો. એક ભક્ત ખૂબ પૈસાવાળા વ્યક્તિના ઘરે ગયો અને તેમણે તેને પૂછ્યું, 'તમારે શું પીવું છે - કોફી, ચા, કોક, ગરમ ચોકલેટ, દૂધ, ઓજસ્વિટા', અને યાદી લાંબી ચાલી.

ભક્તે કહ્યું, 'ઠીક છે, હું ચા પીશ.' પછી તેમણે કહ્યું, 'કેવા પ્રકારની ચા પીશો? સિલોન ચા, ફ્રુટ ચા, દાર્જીલીંગ ચા, ભારતીય ચા અથવા બર્મીઝ ચા', તેમણે બીજી દસ ચા ના નામ આપ્યા. ભક્તે કીધું, 'ઠીક છે, સિલોન ચા.'

અને પછી તેમણે પૂછ્યું, 'તમે કાળી ચા, દૂધવાળી ચા, ઠંડી ચા, અથવા લીંબુ સાથે ચા કેશો? ' તેમણે જણાવ્યું, 'દૂધવાળી ચા.' 'કેવી જાતનું દૂધ લેશો? પેશ્ચરાઇઝ્ડ, ગાયનું દૂધ, ફુલ ફૅટ વાળું દૂધ, ૨%, ૨.૫% અથવા ૧૦%? '

ભક્તે કહ્યું, 'હે ભગવાન! સારું, દૂધ વગરની કાળી ચા લઇશ.' 'તો પછી તેમાં ખાંડ લેશો?' 'હા, આપો.'

'કેવી ખાંડ જોઇએ છે? ક્રિસ્ટલ વાળી ખાંડ, મધ અથવા ભૂકાવાળી ખાંડ? તમારે શું જોઇએ છે?'

ભક્ત બોલ્યો, 'ઓહ! હું તરસ થી મરી રહ્યો છું!'

તરત પેલી વ્યક્તિએ પૂછ્યું, 'તમે કેવી રીતે મરવા માંગો છો? અમારી કંપનીના શેરહોલ્ડર બનશો કે અમારા સપ્લાયર બનશો?' તેથી ઘણા બધા વિકલ્પો તમારું માથું ભમાવી દે છે.

પ્ર: આના પર ટિપ્પણી કરો. હું જોઉ છું કે ઘણા લોકો તમારી ખૂબ જ નજીક છે. મને લાગે છે કે હું કોઇ વિશેષ નથી. હું તમારી સાથે અંગત જોડાણ કેવી રીતે અનુભવું? મને લાગે છે કે આ માર્ગ પર ૧૦૦% રહેવા માટે વ્યક્તિગત જોડાણ જરૂરી છે.

શ્રી શ્રી રવિ શંકર: અમુક વસ્તુઓ તમારે ધારવાની છે, અને આ એક વસ્તુ છે કે જે તમારે ધારવી જોઈએ - આપણું વ્યક્તિગત જોડાણ છે; તે છે, બસ. હવે, તેના વિષે ફરી પ્રશ્ન ન કરશો.

તમારા જોડાણ પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ અર્થ નથી. આપણે બધા સાથે જોડાયેલ છે. તેનો કોઇની પાસે વિકલ્પ નથી - ન તમારી પાસે, ન મારી પાસે. તેથી વિશ્રામ કરો, આ પ્રશ્ન ને બાજુએ મૂકો જેથી તમને ફરી હેરાન ન કરે. એવું ન વિચારો કે અમુક મારી નજીક છે અને અમુક નથી; કોઇ ખાસ છે અને કોઇ નથી. ના, તમે મારા માટે ખાસ છો અને દરેક વ્યક્તિ મારા માટે અદ્‌ભુત છે.

કોઇ પણ પરિયોજના (પ્રોજેક્ટ) માં જોડાઓ. જેટલા અંશે તમે અમુક પરિયોજનામાં ભાગ લેશો, તેટલા અંશે વધુ આપણી વાતચીત થશે. નહિંતર શું વાત કરવાની? 'હેલો! તમે કેમ છો? તમે મજામાં છો?' અને તમે કહેશો, 'હા' અને હું કહીશ, 'હા', અને આપણે છુટ્ટા પડશું. પરંતુ જો તમે આવું કંઈક કરતા હશો, જેમ કે સુશાંતે ટ્‌વિટર પર કંઈક કામ કર્યું હતું, તેથી મેં સુશાંતને કહ્યું, 'ચાલો, આપણે મળીને ચર્ચા કરીએ. મારે શીખવું છે કે આ ટ્‌વિટર શું છે.'

સુશાંતને એક એવોર્ડ મળ્યો છે, તમે જાણો છો? તે ઓબામા ના ચુંટણી અભિયાન માં હતો અને તેણે ટ્વિટર સાથે કંઈક કર્યું હતું અને તેને ઇનામ મળ્યું, હમણા બે દિવસ પહેલા જ. બધા જ્યારે તેમના માથા ખંજવાળતા હતા, તેને એક નવીન વિચાર આવ્યો હતો. તેમણે તદ્‌ન નવી રીતે વિચાર્યું અને કંપનીએ તેને સન્માનિત કર્યો.

તેથી એક પ્રોજેક્ટ લો. તમને જે ગમે તેના પર પ્રોજેક્ટ કરો. હવે મીનાક્ષી એક અદ્ભુત કુકબુક (રસોઇ કળાની ચોપડી) બહાર પાડે છે. મીનાક્ષી અને તેની ટીમ એક કુકબુક બહાર પાડે છે. તે ખરેખર પુસ્તક નથી પણ પાનાંઓ છે જે રસોઇયા તેમની સામે રાખીને રસોઈ શરૂ કરી શકે છે. આવી રીતે જો દરેક જણ પ્રોજેક્ટ માં કામ કરે તો પછી સાથે બેસીને કંઈક વાત કરવા મળે. નહિંતર મૌન માં, ધ્યાન માં, આપણે પહેલેથી જોડાયેલ છીએ.

અને કોઇપણ સમયે તમને કોઇ મદદની ક્યાંય જરૂર પડે, તમે માંગો તેની સાથે તમને મળે છે, ખરું કે નહીં?

તમારામાંથી કેટલાને તે મળે છે? (દરેક વ્યક્તિ તેમના હાથ ઉપર કરે છે).

જુઓ, દરેક જણને મળે છે. તેથી હું મારું કામ કરુ છું!

પ્ર: મને ઘણા કામોદ્દીપક વિચારો આવે છે. શું તે નુકસાનકારક છે?

શ્રી શ્રી રવિ શંકર: કોઇ વાંધો નહીં, ચિંતા ન કરશો; તમારી જાતને વિચારો થી ન ઓળખશો. વિચારો વિચારો છે તેઓ આવે છે અને જાય છે, ચિંતા કરશો નહિ. જ્યાં સુધી તમે તેમને સત્તા ન આપો, અને તમે તેને અમલમાં ન મૂકો, તમે સુરક્ષિત છો. તમારી ચેતના ને પૂરતા પ્રમાણમાં કેન્દ્રિત અને વૈરાગ્યપૂર્ણ થતા સમય લાગે છે,

જેથી આવા વિચારો તમારા મનમાં ન ઉદ્ભવે, તે તરત બનશે નહિં. તે તેનો પોતાનો સમય લે છે.

તમે નોંધ્યું હશે કે જેમ તમારી સાધના વિકસે છે, તેમ આ પ્રકારના વિચારો ઓછા અને ઓછા થાય છે, ખરું કે નહીં? કામુક અને હિંસક વિચારો ઓછા અને ઓછા થતા જાય છે.

પ્ર: આ ઉદ્ઘાટન દરમ્યાન તમે મને આશીર્વાદ આપ્યા તે માટે ખૂબ ખૂબ આભાર. તે ખૂબ સુંદર હતું. દરેક વક્તાના શબ્દો હૃદયસ્પર્શી હતા. હું મારી બહેન અને માતા - પિતા નો આભાર માનુ છું જે ધ્યાન, સેવા અને સત્સંગ નો સંગમ છે. મને કલ્પના પણ નહોતી હું અહીં હઇશ, આ ક્ષણે!

હું મારા આર્ટ ઓફ લિવિંગના શિક્ષકો, ભાઈઓ અને બહેનો, બધાનો આભાર માનુ છું જેમણે જુદા જુદા સમયે મને આ પાથ પર રહેવા માટે પ્રેરણા આપી છે. મારા પતિ સુંદર પ્રેરણારૂપ છે અને મારો પુત્ર પણ, જેને હું મારો પ્રથમ ગુરુ માનુ છું. તેણે મને એક સાધક બનાવી છે. બધી વસ્તુઓ માટે તમારા બધાનો ખૂબ આભાર.

શ્રી શ્રી રવિ શંકર: બહુ સરસ. આ આપણે ઓળખવાની જરૂર છે. આપણો સંગ ઘણો અગત્યનો છે. આપણા મિત્રો, આપણા સંબંધીઓ, આપણને ઉપર પણ લઇ જઇ શકે અને આપણને નીચે પણ ખેંચી શકે છે.

તમારે એ પણ જોવું જોઇએ કે જો કોઈપણ નકારાત્મક હોય, તો તમારે તેમને ઉપર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમને નકારાત્મક વૃત્તિઓ માંથી બહાર કાઢો. નકારાત્મક બનવું ઘણું સહેલું છે - નિંદા કરવી, ફરિયાદ કરવી, આ આખા વિશ્વમાં પ્રચલિત છે, છે કે નહીં? પરંતુ એ જ્ઞાન છે કે ઘણું કિંમતી છે. જ્યારે આપણે આપણી જાતને વધુ અને વધુ જ્ઞાનમાં રાખીએ, તેમ આપણામાં ઉપર તરફ જવાની  અને બીજાને પણ ઉપર લઇ જવાની તાકાત મળે છે.

સામાન્ય રીતે જાહેર સમારંભો ખૂબ જ કંટાળાજનક હોય છે, અડધા લોકો ઊંઘી જાય અને બાકીના ઝોકા ખાતા હોય છે. પરંતુ આજનો કાર્યક્રમ ખૂબ જ સારો હતો, બધા જાણે જીવંત હતા. અને બીજી વાત એનો બધો શ્રેય વક્તાઓને નથી જતો; તે શ્રોતાઓ પર પણ આધાર રાખે છે. શ્રોતાઓ જ વકતાઓમાંથી સારી વસ્તુઓ બહાર લઈ આવે છે. તેથી, જ્યારે તમે બધા સભાન અને સચેત લોકો અહીં છો, અને જ્યારે તમારા બધા આવા સુંદર હૃદય, સુંદર વિચારો અને મોટા દ્રષ્ટિકોણ સાથે અહીં બેઠા છો, તો વક્તાઓ પણ યોગ્ય વસ્તુઓ કહ્યા વગર રહી શકતા નથી.

તેથી તે હંમેશા વક્તા અને શ્રોતા બંને પર આધારિત છે. અને ગમે તેટલા સારા વક્તા હોય, જો શ્રોતા ગ્રહણશીલ ન હોય તો સારા શબ્દો બહાર જ નહીં આવે. એ અંદર રોકાઇ જશે.

પ્ર: જેને ટાળી ન શકાય તે વ્યક્તિ તરફ ક્રોધ અને તિરસ્કાર થાય તો શું કરવું; ખાસ કરીને જ્યારે બંને સંપૂર્ણપણે અલગ રીતે વિચારતા હોય તો?

શ્રી શ્રી રવિ શંકર: સૌ પ્રથમ સમજી લો કે તમે ઉદાર છો. જો તમે તમારી ઉદારતા અને તમારી આંતરિક સુંદરતા માં માનશો, તો તમે આવી બધી પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરી શકશો. જ્યારે તમે અંદર નહિં જુઓ,તમે ખાલી બીજાના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તે ચોક્કસપણે તમારું મન ક્ષુબ્ધ થશે.

પછી તમે બીજી વ્યક્તિ ને સુધારવા માટે પ્રયત્ન કરશો, અને તેમાં નિષ્ફળ જશો. જે લોકો તમને પજવે છે કે સંતાપે છે, તે એક યા બીજી રીતે તમારામાં શ્રેષ્ઠ ગુણો વિકસાવે છે. તેઓ તમારી પ્રતિભા અને કુશળતા બહાર લાવી શકે છે. જુઓ, જ્યારે તમારી આજુબાજુની દરેક વ્યક્તિ સારી અને સરળ હશે તો તમારે કોઈપણ સ્થિતિમાં કૌશલ્ય ની જરૂર નથી. તે માત્ર ત્યારે જ બનશે જ્યારે તમારી આજુબાજુ તમને ગેરવાજબી લાગતા હોય તેવા લોકો હોય. તેથી તે કસોટી છે, તેને શક્ય હોય તેટલું કસોટી તરીકે લો. મને ખબર છે કે તે એક સરળ કામ નથી.

ઓછામાં ઓછું તમે તમારું મન બચાવી શકશો. મેં આ વિશે celebrating silence અને celebrating love પુસ્તકોમાં ઘણુ કહ્યું છે, તે જોઇ જાઓ.

જે ક્ષણે અંતરના ઊંડાણમાંથી તમે સામી વ્યક્તિ નો સ્વીકાર કરશો, અચાનક તે વ્યક્તિમાં પણ ફેરફારો જોવા મળશે. તે વિચિત્ર છે, પરંતુ સાચું છે. જ્યારે આપણે બદલાઇએ છે, તેઓ પણ બદલાય છે.

પ્ર: મેં મારા પરિવારના સભ્યો માટે ઘણું કર્યું અને છતા તેઓ હંમેશા કહે છે કે હું ખોટો છું. મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: ના, એવું ન કહો કે તેઓ હંમેશા તમને ખોટા કહે છે. જો તેઓ હંમેશા કહેતા હોય કે તમે ખોટા છો તો તે તમને પજવશે નહીં કે તમને સ્પર્ષ્શે નહીં. તમે તેને તેમના સ્વભાવ તરીકે સ્વિકારી લેશો. ક્યારેક તો તેમણે કહ્યું જ હશે કે તમે સાચા છો, ખરું કે નહીં?

જ્યારે તેઓ તમને તમે સાચા છો તેમ કહે અને તમારી પ્રશંષા કરે તે તમને ગમતું હોય, તો પછી જ્યારે તેઓ તમારી કદર ન કરે કે તમે ખોટા છો તેમ કહે તે તમારે સ્વીકારવું જોઈએ. તમારે મધ્યમ માર્ગ શોધવો જોઈએ.

જુઓ, ઘણી વખત, આપણે સમસ્યાનું સામાન્યીકરણ (જનરલાઇઝ) અને બાહ્યસાકારીકરણ (એક્સટર્નલાઇઝ) કરીએ છીએ. 'ઓહ, હું હંમેશા ખોટો છું', 'ઓહ, હું હંમેશા સાચો છું', 'ઓહ, મને હંમેશા આ ગમે છું', 'આખી દુનિયા ખરાબ છે,' વગેરે. સમસ્યાઓનું આવું સામાન્યીકરણ અને બાહ્યસાકારીકરણ ખૂબ જ સામાન્ય છે. આપણે આવું બંધ કરવાનો અને તેની પરે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જસ્ટ સ્માઇલ. જો તમને લાગે કે તેમની ટીકાઓ ગેરવાજબી છે અને તેઓ હંમેશા તમારી ટીકા કરે છે, તો માત્ર સ્માઇલ કરો. તેનાથી હેરાનગતિ ન અનુભવો.

શીખવો અને અવગણો, અને તમારા માર્ગ પર ચાલતા રહો.

તમે શું કરી શકો? દર વખતે જ્યારે તમે ધ્યાન માટે બેસો, અને કોઈ આવીને ફરિયાદ કરે, 'શા માટે તમે આંખો બંધ કરીને બેઠા છો, નકામો સમય ન બગાડો' તો તેને મન પર ના લો. ધ્યાનમાંથી નીકળીને સ્માઇલ કરો, અને બીજા દિવસે ફરી બેસો અને તેઓ ધીમેધીમે ફરિયાદ બંધ કરશે.

Friday, 1 June 2012

ત્રણ પ્રકારના ભક્તો

૧ જૂન, ૨૦૧૨

ભક્તો ત્રણ પ્રકારના હોય છે.

પ્રથમ પ્રકારના ભક્ત જે કહે છે, 'ભગવાન મને આ આપો', 'ભગવાન મને તે આપો.'

બીજા પ્રકારના ભક્ત જે હંમેશા આભારી હોય છે, 'તમારો આભાર ભગવાન, તમે મને આ આપ્યું અને તમે મને તે આપ્યું’, ' એક એવો ભક્ત જે લાગણીશીલ અને પ્રાર્થનામય છે, અને કૃતજ્ઞતાથી આંસુ વહાવે છે.

ત્રીજા પ્રકારના ભક્ત જે હંમેશા ખુશ રહે છે, હસતાં, ગાતા, અને નૃત્ય કરતા રહે છે - આનંદપૂર્ણ ભક્ત.

ત્રણેય ભક્તો અલગ અલગ પ્રકારના હોય છે, અને છતાં ત્રણેય શ્રેષ્ઠ છે. એક બાકીના કરતા વધારે સારા હોય એવું નથી. એક રડતા ભક્ત, એક હસમુખા ભક્ત, અને એક ભક્ત પૂછ્યા રાખે છે - તમે કયા પ્રકારના છો

તે તમે પોતે જોઈ શકો છો.

તમારામાં એ ત્રણેય નો થોડો અંશ હોય તે શક્ય છે. એ પણ ઠીક છે. પછી એ ચોથા પ્રકારના ભક્ત થશે - જેમાં ત્રણેય પ્રકારનો થોડો અંશ છે.

જે આનંદ માં જ રચ્યાપચ્યા રહે છે, તે ગંભીરતા અને ઊંડાઈ પ્રાપ્ત કરી શકતા નથી; અને ઊંડાણ પણ જરૂરી છે. એ માટે જ સંત કબીરદાસે કહ્યું છે કે, 'કબીરા હસના દૂર કર, રોને સે કર પ્રીત, બિન રોયે કીત પાઈએ, પ્રેમ પીયારા મીત'.

પરંતુ કબીર જે રડવાની વાત કરે છે, એ એક અલગ પ્રકારનું રડવાનું છે. તે રડવાનું કૃતજ્ઞતા ને કારણે આવે છે, પ્રશંસા અને પ્રેમ ને કારણે આવે છે. તે એવું રડવાનું નથી કે જેમાં એમ લાગે કે તેની પાસે આ વસ્તુની ખોટ છે, કે તે વસ્તુની ખોટ છે, આ ન થયું, કે તે ન થયું – એ આ ભૌતિક બાબતો માટે અથવા માયા માટે રડવાની વાત નથી કહેતા. તે એમની વાત કરે છે જે આનંદ અને ને લીધે આંસુ વહાવે છે. એ પણ જરૂરી છે.

પરંતુ આ ભક્તો જે આનંદમાં રહે છે એ જ્ઞાની કહેવાય છે કારણ કે તેઓ જાણે છે કે ભગવાન અહીં જ છે. મારી અંદર છે, અને તે વર્તમાન ક્ષણમાં હાજર છે.

મોટા ભાગે લોકો વિચારે છે કે ભગવાન બીજે છે; તેમનું અસ્તિત્વ ભૂતકાળમાં ક્યારેક હતું, અથવા ભવિષ્યમાં હશે. તેઓ ભૂલે કે ભગવાન અહીં જ છે, હમણાં, દરેકની અંદર હાજર છે, મારી અંદર હાજર છે - માત્ર આ વિશ્વાસ હોવો જોઈએ. માત્ર આના માટે જ તમે આ બધા વ્યાયામ, આ બધી કસરતો કરી રહ્યા છો. નહિંતર આખો દિવસ આ કસરતો કરવાની શું જરુર છે -  પ્રાણાયામ, આસન, કીર્તન, ભજન, સેવા - આ બધાનો ઉદ્દેશ શું છે? એ જાણવા માટે કે ઈશ્વર મારી અંદર છે, અહીં જ અને હમણાં.


આજે બસ આટલું જ! વધારે જ્ઞાન સાંભળી ને અપચો થશે. તે પચાવવું મુશ્કેલ બની જશે. માત્ર આટલું સમજો તો બહુ છે કે આજે ગુરુજી માત્ર એક જ વાક્ય બોલ્યા - 'ઇશ્વર અહીં જ છે, હમણાં મારા માં અને દરેક માં.'

Wednesday, 23 May 2012

આત્મજ્ઞાન એક બીજરૂપે પહલેથી તમારા માં છે

૨૩ મે ૨૦૧૨

આપણે સમજવાની જરૂર છે કે આપણને જે જોઇએ છે તે પહેલેથી જ આપણા જીવનમાં છે, જો તમે આ હેતુ સાથે પહેલેથી શરૂ કરો કે 'મને જે જોઇએ છે તે પહેલેથી જ મારા જીવનમાં છે', તો તમે જે કરવા માંગો છો તે સરળતાથી મળશે.

મારી પાસે છે’, આ વિચાર એક બીજની વાવણી કરવા બરાબર છે. એકવાર તમે બીજ જમીનમાં રોપો, અને તમે એને પાણી અને ખાતર આપો પછી તે અંકુરિત થશે અને છોડવો બનશે. આમ તમે મનમાં જાણો છો કે બીજ છે.

એ જ રીતે, તમે જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો, ધારી લો કે, તે મારી પાસે છે અને હું તે જ છું. તમે એમ વિચારશો કે મારી પાસે તે નથી તો માત્ર અભાવ વધતો જશે.

આથી જ જે લોકો પાસે ધન હોય તેમને વધુ ધન મળે છે અને જેઓ પાસે નથી તેઓ ને નથી મળતું કારણ કે તેઓ કહેતા રહે છે, ’મારી પાસે નથી. મારી પાસે નથી' તેથી મન અભાવની દિશામાં જાય છે.

તમને ખબર છે, જ્યારે ઘરે વસ્તુઓ ન હોય અથવા અમે ચોકલેટ માંગતા ત્યારે મારા દાદીમા હંમેશા કહેતા કે 'તે પુષ્કળ છે, ઢગલાબંધ છે, બસ આપણે દુકાનમાંથી લાવવાની છે'. સાંભળનારને તે વાત સંપૂર્ણપણે વાહિયાત જણાય છે. અમે તેમને ક્યારેય એવું કહેતાં સાંભળ્યા નથી કે આપણી પાસે નથી.

જેથી 'અછત' નો ભાવ જવો જોઇએ અને તમને વિપુલતા નો અનુભવ થવો જોઇએ. તમે ગમે તે ધ્યેય હાંસલ કરવા માંગતા હો, પ્રથમ જાણો કે, તમે તે મેળવ્યું છે, અને પછી તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

પ્રયત્ન, કરવો જોઈએ, પરંતુ માત્ર પ્રયત્ન કામ કરશે નહિં. પ્રયાસ કરો તે પહેલાં ધ્યેય નું બીજ પણ હાજર હોવું જોઈએ. તેથી લક્ષ્ય પહેલેથી જ શોધનારમાં હાજર છે. ધ્યેય ક્યાંક બહાર નથી જ્યાં પહોંચવાનો તમારે પ્રયાસ કરવાનો છે, ના! માત્ર વિશ્રામ કરો; લક્ષ્ય અહીં છે, અત્યારે છે.

તેથી, આત્મજ્ઞાન તમારામાં હાજર છે. જો તમને લાગશે કે તેનો અભાવ છે, તો તમે તેને ક્યારેય હાંસલ નહીં કરી શકો. તમને ખબર હોવી જોઇએ કે તે તમારામાં બીજરૂપે   હાજર છે. જાણો કે તમે પહેલેથી જ યોગી છો અને પછી યોગ કરવાનું ચાલુ રાખો, તો તમને નિપુણતા મળશે. જો તમને લાગે છે કે તમે યોગી નથી તો પછી યોગમાં નિપુણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો તે કામ નહીં કરે. તેથી જાણી લો કે બીજ પહેલેથી જ ત્યાં છે.

તેથી, જો તમે એક ઉદ્યોગપતિ થવા ઇચ્છતા હો, તો આવું વિચારબીજ મૂકો, 'હું એક ઉદ્યોગપતિ છું', અને પછી ઉદ્યોગપતિ હોવા તરફ કામ કરો. આ કદાચ ખૂબ જ અજબ જણાશે.

સામાન્ય રીતે લોકોને લાગે છે કે, ’મારી પાસે નથી અને તેથી મારે પ્રાપ્ત કરવાનું છે', પરંતુ ભાગ્યે જ સફળતા મળે છે. સફળતાનું રહસ્ય એ સમજવામાં છે કે ધ્યેય પહેલેથી જ શોધનારમાં હાજર છે.

તો આજે તમને જ્ઞાનનું ઘણું મોટું રહસ્ય જાણવા મળ્યું.

પ્ર: પ્રિય ગુરુજી, કહેવાય છે કે મહાભારતનાં સમય દરમ્યાન ટેક્નોલોજી આજના કરતાં પણ વધુ અદ્યતન હતી, તે હવે શું થયું? બધી પ્રગતિ અને ઉન્નતિ ક્યાં અદૃશ્ય થઈ ગયા? આપણે કેવી રીતે પાછળ પડી ગયા?

શ્રી શ્રી રવિશંકર: જુઓ, આ એક કુદરતી ચક્ર છે. બધું ચક્રાકારે ચાલે છે.

આ ગ્રહ પર ડાયનાસોર હતા, અને એવા મોટાં પક્ષીઓ હતા જેમને તાલીમ આપી શકાતી. આ મોટાં પક્ષીઓ ઉપર તેઓ વિશાળ મંડપ બનાવતા અને પક્ષીઓને બીજે સ્થળે જવા તાલીમ અપાતી અને તે ઉડીને ત્યાં જતા.

ડાયનાસોરના યુગમાં લગભગ વિમાન જેટલા મોટા વિશાળ પક્ષીઓ હતા. તમે આના વિશે દસ્તાવેજી ચલચિત્ર જોયું છે? કેટલાક પક્ષીઓ નું ૩૦૦૦ કીલો ની આસપાસ વજન હતું અને લોકો તેના ઉપર ઘર પણ બનાવતા.

રામાયણમાં લખેલું છે કે કેવી રીતે રાવણ સીતા સાથે જતો હતો, અને જટાયુ (એક વિશાળ પક્ષી) માર્ગ માં આવ્યો હતો અને રાવણે તેની પાંખો કાપી દીધી હતી.

મને ખબર નથી કે આપણે કેવી રીતે ગુમાવ્યું અને શા માટે ગુમાવ્યું, પણ અત્યારે આપણે સ્વતંત્રતા ગુમાવી છે. આપણે મહામુશ્કેલીએ દેશની આઝાદી મેળવી, પરંતુ હવે જે રીતે આપણે ભ્રષ્ટાચારનુ આ દેશમાં વધતું જતું વલણ જોઈ રહ્યા છીએ તે દુ:ખદાયી છે. આપણે બધું પાછું ઠીક કરવાની જરૂર છે.

પ્ર: પ્રિય ગુરુજી, હું સફળ વ્યાપારી છું પરંતુ વ્યક્તિગત જીવનમાં સદંતર નિષ્ફળ છું, મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર:  પ્રથમ, તમે આ લેબલ દૂર કરો ’હું નિષ્ફળ છું.જો તમને સમજાયું છે કે તમે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી છે, તો પછી તમે સાચી દિશામાં જઇ રહ્યા છો. દુર્ભાગ્ય ક્યારે હોય કે જ્યારે તમને ખ્યાલ નથી કે તમે ભૂલો કરી રહ્યા છો કે તમે ખોટા છો. જ્યારે તમે ભૂલ કરી અને તમે જાણો છો કે તમે ભૂલ કરી તો પછી તમે તેમાંથી બહાર આવી ગયા છો. તેથી હવે નચિંત થઇને કામ કરો, ચિંતા ન કરશો.

પ્ર: પ્રિય ગુરુજી, કૃપા કરીને ભગવાન શિવના માથાનો અર્ધચંદ્ર, ડમરુ, અને ત્રિશૂળ નું મહત્વ સમજાવો.

શ્રી શ્રી રવિ શંકર: શિવ તત્વ ત્યાં છે જ્યાં મન ધ્યાનમાં હોય છે, અને ચંદ્ર મનનું પ્રતિક છે. મન ધ્યાનમાં હોય તો તેને કેવી રીતે વ્યક્ત કરી શકાય અને સમજવા માગતી વ્યક્તિ કેવી રીતે સમજી શકે? તેને સમજવા માટે, અનુભવ અને અભિવ્યક્ત કરવા માટે થોડુંક ચિત્ત જરૂરી છે. તેથી તે પૂર્ણ ચંદ્ર નથી, પરંતુ માથા પર બીજનો ચંદ્ર છે. જે સમજાવે છે કે  અવર્ણનીય ને વ્યક્ત કરવા માટે માત્ર થોડા જ મન ની જરૂર છે.

શિવ તત્વ અવર્ણનીય, અવ્યક્ત છે; તેના મૂળ કોઇ શોધી ન શકે. આને લગતી એક વાર્તા છે જેમાં બ્રહ્મા શિવનું માથું શોધવા ગયા અને વિષ્ણુ તેમના પગ શોધવા ગયા, પરંતુ બન્ને કંઇ શોધી શક્યા નહીં. તેથી અનંતતા ને સમજવા થોડું ચિત્ત જરૂરી છે.

તમે ધ્યાન માં બેસો અને તમે અનસ્તિત્વ અનુભવો છો, પરંતુ પછી વિચાર આવે છે, 'હું આ સુંદર ધ્યાન અનુભવી રહ્યો છું.' આ અનુભવ કોણે કર્યો? તે ચિત્ત છે. મનથી અનુભૂતિ થાય છે, 'ઓહ, મને સારી ઊંઘ આવી હતી', અથવા 'મને સારું ધ્યાન થયું હતું.'

તેથી જે અવર્ણનીય છે તેને વ્યક્ત કરવા માટે થોડુંક મન જરૂરી છે અને તે જ દર્શાવવા અર્ધચંદ્રાકાર ચંદ્ર માથા પર છે.

માથું ડહાપણનું પ્રતીક છે. જ્ઞાન મનથી પરે છે, પરંતુ તે વ્યક્ત કરવા માટે થોડું ચિત્ત પણ હોવું  જરૂરી છે. અને તે આ માથા પરના અર્ધચંદ્રાકાર ચંદ્ર ના પ્રતિક દ્વારા સૂચિત થાય છે.

ડમરૂ બ્રહ્માંડનું પ્રતીક છે જે હંમેશા વિસ્તરે છે અને સંકોચાય છે. વિસ્તરણમાંથી તે સંકોચાઈ જાય છે અને તેમાંથી ફરી વિસ્તાર પામે છે, આ સૃષ્ટિ ના સર્જન નો લય છે.

જો તમે તમારા હ્રદયના ધબકારાની રેખા જુઓ તો તે ફક્ત એક સીધી રેખા નથી, પરંતુ તે એક લયમાં છે જે ઉપર જાય છે અને નીચે આવે છે.

સમગ્ર વિશ્વ બીજું કશું નહીં પણ ફ્ક્ત લય છે, ઉર્જા વધે અને ક્ષીણ થાય અને ફરીથી વધે છે. તેથી ડમરૂ આનું પ્રતીક છે. આ ડમરૂ નો આકાર જુઓ, તે વિસ્તરણ માંથી સંકોચાય છે અને ફરીથી વિસ્તરે છે. તે ધ્વનિનું પણ પ્રતીક છે. ધ્વનિ લય છે અને ઊર્જા છે. સમગ્ર બ્રહ્માંડમાં બીજું કશું જ નથી પણ એક તરંગ છે, ફ્ક્ત લય છે,

કવોન્ટમ ફિઝિક્સ શું કહે છે? તે જ વસ્તુ કહે છે - આખા બ્રહ્માંડમાં લયબધ્ધ તરંગો છે. કોઇ બે વસ્તુઓ નથી, માત્ર એક જ બાબત છે. તે માત્ર એક તરંગ છે.

આદિ શંકરાચાર્યે આ જ કહ્યું હતું કે માત્ર એક જ બાબત છે (અદ્વૈત).

જો તમને દેખાય કે આ બલ્બ અલગ છે, પેલો બલ્બ અલગ છે, પંખો અલગ છે, તો પછી તે તમારી ગેરસમજ છે, તો તમને વાસ્તવિકતાની ખબર નથી. વાસ્તવિકતા એ છે કે માત્ર એક જ વીજળી છે અને માત્ર એક જ મુખ્ય સ્વીચ છે અને જો તે ચાલુ થાય, તો બધા બલ્બ ચાલુ થાય છે. જો તે બંધ હોય, તો બધું જ બંધ છે. તેથી તે એક વસ્તુથી બધું ચાલે છે અને તે વીજળી છે. આમ આ સમગ્ર બ્રહ્માંડ એક ચેતના અથવા એક ઊર્જા છે.

હવે વીજળી સારી છે કે ખરાબ છે? એવું કશું નથી.

જો તમે સોકેટમાં તમારો હાથ મૂકો અને તમને તે સમયે એક આંચકો લાગે, તો તે સારું છે? અને જો તમને આંચકો લાગ્યો તો વીજળી ખરાબ છે? ના! વીજળી ખરાબ છે તેમ કહેવું તે મૂર્ખતા છે, કારણ કે તે ખૂબ જ આરામ આપે છે - પ્રકાશ, ધ્વનિ, પવન, ખોરાક - બધું વીજળીની મદદથી મળે છે. આજ સમયે વીજળી ખૂબ જ હાનિકારક પણ છે. જો હાઇ વોલ્ટેજના વીજળીના તાર તમારા ઘર ઉપર થી પસાર થાય, તો તેમાંથી ખૂબ જ વિકિરણ નીકળે છે, જે ખૂબ જ હાનિકારક છે.

તેથી વીજળી ન સારી છે કે ન ખરાબ. આ જ આપણે સમજવું જોઈએ. એટલે જ કહેવાય છે કે બ્રહ્મતત્વ અર્થાત જીવન સારા અને ખરાબ થી પરે છે. સારું અને ખરાબ હંમેશા સાપેક્ષ છે, કશું અનિષ્ટ નથી અથવા સારું નથી, તે આ તમામથી પરે છે, તે એક જ વસ્તુ છે - આને તત્વજ્ઞાન, સાચું જ્ઞાન કહેવાય છે.

પ્ર: ડિયર ગુરુદેવ, હમણા તમે ઉલ્લેખ કર્યો કે સમૃદ્ધ લોકો વધુ સમૃદ્ધ બને છે અને ગરીબ લોકો ગરીબ રહે છે કારણ કે તેઓ અભાવ છે તેમ વિચારે છે. શું કુદરતમાં આ અસંતુલનને ઠીક કરવા કોઇ ઉપાય છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, જ્ઞાન દ્વારા. છે તે માટે જ આપણે દરેકને આત્મવિશ્વાસ કેળવવા અને 'અભાવ' ના વિચાર માંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જે લોકો પાસે હોય તેમણે સેવા શરૂ કરવી જોઈએ. જેમની પાસે નથી તેઓ એ જાણી લે કે તેમની જરૂર પૂરી થશે અને તેમણે ખંતથી કામ શરૂ કરવું જોઈએ.
પ્ર: તમને ક્યારે સમજાયું હતું કે તમે ગુરુદેવ બનવાના છો?

શ્રી શ્રી રવિ શંકર: રામાયણમાં એક સરસ વાર્તા છે.

એક રઝળતો કૂતરો રસ્તા પર જતો હતો અને કોઇએ શ્વાનને પથ્થર માર્યો અને તેને ભગાવી દીધો, તેથી તે કૂતરો દરબાર માં ગયો. એવું કહેવાય છે કે ભગવાન રામના દરબારમાં દરેક ને ન્યાય મળતો, પ્રાણીઓ ને પણ. તેથી કૂતરો દરબારમાં ગયો અને કહ્યું કે, ’રસ્તો બધાને માટે છે. ક્યાંય એવું નથી લખ્યું કે કૂતરાઓને અહીં આવવાની અનુમતિ નથી. હું રસ્તા પર ચાલતો હતો અને આ માણસે મને ઇજા પહોંચાડી. તમારે તેને સજા આપવી જોઈએ.'

તેથી ભગવાન રામે તે વ્યક્તિને પૂછ્યું કે આ વાત સાચી છે. તે વ્યક્તિ જૂઠુ ના બોલી શક્યો, અને સંમત થયો કે તેણે કૂતરાને ઈજા પહોંચાડી છે.

તે દિવસોમાં ભોગ બનનારને પૂછવામાં આવતું કે અપરાધીને શું સજા આપવી.

તેથી જ્યારે કૂતરાને પૂછવામાં આવ્યું કે જે માણસે તને પથ્થર મારી ને ઇજા પહોંચાડી તેને શું સજા આપવી ત્યારે કૂતરાએ જણાવ્યું, 'તેને એક ધાર્મિક સંસ્થાનો વડો (પ્રમુખ) બનાવો. તેને કોઇક આશ્રમનો ગુરુ બનાવો.'

લોકોએ કહ્યું કે આ એક ખૂબ જ વિચિત્ર સજા છે.

કૂતરાએ કહ્યું, 'શા માટે તમે પૂછો છો? હું કહું છું તેમ કરો. હું પણ મારા પાછલા જીવનમાં એક ગુરુ હતો. જુઓ, શું થયું! મૃત્યુ પહેલાં મને લાગ્યું કે ગુરુ થવા કરતા તો હું કોઇ રઝળતો કૂતરો હોત તો વધુ સારું હોત. જુઓ, એટલે જ હું એક કૂતરો બની ગયો છું. મને ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ વ્યક્તિ પણ એક આશ્રમનો પ્રમુખ બની જવો જોઇએ, પછી તેને સમજાશે કે જીવનમાં મુશ્કેલી શું છે, અને પીડા શું છે, અને વેદના શું છે.'

આ રામાયણની ખૂબ રમુજી વાર્તા છે.

જુઓ, જે  'હું ગુરુ છું' કહેતા ફર્યા કરે તે ગુરુ ન બની જાય. ગુરુ તત્વ તેનામાં પ્રકટ થાય છે જે ગુરુ હોવાનો દાવો કરતા નથી. જે સરળ અને સહજ રહે છે તે સદ્‌ગુરુ છે. આ ગુરુ તત્વ નો એક નાનકડો અંશ તમારા બધામાં પણ હાજર છે. તમે પણ કોઈ વ્યક્તિને આજે નહી તો ક્યારેક કેટલીક સારી સલાહ આપી છે, અને તમે પણ તમારી આસપાસના લોકોમાં પ્રેમ અને આનંદ ફેલાવો છો. ખરું ને!

આપણે શું  કરવું જરૂરી છે? આપણે પ્રેમ અને સેવા કંઈપણ મેળવવાની અપેક્ષા વિના જ કરવી જોઈએ. આ અગત્યનું છે.

સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ, મેં આ વ્યક્તિને ખૂબ જ પ્રેમ આપ્યો છે, પણ બદલામાં તેણે મને શું આપ્યું. આ રીતે, આપણે અન્ય વ્યક્તિને બતાવવા માંગીએ છે કે આપણે તેમને  પ્રેમ કરી તેમના પર ઉપકાર કર્યો છે, આ ન કરવું જોઇએ.

પ્રેમ તમારો સ્વભાવ છે, પ્રેમ કરવાનો અર્થ એ નથી કે તમે કહ્યા કરો કે, 'ઓહ, હું તમને કેટલો બધો પ્રેમ કરું છું’, ના! તે ગૌરવ, કરુણા, અને સરળતા, સહજતા સહિતનું વર્તન છે, અને આપણે આ ગુણો સાથે જ જન્મ લઇએ છે. જો ક્યારેક તમને મક્ક્મ થવું જરૂરી લાગે તો તમે મક્ક્મ થાવ, ગુસ્સો ત્યાં જ આવે જ્યાં અમુક પ્રમાણમાં પ્રેમ છે.

તેમ છતાં, તમારા બધા ગુણો નો ત્યાગ (સર્મપણ) કરીને અંદરથી ખાલી થઇ જાવ. ગુરૂ તત્વ ને વિકસાવવા તમારે આ કરવાની જરૂર છે - તમારા બધા જ હકારાત્મક અને નકારાત્મક ગુણો સમર્પિત કરો અને ખુશ રહો.

પ્ર: ગુરુદેવ, કહેવાય છે કે પુરાણકાળમાં લોકો વર્ષો સુધી સમાધિસ્ત રહેતા. પરંતુ આજના જમાનામાં વીસ મિનિટ બસ છે. શું આ કથાઓ સાચી છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, કેવી રીતે કોઈ સમાધિ માં બેઠા અને સમય જતાં તેમની આજુબાજુ એક કીડીનો રાફ્ડો બની ગયો હતો તેવી વાર્તાઓ છે, પણ તેવું નથી. તે એવું દર્શાવે છે કે જ્યારે કોઇ ધ્યાન માં બેસે છે ત્યારે શરીર પર અમુક સંવેદના થાય છે જાણે શરીર પર કીડીઓ ફરતી હોય.

એક સદ્‌ગુરુ ના માર્ગદર્શનમાં સમાધિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ગુરુ વિના સમાધિ નો અનુભવ કરી શકાતો નથી.

પ્ર: ગુરુદેવ, કુંડલિની શું છે? તેને કેવી રીતે જાગૃત કરી શકાય?

શ્રી શ્રી રવિ શંકર: કુંડનો અર્થ છે શરીર અને કુંડલિની એટલે આ શરીરમાંની સભાન ઊર્જા.

એડવાન્સ કોર્સ માં ધ્યાન દરમ્યાન જે અનુભવ થાય છે તે કુંડલિની જ છે. કુંડલિનીનું અર્થઘટન બીજી કોઈ રીતે શક્ય નથી. જો ધ્યાન થયું, તો તે કુંડલિની ની જાગૃતિ વગર શક્ય નથી. જો તમે ધ્યાન માં ઉતર્યા, તો તમારામાં કુંડલિની જાગૃત થઇ ગઇ છે.

પ્ર: ગુરુદેવ, હમણા તમે કહ્યું હતું કે તમે જીવનમાં જે મેળવવા માંગો છો, તે તમારી પાસે પહેલેથી જ છે એમ માની લો. શું હું મારા જીવન માં એક વ્યક્તિ વિશે પણ આ જ માની શકું?

શ્રી શ્રી રવિ શંકર: હા, તે શક્ય છે, પરંતુ કોઈ ખાતરી નથી કે તે આ જીવનકાળ માં થશે. તે આગામી જીવનકાળ અથવા દસ જીવનકાળ પછી પણ થઇ શકે છે. તેથી મેં જણાવ્યું હતું કે આકાંક્ષા પોતાના સમયે જ ફળિભૂત થશે.

પ્ર: ગુરુદેવ, મારું પારિવારિક જીવન સારું છે, સારી કારકિર્દી છે, પરસ્પર સંબંધો સારા છે, અને હું ખૂબ સંતુષ્ટ છું; મને ખબર છે કે ભગવાન મારી અંદર છે, તો શું મારે હજી ધ્યાન કરવું જરૂરી છે?

શ્રી શ્રી રવિ શંકર: જુઓ, ધ્યાન તમારી પાસે જે કંઈક છે તેને જાળવે છે. તમારા જીવનમાં બધું સારી રીતે ચાલી રહ્યું છે, તો તમે તે જાળવી રાખવા માંગો છો? શું તમે સારું સ્વાસ્થ્ય, સારા સંબંધો જાળવી રાખવા માંગો છો? તો પછી તમારે ધ્યાન કરવું જોઇએ.

ધ્યાન તાણ ઘટાડે છે નહીંતો તણાવ ધીમે ધીમે વધે છે અને પાંચ દસ વર્ષ પછી મોટો વિસ્ફોટ થશે. ધ્યાન તમને માનસિક સ્વસ્થતા રાખવામાં મદદ કરે છે અને તમારી પાસે પહેલેથી જ જે છે તે જાળવવામાં મદદ કરે છે.


તેથી જ તેને યોગક્ષેમમ્‌ કહેવામાં આવે છે; યોગ જે નથી તે પ્રાપ્ત કરવા, અને ક્ષેમ જે પહેલાથી જ છે તેનું રક્ષણ કરવા માટે. તમારી પાસે પહલેથી જ બધું હોય અને તમે તેને જાળવી રાખવા માંગતા હો તો ધ્યાન આવશ્યક છે. તમારી પાસે કંઇક નથી તો તે મેળવવા માટે પણ તમારે ધ્યાન કરવું જરૂરી છે.