Wednesday, 23 May 2012

આત્મજ્ઞાન એક બીજરૂપે પહલેથી તમારા માં છે

૨૩ મે ૨૦૧૨

આપણે સમજવાની જરૂર છે કે આપણને જે જોઇએ છે તે પહેલેથી જ આપણા જીવનમાં છે, જો તમે આ હેતુ સાથે પહેલેથી શરૂ કરો કે 'મને જે જોઇએ છે તે પહેલેથી જ મારા જીવનમાં છે', તો તમે જે કરવા માંગો છો તે સરળતાથી મળશે.

મારી પાસે છે’, આ વિચાર એક બીજની વાવણી કરવા બરાબર છે. એકવાર તમે બીજ જમીનમાં રોપો, અને તમે એને પાણી અને ખાતર આપો પછી તે અંકુરિત થશે અને છોડવો બનશે. આમ તમે મનમાં જાણો છો કે બીજ છે.

એ જ રીતે, તમે જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો, ધારી લો કે, તે મારી પાસે છે અને હું તે જ છું. તમે એમ વિચારશો કે મારી પાસે તે નથી તો માત્ર અભાવ વધતો જશે.

આથી જ જે લોકો પાસે ધન હોય તેમને વધુ ધન મળે છે અને જેઓ પાસે નથી તેઓ ને નથી મળતું કારણ કે તેઓ કહેતા રહે છે, ’મારી પાસે નથી. મારી પાસે નથી' તેથી મન અભાવની દિશામાં જાય છે.

તમને ખબર છે, જ્યારે ઘરે વસ્તુઓ ન હોય અથવા અમે ચોકલેટ માંગતા ત્યારે મારા દાદીમા હંમેશા કહેતા કે 'તે પુષ્કળ છે, ઢગલાબંધ છે, બસ આપણે દુકાનમાંથી લાવવાની છે'. સાંભળનારને તે વાત સંપૂર્ણપણે વાહિયાત જણાય છે. અમે તેમને ક્યારેય એવું કહેતાં સાંભળ્યા નથી કે આપણી પાસે નથી.

જેથી 'અછત' નો ભાવ જવો જોઇએ અને તમને વિપુલતા નો અનુભવ થવો જોઇએ. તમે ગમે તે ધ્યેય હાંસલ કરવા માંગતા હો, પ્રથમ જાણો કે, તમે તે મેળવ્યું છે, અને પછી તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

પ્રયત્ન, કરવો જોઈએ, પરંતુ માત્ર પ્રયત્ન કામ કરશે નહિં. પ્રયાસ કરો તે પહેલાં ધ્યેય નું બીજ પણ હાજર હોવું જોઈએ. તેથી લક્ષ્ય પહેલેથી જ શોધનારમાં હાજર છે. ધ્યેય ક્યાંક બહાર નથી જ્યાં પહોંચવાનો તમારે પ્રયાસ કરવાનો છે, ના! માત્ર વિશ્રામ કરો; લક્ષ્ય અહીં છે, અત્યારે છે.

તેથી, આત્મજ્ઞાન તમારામાં હાજર છે. જો તમને લાગશે કે તેનો અભાવ છે, તો તમે તેને ક્યારેય હાંસલ નહીં કરી શકો. તમને ખબર હોવી જોઇએ કે તે તમારામાં બીજરૂપે   હાજર છે. જાણો કે તમે પહેલેથી જ યોગી છો અને પછી યોગ કરવાનું ચાલુ રાખો, તો તમને નિપુણતા મળશે. જો તમને લાગે છે કે તમે યોગી નથી તો પછી યોગમાં નિપુણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો તે કામ નહીં કરે. તેથી જાણી લો કે બીજ પહેલેથી જ ત્યાં છે.

તેથી, જો તમે એક ઉદ્યોગપતિ થવા ઇચ્છતા હો, તો આવું વિચારબીજ મૂકો, 'હું એક ઉદ્યોગપતિ છું', અને પછી ઉદ્યોગપતિ હોવા તરફ કામ કરો. આ કદાચ ખૂબ જ અજબ જણાશે.

સામાન્ય રીતે લોકોને લાગે છે કે, ’મારી પાસે નથી અને તેથી મારે પ્રાપ્ત કરવાનું છે', પરંતુ ભાગ્યે જ સફળતા મળે છે. સફળતાનું રહસ્ય એ સમજવામાં છે કે ધ્યેય પહેલેથી જ શોધનારમાં હાજર છે.

તો આજે તમને જ્ઞાનનું ઘણું મોટું રહસ્ય જાણવા મળ્યું.

પ્ર: પ્રિય ગુરુજી, કહેવાય છે કે મહાભારતનાં સમય દરમ્યાન ટેક્નોલોજી આજના કરતાં પણ વધુ અદ્યતન હતી, તે હવે શું થયું? બધી પ્રગતિ અને ઉન્નતિ ક્યાં અદૃશ્ય થઈ ગયા? આપણે કેવી રીતે પાછળ પડી ગયા?

શ્રી શ્રી રવિશંકર: જુઓ, આ એક કુદરતી ચક્ર છે. બધું ચક્રાકારે ચાલે છે.

આ ગ્રહ પર ડાયનાસોર હતા, અને એવા મોટાં પક્ષીઓ હતા જેમને તાલીમ આપી શકાતી. આ મોટાં પક્ષીઓ ઉપર તેઓ વિશાળ મંડપ બનાવતા અને પક્ષીઓને બીજે સ્થળે જવા તાલીમ અપાતી અને તે ઉડીને ત્યાં જતા.

ડાયનાસોરના યુગમાં લગભગ વિમાન જેટલા મોટા વિશાળ પક્ષીઓ હતા. તમે આના વિશે દસ્તાવેજી ચલચિત્ર જોયું છે? કેટલાક પક્ષીઓ નું ૩૦૦૦ કીલો ની આસપાસ વજન હતું અને લોકો તેના ઉપર ઘર પણ બનાવતા.

રામાયણમાં લખેલું છે કે કેવી રીતે રાવણ સીતા સાથે જતો હતો, અને જટાયુ (એક વિશાળ પક્ષી) માર્ગ માં આવ્યો હતો અને રાવણે તેની પાંખો કાપી દીધી હતી.

મને ખબર નથી કે આપણે કેવી રીતે ગુમાવ્યું અને શા માટે ગુમાવ્યું, પણ અત્યારે આપણે સ્વતંત્રતા ગુમાવી છે. આપણે મહામુશ્કેલીએ દેશની આઝાદી મેળવી, પરંતુ હવે જે રીતે આપણે ભ્રષ્ટાચારનુ આ દેશમાં વધતું જતું વલણ જોઈ રહ્યા છીએ તે દુ:ખદાયી છે. આપણે બધું પાછું ઠીક કરવાની જરૂર છે.

પ્ર: પ્રિય ગુરુજી, હું સફળ વ્યાપારી છું પરંતુ વ્યક્તિગત જીવનમાં સદંતર નિષ્ફળ છું, મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર:  પ્રથમ, તમે આ લેબલ દૂર કરો ’હું નિષ્ફળ છું.જો તમને સમજાયું છે કે તમે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી છે, તો પછી તમે સાચી દિશામાં જઇ રહ્યા છો. દુર્ભાગ્ય ક્યારે હોય કે જ્યારે તમને ખ્યાલ નથી કે તમે ભૂલો કરી રહ્યા છો કે તમે ખોટા છો. જ્યારે તમે ભૂલ કરી અને તમે જાણો છો કે તમે ભૂલ કરી તો પછી તમે તેમાંથી બહાર આવી ગયા છો. તેથી હવે નચિંત થઇને કામ કરો, ચિંતા ન કરશો.

પ્ર: પ્રિય ગુરુજી, કૃપા કરીને ભગવાન શિવના માથાનો અર્ધચંદ્ર, ડમરુ, અને ત્રિશૂળ નું મહત્વ સમજાવો.

શ્રી શ્રી રવિ શંકર: શિવ તત્વ ત્યાં છે જ્યાં મન ધ્યાનમાં હોય છે, અને ચંદ્ર મનનું પ્રતિક છે. મન ધ્યાનમાં હોય તો તેને કેવી રીતે વ્યક્ત કરી શકાય અને સમજવા માગતી વ્યક્તિ કેવી રીતે સમજી શકે? તેને સમજવા માટે, અનુભવ અને અભિવ્યક્ત કરવા માટે થોડુંક ચિત્ત જરૂરી છે. તેથી તે પૂર્ણ ચંદ્ર નથી, પરંતુ માથા પર બીજનો ચંદ્ર છે. જે સમજાવે છે કે  અવર્ણનીય ને વ્યક્ત કરવા માટે માત્ર થોડા જ મન ની જરૂર છે.

શિવ તત્વ અવર્ણનીય, અવ્યક્ત છે; તેના મૂળ કોઇ શોધી ન શકે. આને લગતી એક વાર્તા છે જેમાં બ્રહ્મા શિવનું માથું શોધવા ગયા અને વિષ્ણુ તેમના પગ શોધવા ગયા, પરંતુ બન્ને કંઇ શોધી શક્યા નહીં. તેથી અનંતતા ને સમજવા થોડું ચિત્ત જરૂરી છે.

તમે ધ્યાન માં બેસો અને તમે અનસ્તિત્વ અનુભવો છો, પરંતુ પછી વિચાર આવે છે, 'હું આ સુંદર ધ્યાન અનુભવી રહ્યો છું.' આ અનુભવ કોણે કર્યો? તે ચિત્ત છે. મનથી અનુભૂતિ થાય છે, 'ઓહ, મને સારી ઊંઘ આવી હતી', અથવા 'મને સારું ધ્યાન થયું હતું.'

તેથી જે અવર્ણનીય છે તેને વ્યક્ત કરવા માટે થોડુંક મન જરૂરી છે અને તે જ દર્શાવવા અર્ધચંદ્રાકાર ચંદ્ર માથા પર છે.

માથું ડહાપણનું પ્રતીક છે. જ્ઞાન મનથી પરે છે, પરંતુ તે વ્યક્ત કરવા માટે થોડું ચિત્ત પણ હોવું  જરૂરી છે. અને તે આ માથા પરના અર્ધચંદ્રાકાર ચંદ્ર ના પ્રતિક દ્વારા સૂચિત થાય છે.

ડમરૂ બ્રહ્માંડનું પ્રતીક છે જે હંમેશા વિસ્તરે છે અને સંકોચાય છે. વિસ્તરણમાંથી તે સંકોચાઈ જાય છે અને તેમાંથી ફરી વિસ્તાર પામે છે, આ સૃષ્ટિ ના સર્જન નો લય છે.

જો તમે તમારા હ્રદયના ધબકારાની રેખા જુઓ તો તે ફક્ત એક સીધી રેખા નથી, પરંતુ તે એક લયમાં છે જે ઉપર જાય છે અને નીચે આવે છે.

સમગ્ર વિશ્વ બીજું કશું નહીં પણ ફ્ક્ત લય છે, ઉર્જા વધે અને ક્ષીણ થાય અને ફરીથી વધે છે. તેથી ડમરૂ આનું પ્રતીક છે. આ ડમરૂ નો આકાર જુઓ, તે વિસ્તરણ માંથી સંકોચાય છે અને ફરીથી વિસ્તરે છે. તે ધ્વનિનું પણ પ્રતીક છે. ધ્વનિ લય છે અને ઊર્જા છે. સમગ્ર બ્રહ્માંડમાં બીજું કશું જ નથી પણ એક તરંગ છે, ફ્ક્ત લય છે,

કવોન્ટમ ફિઝિક્સ શું કહે છે? તે જ વસ્તુ કહે છે - આખા બ્રહ્માંડમાં લયબધ્ધ તરંગો છે. કોઇ બે વસ્તુઓ નથી, માત્ર એક જ બાબત છે. તે માત્ર એક તરંગ છે.

આદિ શંકરાચાર્યે આ જ કહ્યું હતું કે માત્ર એક જ બાબત છે (અદ્વૈત).

જો તમને દેખાય કે આ બલ્બ અલગ છે, પેલો બલ્બ અલગ છે, પંખો અલગ છે, તો પછી તે તમારી ગેરસમજ છે, તો તમને વાસ્તવિકતાની ખબર નથી. વાસ્તવિકતા એ છે કે માત્ર એક જ વીજળી છે અને માત્ર એક જ મુખ્ય સ્વીચ છે અને જો તે ચાલુ થાય, તો બધા બલ્બ ચાલુ થાય છે. જો તે બંધ હોય, તો બધું જ બંધ છે. તેથી તે એક વસ્તુથી બધું ચાલે છે અને તે વીજળી છે. આમ આ સમગ્ર બ્રહ્માંડ એક ચેતના અથવા એક ઊર્જા છે.

હવે વીજળી સારી છે કે ખરાબ છે? એવું કશું નથી.

જો તમે સોકેટમાં તમારો હાથ મૂકો અને તમને તે સમયે એક આંચકો લાગે, તો તે સારું છે? અને જો તમને આંચકો લાગ્યો તો વીજળી ખરાબ છે? ના! વીજળી ખરાબ છે તેમ કહેવું તે મૂર્ખતા છે, કારણ કે તે ખૂબ જ આરામ આપે છે - પ્રકાશ, ધ્વનિ, પવન, ખોરાક - બધું વીજળીની મદદથી મળે છે. આજ સમયે વીજળી ખૂબ જ હાનિકારક પણ છે. જો હાઇ વોલ્ટેજના વીજળીના તાર તમારા ઘર ઉપર થી પસાર થાય, તો તેમાંથી ખૂબ જ વિકિરણ નીકળે છે, જે ખૂબ જ હાનિકારક છે.

તેથી વીજળી ન સારી છે કે ન ખરાબ. આ જ આપણે સમજવું જોઈએ. એટલે જ કહેવાય છે કે બ્રહ્મતત્વ અર્થાત જીવન સારા અને ખરાબ થી પરે છે. સારું અને ખરાબ હંમેશા સાપેક્ષ છે, કશું અનિષ્ટ નથી અથવા સારું નથી, તે આ તમામથી પરે છે, તે એક જ વસ્તુ છે - આને તત્વજ્ઞાન, સાચું જ્ઞાન કહેવાય છે.

પ્ર: ડિયર ગુરુદેવ, હમણા તમે ઉલ્લેખ કર્યો કે સમૃદ્ધ લોકો વધુ સમૃદ્ધ બને છે અને ગરીબ લોકો ગરીબ રહે છે કારણ કે તેઓ અભાવ છે તેમ વિચારે છે. શું કુદરતમાં આ અસંતુલનને ઠીક કરવા કોઇ ઉપાય છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, જ્ઞાન દ્વારા. છે તે માટે જ આપણે દરેકને આત્મવિશ્વાસ કેળવવા અને 'અભાવ' ના વિચાર માંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જે લોકો પાસે હોય તેમણે સેવા શરૂ કરવી જોઈએ. જેમની પાસે નથી તેઓ એ જાણી લે કે તેમની જરૂર પૂરી થશે અને તેમણે ખંતથી કામ શરૂ કરવું જોઈએ.
પ્ર: તમને ક્યારે સમજાયું હતું કે તમે ગુરુદેવ બનવાના છો?

શ્રી શ્રી રવિ શંકર: રામાયણમાં એક સરસ વાર્તા છે.

એક રઝળતો કૂતરો રસ્તા પર જતો હતો અને કોઇએ શ્વાનને પથ્થર માર્યો અને તેને ભગાવી દીધો, તેથી તે કૂતરો દરબાર માં ગયો. એવું કહેવાય છે કે ભગવાન રામના દરબારમાં દરેક ને ન્યાય મળતો, પ્રાણીઓ ને પણ. તેથી કૂતરો દરબારમાં ગયો અને કહ્યું કે, ’રસ્તો બધાને માટે છે. ક્યાંય એવું નથી લખ્યું કે કૂતરાઓને અહીં આવવાની અનુમતિ નથી. હું રસ્તા પર ચાલતો હતો અને આ માણસે મને ઇજા પહોંચાડી. તમારે તેને સજા આપવી જોઈએ.'

તેથી ભગવાન રામે તે વ્યક્તિને પૂછ્યું કે આ વાત સાચી છે. તે વ્યક્તિ જૂઠુ ના બોલી શક્યો, અને સંમત થયો કે તેણે કૂતરાને ઈજા પહોંચાડી છે.

તે દિવસોમાં ભોગ બનનારને પૂછવામાં આવતું કે અપરાધીને શું સજા આપવી.

તેથી જ્યારે કૂતરાને પૂછવામાં આવ્યું કે જે માણસે તને પથ્થર મારી ને ઇજા પહોંચાડી તેને શું સજા આપવી ત્યારે કૂતરાએ જણાવ્યું, 'તેને એક ધાર્મિક સંસ્થાનો વડો (પ્રમુખ) બનાવો. તેને કોઇક આશ્રમનો ગુરુ બનાવો.'

લોકોએ કહ્યું કે આ એક ખૂબ જ વિચિત્ર સજા છે.

કૂતરાએ કહ્યું, 'શા માટે તમે પૂછો છો? હું કહું છું તેમ કરો. હું પણ મારા પાછલા જીવનમાં એક ગુરુ હતો. જુઓ, શું થયું! મૃત્યુ પહેલાં મને લાગ્યું કે ગુરુ થવા કરતા તો હું કોઇ રઝળતો કૂતરો હોત તો વધુ સારું હોત. જુઓ, એટલે જ હું એક કૂતરો બની ગયો છું. મને ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ વ્યક્તિ પણ એક આશ્રમનો પ્રમુખ બની જવો જોઇએ, પછી તેને સમજાશે કે જીવનમાં મુશ્કેલી શું છે, અને પીડા શું છે, અને વેદના શું છે.'

આ રામાયણની ખૂબ રમુજી વાર્તા છે.

જુઓ, જે  'હું ગુરુ છું' કહેતા ફર્યા કરે તે ગુરુ ન બની જાય. ગુરુ તત્વ તેનામાં પ્રકટ થાય છે જે ગુરુ હોવાનો દાવો કરતા નથી. જે સરળ અને સહજ રહે છે તે સદ્‌ગુરુ છે. આ ગુરુ તત્વ નો એક નાનકડો અંશ તમારા બધામાં પણ હાજર છે. તમે પણ કોઈ વ્યક્તિને આજે નહી તો ક્યારેક કેટલીક સારી સલાહ આપી છે, અને તમે પણ તમારી આસપાસના લોકોમાં પ્રેમ અને આનંદ ફેલાવો છો. ખરું ને!

આપણે શું  કરવું જરૂરી છે? આપણે પ્રેમ અને સેવા કંઈપણ મેળવવાની અપેક્ષા વિના જ કરવી જોઈએ. આ અગત્યનું છે.

સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ, મેં આ વ્યક્તિને ખૂબ જ પ્રેમ આપ્યો છે, પણ બદલામાં તેણે મને શું આપ્યું. આ રીતે, આપણે અન્ય વ્યક્તિને બતાવવા માંગીએ છે કે આપણે તેમને  પ્રેમ કરી તેમના પર ઉપકાર કર્યો છે, આ ન કરવું જોઇએ.

પ્રેમ તમારો સ્વભાવ છે, પ્રેમ કરવાનો અર્થ એ નથી કે તમે કહ્યા કરો કે, 'ઓહ, હું તમને કેટલો બધો પ્રેમ કરું છું’, ના! તે ગૌરવ, કરુણા, અને સરળતા, સહજતા સહિતનું વર્તન છે, અને આપણે આ ગુણો સાથે જ જન્મ લઇએ છે. જો ક્યારેક તમને મક્ક્મ થવું જરૂરી લાગે તો તમે મક્ક્મ થાવ, ગુસ્સો ત્યાં જ આવે જ્યાં અમુક પ્રમાણમાં પ્રેમ છે.

તેમ છતાં, તમારા બધા ગુણો નો ત્યાગ (સર્મપણ) કરીને અંદરથી ખાલી થઇ જાવ. ગુરૂ તત્વ ને વિકસાવવા તમારે આ કરવાની જરૂર છે - તમારા બધા જ હકારાત્મક અને નકારાત્મક ગુણો સમર્પિત કરો અને ખુશ રહો.

પ્ર: ગુરુદેવ, કહેવાય છે કે પુરાણકાળમાં લોકો વર્ષો સુધી સમાધિસ્ત રહેતા. પરંતુ આજના જમાનામાં વીસ મિનિટ બસ છે. શું આ કથાઓ સાચી છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, કેવી રીતે કોઈ સમાધિ માં બેઠા અને સમય જતાં તેમની આજુબાજુ એક કીડીનો રાફ્ડો બની ગયો હતો તેવી વાર્તાઓ છે, પણ તેવું નથી. તે એવું દર્શાવે છે કે જ્યારે કોઇ ધ્યાન માં બેસે છે ત્યારે શરીર પર અમુક સંવેદના થાય છે જાણે શરીર પર કીડીઓ ફરતી હોય.

એક સદ્‌ગુરુ ના માર્ગદર્શનમાં સમાધિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ગુરુ વિના સમાધિ નો અનુભવ કરી શકાતો નથી.

પ્ર: ગુરુદેવ, કુંડલિની શું છે? તેને કેવી રીતે જાગૃત કરી શકાય?

શ્રી શ્રી રવિ શંકર: કુંડનો અર્થ છે શરીર અને કુંડલિની એટલે આ શરીરમાંની સભાન ઊર્જા.

એડવાન્સ કોર્સ માં ધ્યાન દરમ્યાન જે અનુભવ થાય છે તે કુંડલિની જ છે. કુંડલિનીનું અર્થઘટન બીજી કોઈ રીતે શક્ય નથી. જો ધ્યાન થયું, તો તે કુંડલિની ની જાગૃતિ વગર શક્ય નથી. જો તમે ધ્યાન માં ઉતર્યા, તો તમારામાં કુંડલિની જાગૃત થઇ ગઇ છે.

પ્ર: ગુરુદેવ, હમણા તમે કહ્યું હતું કે તમે જીવનમાં જે મેળવવા માંગો છો, તે તમારી પાસે પહેલેથી જ છે એમ માની લો. શું હું મારા જીવન માં એક વ્યક્તિ વિશે પણ આ જ માની શકું?

શ્રી શ્રી રવિ શંકર: હા, તે શક્ય છે, પરંતુ કોઈ ખાતરી નથી કે તે આ જીવનકાળ માં થશે. તે આગામી જીવનકાળ અથવા દસ જીવનકાળ પછી પણ થઇ શકે છે. તેથી મેં જણાવ્યું હતું કે આકાંક્ષા પોતાના સમયે જ ફળિભૂત થશે.

પ્ર: ગુરુદેવ, મારું પારિવારિક જીવન સારું છે, સારી કારકિર્દી છે, પરસ્પર સંબંધો સારા છે, અને હું ખૂબ સંતુષ્ટ છું; મને ખબર છે કે ભગવાન મારી અંદર છે, તો શું મારે હજી ધ્યાન કરવું જરૂરી છે?

શ્રી શ્રી રવિ શંકર: જુઓ, ધ્યાન તમારી પાસે જે કંઈક છે તેને જાળવે છે. તમારા જીવનમાં બધું સારી રીતે ચાલી રહ્યું છે, તો તમે તે જાળવી રાખવા માંગો છો? શું તમે સારું સ્વાસ્થ્ય, સારા સંબંધો જાળવી રાખવા માંગો છો? તો પછી તમારે ધ્યાન કરવું જોઇએ.

ધ્યાન તાણ ઘટાડે છે નહીંતો તણાવ ધીમે ધીમે વધે છે અને પાંચ દસ વર્ષ પછી મોટો વિસ્ફોટ થશે. ધ્યાન તમને માનસિક સ્વસ્થતા રાખવામાં મદદ કરે છે અને તમારી પાસે પહેલેથી જ જે છે તે જાળવવામાં મદદ કરે છે.


તેથી જ તેને યોગક્ષેમમ્‌ કહેવામાં આવે છે; યોગ જે નથી તે પ્રાપ્ત કરવા, અને ક્ષેમ જે પહેલાથી જ છે તેનું રક્ષણ કરવા માટે. તમારી પાસે પહલેથી જ બધું હોય અને તમે તેને જાળવી રાખવા માંગતા હો તો ધ્યાન આવશ્યક છે. તમારી પાસે કંઇક નથી તો તે મેળવવા માટે પણ તમારે ધ્યાન કરવું જરૂરી છે.