Monday, 7 May 2012

કટોકટી ના સમયે જ વિશ્વાસ ની જરૂર પડે છે

મોન્ટ્રીઆલ  કેનેડા  - ૭ મે ૨૦૧૨

આ આખી સૃષ્ટિ એક ઊર્જાની બનેલી છે. બધું માત્ર એક જ વસ્તુમાંથી બનેલું છે. જ્યારે પણ તમને કંઈ પરેશાની હોય, જો તમે આ એક સિદ્ધાંત ને સમજશો - માત્ર એક જ ઊર્જા છે જેમાંથી બધું બનેલુ છે, તેથી તેની ઘણી શક્યતાઓ છે; તેનાથી ખૂબ રાહત મળે છે. તમે સમજો છો હું શું કહી રહ્યો છું?

બુદ્ધિ ત્રણ પ્રકારની હોય છે. એક બુધ્ધિ છે જે નિષ્ક્રિય છે અને કામ નથી કરતી; સૂતેલી, ઊંઘમાં અને માત્ર નકારાત્મકતાથી ભરેલી. આ તામસિક બુધ્ધિ છે. પછી રાજસિક બુધ્ધિ છે. મોટા ભાગના લોકોની રાજસિક બુદ્ધિ હોય છે. દરેક વ્યક્તિ રાજસિક બુદ્ધિથી કાર્ય કરે છે. રાજસિક બુધ્ધિ એટલે બધે તફાવતો જોવા - આ વ્યક્તિ અલગ છે, કે તે વ્યક્તિ અલગ છે, આ વ્યક્તિ આ રીતે વર્તે છે, કે પેલી સ્ત્રી તે રીતે વર્તે છે આ તફાવતો માં સમય વિતાવવો. વિચારવું કે ઘણા બધા લોકો છે, ઘણા જુદા વ્યક્તિત્વ છે, અને તે જ વાસ્તવિકતા છે. આવું કરવામાં ક્યારેક તમારી ચેતના ખૂબ ઊંચે જાય છે અને ક્યારેક ખૂબ નીચે. આ રાજસિક બુદ્ધિ છે. પછી આવે સાત્વિક બુધ્ધિ, કે જે ઉત્ક્રાંતિનું ધ્યેય છે. સાત્વિક બુદ્ધિ જુએ છે બીજા બધા તફાવતો ની નીચે માત્ર એક જ વસ્તુ છે. તે વાસ્તવિકતા છે. એક પાયાનું સત્ય છે. એ એક વસ્તુ જુદા જુદા સ્વરૂપે ઉપર આવે છે..

ચાલો હું એક ઉદાહરણ આપું. શું તમે કઠપૂતળીના ખેલ જોયો છે? રાજસિક બુદ્ધિ જુદી જુદી પૂતળીઓને અલગ અલગ પાત્રો તરીકે જુએ છે. સાત્વિક બુદ્ધિ કહે છે માત્ર એક જ વ્યક્તિ આ બધી પૂતળીઓને નચાવે છે.

ખરેખર તો તે એક જ વ્યક્તિનો ખેલ છે. એક વ્યક્તિ પડદા પાછળ રહીને, તેની દસ આંગળીઓ થી આ તમામ વિવિધ પટકથાઓ પડદા પર બનાવે છે અને તેમને નૃત્ય કરાવે છે. તમે કઠપૂતળીનો ખેલ જોયો છે? તે દસેય આંગળીઓ પર એક દોરો બાંધે છે અને તમામ પૂતળીઓને નચાવે છે. તેથી સાત્વિક બુદ્ધિ જુએ છે કે એક વસ્તુ,

એક સત્ય, એક વાસ્તવિકતા, એક ચેતના છે કે સમગ્ર વિશ્વના પાયામાં છે. જ્યારે આ સત્ય તમારા મનમાં પૂરેપૂરી રીતે બેસી જશે પછી તમે તફાવતો જોશો, તફાવતોની વચ્ચે રહેશો, તેમ છતાં તમે અવિચલ રહેશો.

જે ઘરનો પાયો સારો હોય તે ધરતીકંપ માં પડતુ નથી. તેની પાસે આઘાત શોષક (શૉક એબ્સોર્બર) છે. ખૂબ ઊંડે સુધી જાણવું કે આ બધું એક જ ચેતનાનું બનેલું છે એ સૌથી મોટો આઘાત શોષક છે. દરેક પદાર્થ એક ચેતના છે. હું તે એક ચેતના છું અને બધું તે એક ચેતના છે. જે આ જાણે છે તે સ્વતંત્ર છે. તેને મુક્તિ કહેવામાં આવે છે. 'હું મુક્ત છું. મને કશું પજવતું નથી.'

તમે જાણો છો અમે આર્ટ ઓફ લિવિંગના ૩૦ વર્ષ માં એક પણ મોટા વિવાદમાં ઘેરાયા ન હતા. અમે ઘણી સન્માનીય, ખૂબ જ સરળ વૈશ્વિક સંસ્થા હતા. તાજેતરમાં એક વિવાદ થયો અને તમામ મીડિયા અને તમામ ટોચના રાજકારણીઓ, બધાએ મારા એક વાક્ય પર ટીપ્પણી કરી. અમારા કેટલાક શિક્ષકો અને સ્વયંસેવકો તો ગભરાઇ ગયા. 'શા માટે આ થયું. ઓહ ગોડ, આ નકારાત્મક પ્રચાર છે', અને આ અને તે. મેં કહ્યું, 'જે થાય તે થવા દો.'

મેં એક નિવેદન કર્યુ હતું કે સરકારે શાળાઓ ન ચલાવવી જોઈએ. તમે જોશો કે NGO, મિશનરીઓ, અથવા આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવેલી શાળાઓમાંથી કોઇ હિંસક વિદ્યાર્થી નથી નીકળતા. હિંસા માત્ર સરકારી શાળાઓમાં શીખે છે. જુઓ, કોઇ નેતા કે મિનિસ્ટર તેમના બાળકોને સરકારી શાળાઓમાં મોકલતા નથી. તેઓ બધા જ તેમના બાળકો ને ખાનગી શાળાઓમાં મોકલે છે. તેથી જ્યારે મેં આ લીધું કે, જાણે બોંબ ફૂટ્યો.

મેં આ એક બેઠકમાં કહ્યું હતું, જ્યાં હું એક સંસ્થાના રજત જયંતિ સમારોહ માટે ગયો હતો.

તેથી તરત જ અમારા એબીસી (આર્ટ ઓફ લિવિંગ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન) વિભાગ માંથી રાત્રે ૧૦ વાગ્યે ફોન આવ્યો અને મને પૂછ્યું કે, 'ગુરુજી આ ચેનલ અમને આ વિશે પૂછે છે, અમે શું કહીએ?' મેં કહ્યું, 'વિવાદ થવા દો, ચિંતા ન કરશો. કોઇ જવાબ ન આપશો અને કાંઇ ન કહેશો.' આ વિવાદ ને કારણેશું થયું? રાષ્ટ્રીય ટેલિવિઝનની ઘણી ચેનલો પર ચર્ચા કરવામાં આવી - શું શ્રી શ્રી સરકારી શાળાઓ માટે વાજબી ટિપ્પણી કરે છે, તેમણે દિલગીરી વ્યક્ત કરવી જોઇએ અને માફી માંગવી જોઇએ. ઘણા લોકો તે જોતા હતા અને કેટલાક સામે હતા કેટલાક સાથે હતા. અને તેમણે આપણા લોકોને પણ આમંત્રિત કર્યા હતા. આપણા શિક્ષકો ગયા અને તેઓ બેઠા અને આપણા બધા કરેલા કામ વિશે વાતો કરી હતી. રાષ્ટ્ર ને આપણે કરેલા બધા સારા કામ વિષે ખબર પડી, અન્યથા તેવું ન થાત. અમે ૧૮૫ મફત શાળાઓ ચલાવીએ છે, આ તમામ ટેલિવિઝન પર પ્રસારિત થયું. તેથી એક અથવા બે દિવસ માટે નકારાત્મક જણાતી બાબત છેવટે આપણી તરફેણમાં આવી. હું આ એટલા માટે કહુ છું, કારણ કે સપાટી પર એક વસ્તુ દેખાય પરંતુ નીચે તે જુદી જ હોય છે. તેથી મૂંઝાઓ નહીં. તેનાથી હલી ન જાઓ. સ્વસ્થતા અને શાંતિ સાથે જાણો, બધું એક જ વસ્તુનું બનેલુ છે, અને તે વસ્તુ હું છું, અને બધું તે છે. આ જ્ઞાન જો સમજવામાં અત્યંત લાગે તો હું તમને કહીશ, તે અશક્ય નથી. બેશક, જ્યારે તમે સત્સંગ માં બેઠેલા છો, હા, તે તમને સમજાશે, પરંતુ પછી તમે રસોડામાં જશો એટલે બધું બદલાશે. તમે પાછા ઘરે જશો અને એથીય વધારે બગડશે. 'આ શું બધું એક છે? હું અત્યારે મુશ્કેલી માં છું. તે વ્યક્તિ મારું કહેલું સાંભળતી નથી અને આ વ્યક્તિ મારા વિશે ફરિયાદ કરે છે,' વગેરે વગેરે. પરંતુ તે અશક્ય નથી.

આ સાત્વિક બુધ્ધિ, સાત્વિક સમજશક્તિ, જ્યારે તે ઉગે છે, તેને સત્વ શુધ્ધિ કહેવામાં આવે છે જ્યારે શુદ્ધ બુદ્ધિ તમારામાં ઉગે છે, તે અંદરથી પ્રચંડ સ્વતંત્રતા લાવે છે. શારીરિક કચરામાં થી સ્વતંત્રતા, ભાવનાત્મક અને વૈચારિક કચરા માંથી સ્વતંત્રતા. આપણે આપણા મનમાં કેટલો બધો કચરો ભરીએ છીએ.

આપણે લોકોનો સ્વભાવ આવો હશે કે તેવો હશે તેમ ધારી લઇએ છે, ભલે ને તે ન હોઈ શકે. અને આપણે લોકો અમુક જ રીતે કામ કરશે અથવા અમુક જ રીતે પ્રતિક્રિયા કરશે તેવું ધારી લઇએ છે. એવું શા માટે?

જીવન તમને ઘણા આશ્ચર્ય આપશે. ક્યારેક તમને એમ લાગે કે કોઇ તમારો ખૂબ સારી મિત્ર છે, અને અચાનક તમે પાછા વળીને જોશો તો દેખાશે કે તે જ મિત્ર તમારા માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે.

તમારામાંથી કેટલાને આ અનુભવ છે? (ઘણા તેમના હાથ ઉંચા કરે છે) (શ્રી શ્રી હસતા હસતા) આ જુઓ. કારણ કે તે એક જ ચેતના છે જે બધું ચલાવે છે, સમગ્ર બ્રહ્માંડ ને ફેરવે છે.

જે હૃદય માં આ અનુભવે છે અને તે પોતાના માં અનુભવે છે, તે કહે છે, 'આહ! મુક્તિ! હવે મારે બેસીને આ વ્યક્તિ કે પેલી વ્યક્તિ, કે તે સ્ત્રી કોઇના વિશે વિચારવું નહીં પડે.' આ બધુ તમારા દિમાગમાં ઘૂમ્યા કરે છે. તેની કોઇ જરૂર નથી. બધું એક જ ચેતના છે. બધા એક ઢીંગલી જેવા છે જે આંગળીએ બાંધેલા દોરાને પકડીને, ઉપર અને નીચે કૂદે છે, અને તેમના કર્મ તેમને બધુ કરાવે છે.

આ જ્ઞાન થી મુક્તિ ન મળે? પ્રચંડ સ્વતંત્રતા! તે કયા પ્રકારની સ્વતંત્રતા લાવે છે? તે રાગ અને દ્વેષ થી સ્વતંત્રતા લાવે છે. જ્યારે તમે આ જાણશો, ભૌતિક સ્તર પર દારૂ, ડ્ર્ગ્સ, અને એવા અનિચ્છનીય બંધનો જે આપણે આપણા પોતાના મનમાં બનાવેલા છે તે આપમેળે જતા રહેશે.

પછી ભાવનાશીલ કચરો - તે વ્યક્તિએ મારી સામે જોયું અને પેલી વ્યક્તિએ ન જોયું. હું તેને પ્રેમ કરુ છુ પણ તે મને સામે પ્રેમ નથી કરતી. પહેલાં, તે બધા મારા તરફ પ્રેમાળ હતા પરંતુ હવે તેમને બધાને શું થઇ ગયું - આ બધી વસ્તુઓ નહીં રહે. આ બધો લાગણીઓનો કચરો જે આપણે આપણા મનમાં ભરી રાખીએ છે, આપણો પ્રેમ સાબિત કરવાનો પ્રયાસ અને અન્ય ના પ્રેમની સાબિતી માટે પૂછપરછ, આ બધું જતુ રહેશે.

પછી વૈચારિક કચરો. વિશાળ પુસ્તકો લખવામાં આવે છે; ઘણા પુસ્તકો, લખાયેલ છે - બધા વિચારો અને સંકલ્પનાઓ. જાણે કોઇ વ્યક્તિ જેણે ક્યારેય હાથી નથી જોયો તે હાથી વિશે પુસ્તકો લખે છે. કલ્પના કરો, ટેલિવિઝન પણ ન હતું, પણ માત્ર એક હાથીનું ચિત્ર, હાથે દોરેલો સ્કેચ જોઈ અને તે હાથી, તેની વર્તણૂક અને તેને કઇ રીતે નિયંત્રિત કરવો જોઈએ તેના પર નિબંધો લખે છે. આ પરિસ્થિતિ છે. જે લોકોને ચેતના વિશે

ઓછામાં ઓછી સમજ છે, તેઓ પુસ્તકો અને પુસ્તકો અને થોથા લખે છે, અને તેઓ bestsellers પણ બની જાય છે! આ સૌથી રમુજી વાત છે.  તેથી તમને વૈચારિક કચરામાંથી સ્વતંત્રતા મળે - આ વ્યક્તિને સાંભળી, તે વ્યક્તિ અને તે વ્યક્તિ, ના! બધું એક વસ્તુનુ બનેલુ છે. કેટલું સુંદર છે, નહીં? ખૂબ સરસ!

પ્ર: ડિયર ગુરુજી, તમે કહ્યું છે કે ભૂતકાળ અને ભવિષ્ય વર્તમાન ક્ષણમાં થાય છે. સમય આપણને લાગે છે તેમ સીધી લીટીમાં નથી જતો. મેં આના પર વિચાર કર્યો છે અને હું થોડો મૂંઝવણમાં છું. તમે કૃપા કરીને થોડુ સમજાવશો?

શ્રી શ્રી રવિ શંકર: માત્ર થોડી જ મૂંઝવણ? તમે સંપૂર્ણપણે મૂંઝવણમાં હોવા જોઈએ. (હાસ્ય) એ જ તો મારું કામ છે- તમને સંપૂર્ણપણે મૂંઝવી દેવા. ભાવિ યોજનાઓ વર્તમાનમાં થાય છે બરાબર. તે આ ક્ષણમાં જ હોય છે. વીતેલી ક્ષણોની ચિંતાઓ આ ક્ષણમાં જ હોય છે. માત્ર વર્તમાન ક્ષણનું જ અસ્તિત્વ છે. સમગ્ર ભૂતકાળ, સમગ્ર ભવિષ્ય બધું વર્તમાન ક્ષણમાં જ અસ્તિત્વ ધરાવે છે.

પ્ર: શા માટે કેટલાક આત્મસાક્ષાત્કાર શોધે છે જ્યારે બીજા નથી શોધતા?

શ્રી શ્રી રવિ શંકર: શા માટે મેપલ વૃક્ષો માત્ર અહીં ઉગે છે અને ફ્લોરિડામાં નથી ઉગતા?

પ્ર: શા માટે વિશ્વમાં ખૂબ જ ગરીબી છે?

શ્રી શ્રી રવિ શંકર: કે જેથી તમને તેને માટે લાગી આવે અને તમે તે વિશે કંઈક કરી શકો. જો વિરોધી પરિબળો ન હોય, તો તમે તે જાણી પણ ન શકો. માંદગી ને કારણે જ આરોગ્યની કિંમત છે. ગરીબી ને કારણે જ સંપત્તિની કિંમત છે. બરાબર? વિરોધી પરીબળો સહ અસ્તિત્વ ધરાવે છે અને તેઓ એક્બીજાના પૂરક છે. હું અહીં ગરીબી ની તરફેણ નથી કરતો, મને ખોટો ન સમજશો.