Sunday, 24 September 2017

જ્ઞાનનાં ચાર આધારસ્તંભ - વિવેક

૧૬ ઓગસ્ટ ૨૦૧૬, બેંગ્લુરુ, ભારત

પ્ર: ગુરૂદેવ, જ્ઞાનનાં ચાર સ્તંભ કયા છે? તે કેવી રીતે આંતરિક વિકાસ અને બાહ્ય વિકાસ  માટે ઉપયોગી થઈ શકે છે? તેની પાછળનું રહસ્ય સમજાવો.

શ્રી શ્રી રવિ શંકર: જ્ઞાનનો પહેલો આધાર વિવેક છે. વિવેક નો અર્થ છે ટૂંકા ગાળા અને લાંબા ગાળે વચ્ચેનો ભેદ સમજવાની ક્ષમતા; શું અસ્થાયી છે અને શું કાયમી છે; શું ટકાઉ છે અને શું નાશવંત છે. દરેકે આ ભેદભાવ અથવા ફરક જાણવાની જરૂર છે.  આવા વિવેકનો અભાવ દુઃખનું કારણ બને છે.

ઘણી વાર જ્યારે સ્કૂલ કે કૉલેજમાં બાળકોને અમુક પરીક્ષામાં ખૂબ ઓછા ગુણ મળે છે, ત્યારે તેઓ મકાનના ૧૦ મા કે ૧૫ મા માળેથી કૂદીને આત્મહત્યા કરે છે. આ વિવેકનો અભાવ છે. જીવન ફક્ત પરીક્ષામાં સારા ગુણ મેળવવા પર આધારિત નથી. આપણે નાની અને ક્ષુલ્લક બાબતોથી મુશ્કેલી અનુભવીએ છીએ અને વ્યગ્ર થઇ જઇએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રીને તેની સાસુ સાથે ઝઘડો થાય, તો તે પોતાની માતાના ઘરે જાય છે અને સાથે તેના બાળકોને પણ લઈ જાય છે! પણ જુઓ, ભૂતકાળમાં તેનો પોતાની મા સાથે ઝઘડો નથી થયો? વિવેકનો અર્થ છે કે શાશ્વત શું છે અને અસ્થાયી શું છે તેનો ફરક સમજવો.

આપણે બધાએ રોજિંદા જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોના જીવનમાં આવું નથી બનતું? પરંતુ જો તમે તમારા જીવનની તુલનામાં સમસ્યાઓને બહુ મોટી સમજી લો, તો તે અવિવેક છે (મૂર્ખતા અથવા વિવેકનો અભાવ). જીવન આ સમસ્યાઓ કરતા ઘણું મોટું છે. જ્યારે તમે તમારા જીવન ને આ સંદર્ભમાં જુઓ છો, ત્યારે તમને જીવન બોજરૂપ નહીં લાગે. વિવેક એટલે શાશ્વત અને ક્ષણ-ભંગુર (અસ્થાયી અથવા ક્ષણિક) વચ્ચે નો ભેદ સમજવો, સત્ શું છે અને અસત્ શું છે તેનો ભેદ સમજવો.

આપણું શરીર કાયમી નથી. તે હંમેશા બદલાયા કરે છે. આપણા શરીરનો પ્રત્યેક કોષ દરેક સમય બદલાતો રહે છે. છતાં આપણામાં એવી કોઈ વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી. તમે કોઈ ફેરફારને જોઇ શકો છો કારણ એવું કંઇક છે જેમાં ફેરફાર થતો નથી. તમારામાં રહેલા આ શાશ્વત પાસાને કારણે તમે બહારના ફેરફારોને ઓળખી શકો છો. વિવેક એટલે શું બદલાય છે અને શું નથી બદલાતું તે સમજવું; જીવનમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના શું લાભ છે તે સમજવું.

ઘણી વખત તમને ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ફાયદા વચ્ચે ભેળસેળ થઈ જાય છે, અને તમે મોટી આફતમાં આવી જાઓ છો, આવું નથી થતું? જ્યારે તમે સ્થાયી અને અસ્થાયી વચ્ચેનો તફાવત કરી શકતા નથી, ત્યારે તમને જીવનની ક્ષુલ્લક સમસ્યાઓ પણ સહેલાઈથી પજવી શકે છે. પછી તમે તમારા પોતાના માટે સમસ્યાઓ ઊભી કરો છો અને તમારી આસપાસના લોકોને પણ અસ્વસ્થ કરો છો. આ વલણ અવિવેક છે. તેથી વિવેકનું જ્ઞાન હોવું અને વિવક જાગ્રત થવો એ જ્ઞાનનો પ્રથમ આધારસ્તંભ છે.

ક્યારેક આપણને જે દેખાય છે તે ખરેખર હોતું નથી, પરંતુ આપણે જે છે તેના બદલે દેખાવને વળગી રહીએ છીએ, અને આ પણ વિવેકનો અભાવ છે. જે દેખાય છે તે હંમેશા વાસ્તવિક નથી. ઉદાહરણ તરીકે, તમે કોઇને મળવા તેમના ઘરે ગયા છો. ઘરની સ્ત્રીએ દૂધને સ્ટોવ પર ઉકાળવા મૂક્યું છે, અને તમારું આગમન થતા, તે તમને મળવા બારણે આવે છે. જ્યારે તે બારણે આવે છે, ત્યારે તેને તરત જ રસોડામાં ઉકળતું દૂધ યાદ આવે છે અને ઉતાવળમાં દરવાજાને જોરથી બંધ કરીને તે અંદર દોડે છે. તેને દૂધ બળી જશે તેવો ભય હતો પરંતુ તમને લાગ્યું કે "મારું આવું અપમાન! હું તેની મુલાકાત લેવા આવ્યો છું અને તેણે મારા મોઢા પર દરવાજો બંધ કર્યો". હવે, તમને જે લાગ્યું તે સાચું ન હતું. તેણીએ ઇરાદાપૂર્વક આમ કર્યું ન હતું પરંતુ તમને લાગ્યું કે તેણીએ તમને મળવાની ઇચ્છા ન હોવાથી દરવાજો મોઢા પર પછાડીને બંધ કર્યો. આ તમારા મનમાં ગેરસમજ અથવા ભ્રાંતિ છે અને આ અવિવેક છે.