Tuesday, 26 November 2013

દુઃખ તરફ જોવાનો સાચો દ્રષ્ટિકોણ


૨૬
૨૦૧૩
નોવેંબર
બેંગલોર, ભારત


તમારામાંના ઘણા મને ઘણી વખત કહે છે, 'ઓહ, મને દુઃખ નો અનુભવ થાય છે'. તમે પ્રેમમાં પડો છો, અને પછી દુઃખી થાઓ છો, ખરું કે નહીં? કેટલાને આ અનુભવ છે? (ઘણા તેમના હાથ ઊંચા કરે છે)

તમે જેને પ્રેમ કરો છો તે લોકો પાસેથી અમુક વર્તાવ અથવા પ્રતિક્રિયા ની તમને અપેક્ષા નથી હોતી, અને તમને એક અણધારી પ્રતિક્રિયા મળે છે અને તમે દુઃખી થાઓ છો.

તમારા દિલને ઠેસ પહોંચે ત્યારે શું થાય છે? તમે દિલ ના બારણા બંધ કરવા માંડો છો, તમે અતડા થવા લાગો છો. આવું ત્રણથી વધુ વખત થાય, તો તમારા આખા વ્યક્તિત્વ પર અસર પડે છે. પછી તમે ખૂબ કઠોર અને ગુસ્સાવાળી વ્યક્તિ બની જાઓ છો. આવું થાય છે કે નહીં?

ધારો કે કોઇ તમને દુભાવે છે, તો તેની આગામી ક્ષણે તમે કેવી રીતે વર્તશો? તમે કઠોર, ઉધ્ધત અને ગુસ્સે થઇ જશો. આ એક પ્રતિક્રિયા છે. આને બીજી રીતે પણ જોઇ શકાય.

શા માટે કોઈ અન્ય વ્યક્તિને દુભાવે છે? માત્ર બે પ્રકારના લોકો તમને દુભાવી શકે છે. પહેલા પ્રકારના જે જ્ઞાની છે તે તમને દુઃખ પહોંચાડે છે કે જેથી તમે ઉંઘમાં થી જાગો. વેદના તમને જગાડે છે, ક્યાંક તે તમને મજબૂત બનાવે છે.

બીજા પ્રકારના જે પોતે ઈજા પામેલા છે અથવા જે અજ્ઞાની છે. આ વ્યક્તિ અજ્ઞાની છે, અથવા તેમની પોતાની ચોટથી ગુસ્સો, તિરસ્કાર કે કઠોરતા અનુભવે છે. તો હવે તમારી સામે માત્ર બે પ્રકારના લોકો છે, જેમના દ્વારા તમને દુઃખ કે પીડા મળે છે. તેથી જો તમને કોઈની ક્રિયાઓ દ્વારા ઠેસ પહોંચે તો વિચારો કે તમને એક પાઠ ભણવાની જરૂર છે, અને તેથી તે તમારા તરફ આવી રહ્યો છે.

પ્રાચીન પરંપરા માં ગુરુ આવું કરતા. તે જેણે કશું ખોટું કર્યું નથી તેવી વ્યક્તિને જવાબદાર ઠેરવતા. શા માટે? જ્યારે તમે તે દોષ લો છો, ત્યારે તમે મજબૂત બનો છો. જે ભૂલ નથી કરી તેના આરોપ પછી પણ તમે સ્મિત કરતા કરતા તેમાંથી તમારે જાણવા જરૂરી પાઠ લઈ શકો. જો તમને ખબર હોય કે કેટલાક કર્મ  ધોવાઇ રહ્યા છે, તો તમને ખ્યાલ આવશે કે તમે મુક્ત થઇ રહ્યા છો. આ રીતે સભાનપણે હૃદય દૌર્બલ્યમ્ (હૃદય ની નબળાઇ) દૂર કરતા.

ભગવદ્ ગીતા માં ભગવાન કૃષ્ણ પ્રથમ અર્જુનને લઢીને દુઃખ પહોંચાડે છે 'તું કેવો કાયર છે, રણમેદાનમાંથી ભાગી જવાની વાત કરે છે? દુનિયા તારા વિશે શું વિચારશે! અર્જુન ડરપોક છે અને કાયર છે. તને લાગે છે તું બુદ્ધિશાળી છે? તું એક મહાન વિદ્વાનની જેમ વાત કરે છે પણ જે વસ્તુ માટે રડવાનું ન હોય તેના માટે રુદન કરે છે. તેમણે માત્ર એટલું કહેવાનું બાકી રાખ્યું કે 'તું મૂર્ખ છે!'
આટલી નજીકની વ્યક્તિ પાસેથી આવા શબ્દો સાંભળીને અર્જુન ને લાગે છે કે આ જ તેનું વિશ્વ છે! તે વિચારે છે કે તે સાચો છે અને તેનું વિશ્વ સાચું છે, તેથી તે ભગવાન કૃષ્ણને પડકારે છે અને કહે છે, 'તમે શા માટે આવું કહો છો? તમે શા માટે મને આ યુદ્ધ લડવા પ્રેરો છો? તેમાં મને શું મળશે? આવી ખોટી વસ્તુ કરવા મને ના કહો'. અર્જુન એમ માને છે કે તે સાચો છે અને કૃષ્ણ ભગવાન ખોટા છેઅર્જુન તેની બહાદુરી માટે જાણીતો હતો, અને ભગવાન કૃષ્ણ તેને કહે છે 'તું ડરપોક છે!'. તમે સૌથી શૂરવીર માણસને તે ડરપોક છે તેવું કહો તેનાથી મોટું બીજું કોઇ અપમાન નથી.

હવે, કૃષ્ણએ આ કહ્યું, ત્યારે અર્જુને દલીલ ન કરી. તેણે 'ના, મને ડરપોક ન કહો', તેવી દલીલો ન કરી.
તેણે તે સ્વિકારી લીધું અને કૃષ્ણને કહ્યું, 'હું સમજું છું કે તમે મને શું કહેવા માંગો છો. તમે મને મારા કરતા પણ વધુ સારી રીતે ઓળખો છો'.

તેથી જો તમને દુઃખ લાગે, પીડા થાય તો મનના બારણા બંધ ન કરી દો. પરિસ્થિતિ ને ધ્યાનથી તપાસો. જો કોઇ શાણો માણસ અથવા જેના માટે તમને માન છે તેનો વર્તાવ તમને દુઃખ પહોંચાડે છે તો તેની પાછળ ચોક્કસ કોઇ સારું કારણ હશે. જો કોઇ મિત્ર તમને દુઃખ પહોંચાડે છે, તો જાણો કે તમે તમારા કેટલાક કર્મો માંથી મુક્ત થઇ રહ્યા છો. 'મેં ભૂતકાળમાં આ વ્યક્તિ ને કંઈક કર્યું હોવું જોઈએ, તેથી આ વ્યક્તિ તેનો બદલો વાળી રહી છે.'

જો દુઃખ એક અજ્ઞાની વ્યક્તિ તરફથી આવતું હોય, તો તેના પ્રત્યે કરુણા રાખો. બિચારો, તે વ્યક્તિ પોતે જ ખૂબ પીડા માં હશે, અને તેથી તે મને પીડા આપે છે. તેને ખબર જ નથી કે બીજું શું કરવું. લોકો પાસે જે હોય તે જ તેઓ આપશે. કોઈ પીડીત અને દુઃખી છે, તેઓ માત્ર તેમની પાસે જે છે તે જ આપી શકે.
આ ત્રણ વલણ તમારા સમગ્ર વ્યક્તિત્વ ને ચમકાવી દેશે.

મને યાદ છે, એક વખત મહર્ષિ મહેશ યોગીએ તેમના સાથી સ્વામી સત્યાનંદને, ૧૦૦૦ કાયસ્થ હિન્દુ છોકરાઓને શોધીને કેટલાક વહીવટી પ્રોજેક્ટ માટે તેમને તાલીમ આપવાનું જણાવ્યું હતું. તે કાયસ્થ લોકોમાં માનતા હતા. આ કાયસ્થ લોકો પરંપરાગત સંચાલકો હતા.

તેથી તેમણે સ્વામીજીને અલ્હાબાદ જઇને ૧૦૦૦ કે ૧૦,૦૦૦ એવા મોટી સંખ્યામાં લોકોની ભરતી કરવા નું કહ્યું. ત્રણ મહિનાની સખત જહેમત પછી સ્વામી સત્યાનંદે ફોન કરીને મહર્ષિને કહ્યું, 'મેં ૧૦,૦૦૦ કાયસ્થ છોકરાઓ અને યુવાનો ની ભરતી કરી છે'. મહર્ષિ ખૂબ ગુસ્સે થઇ ગયા, અને બોલ્યા 'આવું તમને કોણે કહ્યું? આવું તમે શા માટે તે કર્યું? આ ખોટું છે. તમારે બધાની ભરતી કરવી જોઈએ. શા માટે તમે માત્ર કાયસ્થ છોકરાઓની ભરતી કરી?'

તેમણે પોતે જ સ્વામી સત્યાનંદને તેમ કરવા કહ્યું હતું, અને હવે તે આ પ્રશ્ન પૂછે છે! તે સ્વામીજી માટે મોટો આઘાત હતો, કારણ કે તેમણે સાચા દિલથી કામ કર્યું હતું.

આ અત્યંત શાણા માણસની ક્રિયા ને એક અલગ દ્રષ્ટિકોણથી જોવી જોઇએ. એને સામાન્ય માનવીના મનથી નહિં પણ એક દિર્ઘ દ્રષ્ટિકોણથી મૂલવવી જોઇએ. તેવી ભાવનાથી નહીં, કે તેઓ મારા પર રોષે ભરાયા છે કે તેઓ મારા વિશે ખરાબ વિચારે છે! ના, જેમ તમે બધો સમય વિચારતા હો છો તેવી રીતે નહીં!

રશિયામાં ગુર્જીએફ નામે એક મહાન માણસ હતો. તે લોકોને આવી રીતે આંચકો આપવા માટે જાણીતો હતો. તમને ફરીફરીથી આંચકા મળે તો તે જાણે દુનિયાના દુઃખ ની રસી મળે તેવું છે. તમને ફરીથી કોઈના દ્વારા ઈજા નહીં થાય.

ઘરે માતા પણ તેમ જ કરે છે. જો માતા તેના બાળકોને વઢે નહીં તો તેઓ નબળા બની જાય છે કારણ કે તેઓ ડરપોક બની જાય છે. ખાસ કરીને શ્રીમંત પરિવારના બાળકોમાં આ મોટી સમસ્યા હોય છે કારણ કે તેમને તેમની માતા ક્યારેય ટોકતી નથી. તેથી તેઓ બહારના કોઈની એક સરળ ટીકા પણ સહન કરી શકતા નથી. તેઓ ટીકા પચાવી નથી શકતા. મનથી તેથી નબળા બની જાય છે.
તમને કોઇ શાણી વ્યક્તિ, અથવા કોઇ વૃદ્ધ વ્યક્તિ, અથવા તમારા માતા કે પિતા પાસેથી ઠપકો મળે તો જાણો કે
તે સારા કારણ માટે હોય છે, કાંઇક શીખવા માટે હોય છે. પછી તે તમને સ્પર્શશે પણ નહીં.

અને કોઇ મિત્ર તમને ઠેસ પહોંચાડે તો તમારે માનવાનું કે, આ વ્યક્તિએ મને દુઃખ પહોંચાડ્યુ તેથી મારા કેટલાક કર્મ ઓછા થઇ ગયા. અને જે પોતે દુઃખી છે તે તમને દુઃખ પહોંચાડે તો તમારે કરુણા નું વલણ રાખવું. તો પછી તે ઠેસ કે ઇજા વધુ દુઃખ નથી આપતી, પરંતુ તમને અંદરથી મજબૂત બનાવે છે. અને તમે જેમ વધુ મજબૂત બનો, સ્મિત કરતા રહો છો. નહીં તો તમે જો આખો દિવસ તે વિશે વિચાર્યા કરો અને અપસેટ રહો તો, તમારું મન નકારાત્મક વિચાર કરતું થઇ જાય છે.

આ તમારી પસંદગી છે. કાં તો તમે આમ નકારાત્મક વિચાર કર્યા કરો, અથવા તમે દરેક તક, ચાહે તે દુઃખ હોય કે પીડા, નો ઉપયોગ વધુ મજબૂત બનવા અને વધુ જ્ઞાની બનવા કરો.