તમારા હાથની દરેક આંગળી એક ગ્રહ સાથે જોડાયેલી છે. અંગૂઠો મંગળ સાથે જોડાયેલો છે. મંગળ એકલો હોય છે. પહેલી આંગળી ગુરુ સાથે જોડાયેલ છે (ગુરુ માર્ગ બતાવે છે, તે શિક્ષક છે). જ્યારે તમે કંઈક બતાવવા માંગો છો, ત્યારે તમે પહેલી આંગળી ચીંધીને બતાવો છો, આ ગુરુ છે. વચ્ચેની આંગળી (જે સૌથી લાંબી છે) શનિ સાથે જોડાયેલી છે; શનિ સેવક છે. ત્રીજી આંગળી (જેના પર લોકો સામાન્ય રીતે વીંટી પહેરતા હોય છે) સૂર્ય સાથે જોડાયેલી છે; સૂર્ય એ રાજા છે. અને ઝવેરાત કોણ પહેરે છે? રાજા, અને તેથી તમે ફક્ત ત્રીજી આંગળી પર વીંટી પહેરો છો. ટચલી આંગળી બુધ સાથે જોડાયેલી છે. તો જ્યારે તમે ચીન્મુદ્રા કરો છો, ત્યારે શું થાય છે? પહેલી આંગળી (બૃહસ્પતિ) અને અંગૂઠો (મંગળ) એક સાથે મળે છે, તે શાણપણ અને શક્તિ નો મેળાપ છે.
અંગૂઠો મંગળથી શા માટે જોડાયેલ છે? કારણ કે જ્યારે તમે જીતો છો, ત્યારે તમે શું કરો છો? તમે તમારો અંગૂઠો ઉંચો કરીને બતાવો છો. આ વિજયની નિશાની છે. જ્યારે તમે હારો ત્યારે તમે શું કરો છો? તમે તમારો અંગૂઠો નીચો કરીને બતાવો છો. તેથી આ હાવભાવ આપણી સાથે ક્યાંક ઊંડે સુધી જોડાયેલા છે.
વિવિધ ગ્રહો તમારા શરીરના વિવિધ ભાગો પર અસર કરે છે. તમારા દાંત શનિ સાથે જોડાયેલા છે. તમારી આંખો સૂર્ય સાથે જોડાયેલ છે, તમારા ગાલ શુક્ર સાથે જોડાયેલા છે, કપાળ બુધ સાથે, અને નાક ગુરુ સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે જે પીંડે તે બ્રહ્માંડે. કેટલી રસપ્રદ વાત છે!
તેવી જ રીતે, મન નો મિજાજ ચંદ્ર પર આધાર રાખે છે. આપણો મિજાજ સવા બે દિવસથી વધુ વખત એક સરખો રહેતો નથી. ચંદ્ર તે સમય ગાળામાં એક જ જગ્યાએ હોય છે. જે ક્ષણે ચંદ્ર તે સ્થળેથી ખસે છે; તમારો મૂડ (મિજાજ) પણ બદલાય છે. અને જ્યારે ચંદ્ર અને શનિ ભેગા થાય છે, ત્યારે લોકોને હતાશા (ડિપ્રેશન) થાય છે. એટલે આ લાગણીઓ આવે છે અને જાય છે, તે કંઈ કાયમી નથી. કોઈ ગ્રહ એક સ્થાને કાયમ માટે સ્થિર નથી. તેઓ બધા ફરતા રહે છે. પરંતુ જ્યારે તમે આ લાગણીઓની સાથે તમારી જાતને સંલગ્ન માનો છો, ત્યારે તમે અટવાઇ જાઓ છો. આવા સમયે તમે સ્થગિત થઇ જાઓ છો. તે સ્થગિત લાગણીઓનું ઝેર ત્યારે તમારા શરીરમાં ફેલાય છે અને તમે બીમાર થાઓ છો. આ બધું જાણવાનું બહુ રસપ્રદ છે ને? તો એનો શું માર્ગ છે? તેમાંથી કેવી રીતે આગળ વધવું?
વાદળછાયા દિવસે જ્યારે ફ્લાઇટ શરૂ થાય છે, ત્યારે પ્લેન શું કરે છે? તે વાદળોની ઉપર જાય છે, અને પછી ત્યાં સૂર્યનો પ્રકાશ જોવા મળે છે. આધ્યાત્મિક ઉપાયો પણ તેવું કરે છે. તેઓ આપણને ચિત્તાકાશ (મનમાં રહેલું અવકાશ) થી ચિદાકાશ (શુદ્ધ ચેતનાનો અવકાશ) સુધી લઇ જાય છે. આપણે બધી જ લાગણીઓથી પરે જઇને આગળ વધીએ છીએ.
૧૨ નક્ષત્રોમાંથી પસાર થતા ૯ ગ્રહો પરિવર્તનના ૧૦૮ એકમો લાવે છે. તેથી સારી અસરો વધારવા માટે અને નબળી અસરોને ઘટાડવા માટે, 'ઓમ નમઃ શિવાય' નો જાપ ૧૦૮ વખત કરવામાં આવે છે. તે તમારી ઉન્નતિ કરે છે, તમારી ચેતના્ને ઉન્નત કરે છે અને તમને આગળ વધારે છે. તે તમને ચિદાકાશ (શુદ્ધ ચેતનાનો અવકાશ) સાથે જોડે છે.