૯ જુલાઇ, ૨૦૧૭, બૂન આશ્રમ, અમેરિકા
"ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ તમને યાદ અપાવે છે કે તમે વિશ્વનો પ્રકાશ અને વિશ્વ માટેનો પ્રકાશ છો. સારો પ્રકાશ કે ખરાબ પ્રકાશ હોતો નથી. પ્રકાશ એ માત્ર પ્રકાશ છે! તેથી, ગંભીર ન બનો - હળવા બનો! (અંગ્રેજીમાં light શબ્દના બે અર્થ છે, પ્રકાશ અને હળવું, એના પર ગુરુજીનો રમૂજભર્યો શબ્દપ્રયોગ)
તમે પ્રકાશરૂપ છો તે યાદ કરવાનો દિવસ
ગુરુ પૂર્ણિમાની ઉજવણી તમને યાદ કરાવે છે કે તમારે એક સત્ય પર મનન કરવાની જરૂર છે - તમે પ્રકાશરૂપ છો તે. તેનો ઉદ્દેશ તમારા જ્ઞાનને તાજું કરવાનો છે અને તમારી લાગણીઓને પુનર્જીવિત કરવાનો છે.
ઉત્સવ લાગણીઓને સજીવન કરે છે, ચેતનાનો પુનઃસંચાર કરે છે અને તમને જ્ઞાનની યાદ અપાવે છે. આ ઉજવણીનો હેતુ છે. આ બધું આપણામાં પ્રત્યેક સમયે હોય છે, પણ તેને બહાર લાવવા એક પ્રસંગ જરૂરી હોય છે.
જુઓ, દરિયામાં પાણી હંમેશાં હોય છે, પણ જ્યારે પૂર્ણિમા નો ચંદ્ર હોય ત્યારે ભરતી ના મોજા ઉંચે ઉછળે છે. એ જ રીતે, ઉત્સવ તમને યાદ અપાવે છે - તમે પ્રકાશ છો, તમે સુંદર, પ્રેમાળ અને દયાળુ છો; તે જ્ઞાનને તાજું કરે છે અને લાગણીઓને ફરી જીવંત કરે છે. સમયાંતરે લાગણીઓને પુનર્જીવિત કરવાની જરૂર છે, અને તે જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી નો હેતુ છે.
તમે લાખો વર્ષો થી ચાલી આવતી પ્રાચીન પરંપરાનો ભાગ છો. તમે જ્ઞાન ના સાગરનું એક બિંદુ છો, અને ગુરુ પૂર્ણિમાના દિવસે, તમે આ યાદ કરીને, તમારી જાતને નવપલ્લવિત કરો છો! તે માત્ર યાદ અપાવવાની જ જરૂર છે, અને તે સાથે કૃતજ્ઞતાનો ભાવ ઉભરી આવે છે.
શિષ્ય ના બે પ્રકાર
સંસ્કૃતમાં, શિષ્ય માટે બે નામો છે
1. અંતેવાસી - જે ગુરુની અંદર વસે છે
2. કરકમલસંજાત - એક વિદ્યાર્થી જે ગુરુના હાથમાંથી જન્મે છે, અને સંઘની લાગણીઓ તથા જ્ઞાન દ્વારા પોષાય છે.
તેથી, ગુરુ પૂર્ણિમા એ યાદ કરવાનો ઉત્સવ છે કે તમે વિશ્વનો પ્રકાશ છો અને જગત માટે પ્રકાશ છો.
કોઈ સારો પ્રકાશ અને ખરાબ પ્રકાશ હોતો નથી. પ્રકાશ માત્ર પ્રકાશ છે! તેથી, ખૂબ ગંભીર ન બનો - હળવા બનો! (અંગ્રેજીમાં light શબ્દના બે અર્થ છે, પ્રકાશ અને હળવું, એના પર ગુરુજીનો રમૂજભર્યો શબ્દપ્રયોગ)
જો તમને લાગે કે તમે મૂર્ખ છો, તો તમારા ગુરુ તેજસ્વી છે.
જો તમને લાગે કે તમે તેજસ્વી છો, તો તમારા ગુરુ તર્કહિન છે
જો તમને લાગે કે તમે અતાર્કિક છો, તો તમારા ગુરુ અતિઆકર્ષક છે.
જો તમે ફરિયાદ કરો છો, તો તમારા ગુરુ વધુ કડક બને છે.
જો તમને લાગે કે તમે સંપૂર્ણ છો, તો તમારા ગુરુ અપૂર્ણતા ની ચરમસીમા છે
તમે હજુ પણ ગુરુ મેળવવા માગો છો? તે તમામ પ્રકારની તકલીફોને આમંત્રિત કરે છે!
ગુરુ બનવું કે શિષ્ય એવો ક્યારેક તમારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી. મારે ગુરુ બનવું નહોતું, પરંતુ મારા માટે વિકલ્પ નહોતો. જો તમે બીજાને કોઇ પ્રકારનું શિક્ષણ આપતા રહો, તો તમે ગુરુ બની જાઓ છો. તમે ભલે ન સ્વીકારો, પરંતુ તમે ગુરુ જ કહેવાશો કારણ કે ગુરુતત્ત્વ તમારા દ્વારા પ્રકટે છે.
પોતાની જાતને નસીબદાર સમજવાનો એક દિવસ
આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણી પાસે આ પ્રાચીન પરંપરા અને અપ્રતિમ જ્ઞાન છે જે સંપૂર્ણ છે, વૈજ્ઞાનિક છે અને તેથી જીવન ના સર્વાંગી પરિવર્તન માટે ચાવીરૂપ છે. તે ખૂબ સુંદર છે! એક નજર ભૂતકાળમાં નાખી જુઓ, ધારો કે તમે ધ્યાન શીખ્યા ન હોત અથવા આ જ્ઞાન વિશે કશું જાણતા ન હોત, તો તમે ક્યાં હોત? આ એક માત્ર વિચાર તમને ઉત્તેજન આપશે, તમને જગાડશે, અને તમને નવપલ્લવિત કરશે અને ઉજવણી એ માટે જ છે!
આ વિશ્વના તમામ ઉત્સવો વિશ્વમાં બનતી કેટલીક મોટી ઘટના સાથે સંકળાયેલા છે. ક્રિસમસ ઇસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી છે. દરેક ઉજવણી- ચાહે તે ઇદ હોય, બુદ્ધ પૂર્ણિમા, કે જન્માષ્ટમી હોય - એક ઘટના સાથે સંકળાયેલ છે. તેવી જ રીતે, તમારા જીવનમાં તમે લગ્નની વર્ષગાંઠોની ઉજવણી, જન્મદિવસો ની ઉજવણી વગેરે કરો છો તે બધી ઘટનાઓ સાથે જોડાયેલ છે. એક જ ઉજવણી છે જે ઘટનાઓની પરે છે, પરંતુ તે જીવનના સાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને તે ગુરુ પૂર્ણિમા છે. તે જ્ઞાન અને શાણપણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનમાં શાણપણનો ઉદ્ભવ થાય તેનો ઉત્સવ ગુરુ પૂર્ણિમા છે, અને તે ગુરુપરંપરાને સમર્પિત છે.