Wednesday, 19 July 2017

મન પર આ ત્રણ વસ્તુઓની અસર થાય છે

જો તમે નકારાત્મક વિચારોનો પ્રતિકાર કરતા રહેશો અને તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યા કરશો, તો તેઓ તમને ભૂતની જેમ વળગશે. નકારાત્મક વિચારો સાથે હાથ મિલાવો. તેમને કહો, "અહીં આવ અને મારી સાથે બેસ. હું તને છોડીશ નહીં" અને તમે જોશો કે તે એકદમ ઝડપથી અદૃશ્ય થઈ જાય છે.


જ્યારે નકારાત્મકતા અથવા કોઇ પણ જાતના વિચારોની વાત કરીએ તો મન પર નીચેની ત્રણ વસ્તુઓની અસર થાય છે:


૧. અન્નઃ
જુદા જુદા ખોરાકની શરીર અને મન પર જુદી જુદી અસર થાય છે, અને તે જ રીતે કેટલી માત્રામાં ખોરાક ખાઓ તેની પણ જુદી જુદી અસર થાય છે. તમે જોયું હશે, જ્યારે તમે થોડુંક ખાઓ છો, ત્યારે તમને શરીર ઊર્જાસભર લાગે છે, પણ જ્યારે તમે ખૂબ ખાઓ છો, ત્યારે તમને થાક લાગે છે,  તમને નીરસતા લાગે છે અને ઊંઘ આવે છે. તમને લાગે છે જાણે જડતાએ તમને પકડમાં લીધા હોય. આ રીતે, અન્ન મનને અસર કરે છે અને આ જ કારણથી આપણા ધર્મગ્રંથો મિતાહારની પ્રથાની તરફેણ કરે છે - ખાવામાં સંતુલન અને સંયમનો ઉપયોગ કરવો.


૨. સંગતઃ
આપણે જે સાંભળીએ છીએ તે આપણા મન પર અસર કરે છે. આપણે જે લોકોની સાથે હોઇએ છે તે આપણા મન પર અસર કરે છે. જો આપણે સારી સંગતમાં હોઇએ, તો તે આપણા પર સારી અસર કરે છે. જો આપણે ખરાબ સોબતમાં હોઇએ, તો ગુસ્સો, ઈર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ ની આપણા પર અસર રહે છે. સારી સંગતથી મનમાં સારી લાગણીઓ અને સારા વિચારો રહે છે અને ખરાબ સંગતમાં મન અન્ય વ્યક્તિ વિશે ફરિયાદ કરવી વગેરે નકારાત્મકતાથી ભરાઇ જાય છે. તેથી, તમે જેવી સંગત રાખશો તેવી તમારા મન પર અસર થશે.


૩. સમયઃ
સમયની અસર ભૌતિક બાબતની સાથે સાથે મનના સ્તર પર પણ થાય છે. જો તમે સફરજન ખરીદો અને તેને ટોપલીમાં રાખો, તો સમય જતાં તે સડવા માડે છે. જ્યારે તમે કોઈપણ વસ્તુ જુઓ છો, ત્યારે તમે જાણી શકો છો કે તે કેટલી જૂની છે. તેથી, સમયની ભૌતિક વસ્તુઓ પર અસર થાય છે. આપણા શરીરમાં સમય સાથે ફેરફાર થાય છે.


સમયની મન પર પણ અસર પડે છે, પરંતુ લોકો ભાગ્યે જ આ નોટિસ કરે છે. તમને સવારે કેવું લાગે છે તે બપોરે કેવું લાગે છે અને સાંજે કે રાત્રે કેવું લાગે છે તેનાથી અલગ હોય છે - તમારા મનની અવસ્થા અને લાગણીઓ બદલાતા રહે છે.


તેવી જ રીતે, વિચારો પણ સમય દ્વારા પ્રભાવિત થાય છે. શિયાળુ, ઉનાળો અને ચોમાસું મનને અલગ અલગ રીતે અસર કરે છે. પ્રાચીન સમયમાં લોકોએ તેના પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો - કેવી રીતે ચંદ્રની વિવિધ માત્રાની મન પર ચોક્કસ અસર થાય છે. તેથી તેઓ તારા-બળ અને ચંદ્ર-બળ એવી અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે. ચંદ્ર એક નક્ષત્રમાં આશરે અઢી દિવસ રહે છે, પછી તે અન્ય નક્ષત્રમાં જાય છે. તેથી, અઢી દિવસમાં મનની અવસ્થા માં ચોક્કસ ફેરફાર થાય છે.


તો આ પ્રશ્ન ઉઠે છે, "શું આપણે આપણા મનના ગુલામો છીએ?"


હું ના કહીશ, કારણ કે મનની પરે બુદ્ધિ છે, અને જ્યારે બુદ્ધિ મજબૂત હોય છે, ત્યારે તે મન પર થતી આ પરિબળો ની અસરને નાબૂદ  કરે છે. જ્યારે બુદ્ધિ નબળી પડે, ત્યારે લાગણીઓ મનનો કબજો લઈ લે છે.


અને જો બુદ્ધિ પર પણ અસર થાય તો?

તો બુદ્ધિની પરે પણ કંઈક છે અને તે આત્મા છે. અને અહીં ધ્યાન મદદ કરે છે. જ્યારે તમે ઊંડે ધ્યાનમાં જાઓ છો, ત્યારે તમારી ચેતના ખૂબ જ સૂક્ષ્મ બની જાય છે, અને તમારું મન ફૂલોની જેમ તાજું બને છે. ચેતનાની આવી નાજુક અવસ્થામાં બધા વિચારો દૂર થઈ જાય છે, લાગણીઓ સ્થાયી થાય છે અને તમે અંતરના ઉંડાણમાં સત્‌, ચિત્‌, અને આનંદનો અનુભવ કરો છો.