Monday, 24 July 2017

ગુરુજી સાથે પ્રશ્નોત્તરી

પ્ર: ગુરૂદેવ, એવું કહેવાય છે કે સંગીત આપણા શરીરના શક્તિના ચક્ર પર અસર કરે છે. તમે  જુદા જુદા વાજીંત્રો  અને ચક્રો પર તેમની વિવિધ અસર વિશે વાત કરશો.
શ્રી શ્રી રવિ શંકર:
ઢોલ મૂળાધાર ચક્ર (જે કરોડરજ્જુના છેડે હોય છે) ને અસર કરે છે. મોટા અને નાના ઢોલ અને તબલા, તેનો પ્રભાવ મૂળાધારથી સ્વાધિષ્ઠાન ચક્ર (બીજું ચક્ર જે મૂળાધારથી ચાર ઇંચ ઉપર છે) સુધી હોય છે. ટ્રમ્પેટ જેવા મોટા હવાથી ચાલતા વાજીંત્રો બીજાથી ત્રીજા ચક્ર (સ્વાધિષ્ઠાનથી મણિપુર, મણિપુર ચક્ર નાભિપ્રદેશમાં હોય છે) ને અસર કરે છે. મેટાલિક (ધાતુના) અવાજો મણિપુરથી અનાહત (ચોથું ચક્ર જે છાતીના મધ્યમાં હોય છે) પર અસર કરે છે. જ્યારે તમે ધાતુ પર કશું ઘસાવાનો તીણો કર્કશ અવાજ સાંભળો છો, ત્યારે તમારા પેટમાં કંઈક થાય છે. કેટલા લોકોએ આ નોંધ્યું છે? તંતુ વાદ્યની અસર નાભિથી હૃદય સુધી થાય છે. વીણા અને સિતાર જેવા તંતુવાદ્યો અનાહત ચક્ર (હૃદય પાસે આવેલું ચક્ર) પર અસર કરે છે.
વાંસળી સંગીત, વાયુવાદ્યો અને ક્યારેક પિયાનોનો ધ્વનિ અનાહતથી વિશુધ્ધિ સુધી અસર કરે છે (વિશુધ્ધિ એ ગળામાં આવેલ ચક્ર છે). મંજીરા, વહેતા પાણીનો ધ્વનિ, પક્ષી નું ગાયન, ખૂબ જ ધીમા અને સૂક્ષ્મ ધ્વનિની ગળાથી આજ્ઞા ચક્ર (જે કપાળમાં બે ભ્રમરોની વચ્ચે છે) માં અસર થાય છે. પછી છેલ્લે સહસ્ત્રાર (માથાની ઉપરનો મધ્ય ભાગ જે પોચો હોય છે) પર ધ્યાનની અને જ્યારે તમામ વાજીંત્રો એકસાથે વાગતા હોય ત્યારે અસર થાય છે.


જો તમે કોઈ ભારતીય ધાર્મિક વિધિઓ જોશો, તો તમને સમજાશે કે તેમને આ જ્ઞાનની જાણ હતી. મંદિરોમાં, તેઓ સૌથી બહાર નગારા રાખતા હતા, પછી મોટા વાયુવાદ્યો હોય છે, અને છેક અંદર ગર્ભગૄહમાં ઘંટ અને શંખ હોય છે. તેથી, ધ્વનિ તરંગો નગારાથી વાયુવાદ્યો માં સંતુલિત થાય છે, પછી તંતુવાદ્યો, પછી ફરીથી વાયુ વાદ્યો અને પછી ઘંટ અને છેવટે, તે બધાનો મૌનમાં સમાવેશ થાય છે. ધ્વનિનો હેતુ મૌન છે. તમે બધા એ જાણો છો? ધ્વનિ મૌનમાંથી ઉદ્‌ભવે છે અને તેનું ધ્યેય મૌન છે. મૌન એટલે સંપૂર્ણ સંવાદિતા. જયારે તમારી અંદર સંપૂર્ણ સંવાદિતા હોય છે, ત્યારે ધ્વનિ પણ એક ભારે પદાર્થ જેવો લાગે છે. મૌન સુધી પહોંચવાનો માર્ગ ધ્વનિ દ્વારા, સંગીત દ્વારા છે. સંગીત વ્યક્તિ ને વૈશ્વિક ચેતના સાથે જોડે છે. મર્યાદિત મન સંગીત દ્વારા વિસ્તરે છે અને અનુભવે છે કે તે વૈશ્વિક ચેતના નો એક ભાગ છે.