Tuesday, 1 August 2017

શ્રદ્ધા કેવી રીતે કેળવી શકાય?


૨૪ જુલાઇ, ૨૦૧૭, બૂન આશ્રમ, અમેરિકા

શ્રદ્ધા કેળવી શકાતી નથી, તે ફક્ત હોય છે!

તમે તમારી ગાડી પાર્કીંગ માં મૂકો છો ત્યારે તમને વિશ્વાસ છે કે જ્યારે તમે પાછા આવશો ત્યારે ગાડી ત્યાં જ હશે.

તમે એટલાન્ટા, કેલીફોર્નિઆ કે પછી અન્ય સ્થળેથી અહીં આવ્યા હશો, પરંતુ તમને વિશ્વાસ છે કે જ્યારે તમે પાછા જશો, ત્યારે તમારું ઘર અકબંધ રહેશે. તમને વિશ્વાસ છે કે તમારી નોકરી સુરક્ષિત છે અથવા તમારો વ્યવસાય સુરક્ષિત છે. આ શ્રદ્ધા છે. શ્રદ્ધા તે કંઈક સહજ છે.

શ્રદ્ધા ના 3 પ્રકારો

ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે:
૧. પોતાની જાત પર શ્રદ્ધા (આત્મશ્રદ્ધા),
૨. તમારા આસપાસના લોકોની ભલાઇ અને સમાજના કાયદામાં શ્રદ્ધા,
૩. એમાં શ્રદ્ધા જે અદ્રશ્ય છે, જે અમૂર્ત છે અને જે કારણ અને તર્કથી પરે છે

દરેક વ્યક્તિએ એવી કંઇક ઝાંખી અનુભવી છે જે તર્કની પરે છે, અને જેને બુદ્ધિ વડે સમજી શકાતી નથી. ભલે કોઇ ગમે તેટલી ના પાડે, પણ દરેક વ્યક્તિએ ક્યારેક તો એવો એક અનુભવ કરેલો છે જે આ બધી મર્યાદાની પરે છે. આ અદ્રશ્યમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.

આ ત્રણ પ્રકારની શ્રદ્ધા અથવા વિશ્વાસ હોવા જરૂરી છે, અને સામાન્ય રીતે તે દરેકમાં હોય છે. જો તમે સ્વસ્થ વ્યક્તિ હો, તો તે હોવા જોઈએ. જો તમને કેટલીક મનોવૈજ્ઞાનિક બીમારી કે વહેમ હોય, તો પછી તમારામાં આત્મશ્રદ્ધા નથી હોતી.

આત્મશ્રદ્ધા નો અભાવ અન્ય પ્રત્યે અશ્રદ્ધા રાખવા પ્રેરે છે

એક વખત એક દંપતી મને મળવા આવ્યા. તેઓ આશ્રમથી માત્ર ૧૦ મિનિટ દૂર રહેતા હતા, પરંતુ મને મળવા આવતા તેમને ૫ કલાક લાગ્યા. મેં કહ્યું, "આવું કેવી રીતે થયું?" પત્નીએ કહ્યું કે જે ક્ષણે તેના પતિ ઘરમાંથી નીકળીને થોડાક પગથિયાં ચાલ્યા, તેને લાગ્યું કે બારણે તાળું મરાયેલું નથી. તેથી, તે પાછા ગયા અને બારણું ચકાસ્યું. તેણે ખાતરી કરવા માટે તાળું બે ચાર વાર ખૅંચી જોયું અને બારણું પણ બે ચાર વખત ખેંચ્યું. ફરીથી, થોડા પગલાં ચાલ્યા અને તે જ શંકા આવી એટલે તે દરવાજે તાળું બરાબર મારેલું છે તે ચકાસવા માટે પાછા ગયા. આ વ્યક્તિને ભ્રમ હતો; તેમને પોતાની જાત પર શ્રદ્ધા ન હતી. આ મનોવૈજ્ઞાનિક બીમારી છે.

સમાજમાં, તમને એવા ઘણા લોકો મળશે જે આત્મવિશ્વાસ ના અભાવથી પીડતા હોય છે, પરંતુ તેમનું નિદાન થયુ હોતુ નથી. આત્મ-વિશ્વાસનો અભાવ અન્ય પ્રત્યે અવિશ્વાસની લાગણી તરફ દોરી જાય છે - તમને હંમેશાં એવું લાગે છે કે બીજા બધા તમારા દુશ્મન છે, અથવા દરેક વ્યક્તિ તમારી પર ગુસ્સે થાય છે, અથવા બધા તમને મારવાનો પ્રયાસ કરે છે. તમે આવી રીતે જીવી શકો? અશક્ય.

તમે બહાર તમારી કાર પાર્ક કરીને અંદર આવો, પછી તમે એવું વિચારવાનું ચાલુ ન રાખી શકો કે જ્યારે હું પાછો જાઉં ત્યારે મારી કાર ત્યાં હશે કે નહીં? તમે લેબનોન અથવા અફઘાનિસ્તાનમાં રહેતા હો તો જુદી વાત છે, જ્યાં આવા બનાવો બની શકે છે, ત્યાં આ ભય વાજબી છે! (શ્રોતાઓમાં હાસ્ય)

સમગ્ર બ્રહ્માંડમાં એક સર્વજ્ઞ શક્તિ છે

આપણે અહીં ફક્ત ૬૦-૭૦ વર્ષ માટે છીએ, અને આપણને એમ લાગે છે કે આપણે સમગ્ર વિશ્વના નિયંત્રણમાં છીએ. આ કેવડો મોટો ભ્રમ છે! આ પૃથ્વીનું લાખો વર્ષોથી અસ્તિત્વ છે. આ પૃથ્વી પોતે ઓગણીસ અબજ વર્ષ થી ટકી રહી છે, અને આપણે માનીએ છીએ કે આપણે આ સમગ્ર વિશ્વનું સંચાલન કરી રહ્યા છીએ.

આના કરતાં મોટો બીજો કોઇ ભ્રમ ન હોઈ શકે. એક શક્તિ છે જે આ ગ્રહની કાળજી લે છે અને તે આ પૃથ્વીની કાળજી આવનારા લાંબા કાળ સુધી લેશે. અને વિશ્વમાં માત્ર એક જ ગ્રહ નથી પરંતુ આવા અબજો ગ્રહ છે, અને ઘણા બધા જીવન છે.

આપણને લાગે છે કે આપણે ખોરાક પૂરો પાડીએ છીએ અને આપણે જીવનની બધી જરુરીયાત પૂરી પાડી રહ્યાં છીએ. પરંતુ જો આપણે દરિયાના પાણીની અંદર ઉંડે ડૂબકી લગાવીને જોઇએ તો  - ત્યાં સમગ્ર વિશ્વ છે અને ત્યાં બધા જીવોની કાળજી લેવાઇ રહી છે. દરેક પ્રાણી ને ખાવા માટે કંઈક પૂરું પાડવામાં આવી રહ્યું છે.

મને ૧૨ મી સદીના સંતની વાત યાદ આવે છે - “અજગર કરે ના ચાકરી, પંછી કરે ન કામ, દાસ મૌલક કેહ ગયે, સબકે દાતા રામ”.

તે કહે છે, એક અજગર કોઈ પણ માલિકની સેવા કરતો નથી, અને પક્ષી કંઈ નોકરી શોધતા નથી, પરંતુ ભગવાન દ્વારા દરેકને માટે ખોરાક પૂરો પાડવામાં આવે છે. તો તમે શા માટે ચિંતા કરો છો!

અજગર ખૂબ આળસુ છે અને ખૂબ જ ધીરે ધીરે ચાલે છે; તે ફક્ત બધો સમય પડી રહે છે. પરંતુ, પક્ષીઓ ખૂબ જ વ્યસ્ત જીવો છે, તે હંમેશા આમતેમ ઉડતા હોય છે. છતાં બંને નું સમાન રીતે ધ્યાન રાખવામાં આવે છે; ઇશ્વર દરેકના ક્ષેમકુશળનું ધ્યાન આપે છે.

આ લોકોમાં આત્મવિશ્વાસ જ્ગાવવા માટે કહેવામાં આવ્યું છે - તમે ધીમે ધીમે ચાલો કે ઝડપથી આગળ વધો, તમારી સંભાળ લેવામાં આવશે. તમે ખૂબ જ વ્યસ્ત હો કે ગોકળગાયની ગતિથી આગળ વધતા હો, બ્રહ્માંડ ની ચેતનામાં કરુણા છે, અને ઇશ્વર દરેકને માટે પૂરું પાડે છે.

હવે, જ્યારે તમને આ ખ્યાલ આવે છે અને અંદરથી જાગૃત થાઓ છે, ત્યારે શ્રદ્ધા તેની આડપેદાશ તરીકે આવે છે. શ્રદ્ધા આપણી અંદર જ હોય છે, પરંતુ આ જાગરૂકતા સાથે તે પ્રકટ થાય છે.