આ દુનિયાનું અંતિમ સત્ય એ છે કે તે માત્ર અણુઓનો સંગ્રહ છે - તે સિવાય બીજું કશું નથી. તેને 'ગણ' (સામૂહિક સર્વનામ) કહેવામાં આવે છે. આપણું શરીર 'ગણ' છે - તે માંસ, રક્ત અને અસ્થિ મજ્જાનું બનેલું છે. આ બધા ગણના ભગવાન તે 'ગણેશ' છે.
ગણેશ અચિંત્ય, અવ્યક્ત, અને અનંત છે. તે વિચાર કે બાહ્ય અભિવ્યક્તિ ની પરે છે અને શાશ્વત છે. તેમના જેટલું સુંદર બીજું કોઈ નથી અને તે સર્વવ્યાપી છે.
હવે પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે આ એક ચેતના અને એક સર્વોચ્ચ સત્તા ને હાથીના રૂપમાં દર્શાવવામાં આવી છે? હાથીના કેટલાક વિશિષ્ટ ગુણો છે - તે નિર્ભીક છે અને તેની ચાલ ઉત્તુંગ છે. તે તેના માર્ગ માં આવતા કોઈપણ અવરોધનો નાશ કરે છે. હાથી એ સત્તા, સહનશીલતા, શક્તિ અને હિંમતનું પણ પ્રતીક છે. આપણે આ બધા ગુણોને આપણી ચેતનામાં જગાવી શકીએ છીએ.
હાથીની લાંબી સૂંઢ એ જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ વચ્ચેના સંતુલનનું પ્રતિક છે. ગણેશને માત્ર એક દાંત છે જે 'એક અદ્વૈત ચેતના' નું પ્રતિક છે.
આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે શા માટે આટલા મોટા ગણેશ નાના ઉંદર પર બેસે છે? આનું કારણ એ છે કે ઉંદર તર્ક અને આત્મજ્ઞાનનું પ્રતિક છે અને તેના પર 'સર્વોત્તમ જ્ઞાન' ના પ્રતીકરુપ ગણેશ બીરાજે છે.
ગણેશના હાથમાં લાડવો (મોદક) એ પરમ આનંદ ની પ્રાપ્તિ દર્શાવે છે. તેમનો એક હાથ તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. તેમના એક હાથમાં પાશ (દોરડું) છે જે પોતાની જાતને શિસ્તમાં બાંધવાનું પ્રતિક છે. તો બીજા હાથમાં અંકુશ (ભાલો) છે, જે સ્વ-નિયંત્રણ દર્શાવે છે.
ગણેશના મોટા પેટની આસપાસ સર્પ બાંધેલો છે. આ જાગૃત સ્વીકૃતિ માટે દર્શાવાય છે. આપણે દૂર્વા ઘાસના રૂપમાં ગણેશને આપણા દુઃખ અને તકલીફ સમર્પિત કરીએ છીએ.
આપણે ગણેશના જન્મની વાર્તા સાંભળી છે. પાર્વતીના શરીરમાંથી નીકળેલ મેલમાંથી ગણેશનો જન્મ થયો. પાર્વતી ઉજવણી અથવા ઉત્સવમાંથી પ્રકટતી ઉચ્ચ ઊર્જા છે, અને આ ઉચ્ચ ઊર્જામાં હંમેશા નકારાત્મકતાના કેટલાક પાસા હોય છે - તેને આ મેલના પ્રતિક દ્વારા દર્શાવેલી છે. જ્યારે આ મેલ ના શરીરને શિવ તત્વ નો સંપર્ક થયો ત્યારે તેનું માથું, જે અહંકારનું પ્રતિક છે, ખરી પડ્યું અને ત્યારબાદ તેના પર હાથીનું માથું મૂકવામાં આવ્યું. ગણેશને સ્વયં ભગવાન શિવ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ પ્રસંગ અથવા પૂજાની શરૂઆતમાં તેમની (ગણેશની) પૂજા કરવામાં આવશે.