વૈજ્ઞાનિકો એ શોધ્યું છે કે માનવના એક રંગસૂત્ર (ડી.એન.એ.) ની અંદર પૃથ્વીના બાકીના બધા જ પ્રાણીઓના રંગસૂત્ર મળી આવે છે. તેથી, આપણી અંદર દરેક પ્રાણીના ગુણધર્મો જોવા મળે છે - આ વાત આપણા પૂર્વજોને પ્રાચીન સમયથી ખબર હતી.
હાથીના મુખ્ય ગુણ શાણપણ અને સહજતા છે. હાથી અવરોધની બાજુમાંથી નીકળતો નથી, કે પછી તેમનાથી રોકાતો નથી - તે તો માત્ર અવરોધને દૂર કરીને સીધા જ આગળ વધે છે. ઉદાહરણ તરીકે, જો તેમના માર્ગમાં વૃક્ષો આવે, તો તેઓ તે વૃક્ષોને જડમૂળમાથી ઉખાડીને આગળ વધશે. તેથી, જ્યારે આપણે ભગવાન ગણેશની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી અંદર રહેલા આ હાથીના ગુણો પ્રકાશિત થાય છે અને આપણામાં તે ગુણો પ્રકટે છે. એનું કારણ એ છે કે આપણે જેના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેના ગુણો આપણામાં પ્રક્ટે છે. તેથી જો તમે હાથીનું માથું ધરાવતા ગણેશ પ્રત્યે ધ્યાન ધરશો, તો તમે હાથીના ગુણ મેળવશો. તમે બધા અવરોધોને દૂર કરી શકશો.
પ્રાચીન ઋષીઓ અત્યંત બુધ્ધિશાળી હતા - તેઓ ઇશ્વરને શબ્દોની જગ્યાએ પ્રતિક રૂપે વ્યક્ત કરવાનું પસંદ કરતા, કારણ કે શબ્દો કાળક્રમે બદલાય છે, પરંતુ પ્રતીકો યથાવત રહે છે. દાખલા તરીકે, કોઈ પણ ભાષામાં, ખોપડી અને બે ત્રાંસા હાડકા ભય દર્શાવે છે. તેવી જ રીતે, ગણેશ 'શુભ' (શુકન) અને 'લાભ' (સમૃદ્ધિ) દર્શાવે છે.
હાથીમાં વિશેષ ગુણો છે. તેનું મોટું પ્રભાવી માથું જ્ઞાન અને શાણપણ દર્શાવે છે. તેના સૂપડા જેવા મોટા કાન અને નાની આંખો દર્શાવે છે કે જે દેખાય છે તે અનુસરવાને બદલે તમે જે સાંભળો છો અને સમજો છો તે માનવામાં ડહાપણ છે. તમે જે છો અને જે સાંભળો છો તે સુસંગત હોવું જોઈએ. હાથી તેની સૂંઢને બે કાર્યો માટે વાપરે છે - તે તેના દ્વારા સૂંઘે છે અને તેના દ્વારા કામ કરે છે. તેવી જ રીતે શાણા લોકો પહેલા સૂંઘે છે (તપાસ કરે છે) અને પછી કામ કરે છે. કોઈ વસ્તુની જરા પણ ગંધ આવતા (જેમ કે ધુમાડાની ગંધ!) જ્ઞાની વ્યક્તિ તાત્કાલિક પગલાં લેશે.
તો ગણેશનું શું મહત્વ છે? - શિવ અને પાર્વતી (આ શબ્દ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે) ઘણા ઉત્સાહ સાથે ઉત્સવ ઉજવતા હતા અને પાર્વતીનું શરીર ગંદુ બની ગયું - તે દર્શાવે છે કે ઉજવણી સરળતાથી રાજસિક અથવા અશાંત બની શકે છે અને તમને તમારા કેન્દ્રથી (સ્વથી) દૂર લઇ જાય છે, તેથી તેણીએ તેના શરીરમાંથી બધી ગંદકી દૂર કરી (જે અજ્ઞાનતા નું પ્રતિક છે) દૂર કરી અને એમાંથી એક મૂર્તિ (ગણેશ) બનાવી. તેણે મૂર્તિને પ્રાણ આપ્યા અને કહ્યું કે તે સ્નાન કરે ત્યારે દરવાજાની ચોકી કરવી .જ્યારે શિવ (સંપૂર્ણ નિર્દોષતા, શાંતિ અને જ્ઞાનનું પ્રતિક) કૈલાસામાં પાછા ફર્યા ત્યારે તેમનો પુત્ર તેમને ઓળખી ન શક્યો અને તેમનો માર્ગ રોકીને અંદર પ્રવેશતા અટકાવી દીધા. આ બતાવે છે કે અજ્ઞાન (ધૂળ) ડહાપણ અથવા નિર્દોષતાને ઓળખતું નથી, તેમ છતાં સત્યને અજ્ઞાનતાથી અટકાવી શકાય છે. શિવ ભગવાને દિકરાનું માથું - અજ્ઞાનતાનું પ્રતિક - કાપી નાખ્યું અને અંદર દાખલ થયા. પરંતુ જ્યારે પાર્વતીને ખબર પડી કે તે શું થયું છે ત્યારે તેમણે શિવને સમજાવ્યું કે તે છોકરો તેમનો પુત્ર હતો અને તેને સજીવન કરો. તેથી શિવ ભગવાને તેમના ગણોને આદેશ આપ્યો કે જે પહેલી વ્યક્તિ મળે જેનું માથું ઉત્તર તરફ હોય (ઊર્જાના કુદરતી પ્રવાહ સાથે સંમિલિત હોય) તેનું માથું કાપીને લઇ આવે. તેમણે દૂર દૂર સુધી શોધ કરી અને છેવટે તેમને એક હાથી મળ્યો તેથી તેઓ હાથીનું માથું કાપીને લઇ આવ્યા. શિવે હાથીનું માથું ધડ પર મૂકીને સજીવન કર્યા અને આમ ગણેશ બન્યા.
ગણેશને હંમેશા મોટા પેટ સાથે દર્શાવવામાં આવે છે - તે તેમની ઉદારતા અને સંપૂર્ણ સ્વીકૃતિ નું પ્રતિક છે. એવી વાર્તા છે કે એક દિવસ ગણેશે એટલું બધું દૂધ પીધું કે તેમનું પેટ ફાટી ગયું, તેથી તેમણે નાગને પકડી ને તેમના પેટની આસપાસ બાંધી દીધો. આ દર્શાવે છે કે ઊંડી જાગૃતતા વગર લોકો અને પરિસ્થિતિઓને સ્વીકારવાનું (મોટું પેટ)કોઈ મૂલ્ય નથી (આ તો આપણે જ્યારે ઊંઘી રહ્યા છીએ ત્યારે લોકોને સ્વીકારવા જેવું છે! તે સહેલું છે!). પરંતુ, જ્યારે જાગૃતિ આવે છે - નાગ મહાન સતર્કતાનું પ્રતિક છે - ત્યારે તે સાચી સ્વીકૃતિ અને પ્રેમ છે. ગણેશનો એક હાથ ઊંચે છે અભય મુદ્રામાં છે એનો અર્થ 'ડર નહીં - હું તારી સાથે છું' અને તેમનો બીજો હાથ નીચે તરફ વરદ મુદ્રામાં છે (વરદાન આપવાનું પ્રતિક છે) તેનો અર્થ છે - નિરંતર દાન અથવા નીચે નમવાનું આમંત્રણ. (નીચે નમવાનો અર્થ એ છે કે ફરી પૃથ્વી સાથે એકરૂપ થવું, આપણે છેવટે પૃથ્વીમાં પાછા સમાઇ જઈશું તે સત્યને સ્વીકારવું.ગર્ભાશયમાં આપણે એવી સ્થિતિમાં હોઇએ છે જ્યાં આપણું માથું વળી ગયું છે, આપણું શરીર એક વર્તુળાકારે છે. જન્મ સમયે પણ આપણું માથું નીચેની તરફ ઝુકેલું હોય છે. નીચે વળીને નમન કરવું તે આપણી પ્રકૃતિ છે). ગણેશને એક જ દંત છે જેનો અર્થ થાય છે એક કેન્દ્રિય ધ્યાન.
આપણે ઘણી વાર વાર્તા સાંભળી છે કે જ્યારે ગણેશ તેના માતાપિતાને 'સાષ્ટાંગ દંડવત પ્રણામ' કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે ચંદ્ર હસે છે. અહીં ચંદ્ર મનને દર્શાવે છે - મન શાણપણ પર હસતું હોય છે.
ગણેશ મોટેભાગે કમળ પર બેસેલા જોવામાં આવે છે - કમળ પર આધાર રાખતો એક હાથી એ કેટલું વિચિત્ર છે! આ દર્શાવે છે કે તે અત્યંત સંવેદનશીલ છે. ગણેશ હંમેશા ઉંદર પર સવાર જોવા મળે છે. મુસાફરીનું આ સૌથી અનપેક્ષિત સાધન છે, કલ્પના કરો - ઉંદર પર હાથી! આનું ઊંડું રહસ્ય છે, ઉંદર ધીમેધીમે આપણને બાંધતા દોરડા ને કાપે છે. ઉંદર જે વસ્તુઓને ધીમે ધીમે કાપે છે તે મંત્ર જેવું છે જે અજ્ઞાન ના થર ના થર કાપી શકે છે અને હાથી ને પણ ઉંચકી શકે છે. કાળા ડીબાંગ અંધકાર ને દૂર કરવા માત્ર એક કિરણ નું અજવાળું જરૂરી છે; તે જ રીતે આપણી અજ્ઞાનતાથી મુક્ત થવા બહુ બધી વસ્તુઓ જરૂરી નથી - માત્ર એક નાની નિરંતર જાગૃતિ પૂરતી છે. ગણેશના શસ્ત્રો પણ પ્રતિકાત્મક છે - તે પોતાના હાથમાં 'અંકુશ' (એક નાની લાકડી જેના વડે હાથીને જગવવામાં આવે છે; એટલે જેનો અર્થ છે ‘જાગૃતિ) અને 'પાશ’ (દોરડાનો ફાંસો જે નિયંત્રણ સૂચવે છે) રાખે છે. જાગૃતિ સાથે ખૂબ ઊર્જા પ્રકાશિત થાય છે કે જે યોગ્ય માર્ગદર્શન વિના ઘણું નુકશાન કરી શકે છે.