Monday, 24 July 2017

ગુરુજી સાથે પ્રશ્નોત્તરી

પ્ર: ગુરૂદેવ, એવું કહેવાય છે કે સંગીત આપણા શરીરના શક્તિના ચક્ર પર અસર કરે છે. તમે  જુદા જુદા વાજીંત્રો  અને ચક્રો પર તેમની વિવિધ અસર વિશે વાત કરશો.
શ્રી શ્રી રવિ શંકર:
ઢોલ મૂળાધાર ચક્ર (જે કરોડરજ્જુના છેડે હોય છે) ને અસર કરે છે. મોટા અને નાના ઢોલ અને તબલા, તેનો પ્રભાવ મૂળાધારથી સ્વાધિષ્ઠાન ચક્ર (બીજું ચક્ર જે મૂળાધારથી ચાર ઇંચ ઉપર છે) સુધી હોય છે. ટ્રમ્પેટ જેવા મોટા હવાથી ચાલતા વાજીંત્રો બીજાથી ત્રીજા ચક્ર (સ્વાધિષ્ઠાનથી મણિપુર, મણિપુર ચક્ર નાભિપ્રદેશમાં હોય છે) ને અસર કરે છે. મેટાલિક (ધાતુના) અવાજો મણિપુરથી અનાહત (ચોથું ચક્ર જે છાતીના મધ્યમાં હોય છે) પર અસર કરે છે. જ્યારે તમે ધાતુ પર કશું ઘસાવાનો તીણો કર્કશ અવાજ સાંભળો છો, ત્યારે તમારા પેટમાં કંઈક થાય છે. કેટલા લોકોએ આ નોંધ્યું છે? તંતુ વાદ્યની અસર નાભિથી હૃદય સુધી થાય છે. વીણા અને સિતાર જેવા તંતુવાદ્યો અનાહત ચક્ર (હૃદય પાસે આવેલું ચક્ર) પર અસર કરે છે.
વાંસળી સંગીત, વાયુવાદ્યો અને ક્યારેક પિયાનોનો ધ્વનિ અનાહતથી વિશુધ્ધિ સુધી અસર કરે છે (વિશુધ્ધિ એ ગળામાં આવેલ ચક્ર છે). મંજીરા, વહેતા પાણીનો ધ્વનિ, પક્ષી નું ગાયન, ખૂબ જ ધીમા અને સૂક્ષ્મ ધ્વનિની ગળાથી આજ્ઞા ચક્ર (જે કપાળમાં બે ભ્રમરોની વચ્ચે છે) માં અસર થાય છે. પછી છેલ્લે સહસ્ત્રાર (માથાની ઉપરનો મધ્ય ભાગ જે પોચો હોય છે) પર ધ્યાનની અને જ્યારે તમામ વાજીંત્રો એકસાથે વાગતા હોય ત્યારે અસર થાય છે.


જો તમે કોઈ ભારતીય ધાર્મિક વિધિઓ જોશો, તો તમને સમજાશે કે તેમને આ જ્ઞાનની જાણ હતી. મંદિરોમાં, તેઓ સૌથી બહાર નગારા રાખતા હતા, પછી મોટા વાયુવાદ્યો હોય છે, અને છેક અંદર ગર્ભગૄહમાં ઘંટ અને શંખ હોય છે. તેથી, ધ્વનિ તરંગો નગારાથી વાયુવાદ્યો માં સંતુલિત થાય છે, પછી તંતુવાદ્યો, પછી ફરીથી વાયુ વાદ્યો અને પછી ઘંટ અને છેવટે, તે બધાનો મૌનમાં સમાવેશ થાય છે. ધ્વનિનો હેતુ મૌન છે. તમે બધા એ જાણો છો? ધ્વનિ મૌનમાંથી ઉદ્‌ભવે છે અને તેનું ધ્યેય મૌન છે. મૌન એટલે સંપૂર્ણ સંવાદિતા. જયારે તમારી અંદર સંપૂર્ણ સંવાદિતા હોય છે, ત્યારે ધ્વનિ પણ એક ભારે પદાર્થ જેવો લાગે છે. મૌન સુધી પહોંચવાનો માર્ગ ધ્વનિ દ્વારા, સંગીત દ્વારા છે. સંગીત વ્યક્તિ ને વૈશ્વિક ચેતના સાથે જોડે છે. મર્યાદિત મન સંગીત દ્વારા વિસ્તરે છે અને અનુભવે છે કે તે વૈશ્વિક ચેતના નો એક ભાગ છે.

Saturday, 22 July 2017

મૃત્યુ અને આધ્યાત્મિકતા

મૃત્યુ તમને જીવનની વાસ્તવિકતા સાથે સંપર્કમાં લાવે છે મૃત્યુ એક શૂન્યાવકાશ સર્જે છે. શૂન્યાવકાશ ચેતના ના પ્રગટ થવા માટેની ફળદ્રુપ જમીન છે. બધી પ્રતિભા, શોધ, સર્જનાત્મકતા શૂન્યાવકાશમાંથી પ્રગટ થાય છે, અને આખું સર્જન પાછું શૂન્યાવકાશમાં વિલીન થઇ જાય છે.


ભરત કહે છે, "જ્યારે તમે શૂન્યને ટાળો ત્યારે બધી સમસ્યાઓ સર્જાય છે!" (હાસ્ય)


વિશ્વના બધા ધર્મોના પૂજાના સ્થળો સ્મ્શાન / કબ્રસ્તાન સાથે જોડાયેલા છે, કારણ કે માત્ર મૃત્યુ જ વૈરાગ્ય લાવી શકે છે તમને જ્ઞાનમાં સ્થાપિત કરી શકે છે. ભારતીય પૌરાણિક કથા અનુસાર, શિવનું નિવાસસ્થાન કૈલાસ પર્વત તેમજ સ્મશાન બન્ને છે.

કૈલાસનો અર્થ થાય છે "જ્યાં માત્ર ઉજવણી છે", અને સ્મશાન એ જગ્યા છે જ્યાં માત્ર શૂન્યાવકાશ છે. આમ દિવ્યતા શૂન્યાવકાશ તેમજ ઉત્સવ બન્નેમાં રહે છે. તમારામાં શૂન્યાવકાશ છે, તમારામાં ઉત્સવ છે!

Wednesday, 19 July 2017

મન પર આ ત્રણ વસ્તુઓની અસર થાય છે

જો તમે નકારાત્મક વિચારોનો પ્રતિકાર કરતા રહેશો અને તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યા કરશો, તો તેઓ તમને ભૂતની જેમ વળગશે. નકારાત્મક વિચારો સાથે હાથ મિલાવો. તેમને કહો, "અહીં આવ અને મારી સાથે બેસ. હું તને છોડીશ નહીં" અને તમે જોશો કે તે એકદમ ઝડપથી અદૃશ્ય થઈ જાય છે.


જ્યારે નકારાત્મકતા અથવા કોઇ પણ જાતના વિચારોની વાત કરીએ તો મન પર નીચેની ત્રણ વસ્તુઓની અસર થાય છે:


૧. અન્નઃ
જુદા જુદા ખોરાકની શરીર અને મન પર જુદી જુદી અસર થાય છે, અને તે જ રીતે કેટલી માત્રામાં ખોરાક ખાઓ તેની પણ જુદી જુદી અસર થાય છે. તમે જોયું હશે, જ્યારે તમે થોડુંક ખાઓ છો, ત્યારે તમને શરીર ઊર્જાસભર લાગે છે, પણ જ્યારે તમે ખૂબ ખાઓ છો, ત્યારે તમને થાક લાગે છે,  તમને નીરસતા લાગે છે અને ઊંઘ આવે છે. તમને લાગે છે જાણે જડતાએ તમને પકડમાં લીધા હોય. આ રીતે, અન્ન મનને અસર કરે છે અને આ જ કારણથી આપણા ધર્મગ્રંથો મિતાહારની પ્રથાની તરફેણ કરે છે - ખાવામાં સંતુલન અને સંયમનો ઉપયોગ કરવો.


૨. સંગતઃ
આપણે જે સાંભળીએ છીએ તે આપણા મન પર અસર કરે છે. આપણે જે લોકોની સાથે હોઇએ છે તે આપણા મન પર અસર કરે છે. જો આપણે સારી સંગતમાં હોઇએ, તો તે આપણા પર સારી અસર કરે છે. જો આપણે ખરાબ સોબતમાં હોઇએ, તો ગુસ્સો, ઈર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ ની આપણા પર અસર રહે છે. સારી સંગતથી મનમાં સારી લાગણીઓ અને સારા વિચારો રહે છે અને ખરાબ સંગતમાં મન અન્ય વ્યક્તિ વિશે ફરિયાદ કરવી વગેરે નકારાત્મકતાથી ભરાઇ જાય છે. તેથી, તમે જેવી સંગત રાખશો તેવી તમારા મન પર અસર થશે.


૩. સમયઃ
સમયની અસર ભૌતિક બાબતની સાથે સાથે મનના સ્તર પર પણ થાય છે. જો તમે સફરજન ખરીદો અને તેને ટોપલીમાં રાખો, તો સમય જતાં તે સડવા માડે છે. જ્યારે તમે કોઈપણ વસ્તુ જુઓ છો, ત્યારે તમે જાણી શકો છો કે તે કેટલી જૂની છે. તેથી, સમયની ભૌતિક વસ્તુઓ પર અસર થાય છે. આપણા શરીરમાં સમય સાથે ફેરફાર થાય છે.


સમયની મન પર પણ અસર પડે છે, પરંતુ લોકો ભાગ્યે જ આ નોટિસ કરે છે. તમને સવારે કેવું લાગે છે તે બપોરે કેવું લાગે છે અને સાંજે કે રાત્રે કેવું લાગે છે તેનાથી અલગ હોય છે - તમારા મનની અવસ્થા અને લાગણીઓ બદલાતા રહે છે.


તેવી જ રીતે, વિચારો પણ સમય દ્વારા પ્રભાવિત થાય છે. શિયાળુ, ઉનાળો અને ચોમાસું મનને અલગ અલગ રીતે અસર કરે છે. પ્રાચીન સમયમાં લોકોએ તેના પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો - કેવી રીતે ચંદ્રની વિવિધ માત્રાની મન પર ચોક્કસ અસર થાય છે. તેથી તેઓ તારા-બળ અને ચંદ્ર-બળ એવી અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે. ચંદ્ર એક નક્ષત્રમાં આશરે અઢી દિવસ રહે છે, પછી તે અન્ય નક્ષત્રમાં જાય છે. તેથી, અઢી દિવસમાં મનની અવસ્થા માં ચોક્કસ ફેરફાર થાય છે.


તો આ પ્રશ્ન ઉઠે છે, "શું આપણે આપણા મનના ગુલામો છીએ?"


હું ના કહીશ, કારણ કે મનની પરે બુદ્ધિ છે, અને જ્યારે બુદ્ધિ મજબૂત હોય છે, ત્યારે તે મન પર થતી આ પરિબળો ની અસરને નાબૂદ  કરે છે. જ્યારે બુદ્ધિ નબળી પડે, ત્યારે લાગણીઓ મનનો કબજો લઈ લે છે.


અને જો બુદ્ધિ પર પણ અસર થાય તો?

તો બુદ્ધિની પરે પણ કંઈક છે અને તે આત્મા છે. અને અહીં ધ્યાન મદદ કરે છે. જ્યારે તમે ઊંડે ધ્યાનમાં જાઓ છો, ત્યારે તમારી ચેતના ખૂબ જ સૂક્ષ્મ બની જાય છે, અને તમારું મન ફૂલોની જેમ તાજું બને છે. ચેતનાની આવી નાજુક અવસ્થામાં બધા વિચારો દૂર થઈ જાય છે, લાગણીઓ સ્થાયી થાય છે અને તમે અંતરના ઉંડાણમાં સત્‌, ચિત્‌, અને આનંદનો અનુભવ કરો છો.

Saturday, 15 July 2017

ગુરુ પૂર્ણિમા ૨૦૧૭ નિમિત્તે ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરનો સંદેશ



૯ જુલાઇ, ૨૦૧૭, બૂન આશ્રમ, અમેરિકા

"ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ તમને યાદ અપાવે છે કે તમે વિશ્વનો પ્રકાશ અને વિશ્વ માટેનો પ્રકાશ છો. સારો પ્રકાશ કે ખરાબ પ્રકાશ હોતો નથી. પ્રકાશ એ માત્ર પ્રકાશ છે! તેથી, ગંભીર ન બનો - હળવા બનો! (અંગ્રેજીમાં light શબ્દના બે અર્થ છે, પ્રકાશ અને હળવું, એના પર ગુરુજીનો રમૂજભર્યો શબ્દપ્રયોગ)

તમે પ્રકાશરૂપ છો તે યાદ કરવાનો દિવસ

ગુરુ પૂર્ણિમાની ઉજવણી તમને યાદ કરાવે છે કે તમારે એક સત્ય પર મનન કરવાની જરૂર છે - તમે પ્રકાશરૂપ છો તે. તેનો ઉદ્દેશ તમારા જ્ઞાનને તાજું કરવાનો છે અને તમારી લાગણીઓને પુનર્જીવિત કરવાનો છે.

ઉત્સવ લાગણીઓને સજીવન કરે છે, ચેતનાનો પુનઃસંચાર કરે છે અને તમને જ્ઞાનની યાદ અપાવે છે. આ ઉજવણીનો હેતુ છે. આ બધું આપણામાં પ્રત્યેક સમયે હોય છે, પણ તેને બહાર લાવવા એક પ્રસંગ જરૂરી હોય છે.

જુઓ, દરિયામાં પાણી હંમેશાં હોય છે, પણ જ્યારે પૂર્ણિમા નો ચંદ્ર હોય ત્યારે ભરતી ના મોજા ઉંચે ઉછળે છે. એ જ રીતે, ઉત્સવ તમને યાદ અપાવે છે - તમે પ્રકાશ છો, તમે સુંદર, પ્રેમાળ અને દયાળુ છો; તે જ્ઞાનને તાજું કરે છે અને લાગણીઓને ફરી જીવંત કરે છે. સમયાંતરે લાગણીઓને પુનર્જીવિત કરવાની જરૂર છે, અને તે જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી નો હેતુ છે.

તમે લાખો વર્ષો થી ચાલી આવતી પ્રાચીન પરંપરાનો ભાગ છો. તમે જ્ઞાન ના સાગરનું એક બિંદુ છો, અને ગુરુ પૂર્ણિમાના દિવસે, તમે આ યાદ કરીને, તમારી જાતને નવપલ્લવિત કરો છો! તે માત્ર યાદ અપાવવાની જ જરૂર છે, અને તે સાથે કૃતજ્ઞતાનો ભાવ ઉભરી આવે છે.

શિષ્ય ના બે પ્રકાર

સંસ્કૃતમાં, શિષ્ય માટે બે નામો છે
1. અંતેવાસી - જે ગુરુની અંદર વસે છે
2. કરકમલસંજાત - એક વિદ્યાર્થી જે ગુરુના હાથમાંથી જન્મે છે, અને સંઘની લાગણીઓ તથા જ્ઞાન દ્વારા પોષાય  છે.

તેથી, ગુરુ પૂર્ણિમા એ યાદ કરવાનો ઉત્સવ છે કે તમે વિશ્વનો પ્રકાશ છો અને જગત માટે પ્રકાશ છો.

કોઈ સારો પ્રકાશ અને ખરાબ પ્રકાશ હોતો નથી. પ્રકાશ માત્ર પ્રકાશ છે! તેથી, ખૂબ ગંભીર ન બનો - હળવા બનો! (અંગ્રેજીમાં light શબ્દના બે અર્થ છે, પ્રકાશ અને હળવું, એના પર ગુરુજીનો રમૂજભર્યો શબ્દપ્રયોગ)

જો તમને લાગે કે તમે મૂર્ખ છો, તો તમારા ગુરુ તેજસ્વી છે.
જો તમને લાગે કે તમે તેજસ્વી છો, તો તમારા ગુરુ તર્કહિન છે
જો તમને લાગે કે તમે અતાર્કિક છો, તો તમારા ગુરુ અતિઆકર્ષક છે.
જો તમે ફરિયાદ કરો છો, તો તમારા ગુરુ વધુ કડક બને છે.
જો તમને લાગે કે તમે સંપૂર્ણ છો, તો તમારા ગુરુ અપૂર્ણતા ની ચરમસીમા છે
તમે હજુ પણ ગુરુ મેળવવા માગો છો? તે તમામ પ્રકારની તકલીફોને આમંત્રિત કરે છે!
ગુરુ બનવું કે શિષ્ય એવો ક્યારેક તમારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી. મારે ગુરુ બનવું નહોતું, પરંતુ મારા માટે વિકલ્પ નહોતો. જો તમે બીજાને કોઇ પ્રકારનું શિક્ષણ આપતા રહો, તો તમે ગુરુ બની જાઓ છો. તમે ભલે ન સ્વીકારો, પરંતુ તમે ગુરુ જ કહેવાશો કારણ કે ગુરુતત્ત્વ તમારા દ્વારા પ્રકટે છે.

પોતાની જાતને નસીબદાર સમજવાનો એક દિવસ

આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણી પાસે આ પ્રાચીન પરંપરા અને અપ્રતિમ જ્ઞાન છે જે સંપૂર્ણ છે, વૈજ્ઞાનિક છે અને તેથી જીવન ના સર્વાંગી પરિવર્તન માટે ચાવીરૂપ છે. તે ખૂબ સુંદર છે! એક નજર ભૂતકાળમાં નાખી જુઓ, ધારો કે તમે ધ્યાન શીખ્યા ન હોત અથવા આ જ્ઞાન વિશે કશું જાણતા ન હોત, તો તમે ક્યાં હોત? આ એક માત્ર વિચાર તમને ઉત્તેજન આપશે, તમને જગાડશે, અને તમને નવપલ્લવિત કરશે અને ઉજવણી એ માટે જ છે!

આ વિશ્વના તમામ ઉત્સવો વિશ્વમાં બનતી કેટલીક મોટી ઘટના સાથે સંકળાયેલા છે. ક્રિસમસ ઇસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી છે. દરેક ઉજવણી- ચાહે તે ઇદ હોય, બુદ્ધ પૂર્ણિમા, કે જન્માષ્ટમી હોય - એક ઘટના સાથે સંકળાયેલ છે. તેવી જ રીતે, તમારા જીવનમાં તમે લગ્નની વર્ષગાંઠોની ઉજવણી, જન્મદિવસો ની ઉજવણી વગેરે કરો છો તે બધી ઘટનાઓ સાથે જોડાયેલ છે. એક જ ઉજવણી છે જે ઘટનાઓની પરે છે, પરંતુ તે જીવનના સાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને તે ગુરુ પૂર્ણિમા છે. તે જ્ઞાન અને શાણપણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનમાં શાણપણનો ઉદ્ભવ થાય તેનો ઉત્સવ ગુરુ પૂર્ણિમા છે, અને તે ગુરુપરંપરાને સમર્પિત છે.