Thursday, 5 April 2012

આપણી ચેતના ઘણી પ્રાચીન છે

બાલી, ૫ એપ્રિલ ૨૦૧૨,

દરિયાને જુઓ, મોજા કેવા અવિરતપણે ઉછળે છે. તે કંટાળતા નથી.

પક્ષીઓ એકજ ગીત ગાયા કરે છે, તે કંટાળતા નથી. પક્ષીઓ તેમની આખી જિંદગી દરરોજ સવારે ગીતો ગાય છે પણ તે કંટાળતા નથી. માત્ર મનુષ્યોજ કંટાળી જાય છે. ‘ઓહ ફરી પાછી એજ વસ્તુ’ અને આપણે શા માટે કંટાળીએ છીએ? આપણી સ્મૃતિ ને કારણે.

તમને યાદ રહે છે કે તમે પહેલા શું કર્યુ છે તેથી તમે કંટાળો છો. સ્મૃતિ એ આશીર્વાદ પણ છે અને શાપ પણ. એ બન્ને છે. તમે કંટાળો છો તેથી તમે કંઇ બીજુ શોધો છો, કંઇ નવું, અને આજ રીતે તમે રચનાત્મક બનો છો; અને છેવટે તમે મૂળભૂત સત્યની શોધ કરો છો.

નહિ તો તમે પશુઓની જેમ દરરોજ એકજ વસ્તુ કર્યા કરતા હોત. પણ તમે તેમ નથી કરી શકતા કારણકે તમે કંટાળો છો. બરાબર ને?!

તો આ રીતે કંટાળો આશીર્વાદ રૂપ છે. તમે કંટાળો છો એટલે તમે આગળ વધો છો, ભાવિ તરફ મીટ માંડો છો, તમે સાધક બનો છો અને ઉન્નતિ કરો છો. બીજી રીતે કંટાળો એ શાપ પણ છે કારણકે તે તમને એક જગ્યાએ સ્થિર થવા દેતો નથી; પોતાની જાતમાં સ્થિર થવા દેતો નથી, અને તમારું મન એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ હેતુ વગર કૂદાકૂદ કરે છે. તમે દરેક વસ્તુથી કંટાળી જાવ છો અને કોઈ વસ્તુનો આનંદ માણી શકતા નથી. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું?

કંટાળો જ્યારે તમને જ્ઞાન તરફ લઈ જાય ત્યારે તે આશીર્વાદ સ્વરૂપ છે. અને તે જ્યારે હતાશા અને નિરાશા તરફ લઈ જાય તો તે અભિશાપરૂપ છે. આમ કંટાળો તમને બે અલગ રસ્તે લઈ જાય છે.

તમે કંટાળો એટલે આનંદ માણી શકતા નથી અને આનંદ ન માણી શકો એટલે હતાશ અને નિરાશ થાઓ છો. કાં તો તમે આ દિશામાં જાઓ અથવા, તમે કંટાળો એટલે જાગૃત થઈ એક નવી શોધ માં નિકળી પડો છો.

તમે આગળ વધી અંતરમાં સ્વયંને જુઓ છો જે દરેક ક્ષણે નવું છે. આત્મા હરહંમેશ નવીન છે. તમે જે ક્ષણિક છે, જે સપાટી પર છે તેનાથી કંટાળો છો, તેથી તમે અંતરમાં વધુ ઊંડા ઉતરો છો. તમે સમજો છો હું શું કહું છું?

તો આમ કંટાળો આશિર્વાદ અને શાપ બંને છે. આશિર્વાદ એટલા માટે કારણકે તે તમને રોજની એકધારી જિંદગીમાંથી દૂર લઈ જાય છે. તમને સજાગ કરી તમારી જિંદગીમાં રસ ભરે છે. અને શાપ એટલા માટે કારણકે તે તમને સ્થિર થવા દેતુ નથી. આમ બંને છે!

જે લોકો પ્રેમમાં છે તે ક્યારેય કંટાળતા નથી. હૃદય કંટાળતુ નથી. મગજ કંટાળે છે. પણ જીવનમાં હૃદય અને મગજ બંને જરૂરી છે. જો તમે ફક્ત હૃદયથી કામ લેશો તો તમે સાવ નરમ પડી જશો તે સારુ નથી.

ફક્ત મગજથી કામ લેવું પણ સારુ નથી. બંને વચ્ચે સમતોલન જાળવવું એટલે યોગ. આધ્યાત્મિકતા એટલે હૃદય અને મગજ બંનેનું સમતોલન.

આ ખાસ કરીને એ લોકો માટે છે જે વિચારે છે કે તેઓ જીવનમાં નિષ્ફળ ગયા છે. જે કોઈ પણ આમ વિચારે છે, જરા જાગો અને જુઓ! જીવન કેટલું શાશ્વત છે.

વર્ષમાં ૩૬૫ દિવસ છે અને આવા કેટલાય વર્ષો આપણા જીવનમાં છે. એક કે બે દિવસ તમને એમ થાય કે તમે સમય વેડફ્યો છે, જીવન નિષ્ફળ ગયુ છે, કંઇ વાંધો નહિ! આજ રીતે આપણે કેટલા જન્મો અહીં આવ્યા છીએ; આપણે અહીં ઘણી વાર આવ્યા છીએ અને આપણી ચેતના ઘણી પ્રાચીન છે.

જુઓ, પૂર્ણ ચંદ્રમા હોય અને એક પૂનમના દિવસે જો વાદળ ને કારણે ચંદ્રનો પ્રકાશ ધરતી પર ન પહોંચે તો ચંદ્ર વ્યથિત થતો નથી. એક પૂનમના દિવસે તમે ચંદ્રને ઉગતો ન જોઈ શકો તો શું થઈ ગયુ? ચંદ્ર તો એની જગ્યાએ છે જ! એજ રીતે તમારામાં શક્તિઓ રહેલી છે, તમારામાં રહેલું દેવત્વ સંપૂર્ણ છે. તે એક દિવસ સપાટી પર ન આવે તો વાંધો નહિ!

તમારામાં બધાજ શ્રેષ્ઠ ગુણો છે. જો તેમાથી અમુક, કોઈક દિવસ પ્રદર્શિત ન થાય તો વાંધો નહિ. તમારી જાત ને દોષિત ન જુઓ, તેનુ વધુ પૃથક્કરણ ન કરો. આપણે આપણી જાતની એટલી ઉલટ તપાસ કરીએ છીએ, આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ અને હતાશાનો અનુભવ થાય છે. આપણે આપણી જાત સાથેજ એટલા કઠોર છીએ.

કંઇ વાંધો નહિ, આટલા જન્મોમાં જો આ એક જન્મ બાતલ ગયો તો શું થઈ ગયું? હું આ એજ લોકો માટે કહું છુ જે અત્યંત હતાશા અનુભવે છે. આ વાત બધા માટે છે એમ સમજી તેને ખોટા અર્થમાં ન લેતા. પાછા એમ ન કહેતા કે ‘ગુરુજીએ કહ્યુ છે આ જીવન વેડફો. તો મને પીવા દો, મોજમજા કરવા દો, અને સાધનાઓને ભૂલી જાઓ.’ ના!

આ તે લોકો માટે છે જે સાવ આશા ખોઈ બેઠા છે. જેઓ પોતાની જાત પર અત્યાધિક નાખુશ છે. હું તેમને કહું છુ કંઇ વાંધો નહિ, જાગો! આટલા વર્ષો વેડફાયા, કંઇ વાધો નહિ, ચિંતા ન કરો. ભવિષ્યમાં ઉજ્જવળ દિવસો આવશે.

જ્યારે તમે ભૂતકાળમાં પાછા વળી જુઓ છો ત્યારેજ તમને પસ્તાવો થાય છે. જ્યારે તમે આગળ ચાલી રહ્યા છો અને માથુ પાછળ રાખી ચાલો છો તેને જ પસ્તાવો કહે છે. માથુ આગળ તરફ ફેરવો, આગળ જુઓ, તો હંમેશા ભવિષ્ય ઉજ્જવળ છે. જો ડોકુ ઉંધુ રાખશો તો પસ્તાવો, પસ્તાવો અને પસ્તાવોજ થશે. તેને છોડો અને આગળ વધો.

પ્રશ્નઃ પ્રિય ગુરુજી, મને લાગે છે મારુ તમારી સાથે સખત જોડાણ છે. શું છતા પણ તમારા આશિર્વાદ માટે તમને વ્યક્તિગત રીતે મળવું જરૂરી છે?

શ્રી શ્રી રવિશંકરઃ ના, જરૂરી નથી.પણ જ્યારે તમે આ પ્રશ્ન પૂછો છો તેનો મતલબ છે ક્યાંક તમારી મળવાની ઈચ્છા છે. કંઇ વાંધો નહિ હવે તો તમે અહીં આવીજ ગયા છો તો આપણે એકબીજાને જોઈ શકીએ છીએ અને વાત પણ કરી શકીશુ.

પ્રશ્નઃ આ માર્ગ પર આવ્યા પછી પોતાનો ધર્મ પાળવો કેટલો જરૂરી છે? ધર્મ આપણા કર્મ પરથી નક્કી થાય છે કે આપણા લક્ષ્ય પરથી?

શ્રી શ્રી રવિશંકરઃ ધર્મ તમારા નિશ્ચય પરથી નક્કી થાય છે. તમે જેની સાથે સંકળાવ છો તે તમારો ધર્મ બની જાય છે. જ્યારે તમે આ માર્ગ પર છો તો ધર્મ તમારા માટે સાહજિક છે. તે આપમેળેજ આવશે.

પ્રશ્નઃ ગુરુજી, પ્રાણ અને શ્વાસ કઈ રીતે સંકળાયેલા છે?

શ્રી શ્રી રવિશંકરઃ શ્વાસોચ્છવાસ પ્રાણશક્તિ વધારે છે. પ્રાણ તમારામાં રહેલી જીવન-શક્તિ છે. શ્વાસ અને પ્રાણ ખૂબજ નિકટતાથી સંકળાયેલા છે.

પ્રશ્નઃ હું સાચો સાથી કેવી રીતે શોધી શકુ?

શ્રી શ્રી રવિશંકરઃ જુઓ, તમારે આ સવાલ કોઈ અનુભવી વ્યક્તિને પૂછવો જોઈએ, મને કોઈ અનુભવ નથી. અમુક લોકો જેમણે સાચો સાથી શોધતા પહેલાં ઘણી ભૂલો કરી છે અને આખરે સાચો સાથી શોધ્યો છે તેવા લોકોને તમે પૂછી શકો, અમુક મોટી ઉંમરના યુગલો જે ખૂબ અનુભવી છે તેમને તમે પૂછી શકો. જ્યારે તમે જવાબ શોધી કાઢો ત્યારે મને પણ કહેજો.

હવે સૌથી પહેલું તો તમને સારો સાથી જોઈએ છે. સારુ તે તમને મળી જશે.પણ તે વ્યક્તિ પણ સારો સાથી ઈચ્છતો હશે. તો શું તમે તેના માટે એક સારા સાથી છો? તે એક મોટો પ્રશ્ન છે. જો તેજ તમને સારા સાથી ન માને તો તમે શું કરશો?

પ્રશ્નઃ ગુરુજી, જો પુનર્જનમ થાય, તો વ્યક્તિ ધરતી ઉપરજ જનમ લે છે કે બીજે ક્યાંક?


શ્રી શ્રી રવિશંકરઃ ધરતી ઉપરજ.