Thursday, 23 May 2013

ધ્યાન તમે માની પણ ન શકો તે હદે આરોગ્ય સુધારી શકે છે

મે ૨૩, ૨૦૧૩ - ઉલાન બાતોર, મોંગોલિયા

આર્ટ ઓફ લિવિંગ ની સંકલ્પના એક વૈશ્વિક કુટુંબ બનાવવાની છે; સમગ્ર વિશ્વ એક પરિવાર ની જેમ એકરૂપ થાય. હું આ હવે મોંગોલિયા માં વધુ અને વધુ બનતું જોઇ રહ્યો છું.

મોંગોલિયાનો આર્થિક દરજ્જો વધુ સારો થયો છે, તેનો આર્થિક વિકાસ ખૂબ જ ઝડપ થી થઇ રહ્યો છે. આર્થિક વિકાસ સાથે, માનવીય મૂલ્યો અકબંધ રહે તેની પણ કાળજી આપણે લેવી પડે.

મોંગોલિયામાં ઘણી દીર્ઘાયુ આધ્યાત્મિક પરંપરા છે; આપણે જોવાનું છે કે આધ્યાત્મિકતા આ દેશમાં જાળવવામાં આવે. આધુનિક પ્રગતિ ના પડકારો જેવાકે તણાવ, ઉદ્વેગ અને હિંસા દૂર થવા જોઈએ. આપણે વિશ્વના આ ભાગમાં આ બધું વધવા ન દેવું જોઇએ.

સમાજ જ્યારે વધુ વિકસે છે અને આર્થિક રીતે સમૃદ્ધ બને છે, ત્યારે તેની સામે પડકારો અને સામાજિક અપરાધનો આંક ઉપર જાય છે. અમેરિકામાં શું થઈ રહ્યું છે તે જાણો છો?

વિશ્વના સૌથી વધુ વિકસીત દેશમાં હિંસા ની ઘણી વધારે ઘટનાઓ બને છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં હિંસાની એક કરોડ ઘટનાઓ ની નોંધ કરવામાં આવી હતી.

ધી આર્ટ ઓફ લિવિંગે વિશ્વભરમાં અને ખાસ કરીને અમેરિકામાં અહિંસાની ઝુંબેશ શરૂ કરી છે. આપણા સમાજમાં અહિંસા અને કરુણાના મૂલ્યો વધુ લાવવાની જરૂર છે, મોંગોલિયામાં પણ.

આપણને ઘણી બધી વસ્તુઓ કરવી હોય, પણ સમય થોડો હોય અને ઊર્જા ઓછી હોય તો તણાવ થવો સ્વાભાવિક છે. આજે વિશ્વમાં આપણે આપણી જરૂરિયાતો માં ઘટાડો કરી શકતા નથી, તો આપણા ઊર્જાના સ્તરમાં વધારો કરવો જોઇએ. ઊર્જા સ્તર ત્યારે વધે જ્યારે આપણે આપણી આદતો બદલીએ, જ્યારે યોગ્ય અને પૌષ્ટીક આહાર લઇએ, યોગ્ય આરામ કરીએ, અને હકારાત્મક વિચારીએ. તમે બેસીને માત્ર અડધો કલાક, અથવા ફ્ક્ત દસ મિનિટ માટે પણ નકારાત્મક વિચારશો, તો તે આખા દિવસ માટે થકાવવા પૂરતું છે.

આર્ટ ઓફ લિવિંગ એટલે નકારાત્મક વિચાર ને બદલી સકારાત્મક વિચાર લાવવા, ફરિયાદી માનસિકતાને બદલે કરુણામય માનસિકતા લાવવી, તણાવપૂર્ણ ચહેરા ને બદલે એક હસતો ચહેરો લાવવો અને તણાવને બદલે શાંતિ લાવવી. આ પ્રાણાયમ અને ધ્યાન દ્વારા કરી શકાય છે.

હવે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ધ્યાન અને સુદર્શન ક્રિયા માની પણ ન શકાય તેટલી હદે આરોગ્ય સુધારી શકે છે. તાજેતરમાં, ઓસ્લો યુનિવર્સિટી ઓફ નોર્વે ના એક વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હતું. તેમણે શોધ્યું કે કોઈ પણ વ્યક્તિ આ ક્રિયા અને ધ્યાન નો જો ફક્ત બે દિવસ માટે અભ્યાસ કરે, તો તેના ડીએનએ, જનીનો પર અસર થાય છે. આપણા ૩૦૦ જેટલા જનીનો છે કે જે કેન્સર, વગેરે જેવા રોગો માટે જવાબદાર છે; જ્યારે ધ્યાન ધરીએ ત્યારે આ જનીનો સુષુપ્ત થઇ જાય છે. અલબત્ત, વિશ્વમાં લાખો લોકોને આ રોજિંદો અનુભવ છે કે ક્રિયા અને ધ્યાનથી તેઓને શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક લાભ મળે છે, અને તેમના આરોગ્ય માં સુધારો થયો છે, બીજા લોકો સાથેના તેમના સંબંધો સુધર્યા અને ઉપરાંત બીજા ઘણાં લાભ થયા છે.

તેથી, આપણે આપણાં મૂળ ઊંડા કરવાની અને આપણી દ્રષ્ટિ વિસ્તૃત કરવાની જરૂર છે. અને જે ટૂંક સમય માટે આપણે આ પૃથ્વી પર છીએ, તે સમયમાં વધુ હસવાની અને વધુ સુખ ફેલાવવાની જરૂર છે.

ત્રણ વર્ષ પહેલાં હું અહીં આવ્યો ત્યારે મેં કહ્યું  હતું કે આ દેશનો જીડીપી ચોક્કસપણે વધશે. હવે મને એ સાંભળીને પ્રસન્નતા થાય છે કે તે ખરેખર ઉપર ગયો છે.

આજે, યુનાઇટેડ નેશન દ્વારા અન્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જીડીએચ (ગ્રોસ ડોમેસ્ટિક હેપિનેસ); તે પણ મોંગોલિયામાં વધવો જરૂરી છે. આને આપણું ધ્યેય બનાવીએ.

આ દેશમાં લોકોને આધ્યાત્મિક મૂલ્યો શિખવાડવા શક્ય છે, કારણ કે શિક્ષિત લોકોની સંખ્યા અહીં ઊંચી છે. આજે, ભૂટાન વિશ્વનો સૌથી સુખી દેશ છે. હું ઇચ્છું છું કે મોંગોલિયા ભૂટાન સાથે સ્પર્ધા કરે. તે ચોક્કસપણે સ્પર્ધામાં જીતીને ઉચ્ચ સ્તર ના જીડીએચ સુધી પહોંચી શકે છે. આ આપણું ધ્યેય રાખીએ.

આ દેશમાં જેલ અને હોસ્પિટલ ખાલી રહે એવું વચન લેવા માટે હું તમને બધાને કહીશ. આ જ આદર્શ રાખી, અને તે તરફ કામ કરીએ. આ હાંસલ કરવા માટે આપણે બધાંએ કેટલાક સામાજિક કાર્ય કરવાની જરૂર છે. હું તમને મહત્વાકાંક્ષી થવા કહું છુ પરંતુ લોભી નહીં. લોકો લોભી થાય ત્યારે ભ્રષ્ટાચાર વધે છે. આત્મિયતાનો જ્યાં અંત થાય ત્યાં ભ્રષ્ટાચાર શરૂ થાય છે. કાયદો ભ્રષ્ટાચાર રોકવા સમર્થ નથી. આધ્યાત્મિકતા જ ખરેખર ભ્રષ્ટાચાર રોકી શકશે. લોકોમાં આત્મિયભાવ જાગશે ત્યારે ભ્રષ્ટાચાર નિર્મૂળ થશે.

અપરાધ અને ભ્રષ્ટાચાર માટે ખરેખર તો દારૂ અને નશીલા પર્દાથોનું વ્યસન જવાબદાર છે. આપણે એ જોવું જોઈએ કે યુવાન પેઢી ને સિગારેટ, દારૂ અથવા નશીલા પર્દાથોનું વ્યસન ન થાય; એ જીવન નો નાશ કરે છે.

લોકો માદક દવાના પ્રભાવ હેઠળ હોય ત્યારે તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી હોતી; તેથી તે ગુનો કરે છે. માટે માતાઓ, બહેનો અને જ્ઞાની પુરુષો, તમારે યુવાન પેઢીને કોઈપણ માદક પદાર્થની વ્યસની થતા રોકવાના છે - જે આરોગ્ય, સંપત્તિ અને મન માટે નુકસાનકારક છે.

પ્રદૂષણ એક અન્ય ક્ષેત્ર છે જ્યાં ધ્યાન આપવાની જરૂર છે. પ્રદૂષણ વિશ્વના વિવિધ ભાગોમાં વધી રહ્યું છે. મોંગોલિયા હજુ પણ અસ્પ્રુષ્ટ છે, અહીં જમીન, પાણી બધું શુદ્ધ છે.

હવા, જમીન, પાણી, અને વાતાવરણની શુદ્ધતા અહીં આવી જ રહે તેનું ધ્યાન રાખજો. આ જમીન ને પૃથ્વી પરના ઇકોલોજિકલ સ્વર્ગ તરીકે જાળવી રાખજો. ખેતી ની ઉપજ વધારવા માટે જમીનમાં હાનિકારક રસાયણો ન નાખશો. કોઈ જંતુનાશકો, કોઈ રાસાયણિક ખાતર વાપર્યા વગર ફ્ક્ત રસાયણમુક્ત ખેતી અથવા કુદરતી ખેતી દ્વારા અનાજ ઉગાડવું જોઈએ.

ધ આર્ટ ઓફ લિવિંગ મોંગોલિયા માં આ જ્ઞાન, આ ટેકનોલોજી લાવવા માટે જરૂરી બધું કરી છૂટશે. ભારતમાં અને વિશ્વના અન્ય સ્થળોએ અમે રસાયણમુક્ત ખેતી કરી રહ્યા છીએ. અમે તેના પર ઘણું સંશોધન કામ કર્યું છે, અને અમે મોંગોલિયા ના ખેડૂતો સાથે આ જ્ઞાન વહેંચવા માંગીયે છીએ.

ધ આર્ટ ઓફ લિવિંગની ભારતમાં ૨૦૦ કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ છે. એક યુનિવર્સિટી અને બે કોલેજો છે જેમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમ બી એ) ના અભ્યાસક્રમો ચાલે છે. હું અમારા ઉપકુલપતિને વિનંતી કરું છું કે ભારતમાં અભ્યાસ કરવા માંગતા મોંગોલિયા ના વિદ્યાર્થીઓ માટે દસ એમબીએ બેઠકો અનામત રાખે  (આમારી પાસે ખૂબ જ મર્યાદિત બેઠકો છે, ફ્ક્ત૧૮૦ બેઠકો). તમે તમારા મિત્રો અને આ કોલેજમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને કહી શકો છો; તેઓ તેમની અરજી મોકલાવી શકે છે.

હું આજે સવારે મોંગોલિયા ના માનનીય વડાપ્રધાનને મળ્યો; મેં એમને જણાવ્યું કે અમે અહીં કોલેજ અથવા શાળા શરૂ કરવા તૈયાર છીએ. જેમને અહીં મંગોલિયામાં શાળા ખોલવાના પ્રોજેક્ટમાં ભાગ લેવામાં રસ હોય; તે તમારા નામ અને નંબર અમને આપે. અમે એક સમિતિની રચના કરશું અને અમે અલગ પ્રાંતમાં શાળાઓ શરૂ કરશું, જે પૂર્વની અને પશ્ચિમની શ્રેષ્ઠ વિચારધારાઓ અને ઉત્તર તથા દક્ષિણની શ્રેષ્ઠ વિચારધારાઓ એકઠી કરે અને એક વૈશ્વિક શૈક્ષણિક કેન્દ્ર બને.

જીવન એક વૃક્ષ જેવું છે. જેમ વૃક્ષના મૂળ જૂના છે અને શાખાઓ નવી હોય છે; એ જ રીતે, જીવનરૂપી વૃક્ષને પ્રાચીન ડહાપણ અને આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાન બંને ની જરૂર છે.

મને જાણવા મળ્યું છે કે મોંગોલિયામાં માથાને મસાજ કરવાની એક ખાસ ટેકનિક છે કે જેનાથી લોકોને સારું લાગે છે. આ વાત વિશ્વમાં જાણીતી નથી, હું તેને સમગ્ર વિશ્વમાં વધુ લોકપ્રિય બનાવવા માંગું છું. અમે આયુર્વેદ, એક્યુપંકચર અને ઓસ્ટીઓપેથી માટે આમ કર્યું છે. આ ખૂબ જ સારી વાત હશે.

પરંપરાગત મોંગોલિયન દવા અને ઉપચારો જેનાથી માનવજાતને લાભ થાય છે તે બધે ફેલાવી જોઈએ. તેથી, હું આવા ડોકટરોને ભારત આવવા આમંત્રિત કરું છું. અમે આ પરંપરાગત ઉપચાર ધ આર્ટ ઓફ લિવિંગમાં શીખવાડવા માંગીએ છીએ.

સવાલ અને જવાબ

પ્રઃ અમારા આંતરિક વિશ્વ અને બાહ્ય વિશ્વની ઘટનાઓ નો સમન્વય કેવી રીતે રાખવો?

શ્રી શ્રી: આંતરિક વિશ્વ અને બાહ્ય વિશ્વની ઘટનાઓ એક બીજા ના પૂરક છે. તમે અંદર ખુશ હશો, તો તમે બહાર ઉમદા કામ કરવા માટે સક્ષમ બનશો. તમે બહાર જેટલા વધુ સક્રીય હશો, તેટલો સારો વિશ્રામ અને ઊંડું ધ્યાન કરી શકશો. ધ્યાનથી આનંદ વધે છે.

આળસુ લોકો ખુશ ન હોઈ શકે; અને જરૂરી નથી કે જે લોકો ઉદ્યમી છે તેઓ પણ ખુશ રહે.


સક્રીયતા આંતરીય મૌન સાથે જોડાવી જોઇએ. તેથી, સમય સમય પર થોડા દિવસ દૂર જઇને ઊંડા અંદર જવાનું અને ધ્યાન ધરવાનું શીખો.