Saturday, 18 May 2013

માનવ અસ્તિત્વનાં પાંચ આવરણો

૧૮
૨૦૧૩
મે
હાંગ્ઝુ, ચાઇના


આપણે બધા સંમત છીએ કે આપણે પર્યાવરણની કાળજી લેવાની જરૂર છે, પરંતુ આ શિક્ષણ ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામવાસીઓ સુધી પહોંચવું જરૂરી છે, અને સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ આ જરૂરી છે. આપણે લોકોમાં જાગૃતતા લાવવા તેમને શિક્ષિત કરવાની જરૂર છે.

આજે, લોભ આપણા સમાજને ખતમ કરી રહ્યો છે. તે પર્યાવરણનો નાશ કરી રહ્યો છે, કુટુંબ વ્યવસ્થાનો નાશ કરી રહ્યો છે, અને માનવતાનો વિનાશ કરી રહ્યો છે કે જેને આપણે બધા વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. લોભને અંકુશમાં રાખવા માટે, આપણે એકત્વભાવનું નિર્માણ કરવાની જરૂર છે.

હું ઘણો ખુશ છું કે તમારા માંથી ઘણા લોકોએ આ પરિષદમાં આધ્યાત્મિક મૂલ્યો, પ્રેમ, માનવતા અને માનવીય મૂલ્યો વિશે વાત કરી છે. આજથી દસ વર્ષ પહેલાં, વીસ વર્ષ પહેલાં, આ નિષિદ્ધ ગણાતું હતું. કોઇપણ પર્યાવરણ અથવા વૈજ્ઞાનિક પરિષદમાં પ્રેમ વિશે વાત કરવી એ પણ વિષય બહારની વાત માનવામાં આવતી હતી. આજે આપણને ખ્યાલ આવ્યો છે કે આપણે સમાજને વધુ સુખી કરવાની જરૂર છે. માત્ર ઉંચો જીડીપી (આર્થિક વિકાસનો દર) હોવો પૂરતો નથી, આપણને ઉંચા જીડીએચ ની જરૂર છે, એટલે કે, ગ્રોસ ડોમેસ્ટિક હેપિનેસ.

ખુશીના નિર્માણ માટે આપણે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. ભગવદ્ ગીતા, ભારતનાં એક પવિત્ર ગ્રંથ પ્રમાણે કુદરત એ આઠ તત્વોનો સમુદાય છે અથવા બ્રહ્માંડ આ આઠ તત્વોનું બનેલું છેઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ (અંતરિક્ષ), મન, બુદ્ધિ અને ચેતના.

આપણે પૃથ્વીનું રક્ષણ કરવાની જરૂર છે. આપણે ખાણકામના નામે આટલી બધી સુરંગો ન ફોડી શકીએ.

આપણે આપણા લોભ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, અને ઉપભોકતાવાદ ઉપર નિયંત્રણ ત્યારે જ રાખી શકાય જ્યારે માનવતાવાદ ખીલે. જ્યારે આપણને આત્મીયભાવ હોય ત્યારે પૃથ્વીની કાળજી કરવી એ વધુ ને વધુ મહત્વનું બની જાય છે. પૃથ્વી પોતેજ એક જીવ છે. તે જીવીત છે કારણ કે તે ઘણા સજીવનું ઘર છે. આપણે પૃથ્વીનું સન્માન કરવાની જરૂર છે.

વિશ્વભરના પ્રાચીન લોકો પૃથ્વિનું, નદીઓનું, પર્વતોનું અને હવાનું સન્માન કરતાં. આપણે આ પ્રાચીન સંસ્કારો જાળવી રાખવાની અને દરેકના વિકાસ અને સમૃદ્ધિ માટે આધુનિક દ્રષ્ટિ રાખવાની જરૂર છે.

તણાવમુક્ત મન એ એથી પણ વધુ મહત્વનું છે. એક પર્યાવરણીય પ્રદૂષણ છે જે આપણે પેદા કરીએ છીએ, બીજું છે, એ ભાવનાત્મક પ્રદૂષણ છે. જો કોઈ હતાશ હોય તો તે આસપાસ બધે હતાશાની લહેર પસાર કરી દે છે. સમગ્ર વિશ્વ બીજું કઈજ નથી પણ સ્પંદનો છે, બધુંજ તરંગો છે. દુનિયાને તરંગો તરીકે જોવાનો આ દ્રષ્ટિકોણ લોકોને સુખી બનાવવા માટે જરૂરી છે.

આત્મહત્યાનો દર દુનિયામાં વધતો જાય છે કારણ કે આપણે પ્રેમ, એક્ત્વભાવ અને કરુણા જેવા શબ્દો પર ધ્યાન નથી આપી રહ્યા. હતાશ થવાનું એક સરળ સૂત્ર છે: એક જગ્યાએ બેસો અને માત્ર ‘મારું શું? મારું શું? મારું શું?’ એમ વિચાર્યા કરો. આ હતાશ થવાનો ચોક્કસ માર્ગ છે.

જ્યારે આપણે ગ્રહની કાળજી કરીએ, જ્યારે આપણે આપણી આસપાસનાં લોકોની કાળજી રાખીએ, જ્યારે આપણે આપણો હાથ લંબાવીને જેને પણ આપણી જરૂર હોય તેમના માટે ઉપલબ્ધ બનીએ, ત્યારે જીવનમાંથી હતાશા અદૃશ્ય થઈ જાય છે. આવું શિક્ષણ અથવા જાગૃતિ આજના યુગની એક તાતી જરૂરિયાત છે કારણ કે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ડિપ્રેશન (હતાશા), એ આવતાં દશકામાં સૌથી મોટો રોગ સાબિત થવાનો છે.

કેન્સર એ બીજો મહારોગ છે. જ્યારે આપણે આપણા પૃથ્વી ગ્રહની કાળજી લઈએ, જ્યારે આપણે આપણા પાણીની કાળજી લઈએ, જ્યારે આપણે વાતાવરણમાં પર્યાવરણમાં આવેલા સ્પંદનોની કાળજી લઇએ ત્યારે આ તમામ બીમારીઓનો સામનો કરી શકાય છે. ચારે બાજુ ઉભા કરેલા મોબાઇલના ટાવરોના કારણે, ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો પહેલાં હતા તેના કરતાં ઘણાજ વધી ગયા છે, અને તે ઘણા શહેરી વિસ્તારોમાં આરોગ્યના જોખમનું કારણ બને છે.

ભારતમાં એક પ્રાચીન કહેવત છે, 'તમે એક વૃક્ષ કાપો તે પહેલાં, તમારે તે વૃક્ષની પરવાનગી લેવી પડે છે.' કારણ કે વૃક્ષ એ સજીવ છે. તમે વૃક્ષને વચન આપો કે હું તમારા બદલામાં બીજા પાંચ વૃક્ષ વાવીશ. તો, મને વૃક્ષ કાપવા માટેની પરવાનગી આપો. આ પરંપરા લાંબા સમયથી ત્યાં છે. મને ખાતરી છે કે ચીનમાં પણ તેનું અસ્તિત્વ છે. (ચીન અને ભારત વેદાંત અને લાઓ ત્સુ, બુદ્ધિઝમના કારણે આ પરંપરામાં સહભાગી રહ્યા છે.)

તો, સમગ્ર બ્રહ્માંડ એક વ્યક્તિગત ભાગ છે, અને આપણે બ્રહ્માંડનો એક ભાગ છીએ.

માનવ અસ્તિત્વના પાંચ આવરણો છે: પર્યાવરણ એ આપણું પ્રથમ આવરણ છે, શારિરીક રચના એ બીજું આવરણ છે, પ્રાણ અથવા ઊર્જા એ ત્રીજું આવરણ છે (ચીનમાં તે 'ચી' તરીકે ઓળખાય છે; જ્યારે પ્રાણ અથવા ઊર્જા ઊંચે હોય ત્યારે, ત્યાં ઉત્સાહ અને સર્જનાત્મકતા હોય છે. જ્યારે ઊર્જાનું પ્રમાણ ઘણે નીચે જાય, ત્યારે ત્યાં હતાશા, આત્મહત્યાનું વલણ અને પ્રકૃતિને અને પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું વલણ હોય છે.)

તો, આ પ્રાણમય શરીરનો વિકાસ આવશ્યક છે. ચોથું આવરણ એ મન છે જે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાંચમું એ ચેતના છે, જે પર્યાવરણના રક્ષણ અને માનવજીવની સંભાળ એ બંનેમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સંક્ષેપમાં કહું તો, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, રોગ મુક્ત શરીર, મૂંઝવણ મુક્ત મન, નિષેધ મુક્ત બુદ્ધિ, આઘાત મુક્ત સ્મૃતિ, અને દુ:ખ મુક્ત આત્મા એ દરેક વ્યક્તિનો જન્મસિધ્ધ અધિકાર છે.