Saturday, 10 December 2011

દરેક સુંદર વસ્તુ તમને દિવ્યતાની યાદ આપે છે!!!


૧૦ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, આ સંસારનું અસ્તિત્વ એક સ્વપ્ન. છે તો પછી સ્વપ્નમાં કરેલ ધ્યાન, સાધના અને સત્સંગ  સપનામાંથી કેવી રીતે જાગૃત કરે?

શ્રી શ્રી રવિ શંકર: તમે ઊંઘો છે અને તમારા સ્વપ્નમાં એક સાપ આવીને તમને કરડે છે અને તેની સાથે જ તમે ચીસો પાડતા પાડતા ઊઠી જાઓ છો! તેથી, સ્વપ્નમાં પણ અમુક વસ્તુઓ છે કે જે તમને સ્વપ્ન માંથી જાગવા માટે કારણભૂત બની શકે છે. તેથી જ કહેવાય છે કે ' नेकी कर और कूएमें डाल'; સારા કાર્યો કર અને પછી તેઓ સ્વપ્નનો એક ભાગ છે તેમ ગણીને ભૂલી જા. જ્યારે તમે તે કાર્યો નાખી અને ધ્યાનબધ્ધ થશો, ત્યારે તમે જાગૃત થશો.

સાધના ના બે પાસાં છેઃ નિશ્રેયઃ અને અભ્યુદય. એક જાગરૂકતા છે અને અન્ય સુવિધા છે. સાધના એક એવો વિશ્રામ છે કે જે દરેક ચાહે છે અને તેનાથી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. તમે સ્વપ્ન માંથી જાગૃત થઇ તેમાંથી બહાર આવો છો. તેથી સાધના ના બંને પાસા છે: વિશ્રામ અને મુક્તિ.

પ્ર: ગુરુજી, અમને 'પુરુષાર્થ' વિશે કહો. તે માત્ર અમારા પ્રયત્નો જેમ કે સાધના, સેવા, અને સત્સંગ છે કે પછી તે બીજું કંઈક છે?

શ્રી શ્રી રવિ શંકર: પુરુષાર્થ એટલે આ ચાર વસ્તુઓ પ્રાપ્ત કરવીઃ ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ. ધર્મ નો અર્થ પોતાની ફરજ બજાવવી; કામ નો અર્થ પોતાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવી; અર્થ એટલે સંપત્તિ પેદા કરવી; અને મોક્ષ આ બધાથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી. આ ચારેય જરૂરી છે. આ 'પુરુષાર્થ' છે.

પ્ર: ગુરુજી, કહેવાય છે કે બુદ્ધિ, સ્મૃતિ, અને અહંકાર સ્વેચ્છા પૂર્વક બદલતા રહે છે. બધું સ્વયંસ્ફુરિત  પરિવર્તન થતુ રહે છે અને આપણે આ ચિત્રમાં ક્યાંય નથી. તો કોને મુક્ત થવાનું છે, અને કોણ છે જે  બંધાયેલ છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, આ બધું બદલાય છે, પરંતુ જેને પ્રતીતિ થાય છે કે આ બધું બદલાય છે તે કોણ છે? તે આત્મા છે જે સાક્ષી છે. જ્યારે કોઇ આ પાસા માં એકરૂપ થાય છે ત્યારે તે બંધાય છે. પરંતુ એક વાર તમને સાક્ષાત્કાર થાય કે બધું આજુબાજુ બદલાયા રાખે છે, પરંતુ હું નથી બદલાતો -  'હું આ નથી, હું આ બધાનો સાક્ષી છું' - પછી મુક્તિ પ્રાપ્ત થાય છે.

પ્ર: ગુરુજી, કૃપા કરીને ચંદ્રગ્રહણ ના મહત્વ અને આ ઘટના દરમ્યાન લાદવામાં આવતા બંધનો પર ટિપ્પણી કરો. સામાન્ય રીતે કહેવાય છે કે ચંદ્ર તરફ ન જોવું જોઇએ, અને ગ્રહણ ના થોડા કલાકો પહેલાં ખોરાક ન ખાવો જોઇએ નહીં તો અપચો થઇ શકે છે. આના પર પ્રકાશ પાડો.

શ્રી શ્રી રવિ શંકર: હા, તમે ચંદ્રગ્રહણ જોઇ શકો છો, તેમાં કોઇ વાંધો નથી! તે અવકાશી ઘટના છે. માત્ર સૂર્ય ગ્રહણ તમારે ખૂલ્લી આંખે ન જોવું જોઈએ. તમારે રંગીન ચશ્મા પહેરવા જોઇએ કારણ કે સૂર્યકિરણો હાનિકારક છે.

આપણા પ્રાચીન લોકો એ ગ્રહણ ના સમયે ન ખાવાનું એટલા માટે કહ્યું કે જેથી ગ્રહણ ના થોડા સમય પહેલા ખાધેલો ખોરાક સારી રીતે પચી જાય અને તમે ધ્યાન કરી શકો. ગ્રહણ દરમ્યાન તમે જાપ, ધ્યાન, અથવા પ્રાર્થના કરો, તો તે સો ગણી વધુ અસર કરે છે - એવું કહેવાય છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીમાં હોય છે અને તેથી બ્રહ્માંડ ના કોસ્મિક કિરણો એવી રીતે વહેતા હોય છે કે તે સમયે કોઇ પણ સાધના તમે કરો તેની અનેક ગણી અસર થાય છે. તેથી ગ્રહણ દરમિયાન તમે ધ્યાન કરો, અથવા 'ૐ નમઃ શિવાય' કે 'ૐ નમો નારાયણ' ના જાપ કરો. તમે ૧૦૮ વખત જાપ કરશો, તો એનો અર્થ તમે દસ હજાર વખત જાપ કર્યા તેવો છે. તે સાધક માટે ખૂબ જ પવિત્ર સમય છે; તે ખરાબ સમય નથી. પરંતુ ઉપભોગ માટે અને આનંદ માટે તે ખરાબ સમય છે.

પ્ર: ગુરુજી, કેવી રીતે અને શા માટે પવિત્ર તુલસીનો છોડ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યો, અને તે શા માટે છે ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રિય છે?

શ્રી શ્રી રવિ શંકર: કારણે કે આપણે આ પૃથ્વી પર આવવાના હતા, વૃક્ષો અને છોડ પ્રથમ અસ્તિત્વમાં આવ્યા હતા કે જેથી આપણે આવી શકીએ. આપણા દેશમાં જે કંઇ પણ જીવનને લાભદાયી છે અને જે પ્રાણ શક્તિ વધારે છે તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસી તેમજ લીંબુ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. લીમડાના વૃક્ષને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ ચેપ દૂર કરવા માટે લીમડો અને લીંબુ ખૂબ જ મૂલ્યવાન છે. આ બધા માં દેવી (શક્તિ) નો નિવાસ છે તેમ માનવામાં આવે છે.

તુલસી છાતી માટે અતિ ઉત્તમ છે - તે વિષ્ણુ નું નિવાસસ્થાન છે. છાતી રક્ષણ અને જાળવણી માટે છે, અને તેથી કહેવાય છે કે વિષ્ણુ અને તુલસી ના લગ્ન છે. એનો અર્થ એ કે આ બે વચ્ચે ખૂબ જ નજીક નું જોડાણ છે. જો તમને ઉધરસ આવતી હોય, તો તુલસી નો ઊકાળો પીવો જોઇએ. એ જ રીતે બિલ્વ પત્ર મન અને ચેતાતંત્ર માટે ખૂબ સારા છે; તેનાથી શાંતિ મળે છે. તમને જો પેટની સમસ્યા હોય, તો પણ બિલ્વ પત્રથી ફાયદો થાય છે. તેથી આપણે જેને પવિત્ર ગણીએ છીએ તે શરીરના વિવિધ અંગો માટે ઉપયોગી હોય છે તેવું જોવા મળે છે.

પ્ર: ગુરુજી, કોઈની સુંદરતા જોવી ઠીક વાત છે? શું કોઈની સુંદરતા જોવી તે વાસના નથી?

શ્રી શ્રી રવિ શંકર: તમે વિશ્વમાં સુંદર વસ્તુઓ જુઓ અને દરેક સુંદર વસ્તુ તમને દિવ્યતાની યાદ આપતી હોવી જોઇએ. પછી સુંદરતા પોતે એક પ્રાર્થના બને છે. આ 'સૌંદર્ય લહિરી' છે. આદિ શંકરાચાર્યે સુંદર શ્લોકો (સંસ્કૃત પંક્તિઓ) લખ્યા છે જેને સૌંદર્ય લહિરી કહે છે. તેમાં તેમણે કહ્યું છે કે જે બધું તેઓ જુએ છે તેમાં તેમને દિવ્યતા દેખાય છે. સુંદરતા ની લહેરો (તરંગો), તે બધા તેમને દિવ્યતાની યાદ અપાવે છે. જો તમે અમુક સૌંદર્ય જુઓ અને તમે તેને મેળવવા કે ભોગવવા માંગો, તો પછી તે વાસના છે.

પ્ર: ગુરુજી, તમે આજના આ યુવાનો ને શું સંદેશો આપવા ઈચ્છો છો?

શ્રી શ્રી રવિ શંકર: આ દેશ તમારો છે. જાગો! હવે તેની કાળજી લેવાની શરૂ કરો.

પ્ર: ગુરુજી, મેનેજર માટે કઇ વસ્તુનું વધારે પ્રાધાન્ય હોવું જોઈએ? હાથ નીચેના કર્મચારીઓની સારી દેખરેખ કે પછી કર્મચારીઓની મનોસ્થિતિની ચિંતા કર્યા વગર કામ પુરૂ કરાવવું તે?

શ્રી શ્રી રવિ શંકર: કામ પુરૂ કરાવવું તે! મનોસ્થિતિ બદલાયે રાખે છે. તે જાણે દેડકાને વજન કાંટા પર મૂકીને તેનું વજન માપવા નો પ્રયાસ કરવા જેવું છે. તમને તેનું વજન ક્યારેય ખબર નહીં પડે કારણ કે તે કૂદ્યા કરે છે.

પ્ર: આત્મજ્ઞાન નો અર્થ શું છે? સ્વ અનુભૂતિ પ્રાપ્તિ એટલે પુનર્જીવિત થવું તે સાચુ છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, તે એકદમ સાચી વાત છે અને તમે યોગ્ય સ્થાને આવ્યા છો. ઘણી વાર લોકો ખોટી જગ્યાએ જતા હોય છે. તેમને એક કપ ચા અથવા કોફી જોઇતા હોય અને તેઓ કપડાની દુકાનમાં જોવા મળે છે. પરંતુ તમે સાચી જગ્યાએ આવ્યા છો, થોડી ધીરજ રાખો.

પ્ર: જો કોઇ વ્યક્તિ રોજિંદા જીવનમાં તેમની તમામ ફરજો પૂર્ણ કરે પરંતુ તેમાં માનવતા કરુણા, અને સત્યનો અભાવ, હોય તો તે જીવનની કેટલી કિંમત?

શ્રી શ્રી રવિ શંકર: શૂન્ય, તેની કોઈ કિંમત નથી. આ જીવનમૂલ્યો વિના કોઇ કાર્ય કરી ન શકાય.

સાંભળો, આપણા દેશમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ વાતો શીખવવામાં આવી છે. આ જીવન ના મૂળભૂત તત્ત્વો છે; જીવન ની બારાખડી છે. બીજા કોઈની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા પોતાની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું તે વધુ સારુ છે. જો બીજુ કોઇ કંઇક ખોટું કરી રહ્યા હોય, તો તમે તેમને મદદ કરી શકો છો. મદદ કરો અને સેવાનું કાર્ય કરો. બીજાના દોષ શોધ્યા કરવાની રમતનો કોઈ અંત નથી. અન્યથા તમે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, બુદ્ધ એ તમામને દોષી ઠરાવશો. જો તમે લોકોના વાંક જોયા કરશો તો તમને લગભગ બધામાં વાંક દેખાશે. એને બદલે તમારે આસપાસની દરેક વ્યક્તિમાં અચ્છાઇ અને દિવ્યતા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે વિચારવું જોઇએ, 'હું કેવી રીતે મદદ કરું કે જેથી અન્ય લોકો માં રહેલી દિવ્યતા નો વિકાસ થાય?' નહિંતર આપણે નકારાત્મક વિચારસરણી માં સરી જઇએ છીએ કે આ વિશ્વમાં બધા બદમાશ અને ખરાબ લોકો જ છે. તેની જગ્યાએ એવું વિચારો કે વિશ્વ નિર્દોષ અને પ્રેમાળ લોકોથી ભરેલ  છે. ખૂબ થોડા ખરાબ લોકો અને મોટા ભાગના નિર્દોષ લોકો હોય છે. દરેકમાં અચ્છાઇ જુઓ અને તેમને મદદ કરવાનો બને તેટલો પ્રયાસ કરો.

પ્ર: પ્રેક્ષકગણ નો એક સભ્ય પ્રશ્ન પૂછે છે પરંતુ તે અશ્રાવ્ય  છે.

શ્રી શ્રી રવિ શંકર: છે: નિરીક્ષક છે તે આત્મા છે અને જે આત્માથી પરે છે તે પરમાત્મા છે.

સમુદ્રના તરંગોની જેમ. જ્યારે તરંગો શાંત હોય છે, ત્યારે તે સમુદ્રમાં હોય છે. એ જ રીતે જ્યારે નાનકડું મન શાંત હોય છે ત્યારે તે પરમાત્મા સાથે હોય છે.

પ્ર: અમે તમારી કુટિર માં આવીને સીધા તમને કેમ નથી મળી શકતા? તમારી કુટિર ના પ્રવેશ ની આસપાસ આ સાંકળો કે છે તે અમને વધુ વ્યાકુળ બનાવે છે.

શ્રી શ્રી રવિ શંકર: મારા ઘર તરફનો રસ્તો એવો જ છે - થોડો વાંકોચૂકો; કારણ કે દરેક નું મન થોડું વાંકુચૂકુ હોય છે. ચિંતા કરશો નહિં, રસ્તો થોડો વાંકોચૂકો ભલે હોય, તમે તમારા મુકામે સીધે સીધા પહોંચશો!