Saturday, 24 December 2011

બુધ્ધિની સાથે નિર્દોષતા નો સુમેળ સૌથી મહત્વનો છે

૨૪ ડિસેમ્બર ૨૦૧૧, મુંબઇ

સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, તેથી તે જરૂરી છે કે આપણે સરળતાથી કુદરતી રીતે સાથે રહીએ; તો જ જીવન ખીલશે. બીજી બાબત એ છે કે, આપણી અને અન્યની વચ્ચેની દિવાલ તોડવાની જરૂર છે. તમે તમારી બાજુ એ શરૂઆત કરો. જાઓ અને હાથ મિલાવો. બાળકો આમ કરતા હોય છે, પણ મોટા થઇને આપણે તે વલણ ગુમાવી દઇએ છે. એકબીજા વચ્ચે દિવાલ બનાવીએ છીએ. આપણે ઔપચારિકતાઓ સાચવવામાં કુદરતી જીવાનું ભૂલી ગયા છીએ. જોકે, મુંબઇ માં આત્મિયતા જોવા મળે છે.

જેઓ શરીરથી મોટા છે, પરંતુ મનથી એક બાળક બનવા માંગે છે, અથવા બાળક છે તે આ અમલમાં મૂકે! બીજા તમારા વિશે શું વિચારશે તે ચિંતા ન કરો. દુનિયા પાગલ કહે, તો કહેવા દો, પરંતુ તમે ખુશ રહો. વર્તમાન માં રહો અને કુદરતી રીતે રહો. વિશ્વમાં સૌથી વધુ મહત્વનું છે શું બુધ્ધિ સાથે નિર્દોષતા. એક અજ્ઞાની વ્યક્તિ ની નિર્દોષતાની કિંમત નથી. એ જ રીતે એ બુધ્ધિશાળી વ્યક્તિ ના પ્રપંચીપણાનું કોઈ મૂલ્ય નથી. સૌથી મૂલ્યવાન છે નિર્દોષતા અને બુધ્ધિ. નિર્દોષતા અને બુધ્ધિ સાથે જવા જોઈએ. આપણે સમાજમાં આ વસ્તુઓ લાવવાની જરૂર છે. બાળકો માં નિર્દોષતા, કુદરતીપણું, અને સરળતા છે. સાથે બુધ્ધિ તિવ્ર બનવી જોઈએ અને આપણી શિક્ષણ પદ્ધતિ આવી હોવી જોઇએ. એને હું આધ્યાત્મિકતા કહીશ - જે ચેતનાને ઉત્સાહી અને ઉચ્ચતમ રાખે. હું એની વાત નથી કરતો જે પીને તમને ટૂંક સમય માટે ઉત્સાહ આવે (જેમ કે દારૂ)! આંતરિક ભાવના - તમારા આત્માને ઉત્સાહ સાથે જીવંત રાખવો, નિર્દોષતા સાથે કુદરતીપણા સાથે - આ આધ્યાત્મિકતા છે.

આવતીકાલે ક્રિસમસ છે. બાઇબલ માં ઇસુએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી તમે બાળક ન બનો, સ્વર્ગ માં તમને પ્રવેશ ન મળી શકે.' હિન્દીમાં કહે છે, 'भोले भाइ मिले रघुराइ' – ભોળાનો રામ. તેથી, તમારું ભોળપણ જાળવી રાખો. કેવી રીતે જાળવશો? જાણો કે દરેક નો ભગવાન એક જ છે અને દરેક સાથે કુદરતી વર્તાવ રાખો. દરેક ની અંદર એક શક્તિ છે. પરમ આત્મા નો અર્થ શું - એ કે જે બધામાં છે, જે સર્વવ્યાપી છે. તો એ આપણી અંદર હાજર નથી? જો આપણી અંદર હાજર ન હોય, તો તે પરમ આત્મા નથી. અને જો તે કાયમી છે, તો તે વર્તમાનમાં પણ અસ્તિત્વમાં છે. એવું નથી કે તે પહેલાં હતા અને ભવિષ્યમાં નહીં હોય. પરમ આત્મા હંમેશા છે, અને તેથી અત્યારે આ ક્ષણે પણ હાજર છે.

આ જ્ઞાન સાથે વિશ્રામ કરવો તે ધ્યાન છે -  પરમ આત્મા અહીં છે, હાજર, મારી અંદર. જો તમે આ વિચાર સાથે વિશ્રામ કરશો તો મનની બધી બેચેની શાંત થઇ જશે. એકવાર ધ્યાનમાં ડુબશો એટલે એક તિવ્ર પ્રકાશ અનુભવશો. દરેક આની શોધ માં ભટકે છે. કેટલા બધા જીવનકાળ પછી ખબર પડે છે કે, 'હું તે છું' 'अहम्‌ ब्रह्मास्मि' 'तत्‌ त्वम्‌ असि' - 'તમે તે છો જેને તમે શોધી રહ્યા છો. જો તમે તમારી આંખો બંધ કરી 'તે તમે છો' ના જ્ઞાન સાથે ધ્યાનમાં ઊંડા જશો તો તમને ખ્યાલ આવશે કે 'હું તે છું.' એક વાર તમને આ અનુભવ થશે, પછી તમારા બધા કામ આપોઆપ થશે! તેથી, ધ્યાન એ આપણને મળેલી ખૂબ મોટી ભેટ છે.

પ્ર: ગુરુજી, અમે press (સમાચારપત્રો વગેરે) માંથી વિશ્વાસ ગુમાવી દીધેલ છે તે પાછો કેવી રીતે મેળવીએ?

શ્રી શ્રી રવિ શંકર: તેમના સ્થાને તમારી જાતને મૂકો. ધારો કે કોઇ તમારા ખોટા કાર્ય ને કારણે તમારામાંથી વિશ્વાસ ગુમાવે અને જો તેઓ બધો સમય તમારી સામે ગ્રંથિ રાખેતો તે તમને ગમશે?

હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છુ. ભારતવર્ષમાં દસમાંથી નવ હીરા સુરત માં બને છે. સમગ્ર ઉદ્યોગ એ લોકો ચલાવે છે જેમણે બારમું પાસ નથી કર્યુ, પરંતુ તે તેજસ્વી ઉદ્યોગપતિઓ છે! તેનો અર્થ એ નથી કે તમે અભ્યાસ બંધ કદી દો! યાદ રાખો, જો તમારા પરીક્ષામાં ઓછા ગુણ આવે તો બીજા રસ્તા પણ છે - તમે એક મહાન રમતવીર બની શકો છો. જો તમને સારા માર્ક્સ નથી મળ્યા, તેથી શું? આવતા વર્ષે મળશે. ત્રીજી કે ચોથી વાર ન મળે, તો ઉદ્યોગપતિ બનો કે મોટા ખેલાડી બનો, પરંતુ ક્યારેય આત્મહત્યા કરવાનું ન વિચારશો. તે ખોટી વાત છે. ભગવાને તમને આ શરીર, આ કિંમતી ભેટ આપી છે. આપણે તેનો નાશ ન કરવો જોઈએ. તમે મને આ વચન આપો!

આપણે કેટલાક પ્રાણાયામ, ધ્યાન, કેટલાક યોગ કરવા જોઈએ; એ તમને આંતરિક તાકાત આપશે. આર્ટ  એક્સેલ, યસ પ્લસ વગેરે તમામ અભ્યાસક્રમો તમારા તણાવ સાથે સામનો કરવા માટે મદદ કરે છે. તમારા મિત્રો, તમારી શાળા, માતાપિતા બધેથી દબાણ આવે છે, અને તેથી તમને તમારું ભવિષ્ય  અસુરક્ષિત લાગે છે. તે માટે આ બધા અભ્યાસક્રમો રચવામાં આવ્યા છે. તેઓ તમને એક સ્મિત સાથે આગળ વધવા આંતરિક મજબૂતાઇ આપશે.

પ્ર: ગુરુજી, તમે તમારા બાળપણ માં તોફાની હતા?

શ્રી શ્રી રવિ શંકર: હા, ખૂબ જ! હું ખૂબ તોફાની હતો! હું જ્યારે નાનો હતો, મેં મારા પિતા ની બ્રીફકેસ ખાલી કરી તેમાં રમકડાં ભરી દીધા. જ્યારે તેઓ ઓફિસ ગયા અને એક મીટીંગ દરમિયાન બ્રીફકેસ ખોલી, બધા રમકડાં બહાર પડી ગયા. તેમને અત્યંત ક્ષોભ થયો હતો. પરંતુ મેં તે માત્ર એક જ વાર કર્યું હતુ.

પ્ર: ગુરુજી, મારો સૌથી સારો મિત્ર મારી ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ માં છે. હવે તેઓ બંને સાથે હોય છે. મને હારી ગયાની લાગણી થાય છે. તમે મને મદદ કરશો?

શ્રી શ્રી રવિ શંકર: એક કહેવત યાદ રાખો, 'તમારું હશે તે હંમેશા તમારી પાસે પાછુ આવશે.' જો તે તમારું ન હોય, તો તમે આગળ વધો અને તમારું હોય તે શોધો.

પ્ર: ગુરુજી, હું આર્ટ ઓફ લિવિંગ નો શિક્ષક બનવા માંગુ છુ, પરંતુ મારા માતા - પિતા મને પરવાનગી નથી આપતા.

શ્રી શ્રી રવિ શંકર: કારણ કે તેઓને લાગે છે કે તમે તમારો અભ્યાસ પૂર્ણ નહીં કરો અથવા બીજુ કંઈ પણ નહિં કરો. તમારો અભ્યાસ સારી રીતે કરો અને પછી આર્ટ ઓફ લિવિંગ ના શિક્ષક બનો.

પ્ર: ગુરુજી, હું નવમા ધોરણમાં છું. મારા ઘણા મિત્રો ધૂમ્રપાન કરે છે અને દારૂ પીએ છે અને તે મને આવું કરવા માટે ખૂબ દબાણ કરે છે, પરંતુ હું જાણું છું તે યોગ્ય નથી. પરંતુ જો હું ન કરું તો એકલો પડી જાઉં છુ.

શ્રી શ્રી રવિ શંકર: જુઓ, જે બાબતોમાં બધા પછીથી અફસોસ કરશે તેમાં એકલા પડી જવાની ક્યારેય ચિંતા ન કરો! તમે સિદ્ધાંત ને વળગી રહો. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મારી સામે એ જ પડકાર હતો. મારી આજુબાજુના બધા ધુમ્રપાન કરતા હતા અને એક દિવસ થોડા છોકરાઓ મને ઘેરી વળ્યા અને મને કહ્યું, 'તારે ધૂમ્રપાન કરવું જ પડશે.' મેં તેમની સામે જોયું અને કહ્યું, 'ના!' હું મારા વર્ગમાં સૌથી નાનો હતો. બીજા બધા મારા કરતાં મોટા હતા. મે તેમને કહ્યું, 'હું નહીં કરુ!' તેઓ માત્ર મને જોઇ રહ્યા અને પછી જતા રહ્યા. તમે તેમને સામે કહેશો, 'કોઈ પણ રીતેહું નહીં કરુ' તો હીરો બની જશો.

પાછળથી તેઓને મારો સંગાથ ઘણો ગમ્યો. 'હા, આ એક મજબૂત મનનો બનેલો છે.' તમે જેમાં માનો છો તે માટે ટટ્ટાર રહો. આ વસ્તુઓ જેને આપણે સારી માનીએ છીએ તેનો સ્વીકાર કરો અને મજબૂત મનથી વિરોધનો સામનો કરો. 'હું જે કાંઇ ખરાબ છે, કે જે મારા જીવન અને સમાજને હાનિકારક છે તે નહીં કરુ.' તમે બધા આ વચન લેશો? 'અમે ડ્ર્ગ્સ, દારૂ કે સિગારેટ નહીં અડીએ.' તમે મને વચન આપો છો?

પ્ર: ગુરુજી, મારે તબલાવાદકગાયક, અથવા વૈજ્ઞાનિક માંથી શું બનવું જોઇએ? મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: તમે જાણો છો કે તમે ત્રણે કરી શકો છો. તમે અભ્યાસેતર પ્રવૃત્તિ તરીકે તબલા વગાડી શકો અને એક શોખ તરીકે ગાવાનું કરી શકો છો. તમે વૈજ્ઞાનિક પણ બની શકો છો. ત્રણે થઈ શકે છે. કોઈ એક જ એવું જરૂરી નથી. આ ઉંમરેકોઈ પસંદગી ન કરો. બાળકોએ કોઇ કામ પસંદ ન કરવું જોઈએ. જુદી જુદી પ્રતિભાઓ વિકસાવો.

પ્ર: ગુરુજી, ધ્યાન અભ્યાસ કરવામાં મદદ કરશે?

શ્રી શ્રી રવિ શંકર: ધ્યાન ચોક્કસપણે અભ્યાસમાં મદદ કરશે કારણ કે તેનાથી મન શાંત થાય છે, પરિભ્રમણ સુધરે છે અને તમારા આખા શરીરમાં શક્તિ આવે છે. એકાગ્રતા ધ્યાનની એક આડપેદાશ છે.

તમે સીધા એકાગ્રતા નથી મેળવી શકતા, પરંતુ જો તમે થોડી મિનિટો માટે ધ્યાન કરશો તો મન ખૂબ કેન્દ્રિત થશે, એકાગ્રતા આપોઆપ આવશે.

પ્ર: ગુરુજી, કુદરતી અને રસાયણ મુક્ત ખોરાક વિષે અને તે બાળકો માટે કેવી રીતે મહત્વનું છે તે વિષે થોડી વાત કરો.

શ્રી શ્રી રવિ શંકરઃ કોઇ હમણાં રસાયણમુક્ત (ઑર્ગેનિક) રીતે ઉગાડેલ મકાઈ લાવ્યું હતુ, જેમાં એક દાંડા પર બે મકાઇ હતા. સામાન્ય રીતે દરેક દાંડા પર માત્ર એક જ મકાઇ હોય છે. આ મકાઈ કુદરતી અને રસાયણ મુક્ત ખેતી દ્વારા પકવેલા છે. પાક પણ સારો અને રસાયણમુક્ત અન્ન તમારે માટે ખૂબ જ સારું છે. તેનાથી ખેડૂતોને લાભ થાય છે અને આપણા આરોગ્ય માટે સારું છે. નહિંતર, તેઓ પાક વધારવા ઘણા રસાયણો વાપરે છે અને પછી આપણે પેટના અને પીઠના દુખાવાની ફરિયાદ કરીએ છીએ.

કેટલા લોકોને પીઠ કે ઘૂંટણની પીડા છે? તમને ખબર છે કેમ? તેનું કારણ છે કે ઉત્પાદન વધારવા યુરિયા નો ઘણો ઉપયોગ કરેલો છે. આ ખોરાક કે જે રાસાયણિક ખાતરો મદદથી પેદા થયેલ હોય, તે પીડા માટેનું કારણ બને છે, - સાંધા, પીઠ, માથું, પેટ, માથેથી પગના અંગૂઠા સુધી.

પ્ર: ગુરુજી, ક્યારેક માતા - પિતા જે યોગ્ય છે તેના માટે સહમત નથી થતા. અમે તેમને કેવી રીતે સહમત કરીએ?

શ્રી શ્રી રવિ શંકર: તમારી પાસે ઘણી બધી યુક્તિઓ છે. જ્યારે તમારે એક શાળા માંથી ફરવા જવાનું હોય ત્યારે કેવુ તમારા પિતા નો મિજાજ પારખીને તેમને કહો છો 'ઓહ, હું જવા નથી માંગતો, પરંતુ હું નહીં જાઊં તો મારા બધા મિત્રો નહીં જાય.' આ રીત થી તમે તેમને સહમત કરવા કોશિશ કરો. શું તમે તેમનો મિજાજ પારખીને વાત નથી બદલતા? તમને ઘણી યુક્તિઓ ખબર છે!

પ્ર: ગુરુજી, હું બીજા ધર્મ ના એક છોકરાને પ્રેમ કરું છુ. તેમના માતાપિતા સંમત છે, પરંતુ મારા માતા - પિતા તેનો ખૂબ વિરોધ કરે છે. મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: નક્કી કરવા સમય લો. તમારા માતાપિતા ને ગુસ્સે કે દુઃખી કરવાથી કાંઇ નહીં મળે.  ધર્મ શું તે નહીં, પરંતુ સંવાદિતા ખૂબ મહત્વની છે. પાછળથી તમને અફસોસ ન થવો જોઈએ, 'ઓહ, હું મારા માતા - પિતા માટે ખૂબ જ વેદના અને દુ:ખ નું કારણ બની. 'દુઃખી કર્યા પછી જો તમે લગ્ન કરશો તો તમારું મન સુમેળ નહિં સાધે. પછી દરેક નાખુશ રહેશે. તેથી બધાની મંજૂરી લેવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

પ્ર: ગુરુજી, હું તમારા જેવો કેમ કરીને બની શકું?

શ્રી શ્રી રવિ શંકર: તમે મોટા થઇને પણ બાળક બની રહો અને તમે હંમેશા દરેકને તમારા મિત્ર તરીકે તમારા એક ભાગ તરીકે ગણો. દરરોજ એક નવો મિત્ર બનાવો. બની શકે તેટલા મિત્રો બનાવો, અને કોઇ વ્યકિત સાથે દુશ્મની ન રાખો. તમે કોઇને નફરત ન કરો કે કોઈને નુકસાન ન પહોંચાડો.

પ્ર: ગુરુજી, હું હંમેશા બીજા મારા વિશે શું કહે છે તે ચિંતા કરું છુ અને તેને લીધે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો. હું શું કરી શકું?

શ્રી શ્રી રવિ શંકર: જુઓ, તમારે તેમને જે કહેવું હોય તે કહેવાની સ્વતંત્રતા આપવી જોઇએ. હિંમત સાથે કહો, 'તમારે મારા વિશે જે વિચારો કરવા હોય તે કરો.' જો તેમને એમ લાગે કે તમે એક ગધેડો અથવા કૂતરો છો, તો તેમને કહો, 'હા! હું તે છું. 'માય ડિયર, હિંમતવાન બનો! જો તેમને એમ લાગે કે તમે એક મૂર્ખ છો, તો શું થઇ ગયુ?

પ્ર: ગુરુજી, મારા પિતા ચાર વર્ષ પહેલા ગુજરી ગયા, અને ત્યારથી હું અભ્યાસ માં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. હું ભણતર સુધારવા શું કરુ, જેથી મારા પિતા ગર્વ કરી શકે?


શ્રી શ્રી રવિ શંકર: યસ (YES) કોર્સ કરો. ચિંતા ન કરો. તમારા પિતા ના આશિર્વાદ તમારી સાથે છે. આગળ વધો. અહીં બેઠેલા બધા યુવાનો, હું ઇચ્છું છુ કે બધા આગળ વધો. આપણા ભારત માટે એક તેજસ્વી ભવિષ્ય બનાવો. વિદેશ ના લોકો સાબાટિકલ (કામ પરથી લાંબા ગાળાની રજા) લે - એક વર્ષ અભ્યાસ અથવા કામ થી રજા લઇ અને દેશ માટે અથવા અન્ય કોઇ સેવાનું કામ કરે. હું ઇચ્છું છુ કે તમે બધા એક વર્ષ માટે આગળ આવો. ગામ થી ગામ જાઓ અને મુંબઇ ની ઝૂંપડપટ્ટીની મુલાકાત લો, (આપણે ધારાવી માં એક શાળા ચલાવી રહ્યા છે) અને કામની જવાબદારી લો, આપણે ઘણુ કરી શકીએ છે. આપણે તમામ આત્મહત્યા ને અટકાવવા માટે સમર્થ છીએ. આપણે સમાજ ઉપયોગી કાર્ય કરી શકશુ. જે સ્વયંસેવક બનવા માંગે છે તે નામ નોંધાવે. આપણા દેશને ગર્વ અપાવો; આપણા દેશને ખરેખર મજબૂત બનાવો. મારે એવો સમાજ જોવો છે જ્યાં કોઈ ભ્રષ્ટાચાર, કોઈ અન્યાય, કોઈ હિંસા અને તણાવ નથી. એવો સમાજ જ્યાં માનવતા અને પ્રેમ બધે જ દૃશ્યમાન છે. હું તમને બધાને સ્વયંસેવક જોવા ઇચ્છું છુ અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજ, અને હિંસા મુક્ત સમાજ જોવા ઇચ્છું છુ. આપણે બધા સાથે મળીને તે કરીએ.