Wednesday, 14 December 2011

તમે પૂછો તે પહેલાં તમને જવાબ મળશે!


૧૪ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, કૃપા કરીને ગુરુ શિષ્ય ના સંબંધ વિશે વાત કરો.

શ્રી શ્રી રવિ શંકર: ગુરુ-શિષ્ય નો સંબંધ એક અનન્ય અને અનોખો પ્રેમ સંબંધ છે. જો પ્રેમ ન હોય તો પછી ત્યાં ન ગુરુ છે કે ન શિષ્ય. વચમાં કોઈ બીજુ આવી ન શકે, ત્યાં ઈર્ષ્યા કે ગુસ્સા ની કોઇ સંભાવના નથી. જ્યારે શિષ્ય ગુરુ ની પાસે બેસે છે તે ઉપનિષદ છે. જ્યાં કોઈ ગુરુ-શિષ્ય નથી ત્યાં સંસાર નથી, અને વિશ્વને ગુરુ અને શિષ્ય ની ઘણી જરૂરિયાત છે. ગુરૂ અને શિષ્ય સાથે બેસે છે ત્યાં જ્ઞાન ઉદભવે છે.

પ્ર: ગુરુજી, આપણે ત્યાં ઘણા ઉપનિષદો છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ કયું છે?

શ્રી શ્રી રવિ શંકર: ૧૦૮ ઉપનિષદો માંથી પ્રથમ અગિયાર અત્યંત નોંધપાત્ર ગણવામાં આવે છે અને તે અગિયાર માં ઇશાવાસ્ય ઉપનિષદ - જે કહે છે, આખી દુનિયા, આ સંસાર ઇશ્વર સાથે ઓતપ્રોત છે તેનો અનુભવ કરો પણ તિરસ્કાર, રોષ, અથવા લોભ, લાલચ ન કરતા સો વર્ષ સુધી આનંદ થી કર્મ (સેવા) કરતા કરતા જીવો. તે ઉપનિષદ કહે છે,''मा गृध कस्य स्विद्धनम' આપણી અંદર બે વલણ હોય છે, એક લેવાનુ અને બીજુ આપવાનુ. આપણે બાળકો ને કયા સંસ્કાર આપીએ છીએ તે નોંધો. જો તેઓ લેતા અચકાય તો તે સારા સંસ્કાર છે. પરંતુ જો તેઓ આપતા અચકાય (હસતા હસતા) તો કાંઇક ગરબડ છે. જ્યારે લોકો લેવા માટે તેમના હાથ લંબાવતા ખચકાય તો તે સારી નિશાની છે, પરંતુ જો લોકો તેમના હાથ મદદ કરવા માટે લંબાવતા અચકાય તો સમાજની દિશા બદલવાની જરૂર છે. દરેક વ્યક્તિને અન્ય પાસેથી, ખાસ કરીને પ્રિયજનો પાસેથી, લેતા ખચકાટ થાય છે. પ્રિયજનોને તે વધુ આપવા માંગે છે અને આ વલણ બાળકોમાં કુદરતી રીતે હોય છે. જો બાળક સાત્વિક હોય તો હંમેશા પોતાની વસ્તુ બીજાને આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો બાળક રાજસિક હોય તો દરેકને પાસેથી વસ્તુઓ લેવા પ્રયત્ન કરે છે.

અમારો ઉછેર આપવાના સંસ્કાર સાથે થયો હતો. જ્યારે કાંઇ લેવાની વાત આવતી, ત્યારે ખૂબ ખચકાટ થતો, મારા પિતા પાસે પણ માંગતા ખૂબ ખચકાતો. મેં તેમની પાસે કંઇપણ ક્યારેય માંગ્યુ નથી.

(હસતા) હા, આ જરા ચરમસીમા છે. આપણે આપવા ના સંસ્કાર બાળકો માં સીંચવા પડશે. આપવા અને વહેંચવા માં સુખ અને લેવા માટે ખચકાટ. લેવા માટે હાથ લંબાવતા તેમને ખચકાટ થવો જોઈએ. ઘણા લોકો પાસે પૂરતુ હોય છે છતા તેઓ માગ્યા કરતા હોય છે. આ ખૂબ જ વિચિત્ર વાત છે.

એક વાર એક સ્વામીજી આપણા આશ્રમે આવ્યા - તેમની ખૂબ મોટી દંતચિકિત્સા મહાવિદ્યાલય છે. તેમણે કહ્યું કે તેમને પંદર લાખ રૂપિયાની અત્યંત જરૂરત છે અને તે બે અઠવાડિયાની અંદર પરત કરશે. મને એમ લાગ્યું કે તેમને મંદિર ના કંઈક કામ માટે જરૂરત હશે, આપણે મદદ કરવી જોઇએ તેથી તેમને પૈસા આપ્યા. છ વર્ષ પસાર થયા પરંતુ તે પૈસા પાછા ન આવ્યા. મેં કહ્યું, 'ઓહ! તો આ વાત છે. હવે, આપણે તેમને ન છોડવા જોઇએ.' મેં તેમને કહ્યું,' સ્વામીજી, જો તમે દાન માટે પૂછયું હોત, તો અમે દાન તરીકે તમને પૈસા આપ્યા હોત. પરંતુ તમે લોન માટે જણાવ્યું હતું. તેથી, હવે તમારે પાછા આપવા પડશે.'

મેં આવુ તેટલા માટે કર્યું કારણ કે હું નથી ઇચ્છતો કે સ્વામીઓ ધૂર્તતા કરે, આમ પણ વિશ્વમાં બહુ ઓછા પ્રામાણિક સ્વામીઓ છે. આમને એક પાઠ શીખવવાની જરુર છે. મેં આપણા લોકોને કહ્યું, એમને છોડશો નહીં, દરરોજ દરવાજો ખટખટાવજો' (હસતા હસતા) શું કામ છોડી દેવાના? આપણે ગરીબો માટે ઘરો બનાવવામાં લાખો અને કરોડો રૂપિયા ખર્ચીએ છીએ પરંતુ દાન એક વાત છે. દાનની જરૂર હોય ત્યાં આપો, પણ જો કોઈ વ્યક્તિ તમારી સાથે કુટિલતા કરીને તમને બનાવી જાય તો તે વ્યક્તિ ને પકડવાની જરૂર છે પછી ભલે ને ગમે તેટલી મોટી વ્યક્તિ હોય. એ જ સમયે, ગમે તેવી વ્યક્તિ હોય, આપણે તેમના તરફ અવિનયથી વર્તન નહી કરવાનું. કોઇનું અપમાન કરવુ સારુ નથી. મેં આપણા લોકોને કહ્યું કે તેમને માનપૂર્વક વિનંતી કરો કે જે રીતે આદર અને સન્માન સાથે તેમને પૈસા આપવામાં આવ્યા હતા તે જ રીતે તેઓ પાછા આપે, પરંતુ તેમણે ઇનકાર કર્યો. છેવટે, મારે તેમની સાથે વાત કરવી પડી. મેં તેમને તદ્દન સીધે સીધા વાત કરી. તેમણે શરમાઇને પૈસા પરત કરવાનું વચન આપ્યું.

અન્ય કોઈ ભૂલ ન કરે, અથવા એક ભૂલ કરવા દોરાય નહીં તેવી ખાતરી કરવી આ એક સાત્ત્વિક ગુણવત્તા છે. આપણા બધા માં આ ગુણવત્તા હાજર જ હોવી જોઈએ. એક રાજસિક વ્યક્તિ બીજી વ્યક્તિ એક ભૂલ કરે ત્યાં સુધી શાંતિથી રહેશે અને બાદમાં કહેશે, 'જુઓ, તેણે ભૂલ કરી.' એક સંત હતા જે કોઇ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે ફરિયાદ કરવા આવે તેને જ લડતા. તેઓ કહેતા, 'તે વ્યક્તિ ભૂલ કરે ત્યાં  તમે જોયા કરો છો અને પછી મને ફરિયાદ કરવા આવો છો?'

હું આને 'સુપર્વાઇઝર મેન્ટાલિટી (પર્યવેક્ષક માનસિકતા) કહું છુ. આપણે કોઈ બીજા ભૂલ કરે તેની રાહ જોઇએ પછી અમે બોસ પાસે જઇને એના માટે ફરિયાદ કરીએ કે જેથી આપણે સારા લાગીએ.. બોસ આપણને સારા ગણે, અને ભૂલ કરનાર વ્યક્તિને સજા કરે. તો કોઈની ભૂલ નો લાભ લેવો તે પણ આસુરી (શૈતાની) અને તામસિક ગુણવત્તા છે. કોઇનું માર્ગદર્શન અથવા રક્ષણ કરવું કે જેથી તે ભૂલ ન કરે તે સાત્વિક ગુણવત્તા છે. તમારી વહુ કોઈ ભૂલ કરે છે અને તમે તમારા પુત્ર પાસે જઇને તેની ફરિયાદ કરો છો. તેની જગ્યાએ, તમારી વહુ ભૂલ ન કરે તેમ તેને માર્ગદર્શન આપવું અને શિખવવું તે સાત્વિક સાસુ છે!

જો ભૂલ કરે તો તેને અપરાધીભાવ ન થવા દેવો તે સાત્વિક ગુણવત્તા છે. ઘણા લોકો અન્યને અપરાધી ભાવ કરાવવામાં આનંદ અનુભવે છે. પતિ અને પત્ની વચ્ચે આવું ખાસ બને છે. એવુ મેં સાંભળ્યું છે અને જોયું છે. 'તે મને આવુ કર્યું! હું સાચો છું અને તુ ખોટી છે!' જ્યારે તમે બીજાને અપરાધી ભાવ કરાવો છો ત્યારે સંબંધ માં એક અંતર આવી જાય છે.

એક ગુરુ તેમના શિષ્યને ક્યારેય નથી કહેતા, 'તમે ખોટા છો, તમે મૂર્ખ છો, હું સાચો છું. મારી પાસે થી શીખો.' તે આવું ક્યારેય નહિ કહે. ગુરુ હંમેશા શિષ્ય ને પોતાનું જ અંગ ગણે છે અને પોતાના ઉદાહરણ દ્વારા શિખવાડે છે. 'બેટા, તુ મારો એક ભાગ છે. મને જો, શીખ અને આગળ વધી ને મારા જેવો મહાન બન.' જીવન એવું જીવવુ કે બીજા તમને અનુસરવા માટે પ્રેરાય અને બીજામાં અપરાધભાવ ન આવવા દેવો - આ કૌશલ્ય છે, એક આર્ટ છે. આ એક ગુરુનું કામ છે. આ બની શકે જ્યારે ગુરુ અને શિષ્ય બંને સાત્વિક પ્રકૃતિ ના હોય. જાડી ચામડીના શિષ્ય ગુરુની સ્પષ્ટ સૂચનાનો અમલ ન કરે, તો કરુણાવશ ગુરુ ગુસ્સો કરે છે. પણ તે કામ કરશે એવી કોઈ ગેરેંટી નથી. મેં જોયુ છે કે રાડારાડ કરીને અંતે ગુરુ બદલાય છે પણ શિષ્યમાં કોઇ ફેરફાર નથી થતો. ગુરુ પરેશાન રહે કારણકે શિષ્ય નો પ્રભાવ ગુરુ પર પડે. તેલુગુ માં કહેવત છે - એક સંગીત શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે, 'તમને શિક્ષણ આપી મેં મારી પ્રતિષ્ઠા ગુમાવી છે. તમે કંઇ ન શીખ્યા, અને હું બધુ ભૂલી ગયો.' નિયમ મુજબ વિદ્યાર્થીઓ ને શીખવાડ્યા પછી શિક્ષકે તમામ જાણકારી ભૂલી જવી જોઈએ. શા માટે? કારણ કે જે વિદ્યા ન ભૂલ્યા તે આગલા જીવન માટે બંધન બની જાય છે. તેથી શીખવાડીને પછી ભૂલી જવું એ જ શ્રેષ્ઠ છે. કયારે ભૂલી શકો? એકવાર તમે કોઇને શીખવાડો પછી તમને તે ભૂલવાનો અધિકાર મળે છે.

જ્ઞાન સાબુ જેવું છે. શુદ્ધિકરણ માટે જ્ઞાનથી ઉત્તમ બીજું કાંઇ નહીં. પરંતુ જો તમે જ્ઞાન ને પકડી રાખો, તો તે અજ્ઞાનતા અને મદ માં ફેરવાઇ જાય છે. શિખો અને ભૂલી જાવ એ તેટલા માટે જ કહેવાય છે. તેથી જે સંગીત શીખ્યા તે મનમાં કોતરાયેલ રહે, તો પછી તે આગલા જીવનમાં બંધન બની જાય છે. ખાલી અને ખોખલા બને તે મુક્તિ છે. પરંતુ, કયારે? જ્યારે શિષ્ય શીખી લે, પછી! નહિંતર, તે જ્ઞાન ખોવાઈ જશે. જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ કોઇને આપી દેવું જોઈએ આ નિયમ છે. એક શિષ્ય ની ઓળખાણ તેના ગુરુ સાથે સંકળાયેલ છે. લોકો સામાન્ય રીતે કહે છે કેઆ ફલાણા ગુરૂ નો શિષ્ય છે. તેથી જ્યારે શિષ્યો નથી શીખતા ત્યારે ગુરુ તેમનુ માન ગુમાવે છે.

ટૂંકમાં, જયાં આપવાનો અભિગમ અને લેવા માટે ખચકાટ છે, ત્યાં જીવનની દિશા એક ઉચ્ચતર સ્તર સુધી પહોંચી છે. જયાં આપવા માટે ખચકાટ અને લેવા માટે કોઈ શરમ નથી તે નીચા સ્તરનું અસ્તિત્વ છે. અને અમુક લોકો તો પડાવે છે, ઝૂંટવે છે તે સાવ નીચા સ્તરનું અસ્તિત્વ છે. હવે આ દુનિયામાં તમામ પ્રકારના લોકો હોય છે અને તમામ પ્રકારના સંજોગો થાય છે. તેથી આપણે કોઈને દોષિત ન માનવા જોઈએ. આજનો મહત્વનો સંદેશ એ છે કે આપણે અન્યને માટે ઉદાહરણ બનીએ અને કોઇને અપરાધભાવ ન થવા દઇએ. તેથી, તમે બધા જે શિક્ષકો છો, લોકોને જ્યારે આપો ત્યારે ઉપર ઉઠાવો.

જોકે કેટલાક એવા લોકો પણ હશે જેમને થોડા વઢવા પડશે. આજે, એક આશીર્વાદ લેવા આવેલી મહિલા અસ્વસ્થ દેખાતી હતી. હું તેને વઢ્યો અને તેણે હસવા માંડ્યુ. તેથી ક્યારેક લોકો ને વઢવા જરૂરી છે.

આપણી પાસે બધું જ છે અને છતા આપણે બેસીને નાની નાની બાબતો ઉપર ફરિયાદ કરીએ છે - વહુ, દિકરો, પૌત્રો બધાની ફરિયાદ. ક્યાં સુધી આ રીતે રડ્યા કરશો? જાગો! આ વિશ્વમાં સંપૂર્ણ સુખ મળે તે અશક્ય છે. સુખ હંમેશા કોઇક સમસ્યાઓ ની સાથે છે આવે છે. હિંમત કરો અને જાગો! ક્યારેક લોકોને જગવવા માટે વઢવાનું જરૂરી છે.

બાળકો પ્રકૃતિ થી શરમાળ હોય છે. હું જ્યારે નાનો હતો અને અમારા ઘરે કોઈ મહેમાન આવતા તો હું દૂર ભાગી જતો. અન્યની સામે પૂજા કરતા હું શરમાતો; કોઇ મને જુએ તો હું સભાન થઇ જતો. એકલામાં પૂજા કરવાનું મને આરામદાયક લાગતું. દરેક બાળકને પહેલેથી જ થોડો ખચકાટ હોય છે; તે માત્ર સાચી દિશામાં બદલવાની જરૂર છે. જેમ કે જૂઠું બોલતા ખચકાટ થવો જોઇએ. જો આપણે અમલમાં મૂકશું તો તે સંસ્કાર આપોઆપ આપણા બાળકોમાં આવશે.

પ્ર: કેવી રીતે અમે આત્મા નો અવાજ સાંભળી શકીએ?

શ્રી શ્રી રવિ શંકર: આત્મા નો અવાજ ઊંડા ધ્યાન માં સાંભળી શકાય છે. જ્યારે તમે ઊંડા ધ્યાનમા હો અને આંતરિક અવાજ આવે છે કે જે તમને શાંતિ અને આરામ આપે છે તે આત્મા નો અવાજ છે. શાંતિ આત્મા ની પ્રકૃતિ છે. જ્યારે તમને કોઇ સુખ મળે, તે આત્મામાંથી મળે છે, સંસારમાંથી નહી. આપણે એમ માનીએ છીએ કે સુખ બાહ્ય વસ્તુઓમાંથી મળે છે પરંતુ વાસ્તવમાં સુખ અંદરથી આવે છે. જેમ કે કૂતરો  હાડકું ચાવે ત્યારે તેના મોંમાં રક્તસ્રાવ શરૂ થાય છે અને તે વિચારે છે કે હાડકું ખૂબ રસદાર છે. ખરેખર તે હાડકું રસદાર નથી.

ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતા માં સુંદર કહ્યું છે કે, 'अनित्यम असुखम लोकम इमाम प्राप्यम भजसस्वमम' એટલે કે આ સંસાર ક્ષણભંગુર છે અને તેમાં કોઈ સુખ નથી. તે પ્રાપ્ત કર્યા પછી, મારા તરફ જુઓ. મારા માં સમાઇ જાઓ, મારું નામ ભજો; માત્ર પછી મનને શાંતિ મળશે.

પ્ર: ગુરુજી, માનસિક રોગો માટે કયું ધ્યાન સારુ છે?

શ્રી શ્રી રવિ શંકર: સુદર્શન ક્રિયા અને પંચકોષ ધ્યાન અથવા સહજ સમાધિ ધ્યાન સારુ છે.

તમે ઘણા લાંબા સમયથી મનમાં વિચાર્યા કરતા હતા.'કેમે કરીને હું આ પ્રશ્ન પૂછી લઉ.' (હસતા હસતા) પ્રશ્નો પૂછવાની પણ એક જાતની મજબૂરી બની જાય છે. જ્યાં સુધી તમે તેને પૂછી ન લો ત્યાં સુધી તમને બેચેની લાગે છે. જ્યારે તમે ગુરુ પાસે આવો છો, તો તમામ પ્રશ્નો પૂછી લો. પ્રશ્નો પૂછતા પહેલાં જ તમારા પ્રશ્નોના જવાબો સહજતાથી મળશે. આ સંવાદનું ઉચ્ચતમ સ્તર છે.

તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો કે પછી પ્રશ્ન આવીને અદ્રશ્ય થઇ ગયો પરંતુ જે જ્ઞાન તમારે પ્રાપ્ત કરવાનું હતુ તે તમને મળી ગયું. આનાથી ઉપર જ્ઞાનપિપાસા પણ નથી રહેતી. તમે અહીં બેઠા છો અને તૃપ્તિ અનુભવો છો - મન ખુશ છે. ગોપીઓ આવી હતી. જ્યારે ઉધ્ધવ ગોપીઓને જ્ઞાન આપવા ગયા, ત્યારે તેમણે કહ્યું, 'તમે અમને શું જ્ઞાન આપો છો? દ્વારકા માં બધું ઠીક છે? એટલું જાણીને જ અમે ખૂબ ખુશ છીએ. અમને એથી વધુ જાણકારી ની કોઈ જરૂર નથી.' પરંતુ આ આગળ નું પગથિયું છે. તમે એવુ ન વિચારતા કે 'મને કોઈપણ જ્ઞાનની જરૂર નથી.' તમે ગોપીઓ જેટલી ઉંચાઇ હાંસલ નથી કરી તેથી તે વિચાર કામ નહિં કરે. જ્ઞાન નું પોતાનુ સ્થાન છે, તે પણ જરૂરી છે. કર્મનું પોતાનું સ્થાન છે; તે પણ ખૂબ જરૂરી છે અને સંસારમાં રસ પણ જરૂરી છે; તેનું પણ પોતાનુ સ્થાન છે.

દરેકને માટે ચિંતા હોવી જોઇએ; તે મહત્વની વાત છે. આ જ આર્ટ ઓફ લિવિંગ છે - બધું સાથે લઈને ચાલો; સામાજિક જવાબદારી, પ્રામાણિકતા, સાધના, સત્સંગ, બધું.

પ્ર: ગુરુજી, તમે અમને તમામ પ્રકારના ધ્યાન આપેલા છે. જો તમે અમને 'ખાલી અને ખોખલા'' ધ્યાન આપો તો દૂધમાં સાકર મળી જશે. જય ગુરૂ દેવ!

શ્રી શ્રી રવિ શંકર: મને સાકર વિનાનું દૂધ ભાવે છે (હાસ્ય) તેથી સાકર વિનાનું દૂધ પીવો, બરાબર છે?

એડવાન્સ કોર્સ મા બેસીને 'ખાલી અને ખોખલા' ધ્યાન કરો.

પ્ર: ગુરુજી, જ્ઞાન શું છે? જ્ઞાન માત્ર જે વાંચેલ, લેખિત કે સાંભળેલ છે કે પછી અંદરની બુધ્ધિ છે?

શ્રી શ્રી રવિ શંકર: આપણી ચેતના પોતે જ્ઞાન સ્વરૂપ છે. તમારા મનમાં આ જાણવાની ઇચ્છા થઇ – એ ઇચ્છા જેને થઇ તે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાતા જ જ્ઞાન સ્વરૂપ છે.

પ્ર: ગુરુજી, કર્મ શું છે? અમે અમારી પહેલાંના કર્મો માંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ?

શ્રી શ્રી રવિ શંકર: તમે જ્ઞાન થી મોક્ષ પ્રાપ્તિ કરશો, કર્મથી નહી. કર્મના પોતાના કાયદાઓ છે અને તે ચાલ્યા કરે છે. સારા કાર્યો કરો.