Monday, 12 December 2011

એક શિષ્યે ખાલી અને ખોખલા હોવું જોઈએ


૧૨ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: હું જ્યારે ધ્યાન કરતો હતો ત્યારે એવું લાગ્યુ કે મારુ મન વિલિન થઇ રહ્યું છે. આ મન ક્યાંથી આવે છે તે મને ખબર નથી.

શ્રી શ્રી રવિ શંકર: આ મન મારો મિત્ર પણ છે અને દુશ્મન પણ છે. જો મન મારું સાંભળે તો તે મારો મિત્ર છે અને જ્યારે તે આમ તેમ ભટકે ત્યારે તે મારો દુશ્મન છે. તેથી, આ વિશ્વમાં તમારા પોતાના મન કરતા મોટો બીજો કોઇ દુશ્મન નથી.

પ્ર: એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ ભારતનું પતન શરૂ થયુ, કારણ કે એ યુદ્ધ દરમિયાન આપણે ઘણા પ્રતિભાશાળી લોકો અને વિદ્વાનો ગુમાવ્યા. તમારો શું અભિપ્રાય છે?

શ્રી શ્રી રવિ શંકર: નિઃસંદેહ દરેક યુદ્ધ માં પ્રતિભા, ભંડાર, માનવો અને મૂલ્યો નો વિનાશ થાય છે. પરંતુ મહાભારત પછી ભારતમાં કોઇ મોટી પ્રતિભા ન થઇ તે કહેવું ખોટુ છે. ચાણક્ય, શંકરાચાર્ય,  ગૌડપાદાચાર્ય, શુક મુનિ વગેરે ઘણા મહાભારત પછી આવ્યા હતા. તેથી આ સત્ય નથી, પરંતુ આંશિક સત્ય છે.

પ્ર: કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતા માં કહ્યું છે કે તેમને કોઇ પ્રિય નથી અને કોઇ અપ્રિય નથી. તો બીજી બાજુ તે કહે છે કે કેટલાક લોકો મને ઘણા પ્રિય છે. કૃપા કરીને તમે આ દ્વંદ નુ નિવારણ કરશો?

શ્રી શ્રી રવિ શંકર: વિરોધાભાસી વાતો કરીને મૂંઝવણ ઊભી કરવી આ કૃષ્ણની વિશેષતા છે. તેમણે આ વાતો વિભિન્ન ઘટનાઓ માટે અને અસ્તિત્વના વિવિધ સ્તરો માટે કીધેલી છે તેથી આ બંને નિવેદનો સાચા છે. એક સ્તર પર તે કહે છે કે જે લોકો શાંત, કરુણામય, ખુશ અને પ્રેમાળ હોય છે, તે મને સૌથી વધુ પ્રિય છે. તેથી તમે સૌ મને પ્રિય છો - આ વાત સાચી છે. અન્ય સમયે તેઓ કહે છે, મને કોઇ પ્રિય કે અપ્રિય નથી. દરેક વ્યક્તિ મને પ્રિય છે અને હું મારી જાતે દરેકમાં જોઉ છું. ભગવદ્ ગીતા થી વધુ વિરોધાભાસી પુસ્તક તમે ક્યારેય વાંચ્યુ નહીં હોય અને તે સંપૂર્ણ સત્ય છે કારણ કે તે આવું વિરોધાભાસી છે.

પ્ર: ધ્યાન ના વિવિધ પ્રકારના મહત્વ શું છે?

શ્રી શ્રી રવિ શંકર: દરેક પ્રકારના ધ્યાનનું એક જ ધ્યેય છે - તમને કેન્દ્રિત કરવાનું અને પાછા આનંદ અને શાંતિ ની આંતરિક સ્થિતિમાં લાવવાનું છે. તમારા આમ તેમ ભટકતા મનને પકડીને કેદ કરવા મારી પાસે ઘણી બધી યુક્તિઓ છે.

પ્ર: ગુરુજી, તમે હંમેશા કહો છો કે તમે અમને ઘણુ આપવા માંગો છો, પરંતુ તેને પ્રાપ્ત કરવાની ક્ષમતા અમારી પાસે હોવી જોઇએ. તો તમારા  સર્વોત્તમ  શિષ્યની ગુણવત્તા શું છે?

શ્રી શ્રી રવિ શંકર: એક શિષ્ય ખાલી અને ખોખલો હોવો જોઈએ. એ જ સમયે તમે જે કાંઇ સાંભળ્યું હોય તે માની લેવાની જરૂર નથી. જ્ઞાન નો અભ્યાસ કરો અને તેને ફરીથી અને ફરીથી વાંચો. જાણવા છતાં એમ માનો કે તમને ખબર નથી. તમે જાણો છો તેવો ગર્વ પેદા ન થવા દેશો. સ્વાભાવિક અને સરળ રહો.

પ્ર: 'अहम ब्रह्मास्मि' આ અંતિમ જ્ઞાન છે, પરંતુ ભક્તિ માં ખૂબ જ આનંદ છે. તમે જ બ્રહ્મ છો તે જ્ઞાન  કંટાળાજનક છે, આનંદ માટે દ્વૈત ની જરૂર છે. શું ભક્તિ અંતિમ મુકામ છે કે તેનાથી આગળ જવા માટે રસ્તો છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, એક વિચાર તરીકે 'अहम ब्रह्मास्मि' કંટાળાજનક છે, પરંતુ વાસ્તવિકતા માં તેવુ  નથી. એકવાર તમે તે સ્થિતિમા પહોંચ્યા પછી ભક્તિ જ બાકી રહે છે. નહિં તો પછી ભક્તિ આપોઆપ તમને તે સ્થિતિમા પહોંચાડી દે છે.

પ્ર: ગુરુજી, મારા બાળકો એ આર્ટ એક્સેલ નો કોર્સ કર્યો છે અને દરરોજ ક્રિયા કરે છે. છતાં ઘરમાં ચોરી કરે છે, મારે શું કરવું જોઇએ?

શ્રી શ્રી રવિ શંકર: ક્રિયા કરવાથી બાળકો ચોરી કરવાનુ બંધ કરશે તેવું નથી. તેઓ ક્રિયા કરે છે તે સારી વાત છે પરંતુ તમારે શોધવું પડશે કે તેમને ચોરી કરવાની ઇચ્છા અથવા જરૂર શા માટે લાગે છે. તમે તેમને પાસે બેસાડીને તેમની સાથે વાત કરો. તેમને કહો કે તેમને જેની જરૂર હોય તે માંગી લે, અને તેઓ જે માંગશે તે તમે આપશો. માતા પિતા બાળકો ને આવી ટેવ પાડે છે - તેમને અમુક રકમ આપશે અને કહેશે, 'આ તમારા પૈસા છે, તમે તમારી સાથે રાખો. બીજી કોઇ વ્યકિતને ન આપશો' જ્યારે તેઓ લંચ બોક્સ લઇને શાળામાં જાય ત્યારે કહે, 'જુઓ આ તમારું ખાવાનું છે, માત્ર તમે ખાજો અને તમારા મિત્રો ને ન આપી દેતા.' આમ કહીને બાળકો ની પ્રાકૃતિક ઉદારતા ખતમ કરી નાખવામાં આવે છે. હું જ્યારે બાળક હતો, ત્યારે મારા ઘરમાં એક ડબ્બી માં પૈસા રાખવામાં આવતા. જ્યારે અમને જરૂર પડે ત્યારે પૈસા એ ડબ્બીમાંથી લઇ ને વાપરતા, અને વધેલા પાછા એ ડબ્બી માં મૂકતા. અમને ક્યારેય એવું ન થતુ કે આ મારા પૈસા છે, મારે મારા ખિસ્સામા રાખવા જોઈએ. ઘરમાં ઘણા લોકો રહેતા હતા પરંતુ કોઈ એમાંથી જરૂરતથી વિશેષ ન લેતા. તેમને જરૂરી લાગે તેટલા ડબ્બીમાંથી લેતા અને બાકીના પાછા મૂકતા. ઘરમાં એક જ જગ્યાએ પૈસા રહેતા. તેથી ઘરમાં બાળકો માટે આવા સંસ્કાર સીંચવા જોઇએ. એક ડબ્બામાં તમે જેટલા પૈસા રાખવા માગો તેટલા મૂકો. આ રીતે બાળકો માં પણ એકબીજા સાથે ભાઇચારો વધશે.

પ્ર: ગુરુજી, કેટલાક લોકો કહે છે કે પરિણિત સ્ત્રીઓએ લલિતા સહત્રનામ નો પાઠ ન કરવો જોઈએ. જો તે સાચું હોય તો વધુ માર્ગદર્શન આપો.

શ્રી શ્રી રવિ શંકર: આપણા દેશમાં લોકો કાંઇ પણ કહેતા હોય છે. કેટલાક કહે છે પરિણિત સ્ત્રીઓએ લલિતા સહસ્ત્રનામ નો પાઠ ન કરવો જોઇએ. કેટલાક કહે છે ઘરે શિવ લિંગ ન રાખવું જોઇએ. કેટલાક કહે છે સ્ત્રીઓએ ૐ નમઃ શિવાય નો જાપ ન કરવો જોઇએ. આ બધી ખોટી વાત છે, તેનો ધર્મગ્રંથો માં ક્યાંય ઉલ્લેખ નથી. સારી વસ્તુઓ દરેકે વાંચવી જોઈએ. આમ અંધશ્રદ્ધા માં ન રહો.

આજકાલ સાચા પંડિત કે પુજારી મળવા મુશ્કેલ છે. ઘણી વખત પુજારી લગ્ન સમારંભમાં મૃત્યુ વિધિ માટેના મંત્રો વાંચે છે અને કોઈ જાણતુ નથી કે તેમણે શું કહ્યું અને મંત્ર શેના માટે છે. પુજારી આવીને  મંત્રો બોલી ગયા એટલે કામ થઇ ગયું. વિધિમાં અથવા મન્ત્રોચ્ચારમાં કોઇ સચ્ચાઇ નથી રહી. અને ઘણી વખત આપણે આવી વિધિ પૂરી કરવાની ઉતાવળમાં હોઇએ છીએ, એટલે પૂજારીને કહીએ 'પંડીતજી, જરા જલદી પતાવો!' બેસીને મંત્રજાપ સાંભળવા કે મંત્રો નો વાસ્તવિક અર્થ શું છે તે જાણવા માટે જરૂરી ભક્તિનો પણ આપણામાં અભાવ છે. એક ખ્રિસ્તી પાદરી ને આદર મળે છે, પરંતુ અમારા દેશમાં પંડિતોને યોગ્ય આદર મળતો નથી જે મળવો જોઇએ. આપણા દેશમાં પંડિતો ને યોગ્ય તાલીમ પણ હવે નથી મળતી. આ કારણથી અમે પંડિતો ના શિક્ષણ માટે 'વેદ વિજ્ઞાન મહાવિદ્યાપીઠ' નામની શાળા શરૂ કરી છે, જેમાં વૈદિક ધર્મ સંસ્થાન અનુસાર લગ્ન અને અન્ય વિધિઓ શીખવાડવામાં આવે છે, કે જેથી લોકો લગ્નવિધિ નો સાચો અર્થ સમજી શકે. લગ્ન એટલે માત્ર મંગલ સૂત્ર પહેરવાનું નથી પરંતુ સપ્તપદી લગ્ન છે. જ્યાં સુધી તમે સાથેમળીને ૭ પગલાં લેતા નથી ત્યાં સુધી લગ્ન પૂર્ણ નથી અને સપ્તપદી નો અર્થ સમજવો તે ખૂબ જ મહત્વનું છે. તમારા માંથી જેમને રસ હોય તેમને હું ૨ મહિનાના અભ્યાસક્રમ માટે આમંત્રિત કરું છુ. જેના અંતે તમે લગ્ન ઊપરાંત નામકરણ, ગૃહ પ્રવેશ, યજ્ઞોપવિત અને અંત્યેષ્ટિ વિધિ કરવાને પાત્ર બનશો.

અંત્યેષ્ટિ વિધિ નું બહુ જ મહત્વ છે અને તેનો ઘણો ઊંડો અર્થ છે. તે વિધિમાં તલનાં બીજ સાથે પાણી ચઢાવાય છે, તેનો અર્થ છે મૃત વ્યક્તિની વાસનાઓ કે જે તેમના પ્રસ્થાન પછી બંધનકર્તા છે તે અત્યંત તુચ્છ છે, તેમને છોડીને મુક્ત બની જાઓ! અમે તમારી આ ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશું. તેથી તેને તર્પણમ કહેવામાં આવે છે. એક પુત્ર અથવા પુત્રી આ વિધિ કરી શકે છે. તેથી તર્પણ વિધિ કરે છે મૃતાત્મા ને કહેવા કે છોડીને મુક્ત બની જાઓ, અમે બધા તમે પાછળ છોડી છે તે ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશું.

આ બધી વિધિઓ ઘણી મહત્વપૂર્ણ છે, પરંતુ આપણે તે તમામ ભૂલી ગયા છીએ. પરંતુ હવે આર્ટ ઓફ લિવિંગ માં યોગ્ય તાલીમ આપીને બધા સંસ્કારો પુનર્જીવિત કરવામા આવી રહ્યા છે.

પ્ર: ગુરુજી, જો જીવનમાં દરેક પગલે નિષ્ફળતા મળતી હોય અને ગુરુના આવ્યા પછી વધારે નિષ્ફળતા મળે તો શું કરવું જોઈએ? આવી પરિસ્થિતિ માટે કયા પ્રકારના જ્ઞાન ની જરૂર છે?

શ્રી શ્રી રવિ શંકર: જો આવું થતુ હોય, તો પછી દરેક વખતે તમારી યોજના નિષ્ફળ જાય ત્યારે આનંદ થી કહો, 'આજે મારી આ યોજના નિષ્ફળ જાય છે!' અને પછી તેને સમર્પિત કરી દો. જો તમે તમારી  નિષ્ફળતા ને છોડવા અસમર્થ હો તો પછી તમે સફળતાને કેવી રીતે છોડી શકશો? જ્યારે તમે નિષ્ફળ જાવ, ત્યારે તેને પકડી કેમ રાખો છો? તે છોડી દો અને મુક્ત થઇ જાઓ. પછી તમે કહી શકશો કે હું મુક્ત છું. જો તમે સફળ થાવ, તો તમને વધુ અને વધુ કામ અને જવાબદારી મળશે. પરંતુ જો તમે નિષ્ફળ જાવ તો પછી તમે નિશ્ચિંત છો! એટલું ધ્યાન રાખજો કે કાર્યની નિષ્ફળતા વિશે ચિંતા કરતા કરતા તમારુ હૃદય બંધ ન પડી જાય.

પ્ર: ગુરુજી, એક પ્રિયજન મૃત્યુ છી ફરીથી બીજો જન્મ લે છે, પરંતુ આપણે તેના નામે તર્પણ કરવાનું  ચાલુ રાખીએ છીએ. તે કિસ્સામાં એ પૂણ્ય કોને જાય છે?


શ્રી શ્રી રવિ શંકર: પ્રાચીન કાળમાં લોકો ખૂબ જ સહજ હતા, તેઓને સગાના પુનર્જ્ન્મનું જ્ઞાન થતુ અને  તેઓ તર્પણ બંધ કરી દેતા. પરંતુ આજકાલ આપણને ખબર નથી કે આત્મા નો પુનર્જ્ન્મ ક્યારે થયો. તેથી તર્પણ આપવાનું ચાલુ રાખીએ છીએ. પૂર્વજોને યાદ કરવામા કોઈ નુકસાન નથી, તે સારી વાત છે. કબીર દાસે કહ્યું હતું કે, છે 'नाम जपन क्यों छोड दिया, क्रोध न छोडा झूठ न छोडा सत्य वचन क्यों छोड दिया'