૨૧ ડિસેમ્બર ૨૦૧૧
શ્રી શ્રી રવિ
શંકર: આપણે ત્યાં સત્સંગનો એક નિયમ છે. તમે તમારી ચિંતાઓ અહીં લાવી શકો છો,
પરંતુ તમે તેમને તમારી
સાથે પાછી નથી લઇ જઇ શકતા. તમારી બધી નાની નાની વ્યક્તિગત ચિંતા છોડો. તેની જગ્યાએ,
દેશની ચિંતા કરો.
કુદરત નો એક નિયમ
છે: જો તમે મોટી જવાબદારી લેવા તૈયાર હો, તો તમારી પોતાની આવશ્યકતાઓ ની જાતે જ કાળજી લેવાશે. જો તમે સતત તમારા પોતાના
અંગત મુદ્દાઓ વિશે વિચારશો, તો તમે ક્યાંય
નહીં પહોંચી શકો. સંસ્કૃત માં એક શ્લોક છે - જીવનનો આનંદ હંમેશા મોટી વસ્તુઓમાં છે,
નાની વસ્તુઓમાં નહીં, તથા જીવન હંમેશા આનંદની શોધ માં વહે છે અને
સૌથી મોટો આનંદ એ દિવ્યતા છે. દિવ્યતા ની પ્રાપ્તિ જ આપણો ધ્યેય હોવો જોઈએ. જો
તમારો ધ્યેય સૌથી ઉચ્ચ હશે, તો તમારી નાની
નાની ઇચ્છાઓ એની જાતે પૂરી થશે. જે તરસ્યા છે તેમને પાણી મળશે. જેને તરસ ન હોય તે પાણી
વિષે પરવા નહિં કરે. એ જ રીતે આપણી અંદર એક તરસ હોવી જોઇએ - દિવ્યતાની પ્રાપ્તિ માટે,
પરમ સત્ય જાણવા માટે,
જીવન શું છે તે જાણવા
માટે, આપણે કોણ છીએ તે જાણવા
માટે. જ્યારે તમે ગુરુ પાસે આવો તમારે તેમને કંઈક આપવું જરૂરી છે. તમે મારા માટે
ફૂલો, હારમાળા અને શાલ ન લાવો.
મને તમારી બધી ચિંતાઓ આપો. જો તમે ખુશી ખુશી પાછા જાઓ તો તે મારી ગુરુ દક્ષિણા છે.
હું મીઠાઈ,
ફળો, અને ફૂલો નો પ્રસાદ નથી આપતો. હું તમને પ્રસાદ
તરીકે સુખદ મનોસ્થિતિ આપુ છુ. જો લોકો પોતાની ચિંતાઓ માં અટવાઇ જાય તો તેઓ સમાજ
માટે કાંઇ ન કરી શકે. કન્નડમાં એક કહેવત છે 'તમારા હાથમાં માખણ છે અને તમે ચિંતા કરો છો કે
તે ઘી નથી'. આપણે જીવનમાં
આવું કરીએ છીએ. આપણા મનમાં જબરદસ્ત સંકલ્પ શક્તિ (હકારાત્મક ઇચ્છાશક્તિ) છે,
પરંતુ આપણે તે તરફ ધ્યાન જ નથી આપ્યું. આપણે ક્યારેય થોડા
સમય માટે ધ્યાન ધરવાનું વિચાર્યું નથી.
આપણે આખી જીંદગી
રડતા રહીએ છીએ. હું આશરે ૧૦ વર્ષનો હતો, ત્યારે રાજ્યપાલે તેમના ઘરે એક સમારંભમાં મારા પિતાને આમંત્રિત કર્યા હતા.
મારા પિતાએ મને તેમની સાથે જવા કહ્યું હતું પણ મેં કીધું કે, 'જ્યારે તે મને આમંત્રણ આપશે, ત્યારે હું આવીશ.' હું ત્યાં જવાનું ટાળતો હતો. મારા પિતા ત્યાં
એકલા ગયા. ૪ વર્ષ પછી, એ જ રાજ્યપાલે
મને આમંત્રિત કર્યો. કોઇએ તેમને કહ્યું હતું કે એક યુવાન છોકરો ખૂબ જ સારી રીતે
ધ્યાન શીખવે છે. મારા પિતાને આ જાણીને ખૂબ આશ્ચર્ય થયું હતું. આ ઉદાહરણ આપવાનું કારણ એ છે કે હું યુવાનો ને
કહેવા માંગુ છુ કે મોટા સ્વપ્ન જુઓ અને જીવન ને એક વિસ્તૃત દ્રષ્ટિકોણ થી જુઓ.
બેંગલોરમાં રોટરી
કલબ અને લાયન્સ ક્લબ છે તે જોઇને મેં કહ્યું હતુ કે હું બેંગલોરમા એક સંસ્થા ખોલીશ
અને તેને આખા વિશ્વમાં ફેલાવીશ. જે લોકોએ આ સાંભળ્યું તે અવગણતા હતા, તે કહેતા આ બાળક સાવ વાહિયાત વાત કરે છે. ફરીથી,
આ ઉદાહરણ દર્શાવે છે કે
જો આપણું મન શુદ્ધ હોય, તો સંકલ્પ ખૂબ જ
ઝડપથી પૂરા થાય છે. આપણા દેશમાં રિવાજ છે કે જ્યારેપણ શુભ પ્રસંગ હોય, ત્યારે વડીલોના આશીર્વાદ
સૌ પહેલા માગવામા આવે છે. આમંત્રણ પત્રમાં ઘર ના સૌથી વડીલ સભ્યને સંબોધવામાં આવે
છે. તમને ખબર શા માટે? જેમ આપણે ઘરડા
અને પરિપક્વ થઇએ, તેમ આપણે સંતોષી
બનવું જોઈએ. જ્યારે એક સંતોષી વ્યક્તિ કોઇને આશિર્વાદ આપે છે, તો તે સાચા પડે છે. જોકે, આજના જમાનામાં લોકો ઘરડા થાય તેમ વધારે
ચિંતાતુર થાય છે. જ્યારે તમને લાગે કે તમને કશાની જરૂર નથી ત્યારે તમે અન્યની
ઇચ્છાઓ પરિપૂર્ણ કરવાની ક્ષમતા મેળવો છો.
ઉત્તર ધ્રુવ પર ૨
મહિના માટે સતત અંધારુ હોય છે. સૂર્ય ૨ મહિના સુધી ઉગતો નથી. હું ત્યાં એકવાર ૨૦મી
નવેમ્બરે ગયો હતો, મેં તેમને
પૂછ્યું, 'સૂર્ય ઉદય ક્યારે
થશે?' જવાબ મળ્યો, '૨૦ મી જાન્યુઆરી એ!' સૂર્ય ૨ મહિના સુધી આથમતો પણ નથી. આવી જગ્યાઓએ
પણ લોકો સુદર્શન ક્રિયા કરે છે. મને
એરપોર્ટ પર ૧૦ લોકો લેવા આવ્યા હતા. હું ત્યાં યુનિવર્સિટી માં પ્રવચન આપવા
ગયો હતો. જ્યારે મેં ત્યાં લોકોને ધ્યાન અને 'ૐ નમઃ શિવાય' ના જાપ કરતા જોયા ત્યારે મને આશ્ચર્ય થયું
હતું. એ જ રીતે, જ્યારે હું
દક્ષિણ ધ્રુવ ના એક છેવાડા ના ગામમાં ગયો, ત્યાં સત્સંગ માં લગભગ ૧૦૦૦ લોકો હતા! ભારતમાંથી આધ્યાત્મિક જ્ઞાન વિશ્વના
તમામ ખૂણે પહોંચી ગયું છે. આ બધા શક્ય બન્યું છે હકારાત્મક સંકલ્પ નેકારણે. આ યુવા
પેઢી માટે ઉદાહરણ છે. મોટા સ્વપ્નો જુઓ!
તમારામાંથી
કેટલાને ખબર છે કે પ્રથમ વિમાન ભારત માં બનાવવામાં આવ્યું હતું? તમને ખબર છે કોણે તે પ્રથમ વિમાન રચ્યું હતુ?
એ અમેરિકાના રાઈટ બ્રધર્સ
નથી, પરંતુ બેંગલોર અનેકલ જિલ્લાના સુબ્રય શર્મા શાસ્ત્રી છે. એક પારસી
સજ્જન શ્રી નવરોજજીએ તેમને મદદ કરી હતી. તેમણે તે મુંબઇના
ચૌપાટી બીચ પર ૧૫ મિનિટ માટે ઉડાડ્યું હતુ ને તરત બ્રિટિશ સરકારે તેમને બંનેને
જેલમાં મોકલી દીધા. ૧૫ વર્ષ પછી, રાઈટ બ્રધર્સે
તેમની પ્રથમ વિમાનની ઉડાન ભરી.
ઇંગ્લેન્ડ ના
સમાચારપત્ર માં છપાયું હતુ કે બે ભારતીય જેન્ટલમેને એક વિમાન ઊડાડ્યુ હતુ. આપણે પોતાની સંભવિત શક્તિઓથી પરિચિત નથી.
સંકલ્પ કરો.
જ્યારે તમે તમારી જાતને માટે કંઈપણ નહિં માંગો, તો તમે આશિર્વાદ આપવાની ક્ષમતા મેળવશો. આજે,
આપણે દેશની સામે ઘણા
પડકારો છે. મોટા પડકાર વિષે વિચારો. હું તમામ યુવાનો અને વૃદ્ધો ને ભેગા થઇને
કાર્ય કરવાની અપીલ કરું છુ - આપણા રાષ્ટ્ર માટે, આપણા સમાજ માટે.
તમારામાંથી કેટલા
જણા આ કારણ માટે તમારા જીવનનું એક વર્ષ સમર્પિત કરવા તૈયાર છો? એક વર્ષ માટેતમારા પોતાના વિષે ન વિચારો. આપણા
દેશ, રાજ્ય અને શહેર વિશે
વિચારો.
સત્સંગથી ઉત્સાહ
અને આનંદ આવે છે, સાધના થી આંતરિક
મજબૂતાઇ આવે છે અને સેવાથી સંતોષ આવે છે. દર રવિવારે ૨ કલાક માટે એકસાથે ભેગા
મળીને તમારા પાડોશ ની સ્વચ્છતા નું કામ કરો.
સમાજના તફાવતો
દૂર કરવા આપણે સાથે મળીને કામ કરવાનું છે. આપણે તમામ એક જ દિવ્યતાના ભાગ છીએ અને
તે જ પરમ દિવ્યતા આપણા બધામાં હાજર છે. આપણે હિંસા મુક્ત અને તણાવ મુક્ત સમાજ ની
કામના કરવાની છે. તમામ યુવાનો માટે: મોટા સ્વપ્ન જુઓ, તે દિવ્યને અર્પણ કરો અને તે માટે તમારા બધા
પ્રયત્નો કરો. દરરોજ ધ્યાન ધરો. તે તમને મહાન આંતરિક તાકાત આપે છે. તે તમને સારું
આરોગ્ય, એક શાંત મન,
સારી સાહજિકતા, તીક્ષ્ણ બુદ્ધિ આપે છે અને તમે જે કામ હાથમાં
લેશો તે અંતે સફળ થશે. સૌથી વધારે તો તે તમને સંતોષ આપે છે.
૨૮મી ડીસેમ્બરે
રશિયામાં ભગવદ્ ગીતા પર પ્રતિબંધ મૂકતો ચુકાદો આવવાનો છે. રશિયન સરકારે મને બે
સન્માન પત્ર આપેલા છે. મેં કહ્યું કે હું આ બન્ને સન્માન પત્ર તેમને પાછા આપીશ. જો
તેઓ ભારતનો ધર્મગ્રંથ કે જે દરેક ભારતીય છેલ્લા ૫૦૦૦ વર્ષથી પવિત્ર માને છે તેનો
આદર ન કરે તો હું રશિયાના આ સન્માનપત્રો નું શું કરીશ. મેં પહેલેથી જ એક સંદેશ
મોકલ્યો છે કે ભગવદ્ ગીતાએ ગમે ત્યાં ક્યારેય કોઇને આતંકવાદી બનાવ્યો નથી. તે
માત્ર શાંતિ જ લાવ્યા છે. આવો અસહિષ્ણુતા ભરેલ વિચાર આપણે સહન ન કરવો જોઇએ.
પ્રઃ મેં મારા
જીવનમાં ઘણી પીડા અનુભવી છે. આનો ઉકેલ શું છે?
શ્રી શ્રી રવિ
શંકર: જીવન એક નદી સમાન છે. તેમાં પીડા અને આનંદ બંને છે. સમય ના પ્રવાહમાં મિત્રો દુશ્મનો બને છે અને દુશ્મનો મિત્રો બને
છે. આ બધા ચાલ્યા કરે છે. તમે પીડા અનુભવો તો દુઃખી ન થાઓ. આગળ વધો. ભૂતકાળને ભૂલી
જઇને આગળ વધો. દિવ્યતા હંમેશા તમારી સાથે છે.
પ્રઃ ગુરુજી,
તમે વધુ સારા ભારત માટે
સારા રાજકીય પક્ષ ની રચના ન કરી શકો?
શ્રી શ્રી રવિ
શંકર: એક સુધારક શાસક ન બની શકે અને શાસક સુધારક ન બની શકે. પરંતુ હું સારા લોકોને
રાજકારણમાં જોવા માંગુ છું. જો હું એક રાજકીય પક્ષ શરૂ કરીશ તો બધા સારા લોકો એક વિસ્તારમાં
રહેશે. તે સમાજ માટે સારું નથી. હું સારા લોકોને દરેક જગ્યાએ જોવા ઇચ્છુ છુ. હું
સારા અને નરસા લોકોને વિભાજિત કરવા નથી માંગતો. દરેક પક્ષમાં સારા લોકો છે અને
તેમને તક આપવામાં આવવી જોઈએ. સારા લોકોએ આગળ આવવું જોઇએ અને સખત કામ કરવું જોઇએ.
પ્રઃ ગુરુજી,
હું ઘણા લોકોને કોર્સ
કરવા માટે કહું છુ, પરંતુ મારા પતિ
ને તે નથી કરવો. મારે શું કરવું જોઈએ?
શ્રી શ્રી રવિ
શંકર: તમારા પતિ ના મિત્રોને કોર્સ કરાવડાવો અને તેમને કહો કે તમારા પતિને કોર્સ માં લાવે. તમે કેરી પર પથ્થર નથી ફેંકતા. તમે ડાળીને
પથ્થર મારો છો અને કેરી પડે છે. પરોક્ષ યુક્તિ કરો!
પ્રઃ ગુરુજી,
તમારુ ધ્યેય શું છે?
શ્રી શ્રી રવિ
શંકર: મારું ધ્યેય તમારા ચહેરા પર હંમેશા સ્મિત જોવાનું છે. મારે હિંસા મુક્ત અને ભક્તિ
થી ભરેલ સમાજની રચના કરવી છે.
પ્રઃ
આધ્યાત્મિકતા માં વૃદ્ધિ થી રાષ્ટ્ર નો વિકાસ થઇ શકે?
શ્રી શ્રી રવિ
શંકર: ચોક્કસ. આધ્યાત્મિકતા ની વૃદ્ધિ થી જ રાષ્ટ્ર નો વિકાસ થઇ શકે. મહાત્મા ગાંધી
ઘણા આધ્યાત્મિક હતા. તેઓ પ્રત્યેક દિવસ ભગવદ્ ગીતા વાંચતા. મારા શિક્ષકે ગાંધીજીને
ભગવદ્ ગીતા શીખવી હતી. તેઓ હજુ પણ છે જીવંત છે અને તેમની ઉંમર ૧૧૩ વર્ષ છે.
ગાંધીજી દરરોજ સત્સંગ કરતા. તેમાંથી એમણે ચળવળ પેદા કરેલી. અન્ના હઝારે ના ઉપવાસ
દરમિયાન આર્ટ ઓફ લિવિંગ ના લોકો દ્વારા ભજન ગાવામાં આવતા. તેઓ દરરોજ ભજન ગાતા.
પ્રઃ ગુરુજી,
ભારતમાં ભ્રષ્ટાચાર સામે
ચળવળ (ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન) માં તમારી શું ભૂમિકા છે?
શ્રી શ્રી રવિ
શંકર: હું સ્થાપક સભ્ય હતો. મને પૂછવામાં આવ્યું કે હું ઉપવાસ શા માટે નથી કરતો. મેં
જવાબ આપ્યો કે હું વિરોધ નહીં કરું, પરંતુ હું ચળવળ ને ટેકો આપીશ. જો હું વિરોધ કરીશ, તો આંદોલન ૧૫૦ દેશોની એલચી કચેરીઓ સામે થશે.
આપણા દેશનું નામ ખરાબ થશે. હું 30 વર્ષ થી અન્ના
હઝારે ને ઓળખું છું. જ્યારે તેઓ દિલ્હી આવ્યા હતા, તેમણે મને કીધું કે કોઇ પણ તેમને ત્યાં જાણતુ
નથી. મેં કહ્યું હતું કે, તમે બેસો,
લોકો જાણતા થશે. તેઓ ખૂબ
જ સરસ વ્યક્તિ છે, ખૂબ સમર્પિત છે.
પ્રઃ ગુરુજી,
સાધના, સેવા, અને સત્સંગ દરમિયાન હું ખુશ રહું છું, પરંતુ જ્યારે હું કામ શરૂ કરુ ત્યારે મન પીછેહઠ કરે છે. આધ્યાત્મિક જીવન માં
વધવા કામનું મહત્વ શું છે તે મારે જાણવું છે.
શ્રી શ્રી રવિ
શંકર: બંને જરૂરી છે. આપણે શરીર અને મન બંને નું ધ્યાન આપવું જોઇએ.