Tuesday, 6 December 2011

જે એક ઊંડા અંતર્જ્ઞાન માંથી કાર્ય કરે છે એ યોગી છે


બેંગલુરુ, ૬ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, અત્યંત લોભ અને લાલચ થી કેવી રીતે બચવું? બરાબર એ જ ક્ષણે તેમાંથી કેવી રીતે બહાર આવવું?

શ્રી શ્રી રવિ શંકર: એ તો યુદ્ધ ક્ષેત્રમાં તીરંદાજી શીખવા જેવું છે. જ્યારે લાલચ કે લોભનો વિચાર આવે બરાબર તે જ ક્ષણે તમે કશું નહીં કરી શકો કારણ કે તમે તમારી લાગણીઓ માં વહી જશો.

લાગણીઓ વિચાર કરતાં વધુ પ્રબળ હોય છે. પરંતુ તમે વિચારો કે 'આ બરાબર નથી, મારે આવા વિચાર રોકવા જોઈએ', તો લાગણીઓ પર પ્રતિબંધ આવશે. કાર માં બ્રેક હોય, તો તમે ઇચ્છો ત્યારે બ્રેક મારી શકો છો, પણ તે નિર્ણયશક્તિ વિકસાવવી પશે. નિર્ણયશક્તિ વધારવા આત્મબળ વધારવું પડશે અને તે માટે તમારી જાગરૂકતા નો વિસ્તાર કરવો પડશે. પછી ચોક્કસપણે લાલચો સૂક્ષ્મતર બની અને પછી અદ્રશ્ય થઇ જશે.

પ્ર: ગુરુજી, હું મારી જાતને એટલી મજબૂત કેવી રીતે બનાવું કે જેથી અન્ય લોકોના ગેરવર્તાવ મને પરેશાન ન કરે?

શ્રી શ્રી રવિ શંકર: સૌ પ્રથમ તમે નબળા છો એવું ક્યારેય ન વિચારો. એ વિચાર જ સૌથી મોટી સમસ્યા છે. પાછા વળીને ભૂતકાળમાં જુઓ, તમે કેટલા નબળા હતા અને હવે કેટલા મજબૂત બન્યા છો. તમે પહેલા કરતા આજે વધુ મજબૂત બન્યા છો તેના ઉપર જ ધ્યાન આપો.

પ્ર: કર્મના ફળ પર ધ્યાન આપ્યા વગર કેવી રીતે કાર્ય કરી શકાય?

શ્રી શ્રી રવિ શંકર: ભગવદ ગીતા ના છઠ્ઠા પ્રકરણમાં કૃષ્ણ ભગવાન કહે છે, 'अनासृतः कर्मफलं कार्य कर्म करोति यः'. જે કેન્દ્રિત છેતે યોગી છે, જેની આજ ભૂતકાળના કર્મ પર આધારિત નથી.

अनासृतः એટલે જે પ્રતિભાવ ન આપે (રીઍક્ટ ન કરે). એ સ્વીકારો કે અત્યારની પરિસ્થિતિ ભૂતકાળમાં કરેલા કર્મોનું પરિણામ છે. એ સમજાતાજ તમે અચાનક જાગી જશો, 'ઠીક, હું હવે મારા ભૂતકાળ ને ભૂલી જઈશ. હવેથી હું અલગ છું; મારું એક નવુ રૂપ છે.' પછી તમે કેન્દ્રિત થઇ જશો.

ભૂતકાળને ભૂલી જાઓ. ભૂલી જાઓ કે તમે એન્જિનિયર કે ડૉક્ટર અથવા કોમર્સ ગ્રેજ્યુએટ છો. તમામ શીર્ષકો, ડીગ્રીઓ ને કોરે રાખો, જે બધી ભૂમિકાઓ તમે ભજવો છો તે છોડી દો. ધારો કે અચાનક તમને અન્ય ગ્રહ પર મોકલી દીધા છે - પૃથ્વી પરની તમારી બધી ડિગ્રીઓ, તમારા બધા સંબંધો બધું પાછળ છોડીને ગયા છો, તમારું નવુ વ્યક્તિત્વ જન્મ લે છે.

જાગો! આજે, આ જ ક્ષણે, 'હું છું, હમણાં, અત્યારે, હું અહીં છું'. આ વિચાર ની સાથે કેન્દ્રિયતા સાથે વિશાળ  ઊર્જા નો સંચાર થાય છે. પાછલા બંધનો તૂટી જાય છે, ભવિષ્ય ની કલ્પના અને તલસાટ જતા રહે છે અને તમારી સાથે આ ક્ષણ બાકી રહી જાય છે - તદ્દન જીવંત!

આ છે ભૂતકાળના કર્મો પર આધાર ન રાખવો તે, કારણ કે અત્યારની પળ પાછલા બધા જ કર્મો નો સરવાળો છે. તમે ડૉક્ટર છો કે એન્જિનિયર છો કારણ કે તમે તેનો અભ્યાસ કરેલ છે. આજે તમે નાખુશ છો તે ભૂતકાળના કર્મોને કારણે છે. તેથી તમામ ભૂતકાળ ના કર્મો ને ભૂલી વર્તમાન ક્ષણ મા જીવવુ - તે છે अनासृतः

હું એવું નથી કહેતો કે પાછલા બધા કર્મો અને તેના પરિણામોની અવગણના કરો, તે શક્ય નથી. આપણું શરીર, મન, બુદ્ધિ, અહંકાર એ બધું જ પાછલા કર્મો નું પરિણામ છે. પણ તેમના પર આધાર ન રાખો. ઊંડી અંતઃપ્રેરણા થી કર્મ કરો, શૂન્યતાના વિસ્તારથી, નવા વિચાર, તદ્દન નવા કર્મો - સંન્યાસી કે યોગી નો આ અર્થ છે.

આવી રીતે જો તમે એક દિવસ પણ જીવો તો તમે યોગી બની રહ્યા છો. તમે સક્ષમ છો અને કાર્યરત છો.

કોઇ તમારી નિંદા કરે તો તે વિચાર કર્યા કરવાના બદલે તેમની સાથે કંઈ બન્યું નથી તેમ વર્તો - પાછલા કર્મો પર આધારિત ન રહેવું તે આને કહેવાય. ભૂતકાળમાં કોઇએ તમને મદદ કરી હોય, તે યાદ રાખીને, તમે તેનો બદલો વાળવાની તક શોધો છો - આ છે પાછલા કર્મો પર આધાર રાખવો તે.

અતિતના કર્મો પર નિર્ભર ન રહેવું એટલે - આજની ઘડીને શ્રેષ્ઠ ગણી, તેમાં જીવવું, આજે, અત્યારે, આ ક્ષણે. આ કર્મ અતિશ્રેષ્ઠ છે.

મને ખબર છે કે બોલવાનું સહેલુ છે, અને અમલ કરવાનું મુશ્કેલ છે, પણ એ અશક્ય તો નથી.

પ્ર: ગુરુજી, હિન્દુ ધર્મ માં કહેવાય છે કે પતિ અને પત્ની નો સાત જન્મો તો સંબંધ છે. કેવી રીતે ખબર પડે કે હું કયા જન્મ માં છું?

શ્રી શ્રી રવિ શંકર: જો તમે હમણાં પ્રેમ માં હો, તો માનો કે પ્રથમ જીવનકાળ છે અને હજી છ જન્મ બાકી છે. જો સંબંધ પીડાદાયક હોય તો માનો કે સાતમા અને છેલ્લા જન્મ માં છો. તમારા પર આધાર છે, કયા જન્મ માં છો તે નક્કી કરવાનું! ક્યારેક ખુશ અને ક્યારેક દુઃખી હો તો માનો કે ક્યાંક વચમા છો.

પ્ર: હું જ્યારે અન્ય લોકોને આર્ટ ઓફ લિવીંગ ના કોર્સ કરતા જોઉ ત્યારે ઈર્ષ્યા થાય છે. શું કરું?

શ્રી શ્રી રવિ શંકર: તમે બીજા લોકોને ઓફ લિવીંગ થી પરીચિત કરો. જ્યારે તેમને કોર્સ ગમશે ત્યારે તેઓ તમારો આભાર માનશે' તમે મને આ કોર્સ વિષે કહ્યું તે બહુ સારુ કર્યું. મારી આખી જીંદગી બદલાઇ ગઇ'. ત્યારે તમને કેવું લાગશે? ઇર્ષ્યા રહેશે? તમે નજીકના લોકોને ઓફ લિવીંગ મા નહી લાવ્યા હો, ખાસ કરીને મિત્રો, સગા સંબંધીઓને તેથી ઇર્ષ્યા રહે છે. તેઓ ખુશ હોય અને આનંદથી નૃત્ય કરે ત્યારે જો તમને ઈર્ષ્યા થાય તો કાંઇક ગરબડ છે. તમે અન્યના સુખ માં ખુશ થાઓ અને અન્યની મુશ્કેલીમાં વ્યાકુળ થાઓ. આર્ટ ઓફ લિવીંગ માં બધાને આનંદ મળે છે. તેથી તમે જાગો અને સક્રિય રીતે લોકોને કોર્સ કરાવો. તમારામાં પરિવર્તન આવી જશે.

પ્ર: શું સ્ત્રી નું જીવન એક સજા છે?

શ્રી શ્રી રવિ શંકર: ના, જરાય નહીં. એવું કોણે કહ્યું? સ્ત્રી વગર પુરૂષનું અસ્તિત્વ નથી. દરેક પુરૂષ સ્ત્રીમાંથી આવે છે. તે જ રીતે, સ્ત્રી પુરુષ વગર અસ્તિત્વમાં ન રહી શકે. તેથી પ્રકૃતિ અને પુરુષાર્થ આ સૃષ્ટિ ના બે અભિન્ન પાસા છે. તમે કેવી રીતે કહી એક પાસુ સારું નથી અથવા પાપ છે. ના, આ ખોટી સમજણ છે.

પ્ર: જે લોકો હંમેશા નકારાત્મક સ્પંદનો ફેલાવતા હોય તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરીએ? તેમની અવગણના કરવી?

શ્રી શ્રી રવિ શંકર: એવું ક્યારેય ન વિચારો કે તે લોકો માત્ર અને હંમેશા નકારાત્મક છે. દરેક માં થોડુ દેવત્વ હોય છે. એ લોકોની હકારાત્મકતા કેવી રીતે બહાર કાઢવી એ તમારે જોવાનું છે.