Monday, 26 December 2011

ધ્યાન આત્માની શુદ્ધિ કરે છે

સત્સંગ, ૨૬ ડિસેમ્બર, ૨૦૧૧

તમારે ઈશ્વરને જોવા છે? તમારા માથી કોણ ઈશ્વરને જોવા માંગે છે? તે માટે વધારે સમય નહીં લાગે. તમે બહારની દુનિયા જોવાનું રહેવા દો. જો તમે બહારની દુનિયા જોશો, તો તમે ભગવાન ને જોઈ શકશો નહીં. કાં તો તમે ઈશ્વરને જોઈ શકશો અથવા તમે દુનિયા જોઈ શકશો. બંને એકસાથે ન જોઈ શકાય. તમારે કોઈ એક પસંદ કરવાનું છે. જો તમે ઈશ્વરને જોવા માંગો છો, તો હું તમને સરળતાથી બતાવી દઈશ. તફાવતો જોવાનું બંધ કરો. બહારની દુનિયા જોવાનું બંધ કરો.

ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાન ભગવાન ને જોઈ શકે છે. જાણો કે આ બધું એક છે, બધું એકજ વસ્તુ માંથી બન્યું છે. તે માત્ર એક ભ્રમણા છે કે આ એક વ્યક્તિ અને તે બીજો વ્યક્તિ છે, આ એક પદાર્થ છે અને તે બીજો પદાર્થ છે. બધા પદાર્થો એકજ વસ્તુમાં થી બનેલા છે.

આપણે જાણે એક હોલોગ્રામ માં છીએ. પ્રકાશનું એક કિરણ હોલોગ્રામ બનાવે છે. તે જાણે પદાર્થ જેવુ દેખાય છે, પરંતુ તે પદાર્થ નથી, તે માત્ર પ્રકાશનો ખેલ અને પ્રદર્શન છે. આ સમગ્ર સૃષ્ટિ પ્રકાશનો ખેલ   અને પ્રદર્શન છે, જે અલગ દેખાય છે. આ પૃથ્વી પર  ભગવાન સિવાય બીજુ કશુંજ નથી. જો તમે ફિલ્મ શો જોવા બેસો, તો તમે પરદા પર જે કંઇ જુઓ છો, તે માત્ર પ્રકાશ છે, કે જે તેના પર કેન્દ્રિત થાય છે. પ્રકાશ એક ગતિશીલ કચકડાની પટ્ટીમાંથી પસાર થાય છે અને વિવિધ વસ્તુઓ, વિવિધ લોકો અને વિવિધ બનાવો તરીકે દેખાય છે. આમ, સમગ્ર વિશ્વ એક ચેતનાનો ખેલ અને પ્રદર્શન છે. ના કોઈ તત્વ હોય છે અને ના કોઈ ઊર્જા. ન કોઈ તું છે, ના કોઈ હું છુ, ના કોઈ આ છે, ના કોઈ તે છે. આ બધુંજ એક છે.

બસ એટલું જ! તમે સ્થિર રહો. બાઇબલ માં કહ્યુ છે, 'સ્થિર રહો અને જાણો કે હું ભગવાન છું.' આપણું મન તફાવતો જુએ છે, આ બુદ્ધિ તફાવતો સમજે છે. બુદ્ધિથી પર થાવ અને સ્થિર રહો. માત્ર એકજ ચીજ છે. તમે એક ન કહી શકો, કારણ કે એક કહેવા, તમારે બેની જરૂર છે. જો તમે કહો કે કંઈક પૂર્ણ છે, તો પછી તમારે તેની બહાર રહી કહેવું પડે કે તે સંપૂર્ણ છે. પ્રાચીન લોકો એટલા તેજસ્વી હતા કે તમે અચરજ પામશો. તેમણે કહ્યું, અદ્વૈત એટલે બે નહીં. ‘એક’ કહેવું ખોટું છે, માત્ર બેજ કહી શકે કે ‘એક’ છે. ‘બે નથી’ તે વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

તેજ અદ્વૈત કહેવાય છે, પરંતુ દ્વૈત એટલે બે થાય છે. આ શુદ્ધ વિજ્ઞાન કવોન્ટમ ફિઝિક્સ જેવું છે. તમે તેનો અનુભવ કરી શકો છો, જાણી શકો છો,પરંતુ વ્યવહારુ જીવનમાં તમારે એક પગલું નીચે આવવું પડશે. તમારે દ્વૈતતા અને અનેકતા ને માનવું પડશે. આ ટેબલ, ખુરશી, છત, દરવાજા, બધુ અહીં લાકડાનું બનેલું છે. અને તે એક હકીકત છે. પરંતુ તમે ખુરશીની જગ્યાએ દરવાજો અને દરવાજાની જગ્યાએ ખુરશીનો ઉપયોગ કરી શકો નહીં. એ સ્તર પર તમારે દ્વૈત ને સ્વીકારવું પડશે.

તેથી રસાયણશાસ્ત્ર માં સામયિક કોષ્ટક પણ સાચું છે અને ક્વોન્ટમ ફિઝિક્સ પણ સાચું છે. બંને એકજ બાબત પર વાત કરે છે.

પ્ર: હનુમાનજી અને તેમના પ્રકારના બધા ક્યાં અદ્રશ્ય થઈ ગયા? તેઓ વાનર હતા કે કોણ હતા? આવી ચઢિયાતી પ્રજાતિઓ કેવી રીતે અદ્રશ્ય થઈ શકે?

શ્રી શ્રી રવિશંકર: તમારે આ વિશે માનવશાસ્ત્રી સાથે વાત કરવી જોઈએ. તેઓ તમને ઇતિહાસ જણાવશે. વિશ્વમાં ફેરફારો થયા કરે છે. બધું બદલાય છે. વિશ્વમાં એકજ બાબત સતત છે - બદલાવ.

પ્ર: પ્રિય ગુરુજી, તમે અમને કેવી રીતે અમારા દૈનિક જીવન માં તમારી હાજરીનો વધુ અનુભવ કરવો એ વિશે કહો.

શ્રી શ્રી રવિશંકર: બસ સ્થિર રહોએક મિનિટ અથવા અડધા મિનિટ માટે પણ.

પ્ર: પ્રિય ગુરુજી, તમારી સાધના દરરોજ કેવી રીતે થાય છે? શું તમે પણ અમારી જેમ વિચારો, ચિંતાના, એ જ મુદ્દા માં અટવાઈ જાવ છો, કે તમે તમારા સહજ સ્વભાવમાં જ રહો છો?

શ્રી શ્રી રવિશંકર: એક શિક્ષક માટે આચરણ સંહિતા છે કે તેણે પોતાના અનુભવો કહેવા નહીં. તમને ખબર છે શા માટે? કારણ કે વિદ્યાર્થીને લાગે છે કે, ‘મને શા માટે આમ નથી થતું, મારે પણ આવું જોઈએ છે. આ ચાહના અને સ્વયંને પ્રશ્ન કરતા રહેવું એ ચાલ્યા કરે છે.

શ્રેષ્ઠ વસ્તુ એજ છે કે ફક્ત તમારા અનુભવ સાથેજ રહો. એક એક પગલું આગળ વધતા તમે હંમેશા પ્રગતિજ કરશો. અને એવો એક સમય આવશે ત્યારે બધુંજ જાણે ધ્યાન લાગશે.

પ્ર: મારા પૈસાનું શું કરુ? તમે મને સલાહ આપશો?

શ્રી શ્રી રવિશંકર: તમે એવા વિશ્વમાં વસવાટ કરો છો, જે જટિલ છે. કોઈને કોઈ રીતે તમે વિશ્વમાં કશાક પર તો આધારિત છો જ. તમે તમારી જાતને સંપૂર્ણ અલગ રાખી શકો નહીં. હવે જુઓ, જર્મનીએ પોતાનુ ચલણ ડૉઇશ માર્ક માંથી બદલીને યુરો કરી દીધું. તમે એમ ન કહી શકો કે, 'ના, હું યુરો નહીં વાપરું, હું તો મારી પાસે એજ જૂના ડૉઇશ માર્ક રાખીશ.' તમે એમ કહી શકો નહીં અને જો તમે એમ કરો, તો તમે મહા મૂર્ખ કહેવાઓ. તો દુનિયામાં જે કાંઇ ચાલી રહ્યું છે તેનાથી સંપૂર્ણ અલગ કે જુદા રહી શકો નહીં. તમારે ચપળ રહેવું પણ, લોભી નહીં. મોટા ભાગે જે લોકો લોભી હોય તે મુશ્કેલીમાં મૂકાય છે. તેઓ આ જાહેરાતો જુએ છે, ' તમારા પૈસા રોકો અને 200% વળતર પામો.', તમે વૈજ્ઞાનિક ઢબથી વિચારતા નથી કે શા માટે તેઓ તમને 200% વળતર આપે છે, અને તમે આ વિચારમાં ફસાઈ જાઓ છો 'ઓહ તેઓ મને જબરદસ્ત પૈસા આપશે.' તે સમયે તમે એટલા ઉત્તેજીત હશો કે કોઈપણ શાણપણ ભરી વાત તમારા મગજમાં આવશે નહીં. તમને તે વાસ્તવિક લાગે છે, અને તમે રોકાણ કરી બધા પૈસા ગુમાવી બેસો છો. મે ઘણા લોકોને આમ કરતા જોયા છે અને ઘણા લોકોએ લોભમાં તેમની તમામ સંપત્તિ ગુમાવ્યા હોવાનું સાંભળ્યું છે. તેથી આપણામાં એટલી કુશાગ્રતા હોવી જરૂરી છે કેક્યાં રોકાણ કરવુ સારું તે સમજી શકો. હું તમને તે ન કહી શકું. તે નૈતિકતા ની વિરુદ્ધ છે. જ્યાં તમને સલામત લાગે ત્યાં રોકાણ કરો.

પ્ર: પ્રિય ગુરુજી, હું વસ્તુઓને છોડી શકતો નથી. શું કરવું?

શ્રી શ્રી રવિશંકર: બસ પકડી રાખો! શ્વાસ લો અને પકડી રાખો! જુઓ કેટલા લાંબા સમય સુધી તમે તેને પકડી રાખી શકો છો. પસંદગી નો કોઇ જ અવકાશ નથી!

શું તમે તમારી ઉંમર વધતી રોકી શકો છો? ના! તમે કહી શકતા નથી કે, 'હું આગામી વર્ષ બાદ ૪૯ નો થઈશ' તમે એમ ન કહી શકો. 'હું આ વર્ષે ૪૯ નો થવાનો છું, છતા હું આગામી વર્ષે વિચારીશ કે મારે ૫૦ વર્ષના થવુ કે નહીં. તમે તમારી જન્મ તારીખ બદલવાનું પસંદ કરશો? ના! જો તેમ કરો તો તે ખોટું છે.

તમે પાસપોર્ટમાં જન્મ તારીખ બદલી શકો, પરંતુ તેનો કાનૂની અધિકાર નથી. તમે કોઈ ચોક્કસ દિવસે જન્મ્યા હતા અને તેમજ રહેશે.

પ્ર: હું હંમેશા શોધુ છું કે કોઈ મને પ્રેમ કરે. મને કેવી રીતે ખબર પડે કે કોઈ મને પ્રેમ કરે છે, અને હું તે પ્રેમને લાયક છુ કે નહીં?

શ્રી શ્રી રવિશંકર: મારા પ્રિય, મે કેટલી બધી વખત કહ્યું છે કે, તમે પ્રેમજ છો! પ્રેમ શોધો નહીં, પરંતુ પ્રેમ આપો. જ્યારે તમે આપવાનું શરૂ કરશો, ત્યારે તે તમને અનેક ગણું થઈ પાછું મળશે.

પ્ર: પ્રિય ગુરુજી, મારા પિતા તાજેતરમાં મૃત્યુ પામ્યા. મારા માતા એકલા પડી ગયા, તે અશક્ત છે, જીવન માં કોઈ ધ્યેય નથી. હું તેમની શું મદદ કરી શકું?

શ્રી શ્રી રવિશંકર: જ્ઞાન મદદ કરશે! તેમની સાથે જ્ઞાનની ચર્ચા કરો. તેમની સાથે બેસી થોડું જ્ઞાન વાંચી સંભળાવો. ધર્મગ્રંથો અથવા યોગ વશિષ્ઠમાંથી અમુક કથાઓ વાંચી સંભળાવો. આ બધાથી વધુ, તમે તેમની આસપાસ છો તેજ તેમને આશ્વાસનરૂપ બનશે. સમય જતા ઘા રૂઝાશેહકીકતમાં, સમય એજ એક મહાન ઘા રૂઝવનાર છે.

પ્ર: પ્યારા ગુરુજી, તમે કહો છો કે કર્મ બદલી શકાય નહીં. માત્ર કૃપા કર્મના બંધનને બદલી શકે છે. કૃપા શું છે અને તે મેળવવા શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિશંકર: એવા બધા કામ કે જે ઉત્ક્રાંતિ લાવે અને જીવનનો આધાર આપે. નિઃસ્વાર્થ સમર્પિત સેવા. એવું નહીં કેહું અમુક સેવા કરું અને વિચારું કે મને બદલામાં શું મળશે? ના, તેને સેવા ન કહેવાય. સેવા એટલે એવું કાર્ય કે જેના બદલામાં કંઇ મેળવવાની ઈચ્છા ન હોય. સેવા કર્મની શુદ્ધિ કરે છે. ભારતમાં કહેવત છે કે 'ચમચી ભરી ચોખ્ખું ઘી ભાતમાં નાખવાથી ભાતની શુદ્ધિ થાય છે'  તમે જાણો છો શા માટેજો તમે માત્ર ચોખા ખાઓ તો તે ખૂબ જ ઝડપથી પચી જાય અને તેમાથી ખૂબ જ ઝડપથી શર્કરા બની જાય. ઘણા લોકો એમજ ચોખા ખાય તો, તેઓને ડાયાબિટીસ(મધુપ્રમેહ) થઈ જાય છે. એક કાર્ડિયોલોજિસ્ટ (હૃદય રોગ ના નિષ્ણાત ડૉક્ટર)એ મને કહ્યું હતું કે, કોઈ પણ સમયે તમે અનાજ લો; તો તેની સાથે થોડી ચરબી વાળુ કંઇક લેવુ જરૂરી છે. ઉપરથી એક ચમચી ઘી તેના પાચન ને ધીમુ પાડી દે છે. તે જટિલ કાર્બોહાઈડ્રેટ બની જાય છે અને શરીરમાં શર્કરાનું પ્રમાણ સંતુલિત કરવામાં મદદ કરે છે અને તેનાથી હૃદય સ્વસ્થ રીતે કામ કરે છે. તેથી જ પ્રાચીન લોકો કહેતા કે ‘ચમચી ઘી ભાતની શુદ્ધિ કરે છે.' જ્ઞાન બુદ્ધિની શુદ્ધિ કરે છે. તમારા માંથી કેટલા એ અનુભવ કર્યો છે કે જ્ઞાન બુદ્ધિની શુદ્ધિ કરે છે? બધો ક્રોધ, લાલચ, અન્ય લોકો માટે ધૃણા, બધું અદૃશ્ય થઈ જાય છે. સંગીત લાગણીઓ ની શુદ્ધિ કરે છે. દાન તમે જે પૈસા કમાવ છો તેની શુદ્ધિ કરે છે. તમે જે કમાવ છો તેમાંથી ઓછામાં ઓછાં ત્રણ ચાર ટકા દાન કરવું જોઈએ. આપણે જે કંઇ કમાઈએ છીએ તે બધું જો આપણે પોતાની જાત માટે વાપરીએ તો તે પૈસા શુદ્ધ કે સારા પૈસા ન કહેવાય. દાન પૈસાની શુદ્ધિ કરે છે પછી બાકીના પૈસા તમે માણી શકશો, નહિંતર બાકીના નાણાં માત્ર હોસ્પિટલો અને અન્ય વસ્તુઓને જાય છે. પ્રાર્થના હૃદયની શુદ્ધિ કરે છે. ધ્યાન આત્માની શુદ્ધિ કરે છે. આયુર્વેદ, ત્રિફળા શરીરની શુદ્ધિ કરે છે અને આંતરડા સાફ કરે છે. આપણે આપણા તંત્રમાં દરેક સમયે ખોરાક ભરીએ છીએ, પરંતુ થોડા સમયે તંત્રને શુદ્ધ કરવાની જરૂર પડે છે. રાત્રે સૂતા પહેલાં ચાર અથવા પાંચ ગોળીઓ લઈએ તો સવારે તમારું પેટ સ્વચ્છ થઈ જાય છે. આમ આયુર્વેદ, યોગ, પ્રાણાયામ, અને કસરત શરીરની શુદ્ધિ કરે છે. પ્રાણાયામ સમગ્ર તંત્રને શુદ્ધ કરે છે, શરીર,મન બધાને. તેથીજ સુદર્શન ક્રિયા પછી તમે હળવાશ અનુભવો છો. તે તમને બધા કર્મથી મુક્તિ અપાવે છે, તે સ્પષ્ટતા લઈ આવે છે.

પ્ર: ગુરુજી, જ્યાં સુધી બધી ઇચ્છાઓ અને કર્મ પૂરા ન થાય ત્યાં સુધી શું આત્માએ ફરી ફરીને જન્મ લેવો પડે છેજન્મ અને મરણ ના આ ચક્રમાંથી બહાર કઈ રીતે નિકળવું? જ્ઞાન પ્રાપ્તિ એક્જ માત્ર રસ્તો છે?

શ્રી શ્રી રવિશંકર: બિલકુલ સાચું! તરસ છિપાવવા ની એકમાત્ર રીત છે કંઈક પીવું. ભૂખ સંતોષવા માટે એકમાત્ર માર્ગ છે કંઈક ખાવું. એ જ રીતે, આ ચક્રમાંથી બહાર નિકળવાની એક્જ રીત છે જ્ઞાન પ્રાપ્તિ અથવા ધ્યાન. સંપૂર્ણ સંતોષ!

પ્ર: લોકો પહેલાની ભૂલોને લીધે પ્રતિભાને ઓછી કેમ આંકે છે?

શ્રી શ્રી રવિશંકર: તમે તમારા પ્રશ્નનો પોતેજ જવાબ આપી દીધો. તમે પ્રતિભાશાળી છો, પરંતુ જ્યારે તમે ભૂલ કરી હોય, તો તેઓ ગભરાય છે કારણ કે દરેક ભૂલ કંપની અથવા વ્યક્તિને ખૂબ મોંઘી પડી શકે છે. તેથી, તમારે તેમને ભરોસો અપાવવો પડશે કે ફરી ભૂલ નહીં થાય. અને તમે તમારી પ્રતિભાનો સારી રીતે ઉપયોગ કરશો. લોકો આજકાલ આવું જોખમ લેવા માંગતા નથી.

પ્ર: ગુરુજી, જ્ઞાનના માર્ગ પર ચાલવા માટે શું કોઈ સાચો રસ્તો છે? અમારા મનમાં નિકટના લોકો માટે જે વિચારો અને ધારણાઓ છે, કે જે અમને પરેશાન કરે છે, તેનું શું કરવું?

શ્રી શ્રી રવિશંકર: અતિત વિશે ચિંતા કરશો નહીં, ભલે ગમે તે થયું હોય. વર્તમાનમાં તમારી નિર્દોષતા પર ભરોસો રાખો. તમે આ ક્ષણે નિર્દોષ છો. ભૂતકાળમાં થયેલી ભૂલો તમારી અજ્ઞાનતા કારણે હોય છે. પરંતુ હકીકત એ છે કે આ ક્ષણે તમે નિર્દોષ છો.

પ્ર: શું જ્યોતિષવિદ્યા નો અભ્યાસ કરવાનો ફાયદો છે? આપણને ક્યારેય પૂરતી જાણકારી મળશે?

શ્રી શ્રી રવિશંકર: જ્યોતિષવિદ્યા એ એક વિજ્ઞાન છે. પરંતુ કોઈક કારણસર તે લુપ્ત થયેલું વિજ્ઞાન છે, તેનું સંપૂર્ણ જ્ઞાન ઉપલબ્ધ નથી, તેથી જે પણ જ્ઞાન છે તે ૭૦ થી ૮૦ ટકા છે. તેઓ તેનાથી થોડી ઘણી આગાહી કરી શકે છે. પરંતુ એક વાક્ય દરેક જ્યોતિષીઓ હંમેશા કહે છે. એક મોટી શક્તિ છુપાયેલી છે, એક ઊંચી શક્તિ છે જે બધું બદલી શકે છે કારણ કે આ બધી શક્તિઓથી ચઢિયાતી શક્તિ છે, તે સ્વતંત્ર છે અને તે જ પરમ દિવ્યતા છે, દિવ્ય કૃપા છે. આ દિવ્ય કૃપા કોઈપણ સમયે કાંઇ પણ ફેરફાર કરી શકે છે.

પ્ર: કોઇ પણ કારણ વગર મારી પત્ની મારી સાથે ખરાબ રીતે વાત કરે છે. તેને અટકાવવા માટે શું કરુ?

શ્રી શ્રી રવિશંકર: વારુ, આ પડકાર છે! જો તે તમારી સાથે કારણ વગર ખરાબ રીતે વાત કરે છે, તો તમે તેને જણાવો કે તમે તેને કારણ આપશો!

પ્ર: અષ્ટવક્ર ગીતામાં, તમે ઉલ્લેખ કર્યો છે કે જીવનની રચના ત્રણ વસ્તુઓ માંથી થઈ છે: બીજ ઇંડા અને અવકાશ. જીવનની રચના અવકાશ માથી કેવી રીતે થઈ છે?

શ્રી શ્રી રવિશંકર: બધું અવકાશમાંથી આવે છે, અવકાશમાં રહે છે અને અવકાશમાં ભળી જાય છે. તમે જાણશો કે અવકાશ સિવાય કશાનું અસ્તિત્વ નથી. બધું અવકાશમાંજ રચાયેલું છે.

પ્ર: પ્રિય ગુરુજી, મને લાગે છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં મેં ઘણી ભૂલો કરી છે, અને મારે તેના પરિણામો ભોગવવા પડશે અને હું ભયભીત છું. શું હું કંઇક એવું કરી શકું કે જેનાથી આ પરિણામો ભોગવવા માંથી મને મુક્તિ મળે?

શ્રી શ્રી રવિશંકર: તમે સાચા રસ્તે આવી ગયા તેજ પરિણામ ઘટાડવામાં મદદરૂપ છે. અને તમે આ પરિણામનો સ્વીકાર કરો છો તેજ રાહત કરે છે. તે તમને ઊંચી બેઠક પર પાછા મૂકે છે.

પ્ર: પ્રિય ગુરુજી, મેં ત્રણ વર્ષ સુધી ખૂબજ મહેનત કરી,તેમ છતા મારા સુપરવાઈઝરે વિચાર કર્યા વગર મારી કારકિર્દી ખલાસ કરી નાખી. હવે હું નોકરી વગરનો છું અને જીવનમાં મારુ લક્ષ્ય ગુમાવી બેઠો છું.  મારા બોસ વિશે જે નકારાત્મક લાગણીઓ મનમાંછે તેને કેવી રીતે પાર પાડું?

શ્રી શ્રી રવિશંકર: સાંભળો, ભૂતકાળમાંજે કંઇ પણ બની ગયું તે વિશે વિચારવાથી કોઈ ફાયદો નથી. જાગો! અને સંપૂર્ણ ઊર્જા સાથેઆગળ વધો. જો તમે એક નોકરી ગુમાવી છે, તેથી શું થઈ ગયું? દુનિયામાં લાખો અન્ય નોકરીઓ છે. તમે બીજી નોકરી કરો. તમને અહીં  ત્યાં કરતા થોડો ઓછો પગાર મળે તો કશો વાંધો નથી.આગળ વધો!

ભૂતકાળમાં જે બન્યું છે તે વિચારી તમારી ઉર્જાનો વ્યય કરવા કરતાં જીવન ઘણું મૂલ્યવાન છે.

આવું તમારી વર્તમાનની ભૂલો ને લીધે પણ બન્યું હોઈ શકે અથવા તમે ભૂતકાળમાં કરેલી ભૂલ જોવા અસમર્થ હો એમ પણ બની શકે. પાછલા જીવનને કારણે પણ આમ બન્યુ હોઈ શકે, કશો વાંધો નહીં ભૂતકાળનું વિશ્લેષણ કરવાનો કોઈ અર્થ નથી.આપણે આગળનું વિચારીને આગળ વધવાનું છે. કોઈપણ કારણોસર તમારો ઉત્સાહ ગુમાવશો નહીં.

પ્ર: થોડા દિવસો પહેલાં તમે સત્વ વિશે વાત કરી હતી, કે પાણી શ્રેષ્ઠ પ્રસારક છે. સત્વ ગુણ માપવા માટે કોઈ રીત છે?

શ્રી શ્રી રવિશંકર: ઊર્જાનું સ્તર માપવા કોઈ રીત તો હોવી જોઈએ, આર્ટ ઓફ લિવિંગના આપણા એક શિક્ષક વૈજ્ઞાનિક પણ છે. તેમણે ઊર્જા સ્પંદનો માપવા માટે ઉપકરણ બનાવ્યું છે. તેમણે વ્યક્તિ પર ધ્યાન પહેલાં અને પછી અજમાવીને જોયું કે ધ્યાન પછી પ્રભાવમંડળ કેટલુંક વધી જાય છે. જે ખૂબ જ રસપ્રદ છે.

પ્ર: પ્રિય ગુરુજી, જ્યારે શારીરિક ઇજા થાય છે ત્યારે આપણે મૃત્યુ પામીએ છીએ. અને આત્મા શરીર છોડી દે છે. શું આત્મા અને શરીરનો આટલો ઢીલો સંબંધ છે? શું આત્મા ઈજા પામ્યા વગર આગળ વધી શકે?


શ્રી શ્રી રવિશંકર: આત્માને નુકસાન થતું નથી,તે આગળ વધે છે. તમે અવકાશને હાનિ પહોચાડી શકો નહીં. તમે હવાને નુકસાન કરી શકો નહીં. જેમ તમે સૃષ્ટિની સુક્ષ્મતામાં જશો તેમ એવું કઈ નહીં મળે જેને હાનિ પહોંચાડી શકો. તમે તેને વિભાજિત કરી શકો નહીં. તે ખૂબજ અદ્‍ભૂત છે!