Sunday, 25 December 2011

યોગ હૃદય અને મન વચ્ચે નું સંપૂર્ણ સંતુલન છે

૨૫ ડિસેમ્બર ૨૦૧૧

દરેકને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. ૨૦૧૨ ફક્ત એક અઠવાડિયું દૂર છે. તે ખૂબ જ સારું વર્ષ જશે, દર વર્ષેની જેમ. કયામત ના દિવસની ચિંતા કરશો નહિં; તે નહીં આવે. લોકોને સત્ય અને ખરાપણા ના દર્શન થશે અને તમામ ખોટા લોકો ની પીછેહઠ થશે. જે લોકો ખોટું કરે છે તે પાછળ હઠશે અને સાચુ કરનારાની પ્રગતિ થશે. માર્ચ મહિના બાદ મોટા ફેરફાર આવશે.

જો તમે તમારા હૃદય મારફતે વિશ્વને જોશો, તો તે ખૂબ અલગ લાગશે. તમારા હૃદય મારફતે વિશ્વ જુઓ અને તમે જોશો કે તે ખૂબ જ સુંદરતા, ખૂબ પ્રેમ, નિર્દોષતા અને સારા આશય વાળા લોકો થી ભરેલું  છે. જો આપણે એ જ વિશ્વ મનથી જોશું તો પછી તેમાં લુચ્ચાઇ, અવિશ્વાસ અને શંકાઓ દેખાશે. આ બધું દેખાશે જો તમે મન મારફતે વિશ્વને જોશો. જ્યારે તમે હૃદય મારફતે જુઓ, તે નાનકડું વિશ્વ છે. પરંતુ બંને જરૂરી છે. તમે માત્ર ભોળા રહો અને હૃદય ના ચશ્મા મારફતે જ વિશ્વ ને જુઓ તે ન ચાલે. ક્યારેક તમારે મનથી જોવું પડે, બે વચ્ચે આદર્શ સંતુલન જરૂરી છે. કેટલાક તેમના મનની માયા માં અટવાઇ જાય છે અને અમુક લાગણી ના તાણાવાણામાં ફસાઇ જાય છે. બંને અપૂર્ણ છે. યોગ હૃદય અને મન વચ્ચે નું સંપૂર્ણ સંતુલન છે. આપણે બધાએ યુરોપમાં વધુ આધ્યાત્મિકતા કેવી રીતે લાવવી તે વિષે વિચાર  કરવાનો છે. આપણે તે માટે શક્ય બધું કરીશું. મેક્સિકોમાં ૧૩૦ સંસદ સભ્યોએ આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કર્યો. બધે ઘણું કામ ચાલી રહ્યું છે.

પ્ર: લોકો કોર્સ કરવા માટે આવે પણ પછી ફોલો અપ માટે આવતા નથી તો શું કરવું?

શ્રી શ્રી રવિ શંકર: તેઓ ક્યારેક પાછા આવશે. જુઓ જ્યારે તમે ખાઇને બેઠા હો ત્યારે તમે ખોરાક વિશે વિચારતા નથી કારણ કે તમે સંતોષ પામ્યા છો. પરંતુ જ્યારે તમને ફરીથી ભૂખ લાગશે એટલે ખાવાનો વિચાર ફરીથી આવશે. બેઝીક કોર્સ પોતે સંપૂર્ણ છે, તે વચમાં અટકી જતો નથી અને તેથી તે લોકો ને પરિપૂર્ણતાની લાગણી કરાવે છે. તેથી જ્યારે લોકો કોર્સ કરે તો તેઓ ખુશ છે. આ એક કારણ છે.

બીજું કારણ છે, જ્યારે તમે એવો આગ્રહ રાખો કે તેઓ પ્રાણાયામ અને ક્રિયા દરરોજ કરે અને કોઇ તેન કરી શકે તો તેમને મનમાં અપરાધ ભાવ થાય છે. તેમને લાગે છે, 'હું પાછા કેવી રીતે જઊં; હું કેવી રીતે કોર્સ ફરીથી કરું.' તે અપરાધ ભાવ લોકોમાં આવે છે. પછી તેઓ પોતાને કહે છે 'આવતી કાલ થી હું શરુ કરીશ અને પછી હું જઇશ.'. કોઇને કોર્સ પૂર્ણ કરવા માટે દિલગીરી નથી. તેમને અફસોસ છે કે તેમણે  પહેલાં શા માટે ન કર્યો. તેઓ પાછા નથી આવતા, કારણ કે તેઓ સંતુષ્ટ છે. પરંતુ કેટલાક સમય પછી લોકો કોર્સ કરી કરે છે, ચોક્કસ કરે છે! દસ વર્ષ પછી પણ તેઓ પાછા આવીને કહે છે કે મેં કોર્સ દસ વર્ષ પહેલાં કર્યો હતો. યુરોપિયન કમિશન ના ચેરમેને પંદર વર્ષ પહેલા કોર્સ કર્યો હતો. જ્યારે તેઓ તેમના શિક્ષક ને મળ્યા, તેમણે કહ્યું હતું કે હું દરરોજ ક્રિયા કરું છુ. હું એક પણ દિવસ ચૂક્યો નથી. તેઓએ ઍડ્વાન્સ કોર્સ ક્યારેય નથી કર્યો, પરંતુ તે દરેક દિવસ ક્રિયા કરે છે. તેથી, તેમના વ્યસ્ત જીવન હોવા છતાં લોકો ક્રિયા કરવાનું ચાલુ રાખે છે.

પ્ર: તમે અમારી કેમ મુલાકાત લો છો?

શ્રી શ્રી રવિ શંકર: તમે તમારી અંદર ઊંડા જાવ તેવું કહેવા માટે. તમે શા માટે અત્યારે કોર્સ કરવા આવ્યા? તમારે જ્યારે હું અહીં ન હોઊં ત્યારે આવવું જોઇએ. તમને ખબર છે તમને શું અહીં ખેંચી લાવે છે! જો તમારું હૃદય કહે છે મારે જવું જોઈએ તો આવો. નહિંતર, હું જ્યારે અહીં ન હોઊં ત્યારે આવો. ખરેખર મૌન જ્યારે હું અહીં ન હોઊ ત્યારે વધારે સારું હોય છે, પરંતુ શરૂઆતમાં તે અંદરની તરફ ઊંડા જવાનો પ્રસંગ છે. વધુ અને વધુ લોકો બેસીને ધ્યાન ધરે છે અને ચેતનાના ઊંડાણમાં જાય છે. જુઓ કે અંદર અને બહાર જેવું કશુ છે જ નહીં. જો તમને લાગે કે કંઈક અંદર છે તો તે કંઈક બહાર પણ છે. જો તમને લાગે કે કંઈક બહાર છે, તો તે જ અંદર પણ છે. તેથી ખરેખર વિકાસ કયારે છેકે જ્યારે કોઈ અંદર અને બહાર લાગતુ નથી. બધું જ સરખુ છે, અંદર બહાર સરખુ છે.

પ્ર: (પ્રેક્ષકગણનો એક સભ્ય એક પ્રશ્ન પૂછે છે જે અશ્રાવ્ય છે)

શ્રી શ્રી રવિ શંકર: જેમ ગાઢ ઊંઘમાં બે નથી. કોઈ નથી કહેતુ 'હું ઊંઘુ છું.' તે જ રીતે ઊંડા ધ્યાન માં કોઇ બે નથી. આ શરીર સોફા પરના ઓશીકા જેવું છે. જો તમને લાગે એ બે વસ્તુઓ વચ્ચે કોઈ તફાવત નથી, તો તે ભૌતિક શરીર માંથી ચેતનાની પૂર્ણ જુદાઇ છે. પછી તમે જોશો ત્યાં બીજી કોઈ ચીજ નથી. બરફ, પાણી અને વરાળ ની જેમ. બરફ નક્કર છે, પાણી પ્રવાહી હોય છે અને પાણીની વરાળ વધારે સૂક્ષ્મ છે. પરંતુ તે બધા એક જ પદાર્થ ના બનેલા છે. તેથી બે નથી. તમે અને હું જુદા નથી. તમારું નાનકડું મન અવરોધ મૂકે છે, આ હું છુ અને આ તે છે. એ મન અંતરાય ઉભા કરે છે અને ભેદ કરે છે. બધું છોડી દઇને વિશ્રામ કરો, તમે જોશો કે એક જ છે, એક જ તરંગ છે.

પ્ર: હું બાલમંદિર કેવી રીતે શરૂ કરી શકું?

શ્રી શ્રી રવિ શંકર: બસ કેટલાક બાળકો ને એકઠા કરો. મને લાગે છે કે હું બધો સમય બાલમંદિરમાં છું. અહીં જે મોટા આવે છે, તેઓ બાળકો બની જાય છે. પુરાણમાં એક સુંદર વાર્તા છે. તિબેટ ઉપર એક કુમાર-વનમ નામનો બગીચો છે જેમાં ભગવાન વસે છે. કોઈપણ તે બગીચા માં જાય તે બાળક બની જાય છે. બીજા એક ગ્રંથમાં તેવી જ વાર્તા છે. એક બગીચો છે તેમાં પુરુષો દાખલ નથી થઇ શકતા. કોઈપણ પુરુષ તે બગીચામાં પ્રવેશે તો એક સ્ત્રી બની જાય છે. પુરુષોને આ સ્થળ માં પ્રવેશ નથી મળતો. ત્યાં ભગવાન નો વાસ છે. આ બધી કથાઓ તમને એક સંદેશ આપે છે કે તમે તમારા દિમાગ ને બદલે તમારા હૃદય પર વિશ્વાસ કરો. બાળકો નિર્દોષ હોય છે અને તેઓ તેમના હૃદય થી વિચારે છે.

એ જ રીતે સ્ત્રીઓ વધુ લાગણીશીલ હોય છે અને હૃદય થી વિચારે છે. પરંતુ હું કહીશ કે તમે બંને દિલ અને દિમાગ વચ્ચે સંતુલન રાખો.

પ્ર: બીગ બૅંગ (મહાવિસ્ફોટ જેનાથી બ્રહ્માંડ ની શરૂઆત થઇ) શેના કારણે થયો?

શ્રી શ્રી રવિ શંકર: કેટલુક દ્રવ્ય હતું. તેના વિના મહાવિસ્ફોટ ન થઇ શકે. કોનો કોની સાથે ધમાકો થાય? એકબીજા પર ધમાકો કરવા માટે પણ ત્યાં કંઈક દ્રવ્યની જરૂર પડે. દ્રવ્ય, ક્ષેત્ર, અને ઉર્જા, ઊર્જા ના ક્ષેત્ર  ને બનાવવામાં નહોતુ આવ્યુ કે નાશ કરવામાં નહોતો આવ્યો પરંતુ ત્યાં માત્ર રૂપાંતર થયુ હતુ. બિગ બૅંગ માત્ર ઉર્જાનું રૂપાંતર હતુ. માત્ર ગેસ (વાયુ) ઊર્જા અથવા કવોન્ટમ ઊર્જા માંથી દ્રવ્યની ઊર્જા. પ્રાચીન ૠષિઓએ કહ્યું છે કે બ્રહ્માંડ અનાદિ (જેને શરૂઆત નથી) અને અનંત (જેનો અંત નથી) છે. બ્રહ્માંડ પણ આકાશની જેમ અનાદિ અને અનંત છે. આકાશની શરૂઆત ક્યાંથી છે? પૃથ્વીની શરૂઆત ક્યાંથી છે? કોઈ શરૂઆત નથી, અથવા કહો કે દરેક બિંદુ શરૂઆત છે અને દરેક બિંદુ અંત છે. જો તમે કહી શકો કે પૃથ્વીની આ બિંદુ પરથી શરૂઆત થઇ, તો તે જ બિંદુ પર તેનો અંત છે; અન્યથા પૃથ્વી ગોળો ન હોય. આ છે તેજસ્વી વિચારો હજારો વર્ષો પહેલાના. જે જગ્યાએ શરૂઆત થાય ત્યાં જ અંત થાય તેને ગોળો કહેવાય. તેથી બ્રહ્માંડ અનાદિ અને અનંત છે.

પ્ર: (પ્રેક્ષકગણનો એક સભ્ય એક પ્રશ્ન પૂછે છે જે અશ્રાવ્ય છે)

શ્રી શ્રી રવિ શંકર: કાંટાએ અન્ય કાંટો દૂર કરવાનો છે. જુઓ, આ તો એના જેવું થયુ, તમારા શરીર પર સાબુ લગાડીને જ્યારે તમે તેને ધોઇ નાખવાના હો તો સાબુ લગાડવાની જરૂર જ શું છે. કપડાં ધોવા માટે તમે શું કરો છો? તમે સાબુ લગાડી અને પછી તમે તેને ધોઇ નાખો છો. એ જ રીતે, તમે મને પૂછો કે જો હું બસ ની બહાર નીકળી જવાનો હોઉં તો પછી મારે બસ માં શા માટે ચઢવું જોઇએ? પરંતુ જ્યાંથી તમે બસ માં બેસો અને જ્યાં તમે બસમાંથી બહાર ઉતરો તે બન્ને અલગ છે.

પ્ર: મન નકારાત્મક ને શા માટે પકડી કે છે અને સકારાત્મક ને કેમ નહીં?

શ્રી શ્રી રવિ શંકર: હા, તે તેનો સ્વભાવ છે. તમે કોઇના દસ વખાણ કરો અને એક અપમાન કરો, તો મન અપમાન ને વળગી રહે છે. જ્યારે તમે આ જાણો છો, તમારામાં પરિવર્તન આવે છે. જ્યારે અજાણ હો, તો તમે બંધાયેલાં રહો છો અને વિચાર માં તણાઇ જાઓ છો. પરંતુ ઊંચી ઊર્જા અને ઊંચી ચેતના વાળા સારા વાતાવરણમાં તે બનશે નહિં. ગુરુ પ્રાણ શક્તિનું સ્તર વધારવા આવે છે. ગુરુના સાન્નિધ્ય માં પ્રાણશક્તિ અને ઊર્જા નું સ્તર ઊંચુ હોય છે. જ્યારે પ્રાણશક્તિનું સ્તર ઊંચુ છે, નકારાત્મકતા નીચે જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. લાંબા સમય સુધી સતત અભ્યાસ (સાધના) દ્વારા પણ તમે નકારાત્મકતા ને હટાવી શકો છો. તમે મજબૂત બનો છો અને જ્યાં તમે જાઓ ત્યાં પ્રાણશક્તિ વધે છે. જો દીવો ની જ્યોતિ ખૂબ ઊંચી હશે, કોઈ પવન તેને હોલવી નહીં શકે. પરંતુ જો તે નાની હશે તો પછી તેને ફૂંક મારીને પણ હોલવી શકાય છે. 'બુદ્ધ', 'સંઘ' અને 'ધર્મ' ની જરૂર છે. પ્રથમ તમે બુદ્ધ (પ્રબુદ્ધ વ્યક્તિ) પાસે જાઓ, તેમની પાસે બેસીને પ્રબુદ્ધ સાથે ધ્યાન ધરો. આ સંઘ છે, એક જૂથ માં ધ્યાન ધરવું, અને ત્યારે પણ પ્રાણ શક્તિનું સ્તર ઉપર જાય છે. જ્યારે બંને ઉપલબ્ધ ન હોય, તો પછી ધર્મ, તદ્દન વૈરાગી બનો, બધું છોડી દો અને તમારા 'આત્મા' માં ડૂબી જાઓ. તે પણ પ્રાણશક્તિને વધારે છે. ત્રણ વિકલ્પો અને ત્રણે સરખા જ છે.

પ્ર: ગુરુજી, ઘણી વખત મને વિશ્વાસ હોય છે અને ક્યારેક ઘણી શંકા હોય છે. આ કેવી રીતે દૂર કરવા?

શ્રી શ્રી રવિ શંકર: જ્યાં હકારાત્મક ઊર્જા છે, ત્યાં વિશ્વાસ છે. જ્યાં નકારાત્મક ઉર્જા છે ત્યાં શંકા છે. પરંતુ મનમાં ક્યારેય જો શંકા આવે, તો શું થઇ ગયુ! જીવન એક રંગમંચ છે જ્યાં નાટક ભજવાય છે. શંકા આવે છે અને પછી વિશ્વાસ આવે છે. તમને શંકા નો ભય ન હોવો જોઇએ. હું કહીશ તેમનું બધાનું સ્વાગત કરો.

પ્ર: (પ્રેક્ષકગણનો એક સભ્ય એક પ્રશ્ન પૂછે છે જે અશ્રાવ્ય છે)

શ્રી શ્રી રવિ શંકર: હા, તેઓ સમાન છે. બુધ્ધે કહ્યું હતું, 'બધું શૂન્ય છે', અને આદિ શંકરાચાર્યે કહ્યું હતું, 'બધું સંપૂર્ણ છે.' બુધ્ધે જણાવ્યું હતું 'જીવન દુ:ખ છે' અને આદિ શંકરાચાર્યે કહ્યું હતું, 'જીવન આનંદ છે.' બુધ્ધે જણાવ્યું હતું તે પ્રથમ ઉદાહરણ માટે યોગ્ય છે. જ્યાં સુધી તમે બધું દુઃખ અને કષ્ટ છે તે જોતા નથી ત્યાં સુધી તમે અંતર્મુખી નથી થતા. તેથી આ એક પ્રક્રિયા છે. એકવાર અંતર્મુખી થાઓ પછી તમે જોશો કે બધું આનંદપૂર્ણ છે. આ જગ્યા છે જ્યાંથી આદિ શંકરાચાર્ય આવે છે, અંદરથી!

પ્ર: ગુરુજી, અમને તમારા અવાજ માં એક ભજન ની CD મળી શકે?

શ્રી શ્રી રવિ શંકર: મારુ બધે પ્રભુત્વ સારું નહીં. અહિં મહાન સંગીતકારો એટલા સારી રીતે ગાય છે. હું તમને તેમનો અવાજ સંભળાવવા માંગુ છુ. હું માત્ર સોહમ કહીશ અને બાકીના માટે તમે સંગીતકારોને સાંભળો. અલબત્ત પ્રવચનો તો છે. નહિંતર તો ગુરુજી દ્વારા ભજન, ગુરુજી દ્વારા પ્રવચનો, ગુરુજી દ્વારા બધું જ, ના ભાઇ ના! તેથી યોગા પણ બીજા કોઈકના દ્વારા કરાવાય છે. આપણે તમામ ભાગીદારો છીએ; બધાની કોઇ ને કોઇ ભૂમિકા છે. મારે બધાની ભૂમિકાઓને લઈ નથી લેવી. હું કોઇ પણ ભૂમિકા ભજવી શકુ છુ, પરંતુ મારે બધી ભૂમિકાઓ જાતે નથી કરવી. પછી તમે કહેશો, 'ગુરુજી, તમે આવું સારુ ખાવાનુ બનાવો છો તો દરરોજ કેમ ન બનાવો?' હું અહિં ક્યારેક ખાવાનું બનાવુ છુ પણ તમારી જાણ બહાર. એક વખતનું ભોજન તમે મારા હાથનું ખાશો. ભારતમાં હવે મારે માટે ખાવાનું બનાવવુ અશક્ય છે. હું રસોડામાં દાખલ પણ નથી થઇ શકતો, ત્યાં ખૂબ ભીડ હોય છે. પહેલાના સમયમાં હું રસોડામાં જતો અને અમુક નવી વાનગીઓ ના પ્રયોગ કરતો. અહીં હજી મને તે વિશેષાધિકાર છે, પરંતુ ભારતમાં તે શક્ય નથી. તમે જાણો છો અમે દિવસ દીઠ ભારતમાં કેટલી મીઠું ઉપયોગ કરીએ છે? જ્યારે હું ત્યાં હોઉં ત્યારે ભોજન દીઠ ૧૫૦ કીલો નો ઉપયોગ થાય છે. જ્યારે હું ત્યાં નથી હોતો, ત્યારે ભોજન દીઠ ૧૦૦ કીલો નો  ઉપયોગ થાય છે. ક્યારેક તે ભોજન દીઠ ૩૦૦ કીલો સુધી જાય છે. કલ્પના કરો કેટલા લોકો આવતા હશે અને કેટલો ખોરાક રાંધવામાં આવતો હશે!