Saturday, 3 December 2011

જેટલું તમારું સ્મિત મોટું એટલા તમે પરમ દિવ્યતા ની નજીક


૩ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, અતીત ની યાદો ને કેવી રીતે મન માં થી કાઢું? તેનાથી મન અશાંત રહે છે, ઘણુ દુઃખ થાય છે.

શ્રી શ્રી રવિ શંકરઃ જ્યારે તમે ઘટનાઓને ખૂબ મહત્વ આપો ત્યારે આમ થાય છે.

તમામ ઘટનાઓ પાણીની સપાટી પરના પરપોટા જેવી હોય છે. પ્રિય ઘટનાઓ, અપ્રિય ઘટનાઓ મોજાની જેમ આવે છે અને જાય છે અને તમારા શુદ્ધ અસ્તિત્વ ને કોઇ અસર થતી નથી એટલુ હંમેશા યાદ રાખો!

બીજી બાબત એ છે કે જ્યારે તમે વ્યગ્ર થાઓ ત્યારે તમારા પેટ માં સંવેદન થાય છે.

તેથી તમારું ધ્યાન ઘટના પર રાખવાને બદલે તમારા શરીરના સંવેદન પર રાખો. આ સંવેદન ના અવલોકન થી જ બધુ સારું થઇ જશે.

પ્ર: ડિયર ગુરુજી, જો ભગવાન બધું જ જાણે છે તો તેમના માટે જીવન કેવી રીતે રસપ્રદ અને રોમાંચક હોઇ શકે?

શ્રી શ્રી રવિ શંકરઃ ઈશ્વર જાણે છે અને તેઓ નથી જાણતા, બંને સાચુ છે!

તમે જ્યારે તમારા માથા નો એક વાળ ખેંચીને તોડો તો તમને વાળ ખેંચાવાની ખબર પડશે પરંતુ તમારા માથા પર કેટલા વાળ છે તે ખબર નહીં હોય. તેથી એક બાજુ તમને દરેક વાળ વિશે ખબર છે કારણ કે જો તમે તેને ખેંચશો તો તે તમને દુખશે, પરંતુ તે જ સમયે તમને ખબર નથી કે માથામાં કેટલા વાળ છે. આ રીતે જ્ઞાન અને અજ્ઞાનતા સાથે ચાલતા હોય છે.

એક ગ્રંથપાલ પુસ્તકાલયમાં લગભગ તમામ પુસ્તકો ક્યાં છે તે જાણે છે, પરંતુ જો તમે તેને પૂછશો કે કોઈ એક પુસ્તક ના પચાસમાં પૃષ્ઠ પર શું લખેલું છે તો તે કહેશે કે ખબર નથી. તે પુસ્તકો ક્યાં છે તે જાણે છે, પરંતુ પુસ્તકોની અંદરની માહિતિ નથી જાણતા. એ જ રીતે અંત પહેલાં રમત નું પરિણામ ખબર ન હોય તો જ રમત રસપ્રદ હોઈ શકે. જો તમને ખબર હોય કે કોણ જીતી જશે અને કોણ હારી જશે તો પછી એ રમત માં કોઇ રસ રહેતો નથી.

પ્ર: ગુરુજી, મને આત્મા ને ઓળખવાની સૌથી ઝડપી રીત કઇ છે, જેથી સંસારની માયામાં ન ફસાઇ જવાય?

શ્રી શ્રી રવિ શંકરઃ તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આવ્યા છો!

પ્ર: ડિયર ગુરુજી, અધ્યાત્મ શું છે? તેનો સંબંધ ધર્મ સાથે છે કે વ્યક્તિત્વ સાથે?

શ્રી શ્રી રવિ શંકરઃ તમે દ્રવ્ય અને આત્મા ના બનેલા છો. તમારુ શરીર એમિનો એસિડ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વગેરેથી બનેલું છે અને તમારો આત્મા ભાવના, પ્રેમ, કરુણા, શાંતિ, ઉદારતા, પ્રતિબદ્ધતા, કાળજીજવાબદારી અને આનંદ થી બનેલો છે. આ આત્મા ની પ્રકૄતિ છે. જે જીવનના રહસ્યો જાણવાની ઉત્કંઠા વધારે છે, અને જે તમારામાં પ્રતિબદ્ધતા અને કરુણા ની ભાવના વધારે છે તે અધ્યાત્મ છે. આધ્યાત્મિકતા તમારું બ્રહ્માંડ સાથે જોડાણ કરે છે. બધા ધર્મ મૂળમાં આ જ કહે છે. ઇસુ ખ્રિસ્તે કહ્યું હતું કે પ્રેમ ઈશ્વર છે અને ઈશ્વર પ્રેમ છે. હિન્દુ ધર્મ માં કહ્યું છે 'अस्ति, भाति, प्रीति. 'પ્રીતિ (પ્રેમ) ભગવાનની પ્રકૄતિ છે. ઇસ્લામ શાંતિ, પ્રતિબદ્ધતા કરુણા, અને દાન વિશે વાત કરે છે.

તેથી નામ રૂપ અલગ છે પરંતુ મૂળ પદાર્થ એક જ છે. આધ્યાત્મિકતા એ મૂળપદાર્થ ને ઓળખવાની રીત છે અને તમે ઊંડા ધ્યાન માં જઈ તે પામી શકો છો.

શબ્દો વડે પ્રાર્થના નો ઉપયોગ ગૌણ છે. તમે કઇ મનોસ્થિતિ માં રહો તે સૌથી મહત્વનું છે. જો તમારી આંતરિક લાગણી સુંદર હોય, તો પછી તમે આધ્યાત્મિક છે. અન્યથા તમે મંદિર ના પુજારી હો તો પણ અંદર થી કઠણ હો તો તમે આધ્યાત્મિક નથી. ભલે ને તમે મંદિરો ના પગથિયા ઘસો પણ તે અર્થહિન છે!

પરંતુ જો તમે ગંદી શેરી માં પણ એક સુંદર લાગણી સાથે ચાલતા હો, તો પછી ઈશ્વર પણ તમારી સાવ નજીક છે. જેટલું તમે વધારે સ્મિત કરો તેટલા તમે પરમ દિવ્યતાની નજીક છો.

પ્ર: ડિયર ગુરુજી, ઘણા બધા મારી આજુબાજુ માં હોવા છતા મને એકલતા લાગે છે. આમાંથી બહાર કેવી રીતે અવાય?

શ્રી શ્રી રવિ શંકરઃ તે સારું છે, તેને ભેટ તરીકે સમજો. તે ખરાબ નથી. તમને એકલું લાગે ત્યારે વિચારો, 'જ્યારે હું એક્લો છું ત્યારે હું ભગવાન સાથે છું અને જ્યારે હું લોકો સાથે છું ત્યારે પણ હું ભગવાન સાથે છું.' જ્યારે તમે એકલા હો ત્યારે મુક્તિ ની લાગણી થશે. 'હું એકલો આ વિશ્વમાં આવ્યો અને હું એક્લો આ વિશ્વમાં થી જઇશ.' તે વિચાર તમારો વિકાસ કરશે અને અંદર કંઇક ઉગી નીકળશે.

પ્ર: ડિયર ગુરુજી, પ્રેમનું એક બીજું પાસુ 'લગાવ'' છે. પ્રેમ એક સુંદર લાગણી છે પરંતુ લગાવ દુઃખ કરે છે. લગાવની લાગણી વગર કેવી રીતે પ્રેમ કરી શકાય?

શ્રી શ્રી રવિ શંકરઃ હવે જાતથી અલગ થવાનો સંઘર્ષ ન કરો. તમને લગાવનો ભાવ થાય તો તેમ! હવે તેમાંથી બહાર કેવી રીતે નીકળશો? જો તમે સેવા કરવાનું રાખો તો પછી લગાવ નુ રૂપાંતર થઇ જશે. અને અલગ થવા પર ધ્યાન ન આપો તો આપોઆપ તે સ્થિતિ આવશે. સમય જતા પરિપક્વતા સાથે તમે જાતે જ આ શીખી જશો.

પ્ર: ધ્યાન દરમ્યાન આજ્ઞા ચક્ર માં અમુક સ્પંદનો આવે છે. તે શાંત રાખવા શું કરું?

શ્રી શ્રી રવિ શંકરઃ સ્પંદનો ને આવવા દો. તેને વધારવાનો કે દૂર કરવાનો પ્રયાસ ન કરો, માત્ર વિશ્રામ કરો. જે થતું હોય તે થવા દો. રીલેક્ષ.

પ્ર: ઘોંઘાટિયા શહેર માં ધ્યાન કેવી રીતે કરવું?

શ્રી શ્રી રવિ શંકરઃ ધ્યાન માટે શાંત વાતાવરણ અનુકુળ છે, તેમાં કોઈ શંકા નથી.

સારી ઊર્જાથી ભરેલ શાંત સ્થાન ધ્યાન માટે શ્રેષ્ઠ છે પરંતુ શોરબકોર વાળી જગ્યાએ પણ ધ્યાન થઇ શકે.

તમે અવાજ માં ઊંઘી શકો છો? હા. કોઇ શાંત જગ્યાએ રહેનાર અચાનક ન્યૂ યોર્કમાં એક હાઇવે પાસેના એપાર્ટમેન્ટમાં રહેવા જાય, તો કહે, 'ઓહ માય ગોડ, ત્યાં આખી રાત ટ્રાફિકના અવાજો આવ્યા હતા. જાણે કાર મારા માથા ઉપર ચાલી રહી હોય એવા અનુભવ થયા અને જરા પણ ઊંઘ ન આવી. પરંતુ ત્યાં લાંબા સમયથી રહેનારા લોકો આરામથી ઊંઘી શકે કારણ કે તે અવાજને સ્વિકારી લે છે. જ્યારે તમે અંદર જવા માંગો, ત્યારે બાહ્યનો સ્વીકાર જરૂરી છે. બાહ્ય ના વિરોધથી અંદર ન જઇ શકાય. શોરબકોર ને કેવી રીતે સ્વિકારવો તે તમારી પોતાની પસંદગી છે.

પ્ર: ગુરુજી, ક્યારેક સામાજિક જવાબદારી ને કારણે મારે દારૂ પીનાર ની કંપનીમાં બેસવુ પડે છે. તે ઠીક છે?

શ્રી શ્રી રવિ શંકરઃ જ્યાં સુધી તમે તેમને કંપની આપવા દારુ પીવાનું શરૂ ન કરી દો ત્યાં સુધી કોઇ વાંધો નથી. તમે કહી શકો છો કે 'હું માત્ર હળવા પીણા પીશ.'

પ્ર: ગુરુજી, જીવન નો શું હેતુ હોવો જોઈએ?

શ્રી શ્રી રવિ શંકરઃ પ્રથમ જીવન નો હેતુ શું ન હોવો જોઇએ તેની યાદી બનાવો.

જીવનનો હેતુ દુઃખી થવાનો નથી અને અન્ય લોકોને દુઃખી કરવાનો નથી. જીવન નો હેતુ અન્ય લોકોને દેખાડો કરવાનો નથી. જીવન નો હેતુ ટૂંકા ગાળાના આનંદ માટે નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવાનો નથી. તેથી તમે એના વિશે વિચારો અને એક દિવસ તમને જાતે સમજ આવશે અને તમે કહી ઊઠશો 'અહા!'.

પ્ર: ગુરુજી, હું લોકો ને મારી નજીક આવવા દઇ શકતો નથી. શું કરવું?

શ્રી શ્રી રવિ શંકરઃ ખૂબ વિશ્લેષણ ન કરો. આમ પણ કોણ કોની નજીક હોય છે?

જો કોઇ સ્વ ની નજીક નથી તો કોઇ પણ વ્યકિત ની નજીક નથી. સ્વયં ની નજીક છે તે દરેક ની નજીક છે.

પ્ર: નાણાં, સત્તા અને ખ્યાતિ એ સંપૂર્ણપણે ખોટી વ્યક્તિ પાસે શા માટે જાય છે?

શ્રી શ્રી રવિ શંકરઃ તે ખોટી વ્યક્તિ પાસે નથી જતા. તે સાચી વ્યક્તિ પાસે જાય છે, પરંતુ મને લાગે છે કે જ્યારે પૈસા, સત્તા અને ખ્યાતિ આવે ત્યારે તે વ્યક્તિ ખોટી બનવા લાગે છે. જ્યારે તેઓ ખોટા બને ત્યારે  બધું ગુમાવવાની શરૂઆત થાય છે. લક્ષ્મી પણ તેનાથી દૂર થઇ જાય છે.

પ્ર: ગુરુજી, ઈશ્વર કોણ છે અને ઈશ્વર ઈશ્વર કેવી રીતે બન્યા?

શ્રી શ્રી રવિ શંકરઃ આ તો એવું પૂછવા જેવુ છે કે સૂર્ય શું છે અને સૂર્ય સૂર્ય કેવી રીતે બન્યો. સૂર્ય સૂર્ય જ છે, બરાબર! તેથી સૂર્ય સૂર્ય છે અને સૂર્ય માંથી બાકીનું બધું બન્યું. એ જ રીતે ભગવાન દુનિયાની દરેક વસ્તુ નો સ્ત્રોત છે, સમજાયું?

પાણી ક્યાંથી આવ્યું? નદીમાંથી.
નદી ક્યાંથી આવી? વાદળોમાંથી.
વાદળ ક્યાંથી આવ્યા? સમુદ્રમાંથી.
સમુદ્ર ક્યાંથી આવ્યો? નદીઓમાંથી.

તેથી બધું એકબીજા સાથે જોડાયેલ છે, તે બધું એ જ પાણી છે જે ઉપર જઇ ને નીચે આવ્યું; તે સમુદ્ર માં છે, તે જ વાદળોમાં છે, તે જ નદીમાં છે અને તે જ ઇશ્વર છે!

પ્રઃ ગુરુજી, ધર્મગુરુઓ નું કામ સમાજ ને સાચા નીતિ ના રસ્તે વાળવાનું છે. પરંતુ આજકાલ ઘર્મગુરુઓ જાહેર જનજીવનના ભાગ બનવા માંડ્યા છે. તેથી ભક્તિભાવ ને બદલે લોકો તેમને શંકાભાવ થી જોવા લાગ્યા છે. તમારો આ વિષે શું અભિપ્રાય છે?

શ્રી શ્રી રવિ શંકરઃ  ધર્મગુરુઓએ જાહેર જનજીવનમાં ભાગ ન લેવો જોઇએ તે વિચાર ખોટો છે. 'જો કોઇ ખોટો કાયદો અમલમાં મૂકાઇ રહ્યો હોય, તો પણ ધર્મગુરુઓ એ આશ્રમમાં બેસી રહેવું જોઇએ, પોતાના વિચારો વ્યક્ત ન કરવા જોઇએ'. આ ઠીક નથી. પ્રત્યેક ધર્મગુરુ, પ્રત્યેક વ્યક્તિ જેનું હ્રદય શુધ્ધ છે, હંમેશા શું સારું છે અને શું નહીં તે કહેવું જોઇએ. પુરાતન કાળથી આ દેશમાં ધર્મગુરુઓ રાજાને સલાહ આપતા આવ્યા છે. તેઓ કહેતા કયો કાયદો સારો છે અને કયો નહીં. જો અપ્રચલિત કે વિચિત્ર કાયદા પસાર કરવામાં આવે તો બુધ્ધિશાળી મનુષ્યે કહેવું જોઇએ કે આ ખોટું છે. તેમણે આમ કરવું જરૂરી છે.