Friday, 23 December 2011

મીઠું જૂઠ અને કડવું સત્ય ન બોલો

૨૩ ડિસેમ્બર ૨૦૧૧, બૅંગલૂરૂ આશ્રમ

તમે બધા ત્રણ વાત ધ્યાનમાં રાખો - સહજતા, સરળતા, અને આત્મિયતા. મેં ઘણા દેશોમાં પ્રવાસ કર્યો છે અને હું હજારો લોકો ને મળ્યો છું પરંતુ મને ક્યારેય લાગ્યું નથી કે કોઈ વ્યક્તિ આત્મિય નથી, પરાયી છે. જ્યારે આપણે ન લાગે તો સામી વ્યક્તિને પણ તેવું ન લાગે. કોઈને આત્મિય ભાવ ક્યારે લાગે? જ્યારે આપણને તેમના માટે આત્મિય ભાવ હોય. દરેક માણસ આપણું પોતાનુ છે અને કોઈ પારકુ નથી - આ પહેલો મંત્ર છે. બીજું, જે અંદર છે તે જ બહાર છે. તમારું હૃદય ખોલો અને કુદરતી રીતે જીવો. ત્રીજું -  સરળ જીવન જીવો. સરળતા થી જીવવું એટલે એ વિશ્વાસ રાખવો કે આપણને જરૂરી વસ્તુઓ ગમે તે રીતે મળી જશે. સાચો કે ખોટો, જે હું છું તે જ છું. જો આપણે આમ કુદરતી રીતે જીવીશું તો પછી કોઇ ભય રહેશે નહિં. પછી જીવન માં કોઇ શંકા કે અવરોધો નહીં રહે. આ આર્ટ ઓફ લિવિંગનો મહત્વપૂર્ણ મંત્ર છે.

હવે કુદરતી અને સરળ હો એનો અર્થ એ નથી કે તમે તમારી ઓફિસ પર જઇને તમારા બોસ ને કહો, 'તુ મૂર્ખ છે'. એવું ન કરતા! થોડુ દિમાગ વાપરજો. 'ગુરુજી કહે છે નિષ્ઠાવાન અને કુદરતી જીવો'

પછી તમે બેસણામાં જાઓ અને કહો, 'મને કશું થતુ નથી. તમે શા માટે રડો છો, ચાલો ઉજાણી કરીએ!' મેં સાંભળ્યું કે એક સજ્જન એડ્વાન્સ કોર્સ પૂર્ણ કર્યા પછી ઘરે ગયા, તેમની પત્નીને ઉંચકીને ખુશીથી આખા ઘરમાં ફર્યા. પત્નીએ પૂછ્યું, 'આજે શું થઇ ગયું? ગુરુજીએ કીધું કે તમારી પત્ની ને પ્રેમ કરો?' તો આ સજ્જન બોલ્યા, 'ના, ના ગુરુજીએ કીધું કે, તમારો બોજ અને માનસિક ત્રાસ ખુશીથી લઇ ને ફરો.'!!!

પ્ર: ડિયર ગુરુજી, નવા વર્ષ માટે તમારો શું સંદેશ છે? આગામી વર્ષ માં તમામ સાધકોએ શેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકરઃ એક વધુ સારુ વિશ્વ! આપણી સેવા સારુ વિશ્વ અને સારા સમાજ પર કેન્દ્રિત હોવી જોઈએ. વ્યક્તિગત જીવન માં મજબૂત પ્રતીતિ અને શ્રદ્ધા રાખો છે કે બધુ સારુ છે અને સારુ જ થવાનું છે. તમે સાંભળ્યું હશે કે માયાન કૅલેન્ડર મુજબ આ છેલ્લું વર્ષ છે અને કયામતનો દિવસ આવવાનો છે. વિશ્વના અંત વિશે ઘણી ફિલ્મો આવી રહી છે. હું તમને કહું છું કંઈ થવાનું નથી અને વિશ્વ ચાલુ રહેશે. વૈદિક કેલેન્ડર અનુસાર, ૨૦૧૨ માર્ચ થી, આ વર્ષ 'નંદ' કહેવાય છે. 'નંદ' એટલે ખુશી, ખુશી નું વર્ષ. પ્રથમ ખુશી નું વર્ષ અને પછીનું વર્ષ વિજય નું વર્ષ કહેવાય છે.

તમે ખુશ અને વિજયી બનશો, તેથી ચિંતા ન કરો. સમાજ માટે સારા કામ કરવાની અને જ્ઞાન નો પ્રસાર કરવાની પ્રતિજ્ઞા લો. તમે જોશો કે આવતા વર્ષના અંત સુધીમાં વધુ અને વધુ લોકો આધ્યાત્મિકતા તરફ વળશે. આતંકવાદીઓમાં પરિવર્તન આવશે અને હિંસા કરનાર લોકો ની તાકાતમાં ઘટાડો થશે. તે બનશે અને તમે તેના એક ભાગ બનશો.

પ્ર: ગુરુજી, તમે કહ્યું છે કે આધ્યાત્મિકતા ચેતનાની ઉદ્યોગીકતા (ટેકનોલોજી) છે. તે સાંભળવામાં અદ્‌ભૂત લાગે છે. જો તમે આ વિસ્તૃત કરશો તો હું આભારી થઇશ?

શ્રી શ્રી રવિ શંકરઃ ટેકનોલોજી ની વ્યાખ્યા એક એવી વ્યવસ્થા અથવા પદ્ધતિ જે પ્રકૃતિના નિયમોનો ઉપયોગ કરીને લોકોનું જીવન આરામદાયક બનાવે. વિમાન પ્રકૃતિ ના નિયમ પર આધારિત ટેકનોલોજી છે. ટેલીફોન પ્રકૃતિ ના નિયમ પર આધારિત લોકોના આરામ માટેની ટૅકનોલોજી છે. આધ્યાત્મિકતા પણ એ જ વાત છે. તે પ્રકૃતિના નિયમો પર આધારિત આંતરિક આરામ અને શાંતિ લાવવાની પદ્ધતિ છે, સંપૂર્ણ આરામ.

પ્ર: ગુરુજી, હું કોર્પોરેટ ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર છું. કમનસીબે મારા વિભાગ ના અધિકારીઓનું એકબીજા સાથે બનતુ નથી. કૃપા કરીને ઘણા વિભાગો ની અસરકારક વ્યવસ્થા કરવાની ટીપ્સ આપો?

શ્રી શ્રી રવિ શંકરઃ તે ખુલ્લુ રહસ્ય છે. તેમને બધાને એપેક્સ કોર્સ (APEX ) કરાવો. તમે જાણો છો કે આર્ટ ઓફ લિવિંગ ના APEX પ્રોગ્રામનું એક સૂત્ર છે, 'સમૂહમાં માં કામ કરો અને ચિંતાઓ ભૂલી જાઓ.' વિશ્વમાં ૧૦૦૦ કરતા વધુ કંપનીઓ માં આ કાર્યક્રમ થાય છે.

પ્ર: ડિઅરેસ્ટ ગુરુજી, મેં યસ કોર્સ કરેલો છે. મારી શાળાનો અભ્યાસક્રમ ખૂબ જ વિશાળ છે. હું પરીક્ષા ના દિવસે કશુ યાદ કરી શકતો નથી. મારી સ્મૃતિની ક્ષમતા વધારવા શું કરવું?

શ્રી શ્રી રવિ શંકરઃ આરામ! સંગીત સાંભળો. કંઈક સર્જનાત્મક કરો. મૌન અને પ્રકૃતિમાં થોડી મિનિટો માટે ચાલવા જવું એ મદદ કરશે. પ્રકૃતિનું નિરિક્ષણ સારુ છે.

પ્ર: આપણે શા માટે 'ઓમ' નો ત્રણ વખત ઉચ્ચાર કરીએ છીએ?

શ્રી શ્રી રવિ શંકરઃ ઓમ ૩ અક્ષર નો બનેલો છે '', '', અને ''. તેનું આપણે ૩ વખત ઉચ્ચારણ કરીએ છીએ. એમ પણ કહી શકાય કે તે નિચલું શરીર, વચ્ચેનું શરીર અને શરીરના ઉપલા ભાગ માટે છે, જેમ આપણે ત્રણ તબક્કામાં પ્રાણાયામ (થ્રી સ્ટેજ પ્રાણાયમ) કરીએ છીએ. જો આપણે તે 4 વખત કરશું, તો તમે મને પૂછશો શા માટે ૪ વખત? જો તમે ઇચ્છો તો તમે તેને ૪ વખત કરી શકો છો. જ્યારે તમે સંખ્યા પસંદ કરો તેની પાછળ કારણ હોવું જરૂરી નથી. તમે તેને ચાહો તો ૫ વખત કરી શકો છો.

પ્રઃ ગુરુજી, સ્ત્રીઓ સાથે બધું સારું હોય છે, છતાં તેઓ પુરૂષો ની સરખામણીમાં વધુ ઈર્ષ્યા અનુભવે છે. તેવું શા માટે છે?

શ્રી શ્રી રવિ શંકરઃ મને પણ ખબર નથી એવું શા માટે. હું તેનું સામાન્યીકરણ નથી કરવા માંગતો.

આજકાલ, પુરુષો માં ઘણી ઈર્ષ્યા જોવા મળે છે, અને ઘણી સ્ત્રીઓ બધી પરિસ્થિતિઓમાં મનને સંભાળી શકે છે, અને મનને ખાલી રાખવા સક્ષમ છે. કદાચ સ્ત્રીઓ વધુ લાગણીશીલ હોય છે અને ઈર્ષ્યા એક લાગણી છે, તેથી તેઓ એ વધુ અનુભવતા હશે. બીજી તરફ પુરુષો વધુ બુધ્ધિ તરફ ઝોક ધરાવે છે તેથી આ લાગણી ઓછી અનુભવતા હોઇ શકે. પરંતુ આ નિયમ જરૂરી નથી. તમે સમાચારપત્ર માં દરરોજ વાંચતા જ હશો, ઘણા છોકરાઓ ઈર્ષ્યા ના કારણે ખરાબ ગુના કરતા હોય છે.

પ્ર: ડિયર ગુરુજી, કોર્પોરેટ સંસ્કૃતિ માં કેવી રીતે કુશળ વ્યવહાર કરવો જ્યાં સત્ય ની કોઈ કિંમત નથી?

શ્રી શ્રી રવિ શંકરઃ સાંભળો, ક્યારેક તમને લાગે છે કે સત્ય છે, પરંતુ ઘણી વખત તમે કઠોરતા થી બોલો છો. સત્ય કહેતી વખતે કઠોર થવાની જરૂર નથી. તમે જોયું છે, જે લોકો ખૂબ કઠોર હોય છે, તેઓ એમ માને છે કે તેઓ જે કહે છે તે સત્ય છે અને તે જ સાચું છે, તેથી તેઓ કઠોર હોય છે. લોકો ને તેમની  અસભ્યતા માટે નકારવામાં આવે છે, સત્ય માટે નહીં. તમે આ બે વસ્તુઓ તે અલગ કરી શકો છો. એક પ્રાચીન સંસ્કૃત શ્લોક છે, 'न ब्रूयात्सत्यम्‌ अप्रियम्‌' - મીઠું જૂઠ અને કડવું સત્ય ન બોલો. આ પ્રાચીન ધર્મ છે. તમે દ્રઢ પણ રહી શકો છો અને સાથે મીઠા પણ રહી શકો છે. દ્રઢ બનવા તમારે કઠોર, અસંસ્કારી અને વ્યાકુળ બનવાની જરૂર નથી. મીઠું બોલવા ગોળ ગોળ વાત કરવાની જરૂર નથી. માત્ર સીધી અને મીઠી વાત કરો.

પ્રઃ ગુરુજી, જે ચિંતાઓ હું ટોપલીમાં મૂકુ છું તેનો ઉકેલ અહિં આવશે કે તે મારા ઘરે પાછી આવશે?

શ્રી શ્રી રવિ શંકરઃ પ્રતીક્ષા કરો અને જુઓ! જો તમે ચિંતાઓ ઔપચારિકતા ખાતર મૂકી હશે અને તેને સાચેસાચી સમર્પિત નહીં કરો હોય તો તેને કદાચ તમારી સાથે પાછા લઈ જશો.

પ્ર: ગુરુજી, લાગણીઓ ને નિયંત્રિત કેવી રીતે કરવી? સાધના અને સેવા કરવા છતા, ક્યારેક નકારાત્મક  લાગણીઓ ઉભરાઇ આવે છે અને મને બેચેન કરે છે. મને ઉકેલ નથી મળતો.

શ્રી શ્રી રવિ શંકરઃ તમને લાગે છે કે તે પહેલાથી ઘણી ઓછી થઇ ગઇ?

(જવાબ: હા ઘણી ઓછી ૬૦% ની આસપાસ)

તે સારી નિશાની છે. તે તમને આશા આપે છે કે તે ઓછી છે અને ઓછી થતી રહેશે? તે તમારો જવાબ છે!

પ્ર: ગુરુજી, આપણા ધર્મ માં ઉપવાસ અને અન્ય વિધિ પુરૂષો માટે નથી પણ માત્ર મહિલાઓ માટે છે, એવું શા માટે? કડવા ચૌથ માં સ્ત્રીઓ તેમના પતિ માટે ઉપવાસ કરે કે માતાઓ તેમના પુત્રો માટે ઉપવાસ કરે. પુરુષોને ના મંગલ સૂત્ર પહેરવું પડે ના સિંદૂર લગાડવું પડે. તેથી આપણો ધર્મ પણ લિંગ પક્ષપાતી છે?

શ્રી શ્રી રવિ શંકરઃ તેવુ નથી! સંભવતઃ પુરુષો એ નિયમો બનાવ્યા અને તેથી સ્ત્રીઓ પર લાદ્યા. ખરેખર તો મહિલાઓ ઘરે હોય અને તેમને ઘણો મુક્ત સમય હોય છે તેથી તેમણે પોતે ઘણી ધાર્મિક વિધિઓ ચાલુ કરી. થયું છે એવું કે પુરુષો બધા નિયમો અને રિવાજો નું પાલન નથી કરતા. મહિલાઓ તમામ ધાર્મિક વિધિ અનુસરે છે કારણ કે તેઓ વધુ લાગણીસભર હોય છે અને તે ઘરના બધાને એક સૂત્રમાં બાંધે છે. તેથી તે દરેક ના કલ્યાણ માટે ધ્યાન આપે છે. પરંતુ પુરુષો બહાર જઇને કામ કરે છે, તે પ્રાચીન દિવસોમાં એકાદશીનો ઉપવાસ કરતા હતા. એકાદશી દરેકને માટે છે. પુરુષો માટે પણ છે, છતાં ક્યારેક તેઓ નથી કરતા. પ્રત્યેક પુરુષે માથે તિલક અને પરિણીત પુરુષો એ પવિત્ર જનોઇ પહેરવી અનિવાર્ય છે. તેથી આ દેશમાં પુરુષો અને સ્ત્રીઓ બંને ચોક્કસ વિધિ અનુસરે છે. હકીકતમાં સ્ત્રીઓ આ દેશમાં એક પગલું આગળ છે. જેમ આપણે પહેલા કહીએ 'રાધે' અને પછી 'શ્યામ', પહેલા 'સીતા' અને પછી 'રામ',  પહેલા 'ગૌરી' અને પછી 'શંકર'. મહિલાઓને પ્રાચીન સમયથી વધુ સન્માનવામાં આવે છે. તેથી પુરુષો અને સ્ત્રીઓ સમાન છે; અને હકીકતમાં આ દેશમાં સ્ત્રીઓને પુરુષો કરતાં એક પગલું આગળ રાખવામાં આવે છે. તમે જાણો છો પ્રાચીન ભારતમાં 'સ્ત્રી ધન' કોને કહેતા? સમગ્ર ખંડમાં - ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મલેશિયા અને સિંગાપુર - પુરુષો ઘરમાં મહિલાઓ પાસે અમુક ધન રાખતા અને બીજું કોઇ પણ એને ન સ્પર્શ કરે. તે 'સ્ત્રી ધન' તરીકે ઓળખાતું. તે ધનની તેઓ ઘરે વૃદ્ધિ કરતા. મહિલાને ઘણું સન્માન મળતુ હતુ. આ દેશમાં અત્યારે સ્ત્રી ભ્રૂણહત્યા થાય છે તે ખૂબ ખોટી વાત છે. એ દેશમાં જ્યાં સ્ત્રીઓને સૌથી વધુ આદર આપવામાં આવતુ. એવું કહેવાય છે કે સૌથી વધુ પાપ એક ગૌહત્યા થી લાગે છે. ૧૦૦ ગાય મારવા જેટલું પાપ એક વિદ્વાનની હત્યા થી; અને ૧૦૦ વિદ્વાનો જેટલી હત્યા નું પાપ એક સંતની હત્યાથી મળે, અને જો તમે ૧૦૦ સંતો ને રહેંસી નાખો તેટલું પાપ એક સ્ત્રી ભ્રૂણ હત્યાથી થાય છે. કેટલા થયા? ૧ લાખ ગૌહત્યા નું પાપ એક સ્ત્રી ભ્રૂણ હત્યાથી મળે. તેથી, આ રીતે, સ્ત્રીઓને હંમેશા ખૂબ ઊંચા પદ પર રાખવામાં આવતી.

પ્ર: ગુરુજી, તમારા પુસ્તક 'વિનોદ પ્રિય ઇશ્વર' (ગૉડ લવ્સ ફન) માં વાંચ્યુ છે કે જેને પ્રેમ કરો તેના પર અધિકાર ન કરો. તો મારે જેને પ્રેમ કરું છુ તેની સાથે લગ્ન ન કરવા જોઈએ? લગ્ન પણ અધિકાર છે?

શ્રી શ્રી રવિ શંકરઃ એવુ મેં ક્યારેય નથી કિધું! પસંદગી તમારી છે અને આશિર્વાદ મારા છે. લગ્ન પહેલાં અથવા પછી જો તમે ખૂબ અધિકારની ભાવના બતાવશો તો પછી બીજી વ્યક્તિ દૂર ભાગી જશે. બીજાને નિયંત્રિત કરવાનો પ્રયાસ, કે અધિકાર જમાવવો તે બુધ્ધિહીન વિચાર છે.

પ્ર: ગુરુજી મને બચાવો. હું જૂઠું બોલીને (તે લાંબી વાર્તા છે) એડવાન્સ કોર્સ માટે આવ્યો અને હવે મારા બોસ ને ખબર છે કે હું આશ્રમમાં છું. હું મારી જાતને મારા બોસ ના ક્રોધ થી બચાવવા શું કરુ?

શ્રી શ્રી રવિ શંકરઃ ચિંતા ના કરો! જો તમે બીમારીની રજા (સિક લીવ) લીધી હોય અથવા જો કહ્યું હોય કે, 'હું બીમાર છું', તો તમે તેનું સર્મથન કરી શકો છો. બીમારી માત્ર શારીરિક નથી, પરંતુ તે માનસિક અને આધ્યાત્મિક પણ છે, કારણ કે ઘણી વખત લોકો આધ્યાત્મિક રીતે બીમાર હોય છે. જ્યારે પણ તમે ખુશ નથી, તેનો અર્થ તમે બીમાર છો. ત્યાં આયુર્વેદિક ક્લિનિક પર જાઓ અને તમારૂં નાડી પરિક્ષણ કાલે સવારે કરાવજો. તમે કહી શકો છો તમારા અસંતુલન ને સંતુલિત કરાવવા આવ્યા હતા અન્યથા તમે કામ કેવી રીતે કરી શકો? તમારે માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે સંતુલિત હોવું જોઇએ.

પ્ર: ગુરુજી, જો આપણે જોઇએ અને સાંભળીએ એ સત્ય નથી અને છતાં આપણું મન ઇન્દ્રિયો મારફતે જ વિશ્વ અનુભવે છે. તેથી જો બધા કાર્ય ના ૯૯.૯% ખોટા પર આધારિત હોય તો કોઈપણ કાર્ય કરવાનો ઉપયોગ શું છે?

શ્રી શ્રી રવિ શંકરઃ એ કાર્ય પણ વાસ્તવિક નથી. જે પણ કાર્ય તમે કરો તે વાસ્તવિક નથી. જો બધું જ વાસ્તવિક ન હોય તો માત્ર તમારા વિચાર નહીં પરંતુ તમારું કાર્ય પણ અવાસ્તવિક છે.

પ્ર: મારો પુત્ર સારું કમાય છે અને હું નિવૃત્ત છું. પરંતુ દર મહીને હું તેને કહ્યા વિના તેના થોડા પૈસા લઈ અને તેનો સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરું છુ. મને મારા કાર્ય થી દુઃખ થાય છે, કારણ કે મને લાગે છે કે હું એને લૂંટું છું અને આ મને એક આદત બની જશે? હું આ કઇ રીતે બંધ કરી શકુ?

શ્રી શ્રી રવિ શંકરઃ તેને ચોરી તરીકે ન જુઓ. જો તમે સારું કામ કરતા હોય, તો તેની સાથે વાતચીત કરો કે તમે સમાજના કલ્યાણ માટે અમુક રકમ માંગો અને તે મર્યાદા માં રહીને માંગો. જો પછી તે સાંભળે તો ચિંતા નથી. જ્યારે તમે એકસાથે એક ઘરમાં રહેતા હો તો પછી તમારે કહેવાની જરૂર નથી કે આ તેના પૈસા અથવા મારા પૈસા છે. પૈસા દરેક ના છે. જે ઘરમાં તમે બંને વસવાટ કરો છો તે તમે બનાવ્યું છે અને તમે ઘરમાં રહેતા માટે તેનું ભાડું તેની પાસેથી નથી લેતા, બરાબર? તમે ગરીબ બાળકો ને મદદ કરવાનું ઉમદા કાર્ય કરો છો. જુઓ તે લાચાર બાળકો ને કેટલો આનંદ મળે છે. તેથી તે વિશે દિલગીર ન થાઓ. જો કોઇ દારૂ પીવા કે તેવા કોઇ કામ માટે પૈસા લેતા હોય તો પછી તે યોગ્ય બાબત નથી.

પ્ર: ગુરુજી, હું મારી જાતને હું છું તેવી સ્વીકારી શકતો નથી. હું જ્યારે બીજા કોઈને જોઉં, ત્યારે બીજા મારા કરતાં સારા લાગે છે અને મને લઘુતા નો ભાવ આવે છે. હું આ કેવી રીતે બદલી શકું?

શ્રી શ્રી રવિ શંકરઃ જીવન ને મોટા દ્રષ્ટિકોણથી જુઓ. ઘણા લોકો તમારાથી વધુ સારા છે. અને બીજા લાખો લોકો આવશે જે તમારાથી સારા હશે. તમે શું કરશો? તમે શા માટે સરખામણી કરો છો?


ઈશ્વર દરેકને પ્રેમ કરે છે અને તમને પણ કરે છે. માત્ર આ યાદ રાખો. દરેકની પોતાની શૈલી, તેમનું પોતાનું ભાવિ છે અને તમને પણ જે જરૂરી છે તે મળી જશે. માત્ર પ્રતિભા દ્વારા તમે સફળ થશો, તેવો માપદંડ નથી, તે રીતે બનતુ નથી. જો આસપાસ જુઓ, જેમની પાસે કારકુની નોકરીની ગુણવત્તા નથી તે  અબજોપતિ બની ગયા છે. તેથી નસીબ જેવું કઇંક છે અને તમારું નસીબ પણ બદલશે. આ વાસ્તવિકતા ને સમજો અને પોતાને કોઇ વ્યકિતની સાથે સરખાવવાનું બંધ કરો, એમ સમજો કે તમે સારા જ છો. જો તમારું હૃદય સ્વચ્છ છે તો પછી તમે સુંદર છો અને જો તમે સુંદર છો બધું તમને મળી રહેશે.