Thursday, 22 December 2011

ઇશ્વર તમને ખૂબ પ્રેમ કરે છે

૨૨ ડિસેંબર, ૨૦૧૧

આર્ટ ઓફ લિવિંગ (જીવન જીવવાની કળા) શું છે? તે છે જીવન માં સત્યની સમજ હોવી. અને સત્ય શું છે? જીવન વિરોધાભાસી મૂલ્યોથી ભરેલું છે, સારો સમય અને ખરાબ સમય. જીવન ના ઉતાર-ચઢાવ દરમિયાન મનને એકધારુ સ્થિર રાખો. પડકાર રૂપ સમય દરમિયાન, બલિદાન નો અભિગમ રાખો, તે જ્ઞાન રાખો કે આ સમય પણ બદલાશે. સારા સમય દરમિયાન સેવા નો અભિગમ રાખો અને તમારી શ્રેષ્ઠ ક્ષમતા પ્રમાણે દરેકની સેવા કરો. આ પ્રથમ મુદ્દો છે.

લોકો જેવા છે તેવા સ્વીકારો. આપણે અપેક્ષા રાખીએ છીએ કે લોકો આપણા જેવા હોય. તમને બિલકુલ તમારા જેવી કોઇ વ્યકિત મળી છે? એ મળશે તો તમે પાંચ મિનિટ પણ તેમની સાથે નહિ રહો. તમે દૂર ભાગી જશો. તેથી સામેની વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારો. આ બીજો મુદ્દો છે.

જીવન નો અન્ય ખૂબ મહત્વનો મુદ્દો છે તમારા મનને બીજાના અભિપ્રાય નો ફૂટબોલ ન બનવા દેવો. આપણને હંમેશા લાગે છે: 'આ વ્યક્તિ મારા વિશે શું વિચારશે? તે વ્યક્તિ મારા વિશે શું કહેશે?'

સત્ય એ છે કે કોઇને તમારા વિષે વિચારવાનો સમય નથી. દરેક પોતાના વિશ્વમાં ખોવાયેલા છે. તમે અન્ય લોકો તમારા વિષે શું વિચારશે તેની બિનજરૂરી ચિંતા કરો છો. તમારા વિષે ગમે તે વિચારવાની લોકોને સ્વતંત્રતા આપો. અભિપ્રાયો બદલાતા રહે છે. આ ત્રીજો મુદ્દો છે.

જો કોઇ ભૂલ કરે તો એવું ના વિચારો કે તે ઇરાદાપૂર્વક કરે છે. તમે ભૂલો કરો છો તે જ રીતે તેઓ પણ ભૂલ કરી શકે તેમ માનો અને આગળ વધો. આ ચોથો મુદ્દો છે.

પાંચમો મુદ્દો છે વર્તમાન ક્ષણમાં રહો. જો તમે ભૂતકાળને પકડી રાખશો તો ન તમે ખુશ રહેશો ન અન્ય ને ખુશ રાખી શકશો. બાળક ની જેમ વર્તમાન ક્ષણમાં જીવો.

આપણું જીવન ડાઘ વિનાનું હોવુ જોઈએ. તે કેવી રીતે શક્ય છે? તે ઇશ્વર તરફ ભક્તિ દ્વારા જ શક્ય છે.  તમે સવારે ઉઠો ત્યારે બંને હથેળીઓ જોઇને કહો 'મારા હાથ મારફતે કંઈ ખરાબ ન થાય. મારા હાથ હંમેશા ભરેલા રહે અને અન્ય લોકો સાથે વહેંચવાની ક્ષમતા પામે.' આ આપણા દેશમાં એક પ્રાચીન પરંપરા છે. સવારે ઊઠીને બંને હથેળીઓ જોઇને કહેવું 'મારા હાથમાં લક્ષ્મીદેવી નો વાસ હો. મને આ હાથ દ્વારા સંપત્તિ લાવવા મળે.' લક્ષ્મીજીનો એક હાથ નીચે વળેલો છે, જે દાન સૂચવે છે. બીજી તરફ 'અભય હસ્ત' એટલે કે ખાતરી છે કે ઇશ્વર આપણી સાથે છે અને આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ પણ પ્રાર્થના કરીએ છે કે આપણા હાથ આપણને જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરે. છેલ્લે, આપણે પ્રાર્થના કરીએ છે કે માત્ર પવિત્ર કાર્ય આપણા હાથ દ્વારા થાય. આ દરરોજ સવારે ઊઠીને કરેલી પ્રાર્થના જો તમારા હૃદયમાંથી બહાર આવે છે તો તરત જ સાચી ઠરે છે. અને જો તે ક્યારેક સાચી ન ઠરે, તો પણ આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ છે કે તે આપણી કાળજી લે અને ભવિષ્યમાં તેવું ના બને.

જે થઇ ચૂક્યું છે તેને છોડી દેવુ તે જ સાચી આહુતિ છે. ઇશ્વર તમારી પાસેથી કોઇ ભેટ નથી માંગતા. ઇશ્વર માત્ર તમારી ચિંતાઓ માગે છે. તમને મળેલું પ્રફુલ્લ મન તે પ્રસાદ છે. ઇશ્વર તમને તમારા માતા - પિતા કરતા પણ ૧૦૦ ગણા વધુ ચાહે છે. હું અહીં તમને એ કહેવા આવ્યો છુ કે ઇશ્વર તમને ઘણો પ્રેમ કરે છે.

આપણે બધા એક દિવસ મૃત્યુ પામશું. આપણે એક નાના કબાટમાં આપણી બધી કીમતી ચીજો રાખીએ છીએ અને તેની ચાવી આપણી સાથે સુરક્ષિત રીતે રાખીએ છીએ, પરંતુ જ્યારે આપણે મૃત્યુ પામશુ, ત્યારે આપણે બંને નાનુ કબાટ અને ચાવી પાછળ છોડી જશુ. આપણી સાથે કાંઇ નથી લઇ જવાના. જ્યારે તમે બસ, ટ્રેન, અથવા વિમાન માં મુસાફરી કરો તો તેને તમારું ઘર માની લો છો?

તમે પ્રવાસના સમયગાળા દરમિયાન સેવાઓ નો આનંદ લો છો, પરંતુ જો તેને તમારું ઘર માનશો તો શું થશે? જ્યારે તમે તમારા અંતિમ લક્ષ્ય સુધી પહોંચશો, ત્યારે તમને ધક્કો મારીને કાઢવામાં આવશે. તમે ગમે તેટલો વિરોધ કરો, તમને ધક્કો મારીને કાઢવામાં આવશે. તમે ન કહી શકો કે તે તમારી ટ્રેઇન કે વિમાન હતુ. તમે તમારી ગાડી ચલાવશો, પરંતુ એક વાર તમે ઘરઆંગણે પહોંચશો, પછી ગાડીમાં નહીં બેસી રહો. તેવુ કરશો તો મૂર્ખ ગણાશો! જીવનનું અંતિમ સત્ય એ છે કે આપણે બધું પાછળ છોડીને જઇશું.

ધારો કે બે લોકો માન સરોવર યાત્રાધામ વિશે તમને વાત કરે છે. એક ત્યાં જઇ આવ્યો છે અને તમને તેમના અનુભવ પરથી કહે છે અને બીજો ફક્ત તે જાણે છે તે કહે છે. તમે કોનું માનશો? સ્વાભાવિક રીતે, તમે જેને અનુભવ છે તેનું માનશો. તે માટે હું તમને કહું છું: ઇશ્વર તમને ખૂબ પ્રેમ કરે છે. તમારે ભય અથવા ચિંતા કરવાની જરૂર નથી. એક સ્મિત સાથે તમારું જીવન જીવો. હું અહીં તમને તેની અનુભૂતિ  કરાવવા આવ્યો છું. પુસ્તકો મદદરૂપ હોય છે, પણ તેઓ આ અનુભૂતિ લાવવા માટે સમર્થ નથી. આ અનુભૂતિના મૂળ ઊંડે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ ત્યારે રોપાય.

(સત્સંગ ના ઠંડા હવામાન ના સંદર્ભમાં) હું તમને એક ટિપ આપીશ જે તમને આ ઠંડા હવામાનમાં મદદરૂપ થશે. જો તમે તમારા અંગૂઠા ગરમ રાખશો, તો તમને ગરમી લાગશે. તે કુદરત ની રચના છે.

જ્યારે તમને ઠંડી લાગે ત્યારે તમે અદબ વાળીને તમારા અંગૂઠા બગલ માં નથી રાખતા? હું જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડ અથવા નૉર્વેની મુલાકાત લઉ છુ, હું કોઇ પણ ગરમ કપડાં નથી પહેરતો. લોકો ને અજાયબી લાગે કે બર્ફીલા હવામાન માં મને ઠંડુ નથી લાગતું. શીત હવામાન મારો મિત્ર છે. મારો તેની સાથે એક કરાર છે! મેં કુદરત સાથે કરાર કર્યા છે. તે મને અસર કરતું નથી.

દરરોજ માત્ર ૧૦ મિનિટ માટે અમુક કસરતો કરો, અમુક આસન કરો. ૧૦ મિનિટ માટે પ્રાણાયામ કરો. પ્રાણાયામ તમારું મન સ્વચ્છ બનાવે છે. બધી નકારાત્મક ઉર્જા અદૃશ્ય થઈ જાય છે. તમે આ અનુભવ્યું છે: અમુક લોકોને જોઇને તમને તેમની સાથે વાતો કરવાનું મન થાય છે. કેટલાક લોકો ને તમે ન જાણતા હો તો પણ તમે તેમનાથી દૂર રહેવા માંગો છો. આ શરીર માંથી ફેલાતી ઊર્જા ને કારણે છે. આપણે હકારાત્મક ઊર્જા ફેલાવવા પ્રાણાયામ અને ધ્યાન કરવા પડશે, પછી આપણું કામ આસાનીથી અને કુદરતી રીતે બને છે. જો તમે ગુસ્સામાં હશો અથવા તમને ચિંતા થતી હશે, તો અન્ય પણ તમારા પ્રત્યે તેવું જ અનુભવશે. તેઓ તમારાથી દૂર રહેવા ચાહશે. તમને અજાયબી થશે કે શા માટે આ વ્યક્તિ મારાથી દૂર જાય છે. ઘરે કે શાળામાં કશે આપણને શીખવવામાં નથી આવતું કે આપણા શરીરમાંની ઊર્જા નું કેવી રીતે રૂપાંતર કરવુ. તેથી ધ્યાન, પ્રાણાયામ, સત્સંગ, વગેરે તમારી ચેતનાની ઉન્નતિ માટે મહત્વપૂર્ણ છે. પર્યાવરણ સ્વચ્છ રાખો. ખાતરી કરો કે ત્યાં લીલોતરી છે.

તમારા શરીરને સ્વચ્છ રાખો. આયુર્વેદ નો ઉપયોગ કરો. સપ્તાહમાં ૩ થી ૫ ત્રિફળા ગોળીઓ લો. તે તમારા પાચનતંત્રને સાફ કરશે. જો તમારું પાચન સારું હશે, તો તમારો વિચાર સારો રહેશે. તમારા પગ ગરમ હોવા જોઈએ, તમારું પેટ નરમ હોવું જોઇએ અને માથુ ઠંડુ હોવુ જોઇએ. આ તંદુરસ્ત વ્યક્તિ ની નિશાની છે. નાદુરસ્તી ક્યારે છે - જ્યારે તમારા પગ ઠંડા છે, માથું ગરમ છે અને પેટ એક પથ્થર જેવું છે. તમારા ખરાબ કર્મો દૂર જવા હોય, તો પ્રાણાયામ કરવાની જરૂર છે. 'नास्ति तपः प्राणायमात परम' - પ્રાણાયામ કરતાં બીજી કોઈ મોટી તપશ્ચર્યા નથી.

ધ્યાન થી ચેતના શુદ્ધ થાય છે
વ્યાયામ અને આયુર્વેદ થી શરીર શુદ્ધ થાય છે
ભજન થી લાગણીઓ શુદ્ધ થાય છે - સંગીત સાંભળો
જ્ઞાન થી બુદ્ધિ શુદ્ધ થાય છે (એ જ્ઞાન કે બધું જ અને દરેક જણ અસ્થાયી છે)
સખાવત થી સંપત્તિ શુદ્ધ થાય છે તમારી આવક ના ૨-૩% દાન માટે રાખો
ઘી થી ખોરાક શુદ્ધ થાય છે

એક પ્રખ્યાત હૃદયરોગના નિષ્ણાતે એકવાર મને કહ્યું હતું કે આપણા દેશમાં લોકો ઘી નાખ્યા વગર ભાત ખાય છે તેથી માંદા પડે છે. ઘી ને કારણે ખોરાક જટિલ કાર્બોહાઇડ્રેટ બને છે અને તુરંત શર્કરા માં રૂપાંતરિત નથી થતા. તેનું પાચન ધીમે ધીમે થાય છે જે શરીર માટે ખૂબ લાભદાયી છે. તેનાથી ડાયાબિટીસ જેવા રોગો નહીં થાય.' મેં કયું હતું કે, 'આપણા પ્રાચીન ૠષિઓએ એ જ વાત કહી છે.' તેથી, તમારા ખોરાકની સાથે એક ચમચી ઘી નો ઉપયોગ કરો.

તમારા માંથી કેટલા જણ તેજસ્વી અને સમૃદ્ધ ભારત, હિંસા મુક્ત ભારતનું સ્વપ્ન જુએ છે? અહીં બેઠેલા બધા યુવાનો દેશ માટે એક વર્ષ કે ૬ મહિના સમર્પિત કરો. કેટલા જણા તૈયાર છે? આ દેશમાં ઘણો ભ્રષ્ટાચાર છે. આપણી સંસ્કૃતિ અને મૂલ્યો ઘણા નીચે આવ્યા છે. આપણે આપણી સંસ્કૃતિને સાચવવાની છે. આ આધ્યાત્મિકતા મારફતે જ શક્ય છે. જ્યાં આત્મિયતા નો અંત થાય છે, ત્યાં ભ્રષ્ટાચાર શરૂ થાય છે. લોકો જેમની સાથે જોડાયેલ હો તેમની સાથે ભ્રષ્ટ નહિં બને. આપણે બધાએ આ કામ ભેગા મળીને કરવાનું છે. આપણે એક દિવ્ય સમાજ બનાવવાનો છે. આપણી ફરજ છે કે ભવિષ્યની પેઢીઓને આપણા કરતાં વધુ સારો સમાજ મળે. આપણા બાળકોને એવો સમાજ મળે, જ્યાં વધુ સદ્ગુણો, કરુણા, અને આત્મિયતા હોય.

બેંગલોર વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ અસુરક્ષિત સ્થળ બની ગયું છે. ત્યાં તેમના પર ઘણા હુમલા થાય  છે. આપણે એવા સમાજને બનાવવાનો છે જ્યાં આપણે ભયમુક્ત જીવી શકીએ. પોલીસ અધિકારીઓ એકવાર આશ્રમમાં ઘણા ઉપદ્રવી લોકોને તેમની સુધારણા માટે લાવ્યા હતા. ૩ દિવસની માં તેમનામાં સંપૂર્ણ રૂપાંતરણ થયુ હતુ. બેંગલોરની ૪૦ ઝૂંપડપટ્ટીમાં ઘણુ કામ ચાલી રહ્યું છે. ત્યાં ઘણુ રૂપાંતર થયું છે. એક જૂથ રચો અને રવિવારે ઝૂંપડપટ્ટી જાઓ. તેમને શિક્ષણ આપો. ભજન કરો અને પ્રસાદ વહેંચો. આપણો દેશ આ સ્થિતિમાં ખરાબ લોકોને કારણે નથી, પરંતુ સારા લોકો ચૂપ છે અને તે વિશે કશું કરતા નથી તે કારણે છે. ખરાબ લોકોની સંખ્યા થોડી છે. રવિવારે માત્ર ૨ કલાક માટે એક જૂથ રચીને તમારા પાડોશ ને સ્વચ્છ કરો. બાળકો કે જેઓ આ કરવામાં વંચિત છે તેમને શિક્ષણ આપો. બધા ડોકટરો  તબીબી કેમ્પનું આયોજન કરો. તમારાથી શ્રેષ્ઠતમ શક્ય હોય તે મદદ કરો.

પ્રઃ ગુરુજી, મુક્તિ શું છે તે સમજાવવા  વિનંતી. અમે આ જીવનમાં તે કેવી રીતે તે પ્રાપ્ત કરીએ?

શ્રી શ્રી રવિ શંકર: મુક્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા એ પ્રથમ પગલું છે. બીજું એ જાણવાનું કે શું કાયમી છે અને શું બદલાતુ રહે છે છે. જ્યારે તમે જુઓ કે બધું બદલાતુ રહે છે, તેનું કારણ એક સંદર્ભ બિંદુ છે જે બદલાતુ નથી. તે અનુમાન તમારા મનમાં પહેલા આવશે. પછી, તમારી જાણ વિના, તમે સ્વતંત્રતા અને પ્રેમ અનુભવશો. આ બધુ તમારામાં સ્વયંસ્ફુરિત અને કુદરતી રીતે બનશે.

પ્રઃ ગુરુજી, ઘણા બધા લોકો બિન-શાકાહારી  આહાર લે છે. શું તેઓ ખરાબ કર્મ એકત્ર નથી કરતા અને તે પાપી કાર્ય નથી?


શ્રી શ્રી રવિ શંકર: બિન - શાકાહારી આહાર આધ્યાત્મિક ઉન્નતિ માટે યોગ્ય નથી. તમે સમગ્ર વિશ્વમાં જોઈ શકો છો, લોકો તેમનો આધ્યાત્મિક પ્રવાસ શરૂ કરતા જ આપોઆપ બિન - શાકાહારી ખોરાક બંધ કરે છે. અમેરિકા, રશિયા, પોલેન્ડ અને વિશ્વમાં લાખો લોકો આજે શાકાહારી બની ગયા છે. લગભગ ૩૦ વર્ષ પહેલાં જ્યારે હું અન્ય દેશોમાં જતો ત્યારે ત્યાં ભાગ્યે જ કોઈ શાકાહારી જોવા મળતા. આજે, બધે શાકાહારીઓ છે. આપણા દેશમાં શાકાહારી વાનગીઓ ની ૫૬૦૦ જાતો છે. આપણે તેને લોકપ્રિય બનાવવી જોઇએ.